Jan 24 2007

તો શું ફર્ક પડ્યો?

22 જાન્યુ. ના રોજ એક મિત્રનાં માતૃશ્રીનાં ફ્યુનરલમાં જવાનું થયું…
એમની મરણોત્તર વિધિ થતાં જોઇને સહજ રીતે સ્ફૂરી ગયેલી રચના!
 

dead-tree.jpg

એક જિંદગીને આજે મેં ઢળતી જોઇ, તો શું ફર્ક પડ્યો?
એક પળમાં- હતી ન હતી થતી જોઇ, તો શું ફર્ક પડ્યો?

હતું કાષ્ઠ સુકુ, જર્જરિત, ને સળગ્યું, તો શું ફર્ક પડ્યો?
એક કુંપળને ડૂસકાં મેં ભરતી જોઇ, તો શું ફર્ક પડ્યો?

બાંધ્યે જ રાખ્યા આયખુંભર અનેક પિંડો સંબંધોનાં,
એક પિંડની માળને મેં ગળતી જોઇ, તો શું ફર્ક પડ્યો?

જોઇ ઝાંઝવાની ઝાકમઝોળ સૂકી રેતીનાં દરિયામાં,
એક મુઠ્ઠી રેતીને મેં સરતી જોઇ, તો શું ફર્ક પડ્યો?

ઝગમગતા અગણિત તારલાઓ આભની અટારીમાં,
એક ઉલ્કાને આજે મેં ખરતી જોઇ, તો શું ફર્ક પડ્યો?

સતત કરે છે ઊર્મિપાત મુજ અંતરે તવ યાદ, વ્હાલા!
એક ઊર્મિને આજે મેં મરતી જોઇ, તો શું ફર્ક પડ્યો?

* * * 

ઊર્મિસાગર

*

11 responses so far

Jan 17 2007

મુક્તપંચિકા: કન્હૈયો

ba83.jpg

*

કરે તું મને
પગપ્રહાર,
બનાવે જો સુંદર
ફરી, તો બનું
હું પણ કુબ્જા! 

*

રાધા રિસાઇ
કુંજગલીમાં,
ને કાનો મથુરામાં,
મનાવે હવે
કોણ? કોને? ક્યાં?

*

હે રણછોડ!
બતાવ મને-
આ જીવનરણેથી
ભાગી હું, કઇ
દ્વારીકે જાઉં?

* * *

ઊર્મિસાગર

*

10 responses so far

Jan 12 2007

કહેવાય નહીં -ઊર્મિસાગર

 hpim0111.JPG

ઊર્મિનાં ઝરણાંઓ કયારે ઝાંઝવા બને કહેવાય નહીં,
ઝાંઝવાનાં રણમાં કયારે ફૂટે ઊર્મિ-ઝરણ કહેવાય નહીં.

પ્રણયમાં હજીયે મળે છે મને એક એની ઉપેક્ષાનું દર્દ,
એના બારણા પણ ક્યારે એ વાસી દે કંઇ કહેવાય નહીં.

જીવનની આ અશોકવાટિકા ત્રિજટાવિહોણી થઇ છે હવે,
અશોક પણ ક્યારે સીતાને દઇ દે અંગાર, કહેવાય નહીં.

મનસૂબો કર્યો છે સૂર્ય અને ચંદ્રએ, ગ્રહણને ન ગ્રહવાનો,
ટમટમતાં તારલાઓને હવે લાગે ગ્રહણ તો કહેવાય નહીં.

છે આખરે તો બુધ્ધિજીવી વર્ગનું એક પ્રાણી- આ માણસ,
પાનખરમાં પણ કદીક મહેંકાવે વસંતને, કહેવાય નહીં

માનવીનો છે ક્યાં ભરોસો? બનાવે છે એ ખુદનેય અહીં,
ભગવાનને પણ ક્યારે એ બનાવી દે, કંઇ કહેવાય નહીં.

