Jan 06 2010

રાધાપો

સૌ મિત્રોને 2010ની હાર્દિક શુભેચ્છાઓ…

hpim0076-sml
(વનનો વગડો કે માળીની લીલા ?…       Lake George, NY… 22 ઑગષ્ટ, 2005)

*

 લૈને મારાથી
હૈયાવટો… શેં દીધો
રાધાપો મને ?

*

યાદ છે એ વગડા વનમાળી તને?
વાંસળીની જેમ ફૂંકી’તી મને…

ક્યાં રહ્યા’તા રાવ કરવા હોશ પણ !
મોરપીંછું મારી વશ કીધી મને.

સોંપ્યું તેં સર્વસ્વ મારા હાથમાં,
પણ પ્રભુતાથી પછી લૂંટી મને.

વાંસળી ફૂંકી કે ફૂંક્યો શંખ તેં,
આખરે તો બેયથી વીંધી મને.

એક તો- તારું મને ઝુરાવવું…
ને આ તારી યાદે પણ પીંખી મને.

‘ઊર્મિ’ની ભરતી સતત દીધા પછી,
એકધારી ઓટ દઈ દીધી મને.

-’ઊર્મિ’

છંદવિધાન: ગાલગાગા ગાલગાગા ગાલગા

55 responses so far

Dec 07 2009

ચાલ સખા, હળવા થઈ જઈએ

Published by ઊર્મિ under ગીત

આજે ઘણા વખતે ઊર્મિનો સાગર પર પ્રથમવાર પ્રસ્તુત છે, એક દ્વંદ્વગીત. આશા છે કે આપ સૌને જરૂર ગમશે…  હંમેશની જેમ આપ સૌના નિખાલસ અભિપ્રાયો આવકાર્ય છે.

p1070739
(પળ પળ પીગળવાની ઘટના…        Prairie dogs, 8/8/2009)

ચાલ સખા, હળવા થઈ જઈએ,
ચાલ સખી, હળવા થઈ જઈએ.

પળ પળ પીગળવાની ઘટનાની ગલીઓમાં ચાલ ફરી ભમતા થઈ જઈએ,
ચાલ સખા, હળવા થઈ જઈએ.
મૃગજળનાં સંબંધનો દરિયો ઉલેચીને ખળખળખળ વહેતા થઈ જઈએ,
ચાલ સખી, હળવા થઈ જઈએ.

ક્યાં સુધી પાળીશું અધૂરપની વેદનાઓ ?
અધૂરા આ સ્વપ્નો ને અધૂરી આ ઝંખનાઓ;
અધરોની અધૂરપ ને અધૂરપની મધુરપમાં ચાલ હવે ભળતા થઈ જઈએ…
ચાલ સખી, હળવા થઈ જઈએ.

કેમ કરી સહેવાશે મૌનનાં આ ટહુકાઓ !
છાતીમાં સંઘરેલા ધખધખતા ડૂમાઓ;
આંખમાંથી ઉતરીને એકમેકનાં ગાલોનાં ખાડામાં પડતાં થઈ જઈએ…
ચાલ સખા, હળવા થઈ જઈએ.

-’ઊર્મિ’ (૧૮ ડિસેમ્બર, ૨૦૦૮)

51 responses so far

Oct 22 2009

ભૂલી નથી

 p1070368-sml
(બંજર-ગિરિ… ૪ જૂલાઈ, ૨૦૦૯)

*

ભૂલવાનું એ
વચન, કેમ કરી
ભૂલું સજન ?!

*

એક વેળા મેં તને ચાહ્યો હતો- એ વાતને ભૂલી નથી,
પણ, પછી એ કોયડો ઉકલ્યો હતો- એ વાતને ભૂલી નથી.

આપણે બંજર-ગિરિ ખોડ્યો હતો- એ વાતને ભૂલી નથી,
પત્થરોમાં પ્રાણ પણ પૂર્યો હતો- એ વાતને ભૂલી નથી.

 આપણે આકાશ ફાડી ઝરમર્યાં, વરસ્યા હતા કૈં ધોધમાર,
આપણામાં મેઘ ખુદ ન્હાયો હતો- એ વાતને ભૂલી નથી.

શ્વાસનાં થઈ જઈ હલેસાં આપણે નીકળ્યા અને ભૂલા પડ્યા…
ને પરસ્પર માંહ્યલો ખેડ્યો હતો- એ વાતને ભૂલી નથી.

