Oct 15 2008

Precious પળ (મુક્તક)

(Lost in યાદ… Penguin… ઑગષ્ટ 17, 2008)

જાણું છું હું… કે સખા, તું miss કરે છે,
ને ફરી મળવાની હરદમ wish કરે છે;
Past ની પળમાં હજી પણ કૈદ છું હું,
તું ય એ પળને હજી… શું kiss કરે છે??

-’ઊર્મિ’

17 responses so far

Oct 02 2008

ગાંધીનાં અક્ષર

Published by ઊર્મિ under મુક્તક

આજે ગાંધીજયંતિ પર ઊર્મિની એક બુંદીકા… ગાંધીબાપુને અર્પણ !

કેમ ઉકલીએ આસાનીથી ?!
છીએ અમે ગાંધીનાં અક્ષર…!

-’ઊર્મિ’

19 responses so far

Sep 12 2008

યાદમાં અટવાય છે કારણ વગર

Published by ઊર્મિ under ગઝલ

એમ તો ઘણા વખતથી કવિતાનો દુકાળ ચાલે છે, પણ તો યે આજે એક ગઝલ પ્રસ્તુત છે… દુકાળનાં આવ્યા પહેલાની સ્તો… :-)  આશા છે કે તમને ગમશે..

vishal-with-falls.jpg
(કારણ વગર…   Bushkill Falls, PA… 18 જૂન, 2005 )

 ભર ઉનાળે
વરસ્યો મેઘ… કોઈ
કારણ હશે ?

* 

કેમ મારું મન અધીરું થાય છે કારણ વગર ?
લાગે છે, તું યાદમાં અટવાય છે કારણ વગર.

તું હૃદયમાં એમ ફરકી જાય છે કારણ વગર,
જેમ નભમાં વીજળી ચમકાય છે કારણ વગર.

એમ તો, શોધ્યો મળે નહીં ક્યાંય તું આયાસથી,
ને કદી કણકણમાં તું દેખાય છે કારણ વગર.

કેટલી કોશિશ કરું- તું યાદ નહીં આવે મને !
…પણ છતાંયે ધ્યાન લાગી જાય છે કારણ વગર.

મેં તને પૂર્યો કવનનાં શબ્દમાં મોઘમ, સખા !
તોયે આવી ટેરવે ટકરાય છે કારણ વગર.

-’ઊર્મિ’ (જાન્યુ. 2008)

*

છંદવિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

*

18 responses so far

Jul 06 2008

I will fly

આજે એક અંગ્રેજી કવિતા, મારા ટેણીયા માટે… એની છઠ્ઠી વર્ષગાંઠ નિમિત્તે.  જે એક વખત મેં એને માટે જ એના KG-ક્લાસમાં વાંચવા માટે લખી હતી… જેમાં naughty and nice વાળી વાત અને છેલ્લી બે લીટી એને ખૂબ જ પ્રિય છે.

Happy Birthday, Dearest Vishal…!
This is for you buddy !!


(a bit naughty and nice…!                 19 July 2007)

If I were a plane,
I could fly in the sky…

If I were a train,
I could really zoom by…

If I were a bus,
I should often stop by…

If I were a car,
I would waive you good-bye…

If I were a bike,
I would let you ride…

But I am a little boy,
a bit naughty and nice…
I only ride a bike!

But one day, you’ll see!
I’ll make the plane fly,
I will fly in the sky.

Way up high high high…
I will fly fly fly…

-’ઊર્મિ’

28 responses so far

Jun 10 2008

તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ…

મિત્રો, આપ સૌને મારા ઊર્મિભીના નમસ્કાર…!

