Mar
24
2008

(ડાળખીની શૂન્યતામાં પણ જુઓ લૂમી… 2 જુલાઈ, 2007 )
*
લયમાં ઢળી
તારી યાદ- ને બની
ગઈ ગઝલ!
*
આ ફરી શું યાદ આવ્યું કે ફરી ફૂટી ગઝલ?
કે પછી કુંપળ વિરહની થઈ ફરી મ્હોરી ગઝલ?!
પાનખરમાં થઈ વસંતી વાયરો ઉડી ગઝલ,
ડાળખીની શૂન્યતામાં પણ જુઓ લૂમી ગઝલ.
અર્થ ઘોળ્યાં શબ્દમાં તો પણ એ બહુ જામી નહીં,
ભાવ ને લયથી સજાવી તો ઘણી ઝૂમી ગઝલ.
વેદનાને તળિયે જઈ સમૃદ્ધ થઈ પાછી ફરી,
દીન થઈ ગઈ રાહમાં, કોણે હતી લૂંટી ગઝલ?
આમ તો કાયમ કટાણે જ એ નજીક આવી હતી,
લાડ જ્યારે ના કર્યા ત્યારે ફરી રૂઠી ગઝલ.
મોકલાવ્યું મેં તને દર્પણ બનાવી ઊર્મિનું,
કંઇ ન દેખાયું તને તરડાઈને તૂટી ગઝલ.
-’ઊર્મિ’
છંદવિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
Mar
17
2008
(ધવલ મેઘ… મારા ઘરની બારીમાંથી… 18 જાન્યુ. 2004)
ધરતી પર ઊતર્યા વાદળા આ ધવલ,
જગનાં રંગો બધા કેવા થઈ ગ્યા ધવલ!
ને ધવલ તિમિરે ધરતી ધોવાઈ ગઈ…
ઊર્મિનાં તાર પણ કેમ થઈ ગ્યા ધવલ?!
છંદવિધાન: ગાલગા ગાલગા ગાલગા ગાલગા
-’ઊર્મિ’
*
Mar
06
2008
લગભગ દોઢેક વર્ષ પહેલાં મેં એક અછાંદસ કવિતા લખી હતી… એનો રદીફ તો મેં જાળવ્યો હતો પરંતુ એ છંદમાં ન હતી એટલે એને ગઝલ તો બિલકુલ જ કહી શકાય એમ ન્હોતી… થોડા વખત પહેલાં એ કવિતા ફરી મારી નજરે ચડી ગઈ… એમ તો જે ઓલરેડી લખાઈ ગયેલી હોય છે એ અછાંદસ કવિતાઓને છંદમાં ઢાળવા કરતાં મને નવી ગઝલ લખવાનું જરા વધારે સરળ લાગે છે… તેમ છતાં થયું કે કોશિશ તો કરી જોઉં… અને આખરે એ કવિતાનો ભાવ યથાવત્ રહેવા દઈ એને છંદમાં ઢાળી અને સુસ્ત કાફિયા આપી એ કવિતડાંને ગઝલનું રૂપ આપવામાં સફળ થઈ છું… હવે કેટલી સફળ થઈ છું, એ તો મારા કવિમિત્રો જ જણાવશે… સૌથી મહત્વની વાત એ થઈ કે મારા માટે એક સરસ મજાની પ્રેકટીસ થઈ ગઈ… :-) આશા છે કે આપ સૌને આ ગઝલ જરૂર ગમશે, અને ન ગમે તો પણ તમે મને જરૂરથી નિ:સંકોચ જણાવજો હોં!

