Dec 04 2007
હું છલકાઈ ગઈ
આગળ મેં પ્રેમમાં પડેલી એક સખીને સવાલો પૂછતી એક રચના લખી હતી… કોણે કર્યું કામણ સખી? જો કે, એ સખી પાસેથી તો મને કોઈ જવાબો જ ના મળ્યા… એટલે પછી હું જ એ સખી બની ગઈ ! :-) સાચું કહું તો આ રચના આનંદની કોઈ ક્ષણોમાં પહેલા જ લખાઈ ગઈ હતી… અને આના પરથી જ સખીને સવાલો પૂછતી એ સવાલ-રચના બનાવી હતી!
નવી નવી (કે જૂની જૂની?) પ્રેમમાં પડેલી જાણી-અજાણી તમામ સખીઓને આ કાવ્ય અર્પણ…!
(સફરથી હું લલચાઈ ગઈ… 19 જૂન, 2007)
ક્યાં દૂર છે તું?
યાદમાં રાખ્યો તને
મોઘમ સખા !
*
ખાલી હતી ઉભરાઈ ગઈ,
અંદરથી હું છલકાઈ ગઈ.
તારા વિરહમાં આમ તો,
કેવી હતી કરમાઈ ગઈ!
અલ્લડ હતી, પણ તેં સજન,
છેડી મને- શરમાઈ ગઈ.
ન્હોતી હસી કોઈ કારણે,
કારણ વિના મલકાઈ ગઈ.
રાખી હતી મોઘમ ખુશી,
પણ આંખમાં ડોકાઈ ગઈ.
કામણ નજરનું તેં કર્યું,
ને હું ફરી ભરમાઈ ગઈ.
વ્હાલમ, હું તારા સ્પર્શથી,
કોરી હતી, અભડાઈ ગઈ!
તું કર સભર ઊર્મિ, સખા!
ન કહું કદી, ‘મુરઝાઈ ગઈ’!
-’ઊર્મિ’ (23 ઑક્ટોબર, 2007)
છંદવિધાન: ગાગાલગા ગાગાલગા
* * *




Very nice answer
well urmi day by day, તમારી બધી રચનાઓ વધારે ને વધારે સુન્દર બનતી જાય છે. and pictures are always soooo good and appropriate for that individuale post.
રાખી હતી મોઘમ ખુશી,
પણ આંખમાં ડોકાઈ ગઈ.
કામણ નજરનું તેં કર્યું,
ને હું ફરી ભરમાઈ ગઈ.
વ્હાલમ, હું તારા સ્પર્શથી,
કોરી હતી, અભડાઈ ગઈ.
ખુબ સુંદર ઊર્મિબેન..!
અરે વાહ…
હ્રદયની ઊર્મિઓને કેવી સરસ વાચા આપી છે.
નવી નવી - તાજી તાજી - પ્રેમમાં પડેલી હું… કવિતા લખવાનું કેટલુંય મન થાય પણ… ( પેલી ગઝલ છે ને - મનમાં જાગેલી ઊર્મિની સહેજ પરીક્ષા લેવી’તી.. એક રૂપાળા જીવને મારે મનની વાતો કહેવી’તી.. )
સરસ્વતીની મહેરબાની નથી… પણ સખી, તુ એટલી મહેરબાન છે કે સરસ્વતીની ખોટ વધારે સાલતી નથી..!!
‘તારા વિરહમાં આમ તો,
કેવી હતી કરમાઈ ગઈ!
અલ્લડ હતી, પણ તેં સજન,
છેડી મને- શરમાઈ ગઈ.
ન્હોતી હસી કોઈ કારણે,
કારણ વિના મલકાઈ ગઈ.’
સુંદર
યાદ આવી પંક્તીઓ-
પ્રીતની એકપક્ષી રમત થઇ ગઇ,
કેવી નાદાની સંજોગવત થઇ ગઇ.
હાર કે જીત જેવું કશું ના રહ્યું,
જિંદગી એક અમસ્તી શરત થઇ ગઇ.
નામ આવ્યું તમારું કે કિસ્સો ખતમ,
લાગણીઓ બધી એકમત થઇ ગઇ.
મારા દિલ પર વધુ ભાર એનો રહ્યો,
એમની જો કદી ‘હા’ તરત થઇ ગઇ.
બહુ સરસ અને સરળ ,છતા’ ગહન-અભિન્’દન.