આજે મારા આ ઊર્મિના સાગરને ૨ વર્ષ પુરા થયા છે… અને આ નવું ઘર ઊર્મિસાગર.કોમને પણ ૧ વર્ષ પૂરું થઈ ગયું… જોતજોતામાં બ્લોગીંગનાં ૨ વર્ષ ક્યારે પૂરા થઈ ગયા અને સમય રેતીની જેમ ક્યારે સરતો રહ્યો એ પણ ખ્યાલ ન રહ્યો.  ઊર્મિસાગર.કૉમ નાં… મારા વ્હાલા વાંચકો-ભાવકો-ચાહકો અને અનેક સહૃદયી મિત્રો ની હું ખૂબ જ આભારી અને ઋણી છું કે જેઓ નિયમિત અહીં આવતા જતા અને વાતચીત કરતા રહ્યા છે.  તમારા સૌના સાથ વગર અહીં સુધીની યાત્રા તો બિલકુલ શક્ય જ ન્હોતી.  આ નિમિત્તે આજે મારા તરફથી હું કૈઁક નવું જ પેશ કરુ છું… મારું એક નવું નકોર ગીત… આજે મારા જ અવાજમાં… પરંતુ તરન્નુમમાં નહીં હોં મિત્રો, માત્ર પઠન કરીને… (કારણ કે મારે તમારા સંગીત-રસમાં અરુચી પેદા નથી કરવી! :-D ) આમ તો જેમ કાવ્યો લખવાનું હજી શીખું છું, એમ કાવ્યપઠન કરવાનું પણ હજી શીખું જ છું. વળી એક માસ્તરજીએ કહ્યું છે કે કાવ્યપઠનની પ્રેકટીસ કરવા માટે પહેલાં અરીસાની સામે જોઈને પઠન કર્યા કરવું.  એટલે મારા અરીસાને થોડો ત્રાસ આપ્યો છે અને હવે તમારો વારો… મતલબ કે આપ સૌ થોડીવાર માટે મારો અવાજ બરદાસ્ત કરી લેશો એવી આશા સાથે…. સૌને મારા સ્નેહવંદન !

રાધાની ફરિયાદનું એક ગીત લખ્યું છે…!


(વ્હાલપમાં અંતર ?!         એપ્રિલ 26 2008)

ભોળી ભટાક હતી ગોરસની ખાણ, કેવા કરી દીધા મુજ પર તેં જંતર?
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?

વ્હેતુ’તુ વ્હાલ તારું વાંસળીનાં સૂરમાં,
ને વહેતી’તી હું ય તારી તાનનાં એ પૂરમાં.

સઘળું ભૂલીને કા’ન, ભૂલી જઈ ભાન… કેવા જપતી’તી તારા હું મંતર !
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?

તડ તડ તૂટે છે પેલી કદંબની ડાળખી,
ધસમસ તૂટે છે મારી સંગે આ માટલી.

રોળીને લાગણીનાં લીલુડાં રાન… જો ને, થઈ ગયો તું કેવો છૂમંતર !
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?

ઝૂરું છું પળ પળ હું, ઝૂરે છે વાંસળી,
વિરહની વેળ અમને લાગે છે આકરી.

દવલાં કરી દવમાં છોડતાં હે શ્યામ… તારું સહેજે દુભાયુ ન અંતર?
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?

- ‘ઊર્મિ’  (ફેબ્રુ. 27, 2008)

56 responses so far

Jun 06 2008

Protected:

Published by ઊર્મિ under અછાંદસ

This post is password protected. To view it please enter your password below:


Enter your password to view comments

May 19 2008

સોલી-નિશા કાપડિયા દ્વારા ‘ગમતાનો કરીએ ગુલાલ’… મારી સીટ પરથી!

મિત્રો, ફરી તમારે આજે ચા લઈને જ બેસવું પડશે હોં…!   ચાલો મિત્રો, આજે મારા શબ્દો વડે તમને હું લઈ જાઉં 18મી મેનાં ‘ગમતાનો કરીએ ગુલાલ’ પ્રોગ્રામમાં… જેણે મને આપ્યો, ગુજરાતના સમર્થ સંગીતકારોએ સ્વરાંકિત કરેલી ગુજરાતી સાહિત્યના મહાન કવિઓની ઉત્તમ કવિતાઓને સોલીભાઈ અને નિશાબેનનાં કર્ણપ્રિય કંઠે માણવાનો સુંદર અવસર. 