અચરજ છે, ફૂટતાં ક્યાંથી આ ઝરણાં શબ્દોનાં આપમેળે?
ઊર-પાતાળે જ કોક’દી એ સૂકાઇ જાય તો કહેવાય નહીં.

ઇચ્છા તો છે કે સદા ભરતી જ રહે મુજ ઊર્મિના સાગરમાં,
પણ તારી ઊર્મિમાં ય હવે ક્યારે આવે ઓટ, કહેવાય નહીં.

* * *

સહિયારું સર્જન’ પર ‘કહેવાય નહીં’ વિષય પર લખેલી રચના…

* * *

ઊર્મિસાગર

*

3 responses so far

Jan 08 2007

નિખાલસ સાગર

 foamy-waves.jpg

હું સાગર- ખારો !
હા, તારા મિલનમાં

થઇ ગ્યો’તો,
થોડો મીઠો
ને મધુરો…
પણ હવે?!
હવે ફરી-
હું મારી
જાત
પર
આવી ગયો છું!!

* * *

ઊર્મિસાગર

*

6 responses so far

Jan 03 2007

એ શું હતું?

 facial_expression.jpg

સોંસરવું ગયું જે હૈયાની આરપાર, એ શું હતું?
મારા મનને વાગ્યું કૈંક ધારદાર, એ શું હતું?

આવી’તી જે, એ તો હતી તારી રખડેલ યાદ,
સંગ લાવી’તી કૈંક વજનદાર, એ શું હતું?

આવ્યું હતું જેવું, એવું જ ગયું એ સપનું- કોરુ,
કોરી આંખોમાં રહ્યો જે નિખાર, એ શું હતું?

ગરજ્યો ખૂબ પણ વરસ્યો નહીં જરાયે એ,
અંગઅંગમાંથી વહ્યો જે નિતાર, એ શું હતું?

ખબર હતી કે નહિં આવશે એ મહેફિલમાં,
ડોકાયું મુજમાં કો’ક વારંવાર, એ શું હતું?

હતી શબ્દોમાં રુક્ષતા ને અવાજે ઉપેક્ષા,
સંભળાયા’તા જે અંતરના તાર, એ શું હતું?

હતું આંખોમાં બંધ, એક શમણું- રિસાયેલ,
તોયે દીસ્યું’તું કૈંક અપરંપાર, એ શું હતું?

આમ તો ખાલી જ હતો મુજ ઊર્મિનો સાગર,
હતો ભરતી ને ઓટનો અણસાર, એ શું હતું?

* * *

ઊર્મિસાગર

*

7 responses so far

Dec 21 2006

ભવ્ય ઇમારત

wtc.JPG
(Twin towers…WTC, New York)

તારી બેરુખીની ઇંટોથી
ચણાઇને
રોજ વધતી રહે છે-
આપણા અબોલાની
આ ભવ્ય ઇમારત!
અને આ જો તો…!
આજે તો
એ પેલા
વિશાળ ગગનને ય
ભેદી ગઇ છે…!
પરંતુ,
મને ય ખબર છે…
તારા સ્વરની
એકાદ લહેરખી
આવશે ફરી, 
ને થાશે એ ફરી,
કકડભૂઉઉઉસ…!!
…ફરી ચણાવા સ્તો!

* * *

ઊર્મિસાગર

*

7 responses so far

Dec 13 2006

એક સ્વજન-દંપતિના લગ્નની ૨૫મી વર્ષગાંઠે… (એક મુક્તક)

અમારા એક સ્વજન-દંપતિને… આજે એમનાં લગ્નની ૨૫મી વર્ષગાંઠે… ખૂબ ખૂબ શુભેચ્છાઓ !!

25th_cake.jpg

આજની ઉષા લાવી, તમારો ચાંદીનો દિવસ,
મુબારક હો આપને આ ઝગમગતો દિવસ !
એવું રહો સમૃધ્ધ તમારા દામ્પત્યનું રાજ, કે-
આજ ઊગે- ફરી એકવાર, બની સોનાનો દિવસ!