ઊર્મીબેન સાવધાન !! સારૂં લગાડવા માટે
માત્ર “વાહ-વાહ” કરતાં તાળીમિત્રોનાં ટોળામાં ભળવું
મારા સ્વભાવમાં નથી.એટલે
મને જે ન ગમે તે હું કહ્યાવગર નથી રહી શક્તો (ક્ષમાકરજો-નહીં કહું )
પ્રસ્તુત રચનામાં,
લાગણીની અભિવ્યક્તિના કાવ્યાંકનમાં,મને
વ્હાલમ ના સ્પર્શથી અભડાઈ જવાની વાત જરાય ગળે ઉતરતી નથી
આજ વાત બીજા શબ્દપ્રયોગથી વધુ નમણાશ કે નજાકતથી કહી હોત(દા.ત.-લજાઈ ગઈ;ભીંજાઈ ગઈ)તો
આ “અભડાઈ ગઈ” થી જે ક્લીષ્ટભાવ જણાયો તે નિવારી શકાયો હોત.
બીજું એ કે, કવિ તરીકે કોઇ રચના લખ્યા પછી ટીકાકાર તરીકે વારંવાર વાંચવી એવું મારૂં માનવું છે.
ખરા છો તમે ય, વ્હાલમનાં સ્પર્શથી કોઇ “વ્હાલું” અભડાતું હશે !!!!!!!
ન્હોતી હસી કોઈ કારણે,
કારણ વિના મલકાઈ ગઈ.
- સરસ !
મઝા આવી ગઈ. ફ્રેશ થઈ જવાય.
અલ્લડ હતી, પણ તેં સજન,
છેડી મને- શરમાઈ ગઈ.
! સુન્દર !
ખરેખર ”ઊર્મિસભર” રચના…!!!
-જયદીપ.
આ વાંચી હું હરખઈ ગઈ..
લખવા અહિં ખેઁચાઈ ગઈ..
બહુ સરસ રચના…
સોળમા આ સાલે જોબન ટહુંકે.
જો ગુલાબી ગાલે જોબન ટહુંકે.
કેટલી અચરજ હશે એના હૈયે?
ઊર્મિના ઊછાળે જોબન ટહુંકે.
કે સતત પડઘા પડે છે શા ચેતન?
કો અજાણ્યા તાલે જોબન ટહુંકે.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
વાહ મજા આવી ગયી
કારણ વિના સરમાઈ ગયી
યુવાની ફરીથી યાદ આવી ગયી
ઊર્મિ,
ભલે તું ….
છલકાઈ ગઈ.
કરમાઈ ગઈ!
શરમાઈ ગઈ.
મલકાઈ ગઈ.
ડોકાઈ ગઈ.
ભરમાઈ ગઈ.
અભડાઈ ગઈ!
‘મુરઝાઈ ગઈ’
પણ આટલી સરસ કવિતા રચીને રખે તું નજરાઇ જ્તી!
આટલું લખ્યા પછી જરુર છે કહેવાની કે ખૂબ સુંદર!
પ્રિય ઊર્મી,
હંમેશ મુજબ એક વધુ સુંદર ભાવજગતમા ગળાસુધી ડુબેલી રચના!!!!
આ “અભડાઈ જવુ” શબ્દ વિષેની મહેશભાઈની વાતે જરા ધ્યાન ખેચ્યુ.
દરેક પ્રતિભાવકની એક અલગ ભાવનાસૃષ્ટી હોય છે દરેક કાવ્યને સમજવાની, અનુભવવાની અને પ્રતિભાવ વ્યક્ત કરવાની.
તમે માઠું ના લગાડો તો એક વાત કહું મહેશભાઈ? અન્યને “વાહ વાહ” કરનારા તાળીમિત્રો કહી તમે પોતાને અલગ તારવ્યા વગર પણ આ જ વાત અહીં કહી હોત, તો શું “પ્રતિભાવક” તરીકે તમે વધુ પ્રામાણિક ના રહેત?!!
