આ ગીતનાં શબ્દો, સંગીત, સ્વર, સ્વરાંકન પ્રથમવાર ટહુકો પર માણેલાં, ત્યારનાં મને એટલાં બધા ગમે છે કે જ્યારે જ્યારે પણ હું આ ગીત સાંભળું છું ત્યારે માત્ર એક જ વાર તો કદી સાંભળતી જ નથી.  અને થોડા થોડા દિવસે મને આ ગીત સાંભળવાનો રીતસર જુવાળ જેવો જ આવે છે… :-)   એક ખાસ સખીને એના જન્મદિવસે આ ગીત સસ્નેહ અર્પણ…

rk99-sml
(ચાલ સખી, ફરી જિંદગીને…)

સંગીત : ક્ષેમુ દિવેટીયા
સ્વર : અમર ભટ્ટ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ચાલ સખી, પાંદડીમાં ઝાકળનાં ટીપાની જેમ ફરી જિંદગીને મૂકીએ,
ટેરવાંનો સ્પર્શ એક ઘટના કહેવાય છે કે લાગણી ગણાય- એમ પૂછીએ.

વેદના તો અડીખમ ઉભો કંઠાર જતાં આવતાં જુવાળ ભલે કોતરે,
સુખ સાથે આપણો તો જળનો સંબંધ ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે;
છીપલાની હોડીને શઢથી શણગાર ચાલ, કાંઠો છોડીને હવે ઝૂકીએ…
પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ ફરી ચાલ સખી, જિંદગીને મૂકીએ.

ચાંદનીને ચાંદનીનું નામ ન’તા દેતા- એ વાતો અકબંધ મને યાદ છે,
વૃક્ષ પછી, ડાળ પછી, પંખીનો માળો ને ઉપર આકાશ જેવો સાદ છે;
મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય એવી લાગણીને કેમ રે ઉવેખીએ !
ઝાકળ-શી જિંદગીને પાનની લીલાશ પરે ચાલ સખી, એક વાર મૂકીએ.

-ધ્રુવ ભટ્ટ

કંઠાર = દરિયાનો કાંઠો, કિનારો  :  જુવાળ = ભરતી

તુષારભાઈ કહે છે એમ- મૂળથી ટોચ સુધી લહેરાતી લાગણીનું ગીત !   જિંદગીને ઝાકળ-શી નાજુક રીતે જોવાની કવિની દૃષ્ટિ સાચે જ દાદ માંગી લે છે.  ગીતને જેમ વધુ માણો એમ વધુ ઉઘડે છે.  ઝાકળ અલ્પજીવી છે.  જિન્દગીને ઝાકળની સાથે સરખાવીને કવિ આપણને કદાચ એવો ઈશારો પણ કરે છે કે જિન્દગી એટલે પ્યાર કે દો-ચાર દિન !   અહીં જિંદગીને પાંદડીમાં ‘ફરી’ મૂકવાની વાત સૂચવે છે કે ભૂતકાળમાં વેદનાનો ઈતિહાસ પણ છે જ, જેને ભુલી જઈને હવે પછીની જિન્દગીને નવેસરથી જીવવાની વાત છે.  અને એ વેદના ભલે કાળજુ કોરવાનું એનું કામ કરતી રહે, કારણ કે ‘કોરવું’ અને ‘કોતરવું’ એ વેદનાનો સ્વભાવ છે. પરંતુ આપણો મૂળ સ્વભાવ તો આનંદમય છે.  હાસ્ય આપણને સહજ સુલભ છે જ્યારે રૂદન માટે તો આપણાં કેટલાંયે સ્નાયુઓએ પણ સખત મહેનત કરવી પડે છે. એવી જ રીતે કવિ કહે છે એમ આપણો સાચો સંબંધ તો સુખની સાથે જ છે (દુ:ખ તો મેન-મેઈડ છે) અને એ પણ જળનો સંબંધ છે, જેમાં ક્યારેક ભરતી પણ હોય અને ઓટ પણ હોય.  વળી, જળ જ્યારે અન્ય પ્રવાહીમાં ભળી જાય છે ત્યારે પોતે આખું સમર્પિત થઈ જાય છે, એમાં ઓતપ્રોત થઈ જાય છે અને એ પોતે પણ એ જ પ્રવાહીનું રૂપ ધારણ કરી લે છે. એવી જ રીતે આપણે પણ જો જળની જેમ સુખને મેળવીએ તો આપણે પણ સ્વયં ‘સુખરૂપ’ કે ‘આનંદરૂપ’ બની શકીએ.   ડૂબવાનાં ભયથી તો ઉલટા ભારી થવાય, તો તરી કેમ શકાય?!… ભય છોડીને એકદમ હળવા થઈ જઈએ તો જ તરવાનો જરાયે પ્રયત્ન કર્યા વિના પણ મોજ-મસ્તીથી તરી શકાય, સાવ સહજતાથી જિંદગીને જીવી શકાય.  અને ભીતરનાં મૂળથી ટોચ લગી લહેરાતી લાગણીનાં ટેરવાનો સ્પર્શ- એને માત્ર એક ઘટના તો કેમ કહેવાય, એને તો અવસર જ કહેવાય ને… લાગણીનો અવસર!  (યાદ આવ્યું- મારું જ એક ગીત… ઘટના કહું કે કહું અવસર?)