Jul 13 2007
નિરાલીને શબ્દાંજલિ

(માસૂમ કળીને પુષ્પાંજલિ… 26 મે, 2007)
ગયા વર્ષે નિરાલી વિશે જ્યારે મેં શરૂ શરૂમાં વાંચ્યું હતું ત્યારે અનાયાસે જ આ રચના લખાઈ ગઈ હતી… જો કે ત્યારે મારા શબ્દોમાં હજી એટલું ‘શાણપણ’ ન્હોતું, જેટલું અત્યારે આવ્યું છે… પરંતુ અંતરમાંથી એકદમ સહજ રીતે સ્ફૂરેલા આ શબ્દો હતા…!!
પ્રભુને વિનંતી
તારા જ મંદિરના દિપકની એક નાનકડી જ્યોતિ છું હું,
પ્રભુ! તારી કૃપાના તેલથી મને કાયમ સળગતી રાખ તું!
તારા જ આંગણાના છોડની એક નાનકડી કળી છું હું,
પ્રભુ! તારા હેતના પવનથી મને કાયમ મહેંકતી રાખ તું!
તારા જ અંતરના આકાશનું એક નાનકડું પંખી છું હું,
પ્રભુ! તારી અમીદ્રષ્ટિથી મને કાયમ ચહેકતી રાખ તું!
*
નિરાલીને અંજલિ આપવા માટે આયાસે લખેલી પ્રેમ અને શ્રદ્ધારૂપી આ બે રચનાઓ… જે કદાચ છંદની નજીક તો છે જ, પરંતુ મેં એને આયાસે છંદમાં ઢાળવાનો સબળ પ્રયત્ન કર્યો નથી, તો એ માટે મને મારા પ્રિય કવિમિત્રો માફ કરે…!! (અને વિવેચન પણ જરૂર કરે!)
‘બોલો પ્રભુ!‘ રચનામાં અંતરમાં ઉઠેલો એ જ આક્રોશ છે, જે આક્રોશ મને -એક બિલકુલ અજાણી વ્યક્તિને- નિરાલીનાં અવસાનનાં સમાચાર એની વેબસાઇટ ઉપર વાંચીને થયો હતો… જે આક્રોશ ઘણા લોકોએ ઘણી નજીકથી ઓછે-વત્તે અંશે એ જરૂર અનુભવ્યો હશે જ! અહીં એ જ આક્રોશ નિરાલીનાં પ્રભુને પૂછેલા પ્રશ્નરૂપે પ્રગટ થયો છે (જે મારી પહેલી રચનાનાં અનુસંધાનમાં પણ છે)!!
બોલો પ્રભુ !
તારા મંદિરની હતી, નાનકડી એક જ્યોત હું,
શું કર્યો અપરાધ મેં, કે મારે બુઝાવું પડ્યું?
તારા આંગણની હતી, નાજુક કોમળ-શી કળી,
મારી ડાળથી નાથ મારે, કેમ અલગ થાવું પડ્યું?
તારા નભમાં હું હતી, નિર્ભય વિહરતી પંખીણી,
હે પ્રભુ! બોલો પ્રભુ! શીદ મારે જાવું પડ્યું?
*
પરંતુ પછી મને થયું કે, નિરાલીનાં પ્રશ્નની સામે ‘પ્રભુનો ઉત્તર શું હોત?’ અને એ અટકળોમાંથી જે પ્રગટ થયો, એ છે ‘શાશ્વત પરમ સંબંધ’ ! જે કદાચ મારા મનમાં ઉઠેલા આક્રોશને શાંત કરવામાં મહ્દઅંશે સફળ રહ્યો છે… કદાચ કોઈક બીજાને પણ એ શાતા આપી શકે… કદાચ!!
શાશ્વત પરમ સંબંધ
હે સુકોમળ-શી કળી! ના તેં કર્યા કો’ પાપ છે,
આવિયા’તા સંગ તારી, ગત જનમનાં કર્મ છે.
હું જગતનો નાથ છું પણ મારું ક્યાં કો’ ચલણ છે?
હું યે આવું છું ધરા પર, પણ વિધિનું જ જોર છે.
હું કરું જો પાપ તો, મારે જ ભોગવવા રહ્યા,
ને કરું જો પુણ્ય હું, જલસા કરું, એ અશંક છે.