* * *

English translation of the poetry (muktak) above…

Today’s morning have brought you this Silver day,
Congrats to both of you on this precious day,
May the kingdom of your marriage be as rich,
as it may rise again, someday- as a Golden day!

* * *

ઊર્મિસાગર

*

One response so far

Dec 12 2006

હું ઊર્મિની એક કઠપૂતળી

 kathputli3.jpg

હું ઊર્મિની એક કઠપૂતળી, તું મને નચાવતો નટ,
તારા કરમાં હો મુજ દોર ભલે, પણ પડતો મારો જ વટ!
હું ઊર્મિની એક કઠપૂતળી…

શા હાલ થશે મુજ હૈયાનાં કદી આવશે તું જો નિકટ?
જ્યાં નામ જ તારું સાંભળી મારી ઊર્મિ બને નટખટ! 
હું ઊર્મિની એક કઠપૂતળી…

જનમ જનમની કોને ખબર? લે, હાથ પકડ ઝટપટ,
ઓ અલગારી પ્રીતની તારે, શેં કરવી નથી ખટપટ?
હું ઊર્મિની એક કઠપૂતળી…

જો, ’રે છે સદા ભરતી અહીંયા, મુજ ઊર્મિસાગર તટ,
આ ઊરસાગરનો નૃપ થઇને ય તું રહેતો કોરોકટ!
હું ઊર્મિની એક કઠપૂતળી…

* * *

ઊર્મિસાગર

*

7 responses so far

Dec 08 2006

મુક્તપંચિકા: તાપીમાં આવેલા પુર ઉપર…

 surat_flood3.jpg

સૂર્યપુત્રીનો
પ્રકોપ હતો?
કે ધરતીપુત્રોનો?
પૂર આખરે
ઓસરી ગયા!

*

તાપીમાં માત્ર
પાણી છોડાયુ,
ક્યુસેકમાં- પણ આ 
સાથે બીજું શું 
શું વહી આવ્યું?

* * *

ઊર્મિસાગર

*

3 responses so far

Dec 05 2006

અમારે હવે બોલવું નથી…

sad_face_blue.GIF

અમે આજ લગી બહુ બોલ્યાં, સજન! 
અમારે હવે બોલવું નથી…

લાગણીના પડણોને ચીરી ચીરીને,
આ કાળજું અમારે હવે કોરવું નથી,
અમારે હવે બોલવું નથી…

ઊર્મિ અમારી થઇ ગઇ પાણી પાણી,
એ પાણીને પત્થર પર ઢોળવું નથી,
અમારે હવે બોલવું નથી…

પ્રીતની પળો છો ચાલી અમને છોડી,
અમારે પાછળ એની દોડવું નથી,
અમારે હવે બોલવું નથી…

પ્રેમનું આ દર્દ મારા અંતરનો વૈભવ,
એને વેદનાના ત્રાજવે તોલવું નથી,
અમારે હવે બોલવું નથી…

છોને લુંટાયો મારા ઊરનો ખજાનો,
એની યાદોના તાળાને ખોલવું નથી, 
અમારે હવે બોલવું નથી…

તણાઇ રહ્યા છો આ જગનાં વહેણમાં,
પણ ઝાલવું નથી ને કાંઇ છોડવું નથી,
અમારે હવે બોલવું નથી…

એવા ખોવાયા અમે ઊર્મિનાં સાગરે,
કે ખુદને અમારે હવે ખોળવું નથી,
અમારે હવે બોલવું નથી…

* * *

ઊર્મિસાગર

*

આપણે હવે મળવું નથી ગઝલ સાંભળી સાંભળીને આ ગીત જેવું કંઇક મનમાં સ્ફૂરી ગયું હતું…

*

13 responses so far