એક-બે અઠવાડિયા પહેલા જ નિલેશભાઈ રાણા સાથે વાત કરતા ખબર પડી કે ‘ગુજરાત લીટરરી એકેડમી’ તરફથી સોલી કાપડિયા અને નિશા કાપડિયા ઉપાધ્યાયનો પ્રોગ્રામ… 17-18 મેનાં વિક-એંડમાં શ્રી લાખાણી ઓડિટોરિયમમાં રાખવામાં આવ્યો છે.  અને બસ, ત્યારથી જ સોલીભાઈ અને નિશાબેનનાં સ્વર-માધુર્યને પ્રત્યક્ષ માણવા માટે મારું મન ખૂબ જ ઉત્સુક થઈ ગયું હતું… અને કદાચ મારી એ ઉત્સુકતાને લીધે જ (અને કદાચ મારા અને માનસીનાં મગજની થોડી બિમારીને લીધે પણ :-) ) પ્રોગ્રામની તારીખમાં જરા લોચા પડી ગયા અને અમે રવિવારની જગ્યાએ શનિવારે જ પ્રોગ્રામનાં સ્થળે પહોંચી ગયા… બહાર એકેય કાર પાર્ક થયેલી ન જોતાં અમને નવાઈ લાગી… શક પડ્યો… ધ્રાસ્કો પડ્યો… અને જ્યારે મેં પન્નાઆંટીને ફોન કરી પૂછ્યું ત્યારે અમને ખબર પડી કે પ્રોગ્રામ તો હજી કાલે છે…  અને પછી તો મેં અને માનસીએ એકબીજાનાં ઉપર પ્રેમથી દોષનો ટોપલો ઓઢાવ્યો… (પણ આખરે વાંક અમારા બેઉનો જ હતો!) અને આમ, અમે અમારી મૂર્ખતા પર હસતા હસતાં એક કલાકનું ડ્રાઇવ કરીને માનસીનાં ઘરે ચા-નાસ્તો કરીને પાછા ઘરે આવ્યા… (જો કે, આ આખા પ્રકરણમાં હસવું તો મારા પતિદેવને જ જરા વધુ આવ્યુ હતું હોં!)  પછી અમને થયું કે સારું થયું કે આમ જ થયું… નહીંતર જો ઉલટું થયું હોત તો અમે આટલો સરસ પ્રોગ્રામ માણવાનાં જ રહી ગયા હોત!  અને અમે તો બીજે દિવસે રવિવારે ફરી એક કલાકનું ડ્રાઈવ કરીને પ્રોગ્રામમાં સમયસર પહોંચી ગયા, પણ મારા નાનકાનું બહાનું કાઢી મારા પતિદેવે તો એમની ગાલ્લી છોડી જ નાંખી હતી…!

પ્રોગ્રામનાં સ્થળે જ્યારે અમે પહોંચ્યા ત્યારે પ્રોગ્રામ શરૂ થવાની તૈયારીમાં જ હતો. થોડીવાર પન્નાઆંટીને મળી લઈ અમે સારી સીટો શોધીને બેઠા. એમ પણ શ્રી નરેન્દ્રભાઈ લાખાણીએ પોતાનાં ઘરે બનાવેલાં આ પ્રાઈવેટ ઓડીટોરીમમાં ગમે ત્યાં બેસો તો પણ ખૂબ સરસ રીતે પ્રોગ્રામ માણી શકાય એવી સરસ સગવડો કરી હતી.  આમ તો આ પ્રોગ્રામ માત્ર  ‘ગુજરાત લીટરરી એકેડમી’નાં સભ્યો માટે જ હતો, પરંતુ એક ‘ખાસ મિત્ર’ને લીધે સોલીભાઈ સાથે અંગત ઓળખાણ થતા સોલીભાઈની ગેસ્ટ તરીકે મને એન્ટ્રી મળી ગઈ હતી… અને પ્રોગ્રામ માણવાનાં નશામાં કદાચ હું સોલીભાઈનો આભાર માનવાનું જ ભૂલી ગઈ હતી… (સોલીભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર!)  અને આટલા સ-રસ પ્રોગ્રામો જો કાયમ માણવા મળવાનાં હોય તો મને લાગે છે કે મારે પણ ‘ગુજરાત લીટરરી એકેડમી’નાં કાયમી સભ્ય બની જ જવું પડશે ! :-)

