Oct 09 2007
શ્રી સુરેશ દલાલની 75મી વર્ષગાંઠ નિમિત્તે… એક અનોખો અનુભવ… મારી સીટ પરથી!
આજે મારી નવી રચનાની જગ્યાએ એક અનોખા અનુભવની વાત પેશ કરું છું… લખવાનું પૂરું કરીશ ત્યાં સુધીમાં તો પોસ્ટ લાંઆઆઆબી થઈ ગઈ હશે એની ખાતરી તો છે જ! તો તમે પણ જરા ચાનું કપ સાથે લઈને જ બેસજો હોં!
ન્યુ જર્સીમાં શ્રી સુરેશ દલાલની 75મી વર્ષગાંઠ નિમિત્તે ‘આઈના’ (અમેરીકન ઈંડીયન એસોસિયેશન ઓફ નોર્ઠ અમેરીકા) દ્વારા બે દિવસનો એક પ્રોગ્રામ (સપ્ટેમ્બર 29/30) ગોઠવાયો હતો… ‘ઉત્સવ સુરેશ-સ્વજનોનો’!

આ પ્રકારનાં પ્રોગ્રામમાં જવાનો અને ઘણાં કવિઓને એકીસાથે મળવાનો મારો પ્રથમ અનુભવ હતો… થોડી નર્વસ પણ હતી કારણ કે પ્રોગ્રામમાં આજ સુધી કોઇને મળી હોય એવું કોઇ નહીં ને ન મળી હોય એવાં જ બધાને મળવાનું થવાનું હતું. જો કે, પ્રોગ્રામમાં આવનારી વ્યક્તિઓમાંથી બે વ્યક્તિ(પન્ના નાયક અને રઈશ મનીઆર)ની જોડે આગળ ફોન પર ઘણીવાર વાત થઈ હતી એટલે થોડો સંકોચ ઓછો થતો જતો હતો… અને એક્ષાઇટમેંટ વધતું જતું હતું.
પ્રોગ્રામનાં દિવસે શનિવારે સ્થળ પર પહોંચી પછી સૌ પ્રથમ શ્રી આદિલ મંસૂરીને જોયા… અને એમની પાસે જઈને શું વાત કરીશ એ સંકોચ એમની સાથે વાત શરૂ કર્યા પછી મને યાદ પણ ના આવ્યો… સૌથી નવાઈની વાત એ હતી કે એ મને મારા ‘નામ’થી તરત જ ઓળખી ગયા જેની મેં બિલકુલ આશા પણ ન્હોતી રાખી… અને એટલી સાહજિકતાથી અને સામાન્ય વ્યક્તિની જેમ વાત કરી કે મારા ‘એ લોકો તો બહુ જ મોટા માણસ’ વાળો ભ્રમ ચકનાચૂર કરી નાંખ્યો… માણસ પોતાની નમ્રતાથી જ મોટો બને છે એ વાતનું તથ્ય એમની સાથેની આ મુલાકાતે સમજાવી દીધું! ત્યાર પછી ડિનર કરતી વખતે રઈશભાઈને જોયા અને તરત ઓળખી પણ કાઢ્યા… અને એક બીજી અદભૂત વ્યક્તિને મળ્યાની યાદ મળવાની એ ક્ષણો પર કોતરાઈ ગઈ! જો કે, પ્રોગ્રામ પત્યા પછી રાત્રે 2 વાગ્યે ઘરે પાછા ફરતા જ્યારે પેટમાં બહુ જ બિલાડા બોલતા સંભળાયા ત્યારે મને ભાન થયું, તો થયું કે આ રઈશભાઈને મેં 5 મિનિટ મોડા જોયાં હોત તો સારું થાત… અરે, હું મારું ડિનર તો હું પુરું કરી લેત… :-) આ તો એમને મળવાના આનંદનાં અતિરેકમાં એમની જોડે બસ વાતો જ કર્યા કરી અને મારી ડિનરની ડિશને ન્યાય આપવાનું યાદ જ ન રહ્યું ! જો કે, બંને દિવસ રઈશભાઈ અને એમનાં ભાઈ અનીસભાઈ જોડે કવિતા-ગોષ્ઠી કરવાની ખૂબ જ મજા આવી… રઈશભાઈનાં સુંદર સ્વભાવની સાથે સાથે એમનાં ભાઈનાં સરસ સ્વભાવનો પણ પરીચય થયો… અને આ પ્રોગ્રામ નિમિત્તે એક નવી દોસ્ત પણ મળી ગઈ હતી, માનસી! અને અમે સૌ એટલી સાહજિકતાથી મિત્રો બની ગયા હતા કે અમને બિલકુલ લાગ્યું પણ ન્હોતું કે સૌ પ્રથમવાર જ મળીએ છીએ…!!
