Mar 24 2007

આજ્ઞાંકિત મન

far_away.jpg  

ઘણું સમજાવ્યું મેં
મારા રક્તને,
પણ એણે રંગ
ન જ બદલ્યો !

ઘણું સમજાવ્યું મેં
મારા અંતરને,
પણ એણે સંગ
ન જ બદલ્યો !

જરા જો સમજાવ્યું મેં
મારા મનને,
તો એ બિચારું-
તરત જ સમજી ગયું!!

* * * 

ઊર્મિસાગર

*

10 responses so far

Mar 22 2007

ઈચ્છા-મુક્તિ?

mukti_laminated.jpg 

એક દિવસ
એનાથી મુક્ત
થવાની ઈચ્છાએ,
એક ઈચ્છાને મેં
લેમિનેટ કરી દીધી;
પણ રખેને
એ છટકીને
ક્યાંક બહાર
નીકળી જાય તો?!
એ બીકે હવે
હું એને
અહર્નિશ,
નિહાળ્યાં જ કરું છું…

* * * 

ઊર્મિસાગર

*

15 responses so far

Mar 16 2007

મુક્તક: વિવેક છે!

મિત્ર વિવેકને એના જન્મદિવસે
આ મુક્તક સસ્નેહ અર્પણ !

*

શ્વાસોને શબ્દોમાં ભરતો વિવેક છે,
શબ્દોના શ્વાસો ઢંઢોળતો વિવેક છે,
શબ્દોમાં મારા પણ આવ્યો છે એ જરા,
જાણે સ્વયમ્ એ ઊભરતો વિવેક છે!

* * *

ઊર્મિસાગર

*

સહિયારું સર્જન પર ‘વિવેક’ વિષય પર કાવ્ય લખવા આમંત્રણ!

*

2 responses so far

Mar 05 2007

આ ક્ષણને માણો!

sun_in_cloud.jpg

ક્ષણ ક્ષણ કરીને, જુઓ, સઘળી ચાલી ક્ષણો.
રાહ જુઓ છો જેની તમે, ન પણ આવે એ ક્ષણો,
બનાવો એ જ જીવનમંત્ર- ‘આ ક્ષણને માણો!’
માણો ભલે ન બીજું કંઇ, એક આ ક્ષણને માણો…

આ જ ક્ષણમાં મળશે બધી ચિરાનંદની ખાણો,
ચાલી જશે એ, રોકી શકે ના, એને  કો’ મહારાણો,
સમજે જે આ સત્ય સનાતન, એ જ નર છે શાણો,
માણો ભલે ન બીજું કંઇ, એક આ ક્ષણને માણો…

માણ્યા કરો! ના કરશો કોઇ, એના ખાલી વખાણો,
પસ્તાશે જે અવગણશે આ સમય કેરી સરાણો,
અંતરની વાણીમાંથી યે એક જ સૂર સંભરાણો, 
માણો ભલે ન બીજું કંઇ, એક આ ક્ષણને માણો!

આ ક્ષણને માણવા હું ય નિજ અંતરમાં ગુંડાણો,
ઊર્મિના સાગરમાં આવી હું ય ક્યાંક ખોવાણો,
છો લાગે મને કો’ ક્ષણે, મુજ ઊર-સાગર તો કાણો,
માણો ભલે ન બીજું કંઇ, એક આ ક્ષણને માણો…

* * *
સહિયારું સર્જન’ પર…!

* * * 

ઊર્મિસાગર

*

6 responses so far

Mar 03 2007

હાઇકુ - 2 : ફાગણ અને હોળીનાં રંગો

Published by ઊર્મિ under હાઈકુ


   ફાગણ આવ્યો,
                હોળી સળગી,               કેસૂડો જોઇ
પણ સાજન વિણ           હોમેલી એક ઇચ્છા-        યાદ આવ્યું, કે હું ય
  મને ના ભાવ્યો!               કાં ન સળગી?               કેસૂડો હતી!
               krishna_gopi_holi.gif

              લજ્જા ઊભી,                           રંગો શેં રંગે
              શેં કહું તુજને પ્રિયે?                    મને? રંગાઇ છું હું 
             ‘હા, રંગો મને!’                        તો શ્યામ રંગે!

                                                * * * 

                                  ઊર્મિસાગર

                                                   *

હાઇકુ-૧

સહિયારું સર્જન’ પર ફાગણ અને હોળી વિષય પર કાવ્ય લખવાનું આમંત્રણ!