solibhai-nishaben.jpg

સોલીભાઈએ સૌપ્રથમ શ્રી નરસિંહ મહેતાનું અમર ભજન ‘વૈષ્ણવજન’ અને ત્યારબાદ નિશાબેને શ્રી અવિનાશ વ્યાસની ઉત્તમ રચના ‘માડી તારું કંકુ ખર્યુ’ એમનાં મધુર કંઠે સંભળાવ્યા… એમનાં સ્વરબદ્ધ ગીતો તો કાયમ સાંભળું જ છું પરંતુ એનાં કરતાંયે વધારે આનંદ મને એમને પ્રત્યક્ષ સાંભળવામાં અને એમનાં સ્વરોને માણવામાં આવ્યો…. એમને સાંભળીને મને લાગ્યું કે આલ્બમમાંનાં એમનો સ્વર પામેલા ગીતો જાણે કે એમનાં સ્વરોની સુંદર તસ્વીરો સમાન છે…! અને એમનાં સ્વરોને પ્રત્યક્ષ સાંભળવા અને માણવા એ તો એમની એ તસ્વીરો કરતાં પણ વધુ અદભૂત બાબત જ હોય ને…!!.

ભજન સંભળાવ્યા બાદ નિશાબેને પન્નાઆંટીનું એક ગીત સંભળાવવાની ઈચ્છા વ્યક્ત કરી…  “હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ, એવી પાગલ થઈ ગઈ… હું તો રસ્તાની ધૂળ જાણે વાદળ થઈ ગઈ… ” અને એમણે એ પણ જાણાવ્યું કે કોઈ પણ પ્રોગ્રામમાં પન્નાઆંટી હોય કે ન હોય પરંતુ આ ગીત તેઓ એમનાં દરેક પ્રોગ્રામમાં અચૂક ગાય છે.  નિશાબેન ગીત ગાવાનું ચાલુ કરે એ પહેલાં સોલીભાઈએ શ્રોતાઓમાં બેઠેલા પન્નાઆંટીને એમનાં આ ગીત લખવાની પ્રેરણા વિશે બે શબ્દો બોલવાનું કહ્યું. પન્નાઆંટીએ જણાવ્યું કે… “વર્ષો પહેલા હું એક ટ્રેનમાં જતી હતી ત્યારે મારી સામે એક અમેરીકન યુગલ બેઠું હતું… અને તેઓ ત્યારે એકબીજામાં એટલા બધા ખોવાઈ ગયેલા હતા કે એમને જોઈને મને થયું કે પ્રેમમાં જરૂર કંઇક આવું જ થતું હશે… અને ત્યારે એ પ્રેમીયુગલ મારા આ ગીતનાં સર્જનની પ્રેરણા બન્યા હતા… ”  પછી તો નિશાબેને આ ગીત ખરેખર પ્રીતમાં પાગલ ન હોય તોય થઈ જવાય એટલી હદે સુંદર રીતે ગાયું… અને એમને સાંભળીને જો કોઈ પ્રીતમાં પાગલ ના બન્યાં હશે તોયે દરેક શ્રોતાઓ એમનાં સ્વરનાં પ્રેમમાં તો ચોક્કસ પડી જ ગયા હશે !