શનિવારનાં પ્રોગ્રામ દરમ્યાન સૌપ્રથમ અંકિત ત્રિવેદીનાં સંચાલક તરીકે ખૂબ જ વખણાતાં અંદાજનો પરિચય થયો… એને સાંભળીને તો એવું લાગ્યું કે ભલે અંકિત એકલાં જ 2-4 કલાક આમ જ બોલ્યા કરે, તો પણ કોઈ વાંધો નથી… ’આઈના’નાં સભ્યોની થોડી ઓળખાણ-વિધી અને બીજી થોડી ઔપચારિકતા પત્યાં બાદ શ્રી સુ.દ.નાં અંગત મિત્ર સાહિત્યકાર શ્રી ઉત્પલ ભાયાણીએ એમનો પરિચય ખૂબ જ મજાનો આપ્યો હતો… ‘આમલેટમાંથી ઈંડુ બનાવી મરઘીનો જન્મદિવસ ઉજવે એનું નામ સુરેશ દલાલ !‘ ત્યારબાદ શ્રી સુરેશભાઈ દલાલનું વ્યક્તવ્ય પણ ખૂબ જ અદભૂત હતું… એમને પ્રત્યક્ષ સાંભળવાનો આ અદભૂત લ્હાવો મળ્યો એ માટે તો આ પ્રોગ્રામ સ્પોંસર કરનાર ‘આઈના’નો આભાર માન્યા વગર છૂટકો જ નથી… અને અમારા સદનસીબે અમને કવિઓની સાથે જ બેસવાનું પણ થયું… (હા હા, એ તો હવે અમે જ એમને શોધી શોધીને એમની બાજુમાં બેસી ગયા હોઈએ ને વળી..!!) અને મેં તો રઈશભાઈની બાજુમાં જ જમાવ્યું હતું… (થોડું ગઝલ અને છંદનું હોમવર્ક કરીને લઈ ગઈ હતી એટલે એમનું થોડું માથું પણ ખાવું હતું ને મારે…!! )

(પોપ ક્વિઝ: આમાં ગુરુ કોણ અને શિષ્ય કોણ? એ બતાવો…)
પ્રોગ્રામ પહેલાં રઈશભાઈ સાથે ગઝલનાં છંદ-બંધારણ વિશેનું મારું થોડું સ્ટડી-સેશન ચાલ્યું… એ દરમ્યાન, મારી આજુ-બાજુ, આગળ-પાછળ બેઠેલા ઘણા કવિઓની સાથે ઓળખાણ અને વાતચીત પણ થતી રહી… જેમાં આદિલજી તો ખરા જ, એ ઉપરાંત ટીખળી અને આનંદી સ્વભાવવાળા પ્રીતમ લખલાણી, મુકેશ જોશી, ચંદ્રકાંત શાહ, નિલેશ રાણા વગેરે હતા… અને ત્યાં જ મારી નજર જેમને ક્યારનાં શોધી રહી હતી એ પન્ના આંટી (પન્ના નાયક) પર પડી, જે નટવરભાઈ સાથે ત્યારે જ આવ્યા હતા… ફોન પર તો અમે ઘણીવાર મળતાં જ રહેતા હતા પરંતુ એમને આજે પ્રત્યક્ષ મળીને તો ઘણો ઘણો આનંદ થયો… પ્રોગ્રામ શરૂ થયો… શ્રી સુ.દ.એ એમનાં જીવનની ઘણી વાતો કરી… એમની ઘણી કવિતાઓ સંભળાવી… ક્યારેક એમની કૃતિઓનાં પ્રેરણાસ્ત્રોત વિશે પણ વાતો કરી…
એમનાં વક્તવ્યની એક વાત યાદ છે તે ટૂંકમાં કહું… શ્રી સુ.દ.એ એમની પ્રખ્યાત કવિતા ‘કમાલ કરે છે, કમાલ કરે છે… એક ડોસી ડોસાને હજુ વ્હાલ કરે છે‘ વિશેની એક હાસ્યજનક વાત કરી… એમણે કાવ્ય લખ્યું પછી એમનાં સાસરેવાળાઓ આ કાવ્ય વાંચીને ખુબ જ ખુશ થયા હતા કે વાહ, અમારી દીકરી તો એમનું કેટલું બધું ધ્યાન રાખે છે… કે રોજ સવારે એમનાં ‘બ્રશ ઉપર પેસ્ટ’ને પણ લગાડી આપે… અને જ્યારે એમની પત્નિને આ વાત પૂછવામાં આવી તો એમણે કહ્યું કે એ તો પેસ્ટ બહુ બગાડે એટલે પછી મારે લગાડી જ આપવું પડેને..?!! આવી વાતોથી એમણે શ્રોતાઓને ઘણા હસાવ્યા પણ હતા…