અહી “અભડાઈ જવુ” એ વાસ્તવિક અર્થમા ક્લીષ્ટભાવ ધરાવતો એક રફ શબ્દ હોઇ શકે (અરે, છે જ!) પરંતુ સ્ત્રીનુ સ્નેહ વિશ્વ ખરે જ બહુ અલગ છે. વ્હાલમને જ બેશરમ, નિર્લજ્જ, બેદર્દી, બેઇમાન, ચોર, સાવ જુઠ્ઠો, કઠોર, નિષ્ઠુર, પાષાણ, નિર્દયી,પાપી, દુષ્ટ વગેરે વગેરે કહેતી સ્ત્રી તેના વાસ્તવિક નકારાત્મક અર્થથી તદ્દન વિરુદ્ધ ભાવ અનુભવતી હોય શકે છે. વ્હાલમના સ્પર્શથી તો ભલા ના જ અભડાવાય ને! એ તો ધન્ય અને સફલ જ થવાય! પણ વ્હાલમના સ્પર્શથી જ્યારે લાગણીનુ કોરાપણું અભડાય છે ત્યારે તેમાં વ્હાલમના અસ્તિત્વનો પૂર્ણ સ્વિકાર થાય છે અને ત્યારે સ્ત્રી વ્હાલમની વ્હાલમી બને છે. સ્ત્રીના ભાવ અને શબ્દવિશ્વમાં આવા શબ્દોના વાસ્તવિક અર્થનો (દા.ત. અહીં ક્લીષ્ટ) અને એજ શબ્દને તેના મૂળ અર્થમાથી સાંગોપાંગ બહાર ખેચી લાવી એક નવો જ અર્થ બતાડવામાં ખરેખર અત્યંત પાતળો “સ્નેહ ભેદ” રહેલો છે… અને ઊર્મીના ઊર્મીચિત્રો (કાવ્યો) આવા નિરાળા રંગે જ રંગાયેલા હોય છે.
કારણ તો મને ખબર નથી પરંતુ તમે પોતે એક કવિ છો (અને તમારી ગઝલો વાંચી છે એટલે કહી શકું કે ખૂબ જ સારા અને સંવેદનશીલ કવિ છો!) એટલે મને પૂર્ણ આશા છે “લાચાર શબ્દો”થી લાગણીના નવનીતને જરૂરથી તમે જૂદુ તારવી જ લેશો.
……………………………………………….
ગળે આશ્ચર્યનેં ઉતારવાનીં ટેવ પાડી લ્યો!
ન ધાર્યું હોય એ પણ ધારવાનીં ટેવ પાડી લ્યો!
………………………………………………..
પ્રિય મહેશભાઈ… તમારા નિખાલસ અભિપ્રાય બદલ ખૂબ ખૂબ આભાર… ખાસ કરીને જ્યારે તમે પોતે એક સિધ્ધ કવિ છો અને હું એક નવી નવી નિશાળીયણ છું ! તમારા જેવા વાંચકમિત્રોનાં આવા નિખાલસ અભિપ્રાયો મારે માટે ખૂબ જ અમૂલ્ય છે… અને સાથે સાથે અહીં તમામ મિત્રોએ આપેલા અભિપ્રાયો પણ મારે માટે એટલા જ અમૂલ્ય છે… માત્ર એટલા માટે નહીં કે તેઓ મારા કાવ્યનાં વખાણ કરે છે (અને એમનાં વખાણની ખાણથી મને ‘ડાયાબિટીસ’ ના થઈ જાય એની તો ખાસ કાળજી રાખું છું હોં!) પરંતુ ખાસ એટલા માટે આ તમામ મિત્રો જાણ્યે-અજાણ્યે (મૂક રહીને કે આમ બોલીને) મારી આ કાવ્યસફરનાં સાથીદારો છે, સાક્ષી છે… મારી રચનાઓ વિશેનાં એમનાં ગમા-અણગમાનાં નિખાલસ મંતવ્યોએ જ મને છંદ સહિત બીજું ઘણું ઘણું શીખવા માટે પ્રેરી છે… જેના માટે એ તમામ મિત્રોની હું આજીવન ઋણી રહીશ. ફરીથી, તમારા મંતવ્ય બદલ દિલથી આભાર માનું છું.
‘અભડાઈ જવું’ પર પ્રિય ભાવનાબેને જે રીતે સ્ત્રીનાં ભાવજગતને ખોલવાની ચેષ્ટા કરી છે એ માટે હું એમની ખૂબ જ આભારી છું.
મારા તરફથી બસ એટલું જ કહીશ…કે વાંચકમિત્રો જો સ્ત્રીનાં ભાવજગતમાં પૂર્ણપણે પ્રવેશી શકે, તો જ આવા કાવ્યોને પૂર્ણપણે માણી શકે !
‘અભડાવું’ શબ્દનો અર્થ શબ્દકોશમાં આ પ્રમાણે છે:
(1) અથડાવું, ભટકાવું.
(૨) વગર નાહેલાને અડક્યાથી અશુદ્ધ થવું.
(૩) અપવિત્ર થવું, નાહવું પડે એવું થવું.
(૪) (સ્ત્રીને માટે) રજસ્વલા થવું.