હા, હતી મુજ અંશ તું, ને હું જ તારામાં હતો,
આજ લાગે છો લઘુ, પણ સફળ તુજ જન્મ છે.
કાલ તારી સ્મૃતિઓ પણ કરી શકે કો’ ચમત્કૃતિ,
આજ કકળે મા-બાપ, કલ કર્મ કરે કો’ ભવ્ય છે!
ભાવિ ગર્ભે શું ભર્યું છે, ના જાણે કો’ જન કદી,
નરસું લાગે આજ જે, એ હો અસલમાં દિવ્ય છે.
વ્હાલી દીકરી, તું હતી જગમાં નિરાલી સર્વથી,
ઊર્મિથી પર આપણો શાશ્વત પરમ સંબંધ છે.
* * *
નોંધ: નિરાલીને બોન-મેરો મેચ તો મળ્યું ન્હોતું, પરંતુ એને કોર્ડ બ્લડનું મેચ (cord blood match) જરૂર મળ્યું હતું જે મેરો-મેચ મળવા સમાન જ હતું… પરંતુ એનું ટ્રાન્સપ્લાંટ કરતી વખતે કોમ્પ્લીકેશન થઈ જતાં એનું મૃત્યુ થયું હતું…!!
ગઈકાલે નિરાલીને (18 માસની ઉંમરે) જેની સખત જરૂર હતી, એની જ જરૂર આજે બીજા ઘણા લોકોને પણ છે… હા, બોન-મેરોની! જેમ કે વિનય, સમીર(ઉંમર 31 વર્ષ), રોહન (ઉંમર 18 માસ), ઊર્મિ (ઉંમર 5 વર્ષ), આનંદ (ઉંમર 21 માસ), લીના (28 વર્ષની નાના બાળકની મા)… અને આ લિસ્ટ વધતું જ જાય છે… આ લિસ્ટ જે ઝડપથી વધે છે એનાં કરતાં પણ વધુ ઝડપે આપણે સૌ ભેગા મળીને સાઉથ એશિયન મેરોની રજીસ્ટ્રીનું જ લિસ્ટ વધારીએ, તો એ જ વધુ સારું રહેશે ને મિત્રો…?! મેરો-ડોનર થવા માટે, રજીસ્ટર કરવા માટે અથવા એને લગતી વધુ વિગતો જાણવા માટે તમે આ વેબસાઇટ- www.vinayandsameer.org -ની મુલાકાત જરૂર લેશો… એવી મારી સૌને નમ્ર વિનંતી છે!!
પ્રભુને અંતરમનથી પ્રાર્થના કરીએ કે આ લિસ્ટમાંના દરેક જણને સમયસર એમની મેરો-મેચ મળી રહે… અસ્તુ.
* * *




સરસ રચના ઊર્મિ… !!
ગઇકાલે એક marrow-drive માં volunteer કરવા ગઇ હતી… ત્યાં વિનય, ઊર્મિ વિષે થોડુ વધુ જાણવા મળ્યું. એ પણ જાણ્યું કે મેચ મળ્યા પછી પણ ડોનર - ડોનેશન માટે હા પાડે એની શક્યતા સાઉથ એશિયન કોમ્યુનિટીમાં ફક્ત ૪૦ % જેટલી છે. ( જે બાકીના લોકો માટે ૭૦ % ની આજુબાજુ છે.. )
આ વાંચતા દરેકને મારી ખાસ વિનંતી… તમે રજિસ્ટર કરાવો, ડોનેશન કરવાના આશયથી કરાવો.. અને તમારા બીજા મિત્રોને ખાસ ભલામણ કરો એ આ બાબતને આસાનીથી અભરાઇએ ન ચડાવી દે. તમારા જિગરજાન મિત્ર માટે કરવાનું છે, એમ વિચારીને આ કામને પ્રાધાન્ય આપે. કારણ કે આજે ભલે તમે વિનય, સમીર કે ઊર્મિને ઓળખતા નથી, પણ બની શકે કે કાલે મને જ એની જરૂર પડે. મારા માટે તો આટલું કરશો ને ??
[...] તારા આંગણની હતી, નાજુક કોમળ-શી કળી, માર… [...]
મને લાગે છે કે આ કાવ્યો અમર થવાને સર્જાયા છે. અતિસુંદર … હ્રદયના સૂક્ષ્મ ભાવોને અત્યંત સંવેદનશીલ શૈલીમાં આવરી લીધા છે.