ત્યારબાદ એમનાં 4 પુસ્તકોની વિમોચન વિધિ ચાલી… પછી બ્રેકમાં રઈશભાઈએ અંક્તિ ત્રિવેદી અને સૌમ્ય જોશી સાથે પરીચય કરાવ્યો… અને ત્યાં નટવરભાઈ, ચંદુભાઈ, નિલેશભાઈ, સનતભાઈ, અશરફભાઈ અને તેમનાં પત્નિ મધુબેન અને બીજી ઘણી હસ્તીઓ સાથે પણ મુલાકાત થઈ…
ત્યાર બાદ શરૂ થયું કવિ સંમેલન…

જેમાં અત્યાર સુધી મારી બાજુમાં બેઠેલા રઈશભાઈની ખુરશી હવે સ્ટેજ પર ગોઠવાઈ ગઈ અને માનસીની ઓળખને કારણે (ઘૂસણખોરી નઈં હોં!) વી.આઈ.પી.ની પ્રથમ ત્રણ સીટો અમને મળી ગઈ જ્યાં મેં, માનસીએ અને અનીશભાઈએ પ્રથમ હરોળમાં કવિઓની બરાબર સામે જ જમાવ્યું…! અને સામેનાં સ્ટેજ પર જમાવ્યું હતું, 12 કવિઓ, 2 કવયિત્રિઓએ અને ઈમેજ પબ્લીકેશન સાથે સંકળાયેલા એક કુશળ નાટ્યકારે…
શ્રોતાઓની ડાબી તરફ- આદિલ મંસૂરી, નટવર ગાંધી, અશરફ ડબાવાલા, મધુમતી મહેતા, પ્રીતમ લખલાણી, નિલેશ રાણા, ચંદ્રકાંત શાહ, પન્ના નાયક…
અને શ્રોતાઓની જમણી તરફ- મુકેશ જોશી, સૌમ્ય જોશી, અંકિત ત્રિવેદી, સુરેશ દલાલ, રઈશ મનીઆર, રાજેષ વ્યાસ ‘મિસ્કીન’ અને સનત વ્યાસ (’સપનાંનાં વાવેતર’ જેવી સિરીયલોનાં અભિનેતા)… અને પછી આખ્ખું કવિ સંમેલન એવી સુંદર રીતે માણ્યું કે બસ… પૂરતા શબ્દો જ નથી એ વર્ણવવા માટે… જે જે કવિઓની રચનાઓ અત્યાર સુધી મેં માત્ર વાંચી જ હતી એમને ત્યાં પ્રત્યક્ષ જોઈને તથા એ બધાની બે-બે કૃતિઓ (એક્ચ્યુલી, અમેરીકાવાળા કવિઓને એક અને દેશથી આવેલાં કવિઓને બે કાવ્ય-પઠન કરવાની સૂચના અપાઈ હતી…) એમનાં સ્વમુખે એમનાં જ અંદાજમાં માણીને જે મજા આવી, એ બધું જ વર્ણવવું તો લગભગ અશક્ય જ છે… આગળનાં વક્તવ્યમાં જ શ્રી.સુ.દ.એ કહ્યું હતું કે, ‘કવિતાને વાંચતા પણ આવડવી જોઈએ’… અને સાચે જ, બધા કવિઓનાં પોતાની કવિતા રજૂ કરવાનાં અંદાજો એકદમ અલગ-અલગ અને અનેરા હતા… સૌથી વધુ મનમોહક સ્ટાઇલ જો મને સ્પર્શી ગઈ હોય તો એ હતી સૌમ્ય જોશી (આખરે તો કવિની સાથે સાથે એ પણ કુશળ નાટ્યકાર તો ખરા જ ને!) અને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ની કવિતા વાંચવાની સ્ટાઇલ… !!
અંકિતે તો પોતાના ઘરમાં જ બેઠા હોય એમ જ પલાંઠી વાળીને ખુરશી પર જમાવી દીધું હતું… (એણે કહ્યું યે હતું કે હું તો ઘરમાં જ બેઠો છું!) અને બધાં કવિઓની ઓળખાણ આપતાં જઈને શ્રોતાઓ સાથે વાત કરતા રહેવાનો એમનો અંદાજ ખૂબ જ અનોખો, મોહક, અને જાદૂઈ હતો… જેનાથી એમણે શ્રોતાઓને અદભૂત રીતે જકડી રાખ્યા હતા… અને આજ સુધી મેં એમની અદભૂત વાક્-નિપુણતા વિશે જે અને જેટલું માત્ર સાંભળ્યું જ હતું, એમને પ્રત્યક્ષ સાંભળીને તો એ સાંભળેલું ય મને બધ્ધું ઓછું જ લાગ્યું…!
