Mar 06 2008
ક્યાંય તું નથી!
લગભગ દોઢેક વર્ષ પહેલાં મેં એક અછાંદસ કવિતા લખી હતી… એનો રદીફ તો મેં જાળવ્યો હતો પરંતુ એ છંદમાં ન હતી એટલે એને ગઝલ તો બિલકુલ જ કહી શકાય એમ ન્હોતી… થોડા વખત પહેલાં એ કવિતા ફરી મારી નજરે ચડી ગઈ… એમ તો જે ઓલરેડી લખાઈ ગયેલી હોય છે એ અછાંદસ કવિતાઓને છંદમાં ઢાળવા કરતાં મને નવી ગઝલ લખવાનું જરા વધારે સરળ લાગે છે… તેમ છતાં થયું કે કોશિશ તો કરી જોઉં… અને આખરે એ કવિતાનો ભાવ યથાવત્ રહેવા દઈ એને છંદમાં ઢાળી અને સુસ્ત કાફિયા આપી એ કવિતડાંને ગઝલનું રૂપ આપવામાં સફળ થઈ છું… હવે કેટલી સફળ થઈ છું, એ તો મારા કવિમિત્રો જ જણાવશે… સૌથી મહત્વની વાત એ થઈ કે મારા માટે એક સરસ મજાની પ્રેકટીસ થઈ ગઈ… :-) આશા છે કે આપ સૌને આ ગઝલ જરૂર ગમશે, અને ન ગમે તો પણ તમે મને જરૂરથી નિ:સંકોચ જણાવજો હોં!

(તારા વિનાનો નિર્જન પથ… 4 ફેબ્રુઆરી, 2008)
તું છે જ… પણ
મૂઢ આંખોથી મારી,
શેં ભાળું તને?
*
હું તો હજીયે હું જ છું પણ તું જ તું નથી,
અહીંયા જ છું હજીયે હું પણ ક્યાંય તું નથી.
પૂજ્યો હતો કદીક મેં એ પહાણ તું નથી,
સંગે ઉભય વહ્યા હતા, એ ધાર તું નથી.
ભેગા થયા’તા રસ્તા અકસ્માત આપણા,
થઈ હમસફર ભળ્યા’તા… સફરમાં જ તું નથી.
સાક્ષી છે એ સમય, એ ક્ષણો, ને એ પથ્થરો,
ચાલ્યા હતા મળીને, એ પથમાં ય તું નથી.
છે એમ તો તું મારી દશેદશ દિશે વસ્યો,
શોધું છું જ્યાં તને હું, બસ એક ત્યાં જ તું નથી.
સ્પર્શી ગઈ’તી તારી મુજ અંતરને એકવાર,
એ ઊર્મિ પણ જો, ગણગણી… ‘હા, ક્યાંય તું નથી!’
-’ઊર્મિ’
છંદવિધાન: ગાગાલગા લગાલલ ગાગાલગા લગા
(રાગ: મૈં જીન્દગીકા સાથ નિભાતા ચલા ગયા…)




આપની રચના ખૂબ જ સુંદર છે, અછાંદસ પરથી છાંદસ પર તો તમે મહીનાઓ પહેલા આવી ગયા છો, અને આજે તો છંદ પણ સુંદર પસંદ કર્યો છે-
…..‘હા, ક્યાંય તું નથી!’
પરંતું તારી યાદ સર્વત્ર છે, કલાપિએ કહ્યું છે ને કે
‘જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની’
નેતી નેતી કરતા પણ પરમ પમાય છે.
સરસ મઝાની ગઝલ
આ પંક્તીઓ ખાસ ગમી
છે એમ તો તું મારી દશેદશ દિશે વસ્યો,
શોધું તને હું જ્યાં જ્યાં, બસ એક ત્યાં જ તું નથી.