(૫) વટલાવું, ભ્રષ્ટ થવું
-આમાંથી કોઈ અર્થ આ ગઝલને ઉપકારક નીવડી શકે ખરો? કવિતાની ભાષાની કોઈ મર્યાદા નથી. કવિતામાં સાવ જુગુપ્સાપ્રેરક શબ્દો પણ વાપરી શકાય. દુનિયાની કોઈ ભાષાએ જાતીયતા કે અશ્લીલતાને કાવ્યાત્મકરીતે શબ્દોમાં ઢાળવાનું બાકી રાખ્યું નથી અને એ રીતે આપણને ઢગલોક ઉત્તમ કાવ્યો પણ મળ્યા છે. મૂળભૂત રીતે કવિતા એ મનુષ્યના મનોભાવોનું સૂક્ષ્મતમ નિરૂપણ હોવાથી દરેક પ્રકારના અંગત ભાવોનું સુલેખ શબ્દાંકન સ્વીકાર્ય છે…
હું સ્ત્રી નથી એટલે કદાચ ભાવનાબહેન કે ઊર્મિની જેમ સ્ત્રીના અંતરંગ ભાવોને સમજવા માટે સમર્થ કે સક્ષમ નથી જ નથી…. છતાં અહીં અભડાવું શબ્દ-પ્રયોગ ગઝલના વહી જતા લયમાં વ્યવધાન બનતો હોય એમ કેમ લાગે છે?
ભાવનાબેનની વાતમાં તથ્ય છે અને મહેશભાઈ તથા વિવેકભાઈની વાતમાં પણ-
આ પંક્તિના ભાવને જ માણીએ તો ?!!
વીવેકભાઈના પ્રશ્નાર્થમાં દમ છે..
મને ગઝલ–બંધારણનું ભાન નથી છતાં કહું કે,
આમ કરીએ તો?
વ્હાલમ, હું તારા સ્પર્શથી,
કોરી હતી, ભીંજાઈ ગઈ!
ચાલે?….ઉત્તમ અને મધુ..સુરત..
એક્દમ અઁતર નેી ઉર્મેી ભરેલુ કાવ્ય ..હૃદય જ્યારે વહાલમ ના સ્પર્શ વિના પણ આા બધા ભાવો ને મહેસુસ કરે ત્યારે આવી રીતે કાવ્ય રૂપે અઁતર ની ઊર્મીઓ શબ્દો મા ઢ્ળૅ છે..!
કોરીની સામે અભડાઇ શબ્દ મુકાયો છે. કોરી dryના અર્થમાં હોય તો ભીંજાઇ બરાબર ગણાય. પરન્તુ કોરી untouchedના અર્થમાં હોય તો અભડાઈ બરાબર છે. કંઇ અડી ન જાય એની કાળજી લેવા છતાં સ્પર્શ થઇ જાય તો એ અર્થમાં અભડાઇ શબ્દ વાપરી શકાય. શ્રુંગાર અને અશ્લીલતા વચ્ચેનો ભેદ દરેક સર્જકને ખબર હોય છે.
આભડછેટ શબ્દ પણ સ્પર્શના સન્દર્ભમાં જ છે ને!
રઈશભાઈની વાત મહદ-અંશે સાચી લાગે છે…
નકારાત્મક વાત કે વસ્તુનો સ્વિકાર પણ સઆનંદ અને સઊર્મી જ્યારે કરી શકાય ત્યારે તે પાત્રનો અને તેના હોવા પણાનો સંપુર્ણ સ્વિકાર અનુભવી શકાય. કોરા હોવાનુ અભિમાન જ્યારે તુટે છે ત્યારે પ્રથમ નકાર ભાવ અભડાઈ ગયા તેવો ઉઠે છે અને એ ભાવ સાંગોપાંગ સ્વિકાર્ય છે કારણ કે એ સ્પર્શ વ્હાલમનો સ્પર્શ છે.
ઉર્મિ,
સખાથી કોણ દૂર થઈ શક્યુ?
લાગણી અભિવ્યક્ત કરવા વાચા,સ્પર્શ, વગેરેથી પણ વિશેષ મન છે.
મન ને કોઇ બન્ધન નથી નડ્તા.
કોઇના પ્રેમ મા ન હોવ તો પણ પાડી દે એવી છે તમારી ગઝલ.
keep it up.
તમારિ કલ્પ્ના અદ્ભ્હુત સે
રઈશજીનું બયાન ગળે ઉતરે એવું છે.
ખુબ સરસ,
મને યાદ છે જ્યારે અમારે સઁજોગોથી હારીને છુટુઁ પડવુઁ પડ્યુઁ,
અઁતર અમારુઁ બહુઁ વધી ગયુઁ છે, પણ આ કવિતાએ મને હરખાવી દીધો…
Thanks a lot…!!!