રે સખા ! એક દિલ્લગી મેં તો કરી’તી સાવ અમસ્તી…
ને ઉભયનાં માર્ગને મોડ્યો હતો- એ વાતને ભૂલી નથી.

તું મને ભૂલી જતે કે રાવ કરતે- એ હતો અધિકાર તારો,
પણ બધું ભૂલીને તું નિખર્યો હતો- એ વાતને ભૂલી નથી.

-’ઊર્મિ’

* આ ગઝલ કવિ શ્રી હર્ષદ ત્રિવેદીની ‘ભૂલી ન જા‘ ગઝલમાંથી મળેલી પ્રેરણાનું પરિણામ છે, જે એમની એ ગઝલનાં પ્રત્યુતરરૂપે (કે સંવાદરૂપે!) અનાયાસે જ લખાઈ હતી… આ ગઝલ હું કવિશ્રી હર્ષદભાઈને જ સાદર અર્પણ કરું છું. 

42 responses so far

Oct 10 2009

એ જ લખવાનું સખા !

vishal-sleeping-sml
(એક સપનું અવતર્યું છે… અને ૧૭ દિવસનું થયું છે!   ૨૩ જૂલાઈ, ૨૦૦૨)

*

વ્હાલની લીપી
છે સખા, ઉકલશે
એ વ્હાલથી જ !

*

આભ ગોરંભાઈ ગ્યું છે એ જ લખવાનું સખા !
તોયે ગુલાબી થયું છે એ જ લખવાનું સખા !

એક પંખી ફરફર્યું છે એ જ લખવાનું સખા !
એક પીંછું પણ ખર્યું છે એ જ લખવાનું સખા !

રાતભર આ લોચને પીડા પ્રસવની ભોગવી,
એક સપનું અવતર્યું છે એ જ લખવાનું સખા !

એમ તો લૂંટાવી દીધી છે હૃદય મિરાત, પણ-
એક સ્મરણને સાચવ્યું છે એ જ લખવાનું સખા !

દિલનાં દર્દોની કથા વિસ્તાર સંભળાવ્યા પછી,
કેટલું આ દિલ બળ્યું છે એ જ લખવાનું સખા !

કેટલી ઊંચી ચણી’તી ‘હું’પણાની ભીંત મેં !
ભીંતમાં કાણું પડ્યું છે એ જ લખવાનું સખા !

કેટલાં દરિયા વલોવ્યાં ને ઉલેચ્યાં, આખરે-
‘ઊર્મિ’નું મોતી જડ્યું છે એ જ લખવાનું સખા !

-‘ઊર્મિ’

છંદવિધાન : ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

કવિ શ્રી સુરેન ઠાકર ‘મેહુલ’ની ‘એ જ લખવાનું તને’ ગઝલમાંથી મળેલી પ્રેરણાનું પરિણામ એટલે આ ગઝલ…!

35 responses so far

Aug 14 2009

વિરહગીત

Published by ઊર્મિ under ગીત

આજે જન્માષ્ટમીએ પ્રસ્તુત છે એક ગોપીભાવ ગીત…

rose-in-hand
(ફૂલ-પાંદ…    ૧૯ જૂન, ૨૦૦૯)

સજન, જો તારા મિલનની કરણી…
સજન, હું તારા વિરહને પરણી !

રાત રાતભર રાતરાણી સંગ ધુમ્મસ થઈ હું ઝુમી,
વ્હેલી સવારે ફૂલ-પાંદને ઝાકળ થઈ હું ચૂમી;
ઝળહળતી એક આવી સવારી, દડ દડ ઢળી હું ધરણી,
પછી તારા વિરહને પરણી.

ગોકુળની ગલીઓમાં ઘૂમી ગોરસ મટુકી લઈને,
તને જ વેચવા લાગી વ્હાલમ, એવી સુધબુધ ખોઈ મેં;
દરિયો બની ગઈ, જોઈ તારા પગરવ મથુરા-સરણી,
પછી તારા વિરહને પરણી.

- ‘ઊર્મિ’ (૨૦૦૭-૮)

સરણી (કે સરણિ) = પગરસ્તો, માર્ગ

અને ખાસ તો………. આજકાલ નવાં નવાં પ્રેમમાં પડેલી એક નવી નવી સખીને આ ગીત સસ્નેહ અર્પણ… :-)

40 responses so far

Jul 24 2009

અટકળ

tunnel
(અટકળનું બોગદું…    Tunnel…  ૨૬ ડિસેમ્બર, ૨૦૦૮)

*

તું નથી તોયે
ભાળું હું- આવું છળ
કૈં હોતું હશે ?