(તારા વિનાનો નિર્જન પથ… 4 ફેબ્રુઆરી, 2008)
તું છે જ… પણ
મૂઢ આંખોથી મારી,
શેં ભાળું તને?
*
હું તો હજીયે હું જ છું પણ તું જ તું નથી,
અહીંયા જ છું હજીયે હું પણ ક્યાંય તું નથી.
પૂજ્યો હતો કદીક મેં એ પહાણ તું નથી,
સંગે ઉભય વહ્યા હતા, એ ધાર તું નથી.
ભેગા થયા’તા રસ્તા અકસ્માત આપણા,
થઈ હમસફર ભળ્યા’તા… સફરમાં જ તું નથી.
સાક્ષી છે એ સમય, એ ક્ષણો, ને એ પથ્થરો,
ચાલ્યા હતા મળીને, એ પથમાં ય તું નથી.
છે એમ તો તું મારી દશેદશ દિશે વસ્યો,
શોધું છું જ્યાં તને હું, બસ એક ત્યાં જ તું નથી.
સ્પર્શી ગઈ’તી તારી મુજ અંતરને એકવાર,
એ ઊર્મિ પણ જો, ગણગણી… ‘હા, ક્યાંય તું નથી!’
-’ઊર્મિ’
છંદવિધાન: ગાગાલગા લગાલલ ગાગાલગા લગા
(રાગ: મૈં જીન્દગીકા સાથ નિભાતા ચલા ગયા…)
Mar
01
2008
આગળ મૂકેલી એક ગઝલનાં સર્જન દરમ્યાન લગભગ એ જ રદીફ-કાફિયામાં લખાયેલું મુક્તક…
(જિન્દગીનો અર્થ… 2/16/’08)
એષણાઓ જો સતત ઘોળી તમે,
જાણજો સુખની કરી હોળી તમે;
જિન્દગીનો અર્થ શું રહેશે પછી?
માણસાઈને જો ફંગોળી તમે !
-’ઊર્મિ’
છંદવિધાન: ગાલગાગા ગાલગાગા ગાલગા
Feb
22
2008
(રોજ રોજ… મારા ઘરની બારીમાંથી… ફેબ્રુઆરી 19, 2008)
સખા, તને ખબર છે?
રોજ રોજ
તું મને
તારી યાદ
મોકલાવે છે;
અને
રોજ રોજ
મારામાં
એ ગર્ભાય છે…
હા,
કોઈકવાર
એ જન્મે છે ખરી,
પરંતુ
ઘણીવાર મને
કાવ્યપાત્ થાય છે…!
-’ઊર્મિ’
Feb
14
2008
સૌ મિત્રોને (અને મિત્રોનાં પ્રિયજનોને પણ) Happy Valentines Day !
ગયા વર્ષે વિવેકની ‘પ્રેમ છે’ ગઝલમાંથી મળેલી પ્રેરણાને કારણે આ રચના મેં છંદની કોઈપણ જાતની જાણકારી વગર લખીને અહીં મૂકી હતી… અને ત્યારે વિવેકે મારો કાન પણ પકડ્યો હતો, કે મારી ગઝલનો છંદ પણ તેં કેમ ન જાળવી રાખ્યો? (અરે, પણ કેમ કરીને જાળવું? મને ક્યાં છંદનો કક્કો ય આવડતો’તો ત્યારે…! :-) પણ જો વિવેક, આજે એ જ છંદને મેં અહીં જાળવ્યો છે હોં! ) આજે હું મારી એ જ જૂની રચનાને છંદનાં સ્વાંગ સજાવીને ગઝલ સ્વરૂપે ફરી અહીં આપની સમક્ષ મૂકું છું. આશા છે કે આપ સૌને ગમશે.
(તું બની પૂનમ ફરી… ઑગષ્ટ 30, 2007)
*
‘પ્રેમ છે’ કહ્યા
વિના જ ચાહુ તને…
પૂરતું નથી?
*
શબ્દથી હું કહું તને કે ‘પ્રેમ છે’, એ પ્રેમ છે?
લાગણી મઢવાને શબ્દો કમ પડે, એ પ્રેમ છે.
સાથનો અહેસાસ દૂરીમાં રહે એ પ્રેમ છે,
ને મિલનની પ્યાસ મળવામાં રહે એ પ્રેમ છે.
દે ભલેને, દુ:ખ વિરહનું કાળજે નાસૂર થઇ,
સ્મિત થઇને અશ્રુમાં આવી ભળે એ પ્રેમ છે.
જો વલોવે તું નિરંતર એષણાની છાસને,
ભાવનાનું જે પછી ગોરસ બચે એ પ્રેમ છે.
હું નથી કંઇ, તું નથી કંઇ, સાથનું અસ્તિત્વ છે,
ક્યાંકથી એવી સમજ આવી ચડે એ પ્રેમ છે.
જો ચણે, હર પળ સમયની… આ અતીતનાં ખંડહરો,
કો’ક પળ આવી ફરી ચણતર કરે એ પ્રેમ છે.
ઓટ જો આવે કદી મુજ ઊર્મિનાં સાગર મહીં,
તું બની પૂનમ ફરી ભરતી ભરે એ પ્રેમ છે.
-’ઊર્મિ’
છંદવિધાન: ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
Feb
04
2008
(આંધળું આવ્યું પૂર કે આંધળો વરસે પ્રેમ ? 16 એપ્રિલ, 2007)
એકવાર
એણે મને કહ્યું હતું,
કે
“હું તને આંધળો પ્રેમ કરું છું!”
અને
એ જ ક્ષણે
મેં
મારી આંખો પર
કાળી પટ્ટી
બાંધી દીધી હતી…
પરંતુ
મને લાગે છે,
હું બહેરી પણ થઈ ગઈ છું !
-’ઊર્મિ’
Jan
27
2008