પન્નાઆંટીનાં ગીત બાદ કૈલાશ પંડિતની યુગ્મ-રચના ‘ક્યારે પુરા થશે મનનાં કોડ, સાહ્યબો મારો ગુલાબનો છોડ…’ રજૂ કરવામાં આવી… ત્યાર બાદ ગનીચાચાની ‘દિવસો જુદાઈનાં જાય છે’, સુરેશ દલાલની ‘નજરુંનાં કાંટાની ભૂલ મારા વ્હાલમા’ અને શ્રી બાલમુકુન્દ દવેની ‘કેવા રે મળેલા મનનાં મેળ’ રચનાઓ અદભૂત રીતે રજૂ કરી.  શ્રી રમેશ પારેખની ‘આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં’ ગઝલ રજૂ કર્યા બાદ, ઘણી ગુજરાતી રચનાઓ, ગીતો, ગરબાઓનું સુંદર કંમ્પોસીઝન પેશ કર્યું. આટલું થયું એટલે થયું મધ્યાંતર… એટલે કે ઈન્ટરવલ પડ્યો.

‘ચાલો ગુજરાત’ વિશેની અને બીજી એક જાહેરાત સાંભળ્યા બાદ બધાએ  થોડો હળવો નાસ્તો કર્યો. બ્રેકમાં માઈક પકડીને ફિલ્મીગીત ગાવા માંડેલા સોલીભાઈનાં નાનકડા દિકરા આદરનો સુંદર અવાજ પણ સાંભળવા મળ્યો. એનો અવાજ સાંભળીને થયું કે ‘બાપ કરતાં બેટો સવાયો’ની વાતને આદર એક દિવસ જરૂર સાચી ઠેરવશે.  સોલીભાઈ અને નિશાબેન સાથે વાતચીત કરવાનો મોકો પણ મળ્યો.  અને ચા-પાણી અને હળવો નાસ્તો કર્યા બાદ સૌ શ્રોતાઓ  સોલીભાઈ અને નિશાબેનને સાંભળવા માટે ફરી તાજામાજા થઈ ગયા.

pic-017-sml.jpg

બ્રેક કે બાદ, નિશાબેને શ્રી ર.પા.નાં વ્હાલબાવરીનું ગીત ‘સાંવરીયો રે મારો સાંવરીયો‘ થી સૂર અને શબ્દની આ સુહાની સફર આગળ ચલાવી.  ત્યારબાદ સોલીભાઈએ સૈફ પાલનપુરીની એક પ્રખ્યાત ગઝલ ‘ખુશ્બુમાં ખીલેલાં ફુલ હતા’ અને મરીઝની પ્રખ્યાત ગઝલ ‘મૈં તજી તારી તમન્ના’ ખૂબ જ સુંદર રીતે રજૂ કરી. નિશાબેને મેં કદી ન સાંભળેલી ‘ઘનશ્યામ ગગનમાં ટમ ટમ તારા ટમકે’ રચના સંભળાવ્યા બાદ મારી એક ખૂબ જ પ્રિય રચના ‘આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસુ ક્યાંક આસપાસ છે’ ખૂબ જ મોહક રીતે રજૂ કરી.  શ્રી હરીન્દ્ર દવેની ‘એક રજકણ સૂરજ થવાને શમણે…’, શ્રી શ્યામ સાધુની ‘ક્યાંક ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે’, શ્રી રાવજી પટેલ્નું ‘મારી આંખે કંકુનાં સૂરજ આથમ્યા’ અને બીજી થોડી રચનાઓ પણ સંભળાવી… છેલ્લે આદરે એના સુંદર બાળ-અવાજમાં ‘વંદે માતરમ’ રચના ગાઈને પ્રોગ્રામની પૂર્ણાહૂતિ કરી.  ’ગુજરાત લીટરરી એકેડમી’ નાં પ્રમુખ શ્રી રામ ગઢવીએ બધા કલાકારોનું ફુલોથી સન્માન કર્યું.