*

કાળથીયે કંઈક પર હોતું હશે,
જીવવાનું એ જ બળ હોતું હશે.

‘તું હશે’ -ની શક્યતા પૂરી થતાં
વેદનાનું અવતરણ હોતું હશે.

જેમ દિલમાં લાગણીઓ હોય છે,
લાગણીને પણ હૃદય હોતું હશે?

તારા હોવાની મને શંકા પડે,
એવું તે કંઈ વ્યાકરણ હોતું હશે?

પાંગળી થઈ જાય જ્યાં સંભાવના,
ત્યાં જ શ્રદ્ધાનું ઝરણ હોતું હશે.

કેમ આપું હું પુરાવા પ્રેમનાં ?
વ્હેમનું નિરાકરણ હોતું હશે ?!

આવરણ જેની કને ઉતરે સ્વયં,
એવું પણ એક ખાસ જણ હોતું હશે !

હો ગમે તેવી ધરા પથરાળ, પણ-
ક્યાંક તો ઊર્મિ-કળણ હોતું હશે…!

-’ઊર્મિ’

43 responses so far

Jul 08 2009

સખાને સાદ

flooding-030-sml
(મબલખ મેઘ…    ૪ એપ્રિલ ૨૦૦૭)

*

બારમાસ હું
વરસું તોયે કેમ
તું કોરો, સખા ?

*

રોજ ઝરમર ઝાર ઝરતાં આંસુઓના સમ તને,
ધીરતાં જ્યાં થઈ અધીરી- એ પળોના સમ તને.  

આગમનની અમથી અમથી અટકળોના સમ તને,
ને નિરંતર વાટ જોતા પગરવોનાં સમ તને. 

મેઘની માફક તું અઢળક આવ ને પડ ધોધમાર,
કોરી કોરી આવતી આ વાછટોના સમ તને.  

તું અમસ્તાં વેણ આપીને હવે ભરમાવ નહીં, 
છે, છલોછલ છળથી છળતાં મૃગજળોના સમ તને. 

તું મને બોલાવે પણ નહીં ને વળી આવેય નહીં ?!
જો, બહાનાં કાઢ નહીં… છે કારણોનાં સમ તને !

હાથમાં મારા હવે હૈયું નથી રહેતું, સખા !
ધબ ધબક ધબધબ ધડકતી ધડકનોના સમ તને.

કોઈ પણ રીતે પ્રણયની રાખજે તું આબરૂ,
ઊર્મિના સાગરમાં ઊઠતી ભરતીઓના સમ તને. 

-’ઊર્મિ’ (મે ૨૦૦૯)

38 responses so far

Jun 23 2009

એક વળગણ જોઈએ

yellow-wild-flowers-in-hand
(અઢળક ઈચ્છા…          ૨૭ એપ્રિલ, ૨૦૦૯)

*

જીવનકાવ્યે
મિત્રતાનું ગાલગા
પણ જોઈએ.

*

માન્યતાને એક સરહદ જોઈએ,
રૂઢતાને પણ નિયંત્રણ જોઈએ.

શક્ય ક્યાં છે અહીં પરિત્યાગી થવું !
ત્યાગનું પણ એક વળગણ જોઈએ.

પ્રેમ, સમજણ કે પછી હો જીન્દગી…
સાવ નટખટ એક બચપણ જોઈએ.

હા, યુવાની થોડી ઉન્મદ જોઈએ…
પણ હો માનદ, એવું ઘડપણ જોઈએ.

જોઈએ, ઈચ્છા યે અઢળક જોઈએ,
પણ કદી અનહદની પણ હદ જોઈએ !