(યાદની ટોળી… August 2007)
સંબંધ ભગ્ન,
હૈયું દુ:ખમગ્ન - ને
ઊર્મિ સંલગ્ન…!
*
લાગણી દિલમાં સતત ઘોળી તમે,
પણ તમન્નાની કરી હોળી તમે.
ભૂલવાનાં વેણને જૂટલાવવા,
મોકલાવી યાદની ટોળી તમે.
‘લાગણી ભરપૂર છે’ દાવો કરી,
ત્રાજવે વ્યવહારનાં તોળી તમે.
ભૂલવા જેવી ને જે મુફલિસ હતી,
વાત શાને આમ વંટોળી તમે?
દમ હશે, કળ પણ હશે એમાં જરૂર,
અંતરે મુજ જાત તરબોળી તમે.
જિન્દગીભર જાગરણ કરશે હૃદય,
કેમ સૂતી ઊર્મિ ઢંઢોળી તમે?
-’ઊર્મિ’
*
મુફલિસ = મામૂલી
છંદવિધાન: ગાલગાગા ગાલગાગા ગાલગા
Jan
14
2008

(છો અંત હો એ પંથનો… Lake George, NY… 22 ઑગષ્ટ 2005)
પ્રેમપંથ છો
હો વિકટ… હું બીજે
પંથ શેં જાઉં?!
*
એ ના સળંગ હોય છો નક્કી હું તો જઈશ,
છો અંત હોય એ પંથનો નક્કી હું તો જઈશ.
બોલાવશે જો કોઈ મને છોડી બધી મમત,
બંધ બારણાઓ ખોલતો નક્કી હું તો જઈશ.
દરિયાવ દિલમાં ભૂમિ સમ છો ખંડ હો જુદા,
ટુકડાઓને હર જોડતો નક્કી હું તો જઈશ.
આંખોથી છો હું નીકળ્યો ખારાશ થઈ સખી,
ગાલોને તારા ચૂમતો નક્કી હું તો જઈશ.
નિશ્નેત પંથ છો રહ્યો મંજીલથી બેખબર,
એનેય રાહ ચિંધતો નક્કી હું તો જઈશ.
-’ઊર્મિ’
છંદવિધાન: ગાગાલગા ગાગાલગા ગાગાલગા લગા
*
કવિ શ્રી જયંત પાઠકની ‘મારે જવું નથી’ ગઝલથી પ્રેરાઈને આ ગઝલ લખાઈ છે… એમની ગઝલનાં એક એક શેરો વાંચતા વાંચતા એના જવાબમાં જાણે મને અંદરથી કંઇક સ્ફૂરવા માંડ્યું હતું… અને મિત્રો, આ વખતે જેવી આ ગઝલ લખાઈ છે એવી સીધી જ અહીં ઉતારી દીધી છે… મારા ગુરુમિત્રોના ડંડા ખાવાની પૂરી તૈયારી સાથે જ સ્તો!
મારી આ ગઝલ એના પ્રેરણાસ્ત્રોત કવિ શ્રી જયંત પાઠકને જ સપ્રેમ અર્પણ.
Jan
06
2008

(રાત દિનની દરમિયાં… મારા ઘરની બારીમાંથી… મે 2007)
પત્રમાં સખા,
હું મને જ મોકલું…
તું વાંચીશ ને?!
*
પત્રમાં પ્રીતમ લખું કે સખા, સાજન લખું?
શબ્દ હું મઘમઘ લખું, મૌનની સરગમ લખું.
તું યે કોરો ના રહે, જો તને લથબથ લખું,
આજ તોડું હદ બધી… બસ લખું, અનહદ લખું !
ઝાંઝવાનાં જળ છળું, મેહુલો છમછમ લખું,
તારી કોરી ધરતી પર હું મને ખળખળ લખું.
પથ્થરોનાં વનનાં હર પહાણ પર ધડકન લખું,
કાળજાની કોર પર લાગણી મધ્ધમ લખું.
રાત દિનની દરમિયાં કૈંક તો સગપણ લખું,
આભ અવનિને મળે, એક મિલનનું સ્થળ લખું.
દોહ્યલાં જીવનમાં એક સાહસી અવસર લખું,
સ્નેહનાં હર તાંતણે શૌર્યનાં હું વળ લખું.
માંહ્યલામાં ચાલતી કાયમી ચળવળ લખું,
દિલમાં તારા શું હશે? રેશમી અટકળ લખું.
લાવ તારા હાથમાં વ્હાલ હું અણનમ લખું,
ભાગ્યમાં હું એક બે પ્રેમઘેલી પળ લખું.
આટલું વ્હાલમ તને વ્હાલથી વ્હાલપ લખું,
ઊર્મિનાં લિખિતંગ લખું, સ્નેહનાં પરિમલ લખું.
-’ઊર્મિ’ (ડિસેમ્બર 2007)
છંદવિધાન: ગાલગાગા ગાલગા ગાલગાગા ગાલગા