સૌપ્રથમ શ્રી આદિલજીએ એમની લોકખ્યાત ગઝલ ‘મળે ન મળે’ રજૂ કરી… અશરફભાઈએ એમની પ્રખ્યાત ગઝલ “ઘરમાં એવાં કો’ક દિવસ ચોઘડિયાં આવે” રજૂ કરી…. મધુબેને એક મુક્તક અને એક ગઝલ રજૂ કર્યા, જેમાં એમણે શ્રોતાઓની માંગની લીધે એ મુક્તક ત્રણવાર સંભળાવ્યું… પછી પ્રિતમભાઇએ નારી વિશેનું એક સુંદર અછાંદસ કાવ્ય રજૂ કર્યું… ચંદુભાઈએ પણ એમનાં પ્રખ્યાત ‘બ્લુ જીન્સ’ પુસ્તકમાંથી એમની એક ખૂબ જ સુંદર અછાંદસ કવિતા સંભળાવી…(મારે ક્યાંકથી એ કવિતા જરૂર મેળવવી પડશે!) પન્નાઆંટીએ નારીની વ્યથા વિશેનું એમનું એક સુંદર (અને મારું પ્રિય) ગીત ‘કોઇની બુદ્ધિનાં પાંજરામાં લાગણીનું પંખી થઈ’ રજૂ કર્યું… તો તરત જ રઈશભાઈએ તમામ પરણવા માંગતા પુરુષોને વોર્નિંગ આપતી એમની ખૂબ જ પ્રખ્યાત સુરતી હઝલ એમનાં જ અનોખા અંદાજમાં પેશ કરીને શ્રોતાઓને ખૂબ જ હસાવ્યા… હા, ‘પન્ની ને પછતાય તો કેટો ની‘ હઝલ જ સ્તો!! શ્રોતાઓએ તો ‘વંસ મોર’નાં નારા ઘણા ગજવ્યા પરંતુ સમયનો અભાવ હોવાથી અંકિતભાઈએ શ્રોતાઓને પોતાની વાક્-છટાથી જ પટાવી લીધા… બીજી એક સ-રસ ગઝલ પણ રઈશભાઈએ સુંદર રીતે રજૂ કરી… સૌમ્યએ કૂતરાની વિમાસણનું એક અદભૂત કાવ્ય એની ખૂબ જ અદભૂત સ્ટાઈલથી રજૂ કર્યું… એણે એ કાવ્યથી પ્રેક્ષકોને ઘણા હસાવ્યા, પરંતુ એનું એ હાસ્ય-કાવ્ય કાવ્યાંતે તો માણસ અને કૂતરાની સરખારણી રજૂ કરતું એક બોધિક કાવ્ય જેવું જ હતું… મુકેશ જોશી અને અંકિતભાઈએ પણ પોતપોતાની કૃતિઓ અદભૂત રીતે રજૂ કરી… રાજેશભાઇની કાવ્ય-પઠનની અદા પણ ખૂબ જ અનોખી હતી… તેઓ જાણે યાદ રાખેલું નહીં પણ મનમાં આપોઆપ શબ્દો ફૂટ્યા કરતાં હોય એવી અદભૂત રજૂઆત કરી… સનતભાઈએ પણ સ્વ.શ્રી રમેશ પારેખની એક સુંદર કૃતિ રજૂ કરી… સ્વ.શ્રી હરીન્દ્ર દવેનાં પુત્ર દીપકભાઈ દવેએ પણ એમનાં પિતાની એક સ-રસ કૃતિ રજૂ કરી… છેલ્લે અંકિત, સૌમ્ય અને સનતભાઈએ શ્રી સુરેશ દલાલની ઘણી કવિતાઓમાંથી થોડી થોડી પંક્તિઓ લઈને બનાવેલું દસેક મિનિટનું એક સુંદર કમ્પોઝીશન રજૂ કર્યુ હતું… જે ખૂબ જ અદભૂત અને કાબિલે-તારીફ હતું!! (સોરી મિત્રો, બધા જ કવિઓએ રજૂ કરેલી કૃતિઓ મને યાદ નથી રહી! )

પ્રોગ્રામ પૂરો થયા બાદ ફરીથી સૌ કવિઓને મળીને ભેટમાં મળેલાં સુ.દ.નાં ‘કાવ્યપરિચય’ પુસ્તક પર બધા કવિઓનાં ઓટોગ્રાફ લઈને ઘરે જવા નીકળી… અને ઘરે પહોંચતામાં તો અડધી રાત વીતી ગઈ હતી… સવારનાં 2 વાગી ચૂક્યા હતા…