એક સરખી હોય ના ભરતી, સખા !
‘ઊર્મિ’ની પણ ક્યાંક વધઘટ જોઈએ…

-’ઊર્મિ’ (૨૬ મે, ૨૦૦૯)

35 responses so far

Jun 10 2009

ઘટના કહું કે કહું અવસર ? (કાવ્યપઠન)

વ્હાલા મિત્રો, આજે આ ઊર્મિનાં સાગરની ત્રીજી વર્ષગાંઠ છે… ઊર્મિસાગર.કૉમ નાં વ્હાલા વાંચક-ચાહક-ભાવક મિત્રોને લીધે જ- એટલે કે આપ સૌને કારણે જ મારા આ ઊર્મિનાં સાગરમાં સતત ભરતી આવતી રહી છે અને આપણી આ ગાગરમાં સાગર હંમેશા છલકાતો ને ઊભરાતો રહ્યો છે.  આપ સૌનાં સતત સહકાર અને પ્રોત્સાહન તેમ જ નિખાલસ અને પ્રેરણાત્મક ટીપ્પણીઓ બદલ આપ સૌનો અંતરની ઊર્મિથી આભાર…!  ભવિષ્યમાં પણ કાયમ એ મળતાં જ રહેશે એવી આશા સહ… સ્નેહવંદન.

આજે ફરી પ્રસ્તુત છે, મારું એક ગીત-પઠન.  આશા છે કે આપ સૌને ગમશે.

 amee-jessie-holding-hands-org
(’મળવા’ની ઘટના…     21 એપ્રિલ, 2009)

સખા, આપણા મળવાની જે ઘટના ઘટી અને ઊજવાયું ભીતર કૈં પળ પળ,
એને ઘટના કહું કે કહું અવસર ?
સખા, ઘટના કહું કે કહું અવસર ?

વરસોથી વાયરા આ થીજ્યા હતાં,
જ્યારે લીલાછમ્મ ગરમાળા મૂરઝ્યા હતા;
પછી સળવળતી લાગણીને વાચા ફૂટી ને
પછી દરિયાઓ ધોધમાર ઊમટ્યા હતા,
કંઈ કેટલાયે બંધ પછી તૂટ્યા હતા;
હવે ઝળહળતી સંધ્યાએ ધખધખતાં ગુલમ્હોર વરસે મુશળધાર હર પળ,
એને ઘટના કહું કે કહું અવસર ?

છાતીમાં મઘમઘતાં લીલુડાં સપનાં,
બળબળતા રોમરોમ છાના ને છપનાં;
તારાપણાંનો પછી સૂરજ ઊગ્યો ને
મારી ભીતર કૈં કેટલાયે ઉપવન પ્રગટ્યાં,
પછી સૂરજમુખીનાં મહીં ફૂલો ફૂટ્યાં;
હવે ફૂલોની સંગાથે કંટક કરે છે સખા, તારા તે નામતણી અટકળ,
એને ઘટના કહું કે કહું અવસર ?

-’ઊર્મિ’

35 responses so far

May 28 2009

ઘરઘત્તા

Published by ઊર્મિ under અછાંદસ

થોડા દિવસો પહેલા મારા એક ખાસ દિવસે મારા માટે સરપ્રાઈઝરૂપે સૌ પ્રથમવાર ગાગરમાં સાગર પર પ્રકાશિત થયેલ મારું એક અછાંદસ.

khushu-tea-party
(ખુશીની ટી-પાર્ટી…            નવેમ્બર 2000)

નાનપણમાં
રો…જ બપ્પોરે
ઘરના ઓટલા પર છાંયડે બેસીને
આપણે પેલી રમત રમતાં’તાં…
એ યાદ છે તને ?!

તું તારા ઘરેથી નાસ્તો લઈ આવતી
અને હું ભાખરી.
તું મારો વર બનતી
અને હું તારી વહુ…!
(કોકવાર ઊલટુયે કરતા.)
સામેના ઘરમાં રહેતી પેલી નાનકડી ખુશીને
આપણે કોકવાર આપણી દિકરી યે બનાવતા.
તું ઓફિસે જવાનું નાટક કરતી,
અને હું
નાનકડા સ્ટવ પર નાનકડી તાવી મૂકી
ભાખરી શેકવાનો અભિનય કરતી.
મારી ખોટુકલી રસોઈ થઈ જતી,
પછી
આપણે સાચુકલું સા….થ્થે બેસીને ખાતા…!

ખોટુકલું ઘર,
ખોટુકલી રસોઈ,
ખોટુકલા સંબંધો,
ખોટુકલા ઝઘડા,
પણ
સાચુકલી લાગણી
અને સાચુકલા મનામણાં…!
સાવ ખોટુકલી રમત અને
સાવ સાચુકલી મજા…!

પણ હવે
- કોણ જાણે કેમ -
બધ્ધું જ ઊલટું થઈ ગયું છે!

-ઊર્મિ

35 responses so far