4 responses so far

Mar 02 2007

લે’રખી

 tornado2.jpg

ઓ’લા વાયરાએ
લે’રખીને કાનમાં
એવું તે
શું કહ્યું?
કે
લે’રખી
બની ગઇ
અચાનક
વાવાઝોડું?!

* * * 

ઊર્મિસાગર

*

6 responses so far

Feb 14 2007

એ પ્રેમ છે!

મારા પ્રેમને અર્પણ…સપ્રેમ !

red_heart3.gif

હું શબ્દોથી જો કહું તને કે પ્રેમ છે, એ પ્રેમ છે?
જે ઊર્મિને મઢવાને શબ્દો કમ પડે એ પ્રેમ છે.

સાથનો અહેસાસ દુરતામાં રહે એ પ્રેમ છે.
મિલનની જો પ્યાસ મિલનમાં રહે એ પ્રેમ છે.

દે ભલે ને, દુ:ખ વિરહનું કાળજે નાશૂર બની,
સ્મિત બનીને અશ્રુમાં આવી ભળે એ પ્રેમ છે.

અપેક્ષાની છાસને અહર્નિશ વલોવ્યા કરો,
ભાવનાનું જે પછી ગોરસ બચે એ પ્રેમ છે.

મારું નથી, તારું નથી, અસ્તિત્વ તો છે સાથનું,
સમજણ એવી ક્યાંકથી આવી ચડે એ પ્રેમ છે.

પળે પળે ચણાયેલાં આ ભૂતકાળનાં ખંડહરો,
એકાદ પળ આવી ફરી ચણતર કરે એ પ્રેમ છે.

આવે કદી જો ઓટ મારા ઊર્મિના સાગર મહીં,
તુજ યાદની પૂનમ ફરી ભરતી ભરે એ પ્રેમ છે.

* * *

સહિયારું સર્જન’ પર પ્રેમની કાવ્યાત્મક વ્યાખ્યા લખવાનું આમંત્રણ!

* * * 

ઊર્મિસાગર

*

12 responses so far

Feb 14 2007

પ્રેમ એટલે-

heartballoonpreview.gif

પ્રેમનો આ દિવસ મુબારક હો સૌને!
ઇચ્છાઓ ફળે સૌ તમારી તમોને!
એક જ દિવસ તે વળી હોતો હશે પ્રેમનો?
જરૂરત આ દિ’ની છે હર દિન અમોને!
  

- હાઇકુ -

પ્રેમ એટલે
હર વ્યાખ્યાથી પર-
ઊર્મિનું હેમ!

* * *

પ્રેમ એટલે હું નહીં…
પ્રેમ એટલે તું ય નહીં…
પ્રેમ એટલે-
‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી…

પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…

પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…
પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…

પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ…

*

સહિયારું સર્જન’ પર પ્રેમની વ્યાખ્યા કરવાનાં વિષય ઉપર લખેલી રચનાઓ… 

* * * 

ઊર્મિસાગર

*

4 responses so far

Feb 05 2007

વૈશાખનો વરસાદ

afterain.jpg

તારો પ્રેમ-
એક એવો વરસાદ,
જે સંભાવના શૂન્ય
વૈશાખના ધોમધખતા
તાપમાં પણ
વરસે છે મુશળધાર…
તો ક્યારેક
ગરજતાં વાદળો
અને
ચમકતી વીજળીને
પણ ઠગી જાય છે…
અને ફરી,

હું કોરી જ રહી જાઉં છું!

* * * 

ઊર્મિસાગર

*

7 responses so far

Jan 27 2007

જ્યારે પુછ્યું તમે, કેમ છો?

indian_girl.jpg 

મુજ ઊર્મિએ શમણાંનો માળો બાંધ્યો,
નયનથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

પાનખરમાં વસંતનું આગમન થયું,
સ્મિતથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

સંગીતના સૂર બધા છેડાયા એકસાથ,
સ્પર્શથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

વિરહમાંયે લાગ્યું કંઇક મિલન જેવું,
ઊર્મિથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

પણ, એજ ઊર્મિએ આજે દમ તોડ્યો,
મુખથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

* * *

સહિયારું સર્જન પર ‘કેમ છો?’ વિષય પર લખેલી રચના !

* * * 

ઊર્મિસાગર

*

4 responses so far