પ્રોગ્રામની ટિકીટ તો બે દિવસની જ હતી છતાં પ્રથમ તો હું બીજે દિવસે ફરી જવાની જ ન્હોતી… પરંતુ શનિવારનાં પ્રોગ્રામમાં જ એટલી જોરદાર મજા આવી કે બીજે દિવસે જવાની લાલચ રોકી જ ન શકી… (અને થેંક્સ ટુ માય હબી, કે જેણે આગલે દિવસે પણ દિકરાને સાચવ્યો હતો અને મારા આવવાની રાહ જોવામાં 3 વાગ્યા સુધી ઉજાગરો કર્યો હતો છતાં રાજીખુશીથી હસતા મોંએ સવારે ફરી જવા કહ્યું…
)
‘બ્રેક-ફાસ્ટ વિથ સુ.દ.’માં બ્રેક-ફાસ્ટ પછી શ્રી સુ.દ. સાથે પ્રશ્નોત્તરી ચાલી… એમના જીવન અને કવન વિશે! જો કે, અંકિતે બધાને પહેલેથી જ વોર્નિગ આપી દીધી હતી કે ‘આજે પ્રશ્ન નહીં, પ્રશ્ન પૂછનાર પણ નહીં, પરંતુ જેને પ્રશ્ન પૂછાય છે માત્ર એ વ્યક્તિ જ મહત્ત્વની છે.. એ સૌએ યાદ રાખવું!’ પ્રશ્નોત્તરીની જે થોડી ગમતી વાતોની મેં નોંધણી કરી હતી, એ હું અહીં લખીને આપની સાથે વહેંચું છું…
પ્રથમ અંકિતનો પ્રશ્ન: કવિનો શબ્દ અને વ્યવહારનો શબ્દ, એ બેની વચ્ચે શું ફર્ક?
સુ.દ.નો ઉત્તર: કવિનો શબ્દ મૌનમાંથી મળે છે અને વ્યવહારનો શબ્દ ઘોંઘાટમાંથી…
પ્રશ્ન: ક્યારેય જૂઠ્ઠુ બોલો છો?
ઉત્તર: બોલવું પડે એવું હોય ત્યારે જ જૂઠ્ઠુ બોલું છું… જેમ કે ચા પીવી ના હોય અને છતાં કોઈ અતિ આગ્રહ કરે, તો કહું કે હમણાં જ પીધી… શુદ્ધ સોનાનાં ઘરેણાં પહેરી ના શકાય, એમાં થોડી તાંબાની માત્રા જરૂરી છે… પરંતુ ‘સોનું’ વધારે અને ‘તાંબુ’ અલ્પમાત્રામાં જ હોવું જોઈએ… એનાથી ઊલટું નહીં! (નહીંતર ‘ઘરેણાં’ની કોઈ કિંમત જ ના રહે!)
પ્રશ્ન: તમારા પ્રિય કવિ કયા? અને પ્રિય કવિતા કઈ?
ઉત્તર: મારા પ્રિય કવિ ઉમાશંકર જોષી… અને સૌથી પ્રિય કવિતા રાજેન્દ્રશાહની… “બોલીએ ના કાંઈ આપણું હૃદય, ખોલીએ ના કાંઈ વેણને???”
રઈશભાઈનો પ્રશ્ન: તમારી દ્રષ્ટિએ જીવનનો અર્થ શું?
ઉત્તર: જીવન જીવવાનું જલસાથી… કોઈ પણ અપેક્ષા વિના.. અને કોઈના સર્ટીફિકેટ પર કદી ના જીવવું.
પ્રશ્ન: તમારી પોતાની પ્રિય રચના કઈ?
ઉત્તર: મારી પ્રિય રચના – “હવે નવા નવા સંબંધો બાંધવા નથી, મારે તૂટેલા ધાગાને સાંધવા નથી”
અંકિતનો છેલ્લો પ્રશ્ન: તમારે તમને (પોતાને) જ જો કોઈ પ્રશ્ન પૂછવો હોય તો તમે શું પૂછો?
ઉત્તર: હું મારી અદાલતમાં ઊભો નહીં રહું, અને બીજાની અદાવતમાં જીવીશ નહીં…
હવે બીજી ઘણી શ્રી સુ.દ. એ ઉત્તરરૂપે કહેલી થોડી વાતો જેની મેં પ્રશ્નો અને ઉત્તરરૂપે નહીં પરંતુ એમ જ વેરવિખેર શબ્દોરૂપે નોંધણી કરી હતી… તો એ જ વાતો… લગભગ તો એમનાં જ શબ્દોમાં…
- નાનો હતો ત્યારે ‘ધાનકુ’ શબ્દ પહેલીવાર સાંભળેલો અને એ શબ્દ ખબર નહીં કેમ, ખૂબ જ ગમી ગયેલો… મને ખૂબ જ સંગીતમય લાગેલો… ત્યારે આખો દિવસ ‘ધાનકુ’ ‘ધાનકુ’ બોલ્યા કરતો… (ત્યારથી કદાચ કવિતા પ્રત્યે રૂચી જાગેલી!)