અને “વ્હાલી દીકરી, તું હતી જગમાં નિરાલી સર્વથી,
ઊર્મિથી પર આપણો શાશ્વત પરમ સંબંધ છે”
અહીં ગીતાના સિદ્ધાંતને ખુબ જ આધ્યાત્મિક રીતે વણી લેવામાં આવ્યો છે.
જયભાઈ, પ્રોત્સાહન માટે ખૂબ ખૂબ આભાર… પણ આ તો મારા ચિલાચાલુ અને શિખાઉં કાવ્યો છે… એ કાંઇ એમ નેમ થોડા અમર થવાના છે…?!! અમર કાવ્યો લખવા માટે તો આપણા ઘણા ગ્રેટ સારસ્વતો છે જ ને…! આ શબ્દો તો મારી ઊર્મિમાં ભીંજાઇને અહીં થોડા ઝર્યા છે, અંજલિરૂપે… બસ, એનાથી વધુ કાંઇ નથી!
ઊર્મિ દીદી,
નિરાલીને શબ્દાંજલિ અર્પતા કાવ્યો વાંચ્યા…
મનમાં ઇશ્વર પ્રત્યે થોડો રોષ પણ જન્મ્યો. પણ મન ને સમાધાન મળ્યું ‘શાશ્વત પરમ સંબંધ’માં….
“ભાવિ ગર્ભે શું ભર્યું છે, ના જાણે કો’ જન કદી,
નરસું લાગે આજ જે, એ હો અસલમાં દિવ્ય છે.”
લ્ખ્યા લલાટે લેખ…ભલભલા ચમરબંધી ને કર્મો છોડતા નથી.આ સઘળાય વિધિ ના ગણિત…
“હું જગતનો નાથ છું પણ મારું ક્યાં કો’ ચલણ છે?
હું યે આવું છું ધરા પર, પણ વિધિનું જ જોર છે.”
આર્દ્ર સ્વરે ઇશ્વરને પ્રશ્ન પૂછી રહેલી નાની શી બાળા નજર સમક્ષ છતી થઇ ગઇ.એક એક પંક્તિ વંચાતી ગઇ ને વિખુટા પડવાની વેદના વધુ ને વધુ તિવ્ર થતી ગઇ. બાળા જ્યોત સ્વરુપે, કળી સ્વરુપે અને મુક્તે મને વિહરતી પંખીણિ સ્વરુપે ફરીથી કાવ્યમાં જીવંત જણાઇ…દેહ ભલે પંચભૂતમાં ભળી ગયો, પણ તમે નિરાલી ને શબ્દદેહે ફરીથી (એના મ્રુત્યુ પછીયે) જીવાડી દીધી.
હવે મઁદિરમા ટમટમતી જયોત જોઇશ ને નિરાલી યાદ આવશે, પુષ્પની કળી ને પાઁગરતી જોઇશ ને નિરાલી યાદ આવશે, નભમાં વિહરતી પંખીણી ને જોઇશ ને નિરાલી માનસપટલમાઁ શુઁ ઉપસ્થિત નહી થાય?
ખરેખર આંખો વરસી પડી..!!!!!!!!..
ઊર્મિદીદી,
બોલો પ્રભુ !
તારા મંદિરની હતી, નાનકડી એક જ્યોત હું,
શું કર્યો અપરાધ મેં, કે મારે બુઝાવું પડ્યું?
તારા આંગણની હતી, નાજુક કોમળ-શી કળી,
મારી ડાળથી નાથ મારે, કેમ અલગ થાવું પડ્યું?
તારા નભમાં હું હતી, નિર્ભય વિહરતી પંખીણી,
હે પ્રભુ! બોલો પ્રભુ! શીદ મારે જાવું પડ્યું?
આ કાવ્ય હું રોજ એક વાર વાંચુ…જયભાઈએ કહ્યુંને કે “આ કાવ્યો અમર થવાને સર્જાયા છે”. સાચે કહું? ખૂબ જ સુંદર કૃતિ છે.
તારા જ અંતરના આકાશનું એક નાનકડું પંખી છું હું,
પ્રભુ! તારી અમીદ્રષ્ટિથી મને કાયમ ચહેકતી રાખ તું!