અને છેલ્લે, અમે એટલે કે આઈના ટીમનાં થોડા સભ્યોએ સૌને જાહેરાત પેપરો આપીને આવનાર ‘ચાલો ગુજરાત’ પ્રોગ્રામ વિશે જણાવી સૌ મિત્રોને પ્રોગ્રામમાં આવવાનું આમંત્રણ આપ્યું.  બાય ધ વે, તમે ‘ચાલો ગુજરાત’માં આવવાના હશો તો સોલીભાઈનો પ્રોગ્રામ તમને ત્યાં જરૂર માણવા મળશે.

મને આ અદભૂત પ્રોગ્રામ માણવાનો લ્હાવો આપનાર સોલીભાઈ અને નિશાબેનનો ખૂબ ખૂબ આભાર… અને એમના મધુર કંઠને માણવાનો સુંદર અવસર આપનાર ‘ગુજરાત લીટરરી એકેડમી’ નો પણ ખૂબ ખૂબ આભાર…!

મિત્રો, સોલીભાઈનાં અવાજમાં મને સૌથી વધારે ગમતું મુકુલભાઈ ચોક્સીનું ગીત ‘પ્રેમ એટલે કે’ આજે મારા તરફથી… ગાગરમાં સાગર પર… (સોલીભાઈ, મારી આ ફરમાઈશ ઉધાર રહી છે હોં, જે તમારે ક્યારેક તો પૂરી કરવી જ પડશે ! :-) )

અસ્તુ.

19 responses so far

May 16 2008

યાદ તવ નિતરે સખા…

Published by ઊર્મિ under ગઝલ

cactus-flower2.jpgcactus-flower.jpg

(તું સતત મહેંકે સખા…  થોરનું ફૂલ - લોંગવુડ ગાર્ડન, પેન્સિલવેનિયા… 11 મે, 2008)

સઘળું વ્હાલ
મોકલ્યું તને, તોય
હું ભરીભરી…!

*

વ્હાલ અપાર ઉમટે સખા,
ટેરવા નિતરે સખા.

એમ યાદો ધસમસે,
જાહ્નવી ઉતરે સખા.

શ્વાસનાં ઉત્પાતમાં,
તું સતત મહેંકે સખા!

શબ્દ સૌ ઠાલા બની,
મૌન થઈ બહેકે સખા!

ક્ષણ મિલનની હર પળે,
શેં વિરહ ચિતરે સખા?

ભૂલે સુખમાં છો મને,
પણ તું દુ:ખ વહેંચે સખા.

જિન્દગીનાં સારમાં,
તું જ તું વિચરે સખા!

ક્યાં લખું છું કાવ્ય કોઈ!
યાદ તવ નિતરે સખા…

-’ઊર્મિ’

છંદવિધાનઃ ગાલગાગા ગાલગા

13 responses so far

May 01 2008

વાહ વાહ રામજી, જોડી ક્યા બનાઈ…

મિત્રો, આજે મારા કોઈ કાવ્યને બદલે હું તમને કન્યાવિદાયની લાગણીથી થોડા ભીંજવી દઉં, તો એ ભિંજાવું તમને ગમશે તો ખરું ને?!… મારી એક પ્રિય ફૂયાત (ફોઈની દીકરી) બહેન અને એક પ્રિય સખીનાં તાજેતરમાં જ થયેલા લગ્નને યાદ કરું અને એમની તમને થોડી વાત કરું… સદનસીબે બહેનનાં લગ્ન તો મેં ભરપૂર માણ્યા, પરંતુ કમનસીબે બહેનપણીનાં લગ્નમાં જઈ ન શકી, એટલે એના લગ્ન ન માણી શકવાનું દુ:ખ દિલમાં જરા રહી પણ ગયું…! (પરંતુ સૂક્ષ્મરૂપે તો હું તારી સાથે જ હતી હોં સખી!)

કન્યાવિદાયનો પ્રસંગ સમય જતાં કદાચ બધાનાં માનસપટ પર ધીમે ધીમે ઝાંખો થતો જાય છે પરંતુ દરેક માતા-પિતા અને દીકરી માટે એ પ્રસંગ તો હંમેશા એટલો જ તાજો અને ચિરસ્મરણીય બની રહે છે જેટલો એ હકીકતમાં હોય છે… વિદાયની ક્ષણોની એ પોટલી દલડાનાં એક ખૂણામાં હંમેશા અકબંધ સચવાઈ રહેતી હોય છે. મને લાગે છે ત્યાં સુધી કદાચ આપણી ભારતીય સંસ્કૃતિમાં કન્યાવિદાય જેવો સુંદરમાં સુંદર બીજો એવો પ્રસંગ જ નહી હોય જે એકીસાથે આનંદમય અને કરુણમય બંને હોય !

nehachirag.jpg

નેહા(અને એની નાની બહેન)ને નાની હતી ત્યારે અમે એને ખૂબ જ રમાડી હતી… પછી તો વર્ષો વિતી ગયા એમને જોયાને… ખબર હતી કે ખૂબ જ મોટી થઈ ગઈ હતી બધી બહેનો… અને આમ તો બે-એક વાર મળવાનું પણ થયું હતું એમને છતાંયે એમની નાનપણની તીવ્ર યાદોને કારણે મને કાયમ આવતા મારા સ્વપ્નોમાં એ બંને કદી મોટી જ ન થઈ…! આજ સુધી જ્યારે પણ એ મારા સ્વપ્નોમાં આવી હતી ત્યારે બસ એજ નાની સરખી ઢીંગલી જેવડી બનીને આવી હતી. પરંતુ વર્ષો બાદ ફરી એના જ લગ્નપ્રસંગે (19 એપ્રિલ) ત્રણ-ચાર દિવસનાં એની સાથેનાં સતત સહવાસ પછી મને લાગે છે કે મારા સ્વપ્નોમાં પણ હવે એ જરૂર મોટી થઈ જશે! :-) નેહાને મારી બહેન સાથે મળી દુલ્હનનાં રૂપમાં સજાવતી વખતે મારા લગ્ન સમયની એક એક પળ જાણે મારી આંખ આગળથી એક ચલચિત્રની જેમ પસાર થઈ રહી હતી… લગ્નનાં માંડવામાં બેસવા તૈયાર થયેલી નેહાને દુલ્હનનાં સ્વરૂપમાં જોઈને મને થયું કે અત્યારે આનાથી વધારે સુંદર દુનિયાની કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ હોઈ જ ન શકે… અને હું પણ એકવાર તો આટલી જ સુંદર દેખાઈ હતી ને!  વિદાયપ્રસંગની કરુણકથા લખવાનું મન તો બહુ થાય છે પરંતુ એ માટે મને આજે મારા શબ્દો ખૂબ જ વામણાં લાગે છે… લખું તો પણ કેવી રીતે અને શું લખું?! (કદાચ ‘ભગવદ્ગોમંડલ‘માંથી પણ મને પૂરતા શબ્દો નહીં મળે…) કન્યાની વિદાય વખતનાં પ્રેમનાં આંસુની એ કરુણગંગામાં તો થોડા ઘણા પણ જે ભિંજાયા હોય એમને જ ખ્યાલ આવે… છતાંયે મારે એક જ વાક્યમાં એ પ્રસંગ કહેવાનો હોય તો બસ એમ જ કહું કે- નેહાને વિદાય થતી જોઈને મને લાગ્યું કે જાણે હું જ ફરી એકવાર વિદાય થઈ ગઈ!!