- માણસનાં જીવનમાં કોઈકમાં કે કંઈકમાં આસ્થા હોવી જોઈએ…. મારી શ્રદ્ધા ગોંડલનાં નાથાભાઈમાં અને સમજણ શ્રી કૃષ્ણમૂર્તિમાં છે.
- જ્યારે 1970 માં મને ડીપ્રેશન આવેલું અને નવ મહિના જેટલું રહેલું, ત્યારે કૃષ્ણમૂર્તિનાં પુસ્તકનાં 80 પાના વાંચેલા અને ત્યારે મારો પુનર્જન્મ થયેલો… ત્યારે હું સુરેશ પુરુષોત્તમ દલાલમાંથી સુરેશ કૃષ્ણમૂર્તિ થઈ ગયેલો!
- જો તમે કોઈને prejudice કે preference સાથે મળો તો કદી vergion meeting નથી થતી… હું જ્યારે તમારી સાથે હોઉં છું ત્યારે પૂર્ણપણે હોઉં છું… અને જ્યારે જાઉં છું ત્યારે પીંછાની જેમ સ્મૃતિ લઈને જાઉં છું, બોજો ન (લાગે/)રહે એમ…
- મને કોઈ પૂછે કે મારી જીવનની ઝંખના શું છે? તો કહું કે મને મરવાની ઉતાવળ નથી… અને એક જ ઝંખના કે મારી ગુજરાતી ભાષાની બેસ્ટ કવિતાઓનો અંગ્રેજીમાં અનુવાદ થાય.
- મારે મન સફળતાનું મહત્ત્વ નથી, અને નિષ્ફળતાને હું સ્વીકારતો નથી.
- આપણે ત્યાં લગ્નમાં ‘હસ્તમેળાપ’ની વિધી છે… ‘હૃદયમેળાપ’ની વિધી નથી.
- ગુજરાતી પ્રજા ગુજરાતી કવિતાથી ગભરાય છે.
- કવિતાને વાંચતા પણ આવડવી જોઈએ… (એને વાંચવી એ પણ એક કળા છે!)
- ઉમાશંકર જોષી અને સુંદરમ્ ની સરખામણી કરું તો (રાજકારણની વાત કરતી વખતે)… ઉમાશંકર કોઈને ભૂલવા ન દે કે એ ઉમાશંકર જોષી છે… અને સુંદરમ્ કોઈને કદી યાદ ન કરાવે કે એ સુંદરમ્ છે!
- આજે 41 વર્ષથી ‘કવિતા’ મેગેઝીન ચાલે છે… અને જ્યારે મેં એ શરૂ કરેલું ત્યારે [મને કહેવામાં આવ્યું હતું કે ત્રણ વર્ષ પણ નહીં ચાલે]… આજે ‘કવિતા’ એ મારો ઓટલો છે… (વિસામો છે!)
- કુંવારો હતો ત્યારે એક રવિવારે એક છોકરીવાળા મને જોવા આવેલાં અને તેઓ એમની છોકરીને જબરદસ્તી મને વળગાડવા માંગતા હતાં… ત્યારે કંટાળામાંથી આવેલું આ પ્રસન્નતાનું ગીત… ”રાધાનું નામ તમે વાંસળીનાં સૂર મહીં વહેતું ના મેલો ઘનશ્યામ…” અને આ ભજન નથી, પ્રણયકાવ્ય છે!
- છંદ શરૂઆતમાં આવડવા જ જોઈએ… [તો જ અછાંદસ સારું લખી શકો]… [નહીંતર] અછંદસ કવિતાની સૌથી મોટી ભીતી એ છે કે એમાં નિબંધ (ગદ્ય) ક્યારે શરૂ થઈ જાય છે એ ખબર જ નથી પડતી….
- (એકવાર છંદનો સાર સમજ્યા પછી) ટાગોરે પણ એમની ઉત્તરાવસ્થામાં છંદો છોડેલાં… “એક પછી એક અળગા કીધા મેં સઘળા અલંકાર…”
- દીકરાનો બાપ હિટલર થઈ શકે, દીકરીનો બાપ નહીં… (દીકરી નિયતીનાં પિતા તરીકેનો અનુભવ વિશે પૂછતાં)
- મને Relationship માં emotional fractures ગમતાં નથી…
- મને Confusion માં રસ નથી… fusion માં રસ છે…
- (વિદેશમાં રહેતા પરિવારોને) તમારાં બાળકોને સંસ્કૃતિ કે ભાષા સમજાવવાની કોશિષ બળપૂર્વક ન કરશો… બાળકો ફ્લાવરવાઝ જેવાં છે અને એમાં ફૂલ જ મૂકાય. એમાં ઝાડ ન વવાય… નહીંતર એ તૂટી જશે…. બાળકોને કલ્ચરનું ફ્લર્ટીગ ન કરાવો… (એમ કરવાથી) તેઓ જો એમનાંથી વિમુખ થશે તો એની જવાબદારી અંતે તમારી જ રહેશે.
પ્રશ્નોત્તરીનો પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ મોટાભાગનાં લોકો તો ઘરે જવા નીકળી ગયા હતા… અમે પણ નીકળવાની તૈયારીમાં જ હતા અને ત્યાં જ બધા કવિઓને એકાદ કલાક માટે એક નાનકડું મૂશાયરા-જેવું-કંઇક કરવાનું મન થયું… મને તો એમ જ લાગ્યું કે આ અમેરીકા અને ભારતનાં કવિઓ ખાસ તો એકબીજાને મળીને અને સાંભળીને બિલકુલ ધરાયા નથી લાગતાં… (એમ તો હું યે ધરાઈ ન્હોતી! ) અને અમને એમાં એમની સાથે જોડાવા માટેનું હાર્દિક આમંત્રણ પણ મળ્યું… (જાણે કામ કર્યા વગર જ બોનસ મળી ગયું હોય એવું લાગ્યું!) જો કે, આ દરમ્યાન થોડા કવિઓ તો નીકળી ગયા હતા… જેમ કે, પન્નાઆંટી, નટવરભાઈ અને પ્રીતમભાઈ… પણ હજી જેઓ હતાં એ સૌએ રમાડા હોટેલનાં એક કોન્ફરન્સરૂમમાં જમાવ્યું અને વારાફરતી પોતપોતાની રચનાઓ રજૂ કરવા માંડી… સૌમ્ય જોષી, અંકિત ત્રિવેદી, મુકેશ જોષી… આદિલભાઈ અને રઈશભાઈએ તો એમની અપ્રગટ ગઝલો પણ સંભળાવી… અશરફભાઇ, મધુબેન(’ભજ ગોવિંદમ્’), ચંદુભાઈ, રાજેષભાઈ, નિલેશભાઈ (’સોયમાં દોરો પરોવતી જોઈ તને, મારામાં સંધાયું કંઈ’)… અને શ્રી સુરેશભાઈ તો મજાથી બધાને બસ સાંભળતા-માણતા જ રહ્યા…
એટલામાં જ અશરફભાઈએ એલાન કર્યું કે થોડા નવોદિતો પણ અહીં છે, તો એમની પાસેથી પણ આપણે કંઈક તો સાંભળીએ… અને ત્યારે આદિલભાઈએ પણ એમની સાથે સૂર પૂરાવી તરત જ કહ્યું કે ‘હા, આ ઊર્મિસાગર પણ સરસ લખે છે…’ અત્યાર સુધી શાંતિથી બેસીને ખૂબ જ મજાથી બધાને સાંભળી અને માણી રહી હતી હું- હવે મને ગભરામણ શરૂ થઈ ગઈ… આમ તો રઈશભાઈએ મને બાજુમાં જ બેસાડી હતી (હા, ત્યારે એમનાં ઈરાદાની મને જાણ ન્હોતી!) પરંતુ હું તો માત્ર શ્રોતા તરીકે જ ત્યાં બેઠી હતી ને… એટલે આવી રીતે અચાનક જ મારી કોઇ કૃતિનું મને પઠન કરવાનું કહે તો સ્વાભાવિક છે કે નર્વસ તો થઈ જ જાઉં ને વળી… રઈશભાઈએ મને ધીમેથી પૂછ્યું તો પહેલાં તો મેં ધીમેથી કહી દીધું કે ના રઈશભાઈ, મારી બિલકુલ તૈયારી નથી… ગુજરાતી સાહિત્યનાં આટલા બધા ધુરંધરો સામે બેઠા હોય તો મારા જેવા બોલકાંની બોલતી પણ બંધ જ થઈ જાય ને… એમાં શું નવાઈ! પણ પછી એક નવોદિતભાઈએ પોતાની કૃતિ રજૂ કર્યા બાદ ફરીથી મને કહેવામાં આવ્યું… અને ત્યાં સુધીમાં તો હું થોડી સ્વસ્થ પણ થઈ ગઈ હતી અને મારો ઈરાદો પણ ભાવ ખાવાનો બિલકુલ ન્હોતો… વળી, એટલું સારું હતું કે રઈશભાઈ પાસે કશુંક શીખવા માટે છંદમાં લખેલી થોડી રચનાઓ હું પ્રિન્ટ કરી ગઈ હતી… એમાંથી બહુ છેકછાક ન કરી હોય એવી એક ગઝલ શોધી… (એમ પણ મને મોઢે તો કશું યાદ આવવાનું જ ન્હોતું!) અને આગલા દિવસની (કવિતા બરાબર વાંચતા આવડવાની) શ્રી સુ.દ.ની વાત યાદ આવી, તો સૌપ્રથમ એવાં જ શબ્દો નીકળ્યાં કે મને કવિતા વાંચતા બરાબર આવડતું જ નથી (એટલે… પ્લીઝ બેર વીથ મી!) :-) અને મારી ‘સ્નેહનો આ તાર તૂટ્યો, શું કરું?’ ગઝલનું મેં પઠન શરૂ કર્યું… જેમ જેમ એક-એક શેરનું પઠન કરતી ગઈ તેમ તેમ આત્મવિશ્વાસ પ્રગટતો ગયો… અને એક શેર તો લગભગ બધાને એટલો ગમ્યો કે શ્રી આદિલભાઈ સહિત બધા કવિઓએ ત્રણવાર વંચાવ્યો…
ઉરવૈભવ દઈને કિધો માલદાર,
પણ પછી એણે જ લૂંટ્યો, શું કરું?
મને તો મનમાં એમ જ લાગ્યું (અને હજીયે એમ જ લાગે છે) કે આ શેર કંઈ એટલો બધો સુપર્બ તો ન જ હતો… પરંતુ એક નવોદિતની કોશિષને સરાહીને પ્રોત્સાહન આપવાનું કદાચ સૌને વધારે અગત્યનું લાગ્યું હશે… (કે ખરેખર કદાચ એમને શેર ગમ્યો હોઈ એવું યે બને?!) પછી માનસીને પણ એની એક અછાંદસ કૃતિનું પઠન કરવાનો મોકો આપ્યો… ‘શ્યામ શ્યામ રટતી રહી’ એવું જ કંઇક રટતી હતી એ… ત્યારબાદ આ નાનકડા એવાં યાદગાર મુશાયરાનું સમાપન કરવામાં આવ્યું… અને ત્યારે કોન્ફરન્સરૂમની બહાર નીકળતી વખતે શ્રી સુ.દ.એ પણ મને ઊભા રહી કહ્યું કે ‘સરસ રચના હતી… સારું લખો છો !’… એમનાં શબ્દોને ઓટોગ્રાફની જેમ કાયમ સંઘરી ન શકવાની મારી અસમર્થતા મને ત્યારે જરા કઠી ખરી… પરંતુ એ વાતનું પણ પૂરું ધ્યાન રાખ્યું (અને હવે પછી તો ખાસ રાખું છું) કે પેલા ફૂલણજી કાગડાની જેમ હું ફૂલાઈ ના જાઉં… (કારણ કે એનાં માટે તો કદાચ કોઇ ડાયેટીંગ પણ નથી ને! ) અને આવી રીતે આ નાનકડો મુશાયરો મારા અંતરમાં બખૂબી કોતરાઇ ગયો!
બે દિવસની ઘણી સારી મુલાકાત-ઓળખાણ પછી સૌ કવિઓને છેલ્લીવાર મળીને રામ રામ કરી દીધું… (રઈશભાઈ તો ત્યાર પછીનાં વીક-એંડમાં પણ હજી મળવાનાં જ હતા… એટલે એમનું માથું ખાવાનું તો મેં થોડું બાકી જ રાખ્યું!)
અંતમાં પિનાકીનભાઈ પાઠકનો ખાસ આભાર… અને નિકુ ત્રિવેદી અને ચિરાગ ઠક્કર (જેમની સાથે ઓળખાણ અને વાતચીત થઈ હતી) સહિત ‘આઈના’નાં સર્વે સભ્યોનો પણ ઘણો ઘણો આભાર… ખાસ આ પ્રોગ્રામનાં આયોજન માટે.
નોંધ: પ્રોગ્રામ દરમ્યાન ‘આઈના’ એ આવતાં વર્ષનાંવર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ 2008 પ્રોગ્રામનાં આયોજનની જાહેરાત કરી હતી…
અસ્તુ.
(તમારો ચાનો કપ ખાલી થઈ ગયો? કે પછી ચા જ ઠંડી થઈ ગઈ?
)
