બે દિવસ પહેલાં જ મારી એક પ્રિય સખીનાં લગ્ન પણ હતા… એટલે મને ખાત્રી છે કે મારા હૈયાની ન કહેવાયેલી વાતોને કમ સે કમ એ જરૂર સમજી ગઈ હશે… ખરું ને બેના?! તમને થશે કે વળી આ કઈ સખી? તો ચાલો આજે હું જાહેર જ કરી દઉં, તમારાથી વળી શું છુપાવવાનું દોસ્તો?!!  

jay-amit.jpg 
(ટહુકો… સજોડે!)

25મી એપ્રિલે આપણો પ્યારો ટહુકો પરણી ગયો છે… એટલે કે ટહુકાવાળી મેનાને એનો પોપટ મળી ગયો છે… એટલે કે હવે પછી તો જયશ્રીનો ટહુકો આપણને વધુ ને વધુ જોર અને શોરથી સંભળાવો જોઈએ… ખરું ને મિત્રો?!

નેહા-ચિરાગ અને જયશ્રી-અમિતનાં સજોડાને અમારા સજોડે હાર્દિક અભિનંદન… અંતરનાં નિરંતર શુભાશિષની સાથે સાથે સફળ, પ્રેમાળ અને અખંડ લગ્નજીવન માટે ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ… અને લગ્નની એક વિધીમાં જે પરંપરિત શુભકામના મેં નેહાનાં કાનમાં પાઠવી હતી, એ જ શુભકામનાઓ હું એમને ફરી અહીં આપુ છું…

neha-mona-sml.jpg
‘અખંડ સૌભાગ્યવતી ભવ’… દૂધો નહાવ, પૂતો ફલો… અને ખાસ તો, પૂતી ફલો ! ;-)

ગાગરમાં સાગર’ પર આજનું ગીત નેહા, જયશ્રી અને એમના સૂના થયેલાં પિયરીયાં માટે

* * *

22 responses so far

Mar 31 2008

મરિયમ મળી ગઈ!

Published by ઊર્મિ under અછાંદસ

cherry_blossom.jpg
(મન ગોરંભાયું કે વ્યોમ?             ચેરી બ્લોસમ્સ, 28 એપ્રિલ ‘07)

ઘણા સમય બાદ,
એક વડીલમિત્ર સાથે 
મારી વાત થઈ…
લાગ્યું મને-
ઊર્મિભરી એક
મુલાકાત થઈ !

માઈલો દૂર હું,
ને છતાંય -
દીકરીનાં
પિયર આવવાનાં
સંદેશથી 
એક પિતાનાં
વ્હાલનાં દરિયામાં
આવેલી ભરતીનાં
એક મોજાંથી,
હું
આખ્ખી પલળી ગઈ…

લાગ્યું મને-
અલીડોસાને
જરૂર આજે 
મરિયમ મળી ગઈ!

-’ઊર્મિ’ (11 ઑગષ્ટ ‘07)

* * *

વડીલમિત્ર શ્રી દિનેશઅંકલને આજે એમની 70મી વર્ષગાંઠ પર
જન્મદિવસની મબલખ હાર્દિક શુભેચ્છાઓ સહ
આ કવિતા સપ્રેમ ભેટ…
  

*

પિતાનાં પુત્રી પ્રત્યેનાં પ્રેમની પરાકાષ્ઠા દર્શાવવા માટે કાવ્યમાં જેનો ઉલ્લેખ કર્યો છે એ અલીડોસા અને મરિયમની વાર્તા ન જાણતું હોય એવું આપણામાંથી ભાગ્યે જ કોઈ ગુજરાતી જણ હશે… અને મને તો હજીયે આ વાર્તા વારંવાર વાંચવી ગમે છે… એટલે તમારે માટે પણ અહીં એ વાર્તાની લિંક મૂકું છું…

પોસ્ટઓફિસ - by ’ધુમકેતુ’ ગૌરીશંકર જોશી

*

24 responses so far