‘સંગે ઉભય વહ્યા હતા’- વાંચી
સંગિદલકો સંગલે કર
સંગિદલકે ઘર ગઈ
જીસકા િદલથા સંગે મરમર
ઉનકે સંગ મરમર ગઈ
આ પંક્તીઓ યાદ આવી
આ રીતે કેટલાકે િવચર્યું પણ છે
તેઓને યાદ કરીએ
તું નથી આ સુરના શણગારમાં ..
તું નથી આ શબ્દના આકારમાં ..
તું નથી રહી આસપાસ મારી
મારા શ્વાસ શ્વાસમાં તારી સુગંધ છે.
શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
તું નથી એજ જંગ છે મારી ભીતર.
કયાંય તું નથી…. એવું પલ પલ અહેસાસ થાય એનો અર્થ જ કે દિલમાં સજજડ રીતે છે, યાદ રુપે. વગર-ભાડે રહેતા ભાડુઆતની માફક યાદો દિલનો ખૂણો ખાલી કરવાનું નામ જ નથી લેતી ત્યારે કયારેક આવું પ્ણ થાય કે
જાયે કોઇ ઉનકો સમઝાયે, જાના હૈ તો દિલ સે ભી જાયેં, યાદ ભી લેકર જાયે રે જાયે.
દિલ ચાહે સાજન લૌટ આયે…..
વધુ રુબરુમાં (ફોન પર સ્તો….)
ગુજરાતી ટાઈપીંગની ભૂલો માટે પહેલેથી ક્ષમા!
સરસ ગઝલ… અભિનંદન !
કસાયેલા હાથની હોય તેવી ગઝલ. બહુ જ સંતોષ થાય છે આ સ્ટેજે પહોંચેલાં જોઈને.
પ્રીયતમને ઈશ્વર રુપે કે ઈશ્વરને પ્રીયતમ રુપે ભજવાની આ શૈલી બહુ પુરાણી છતાં તરોતાઝા જ છે.
મીલન અને વીપ્રલંભ - બન્ને શૃંગારને એક સાથે માણવા મળ્યા. તમને ખુબ અભીનંદન અને શુભેચ્છાઓ.
છે એમ તો તું મારી દશેદશ દિશે વસ્યો,
શોધું છું જ્યાં તને હું, બસ એક ત્યાં જ તું નથી.
- સરસ !
માધવ ક્યાંય નથીનું ‘સંક્ષેપીકરણ’ અને ‘કાવ્યકરણ’ એકસાથે અનુભવાયું.
બહુ જ સરસ લય અને ભાવ.
ગુજરાતી લ્ખવાના ફાંફાં છેઅએટલૅ ટૂ’કમાં પતાવીશ. મ્ઝા આવી.લય છંદ સરસ અઓપ આપે છે.
વાહ ઊર્મિ!
ભીતરની વાતની ભવ્યતા ‘ને દીશા દસેદસના ફલક સુધીનો વ્યાપ, ઊર્મિના સાગરનું ઐશ્વર્ય અનુભૂતિને સુંદર અર્થના આયામ સુધી લઈ જાય છે-અભિનંદન !
(આજે આંતરરાષ્ટ્રીય મહિલાદિન નિમિત્તે બધી જ મહિલાઓના સર્વાંગ સામર્થ્ય અને સમર્પણને સાદર નમન પાઠવું છું)
સાક્ષી છે એ સમય, એ ક્ષણો, ને એ પથ્થરો,
ચાલ્યા હતા મળીને, એ પથમાં ય તું નથી.
ખુબ સુંદર ઉર્મિબેન…તમારી મહેનત રંગ લાવી છે.
અભિનંદન!અભિનંદન !!અભિનંદન !!!
વિવેક ટેલરના સુચનથી નીરાશ ન થશો. એને પ્રેરણાનું પાણી સમજી પીશો.
આ ઈમેલથી જાણ કરવાનું ન ગમ્યું !
અરે બિલકુલ નહીં ચીમનભાઈ, એ વ્હાલા ગુરુ-મિત્રનાં સૂચનોથી જો હું નિરાશ થાત તો તો આજે આટલે સુધી પહોંચી જ હોત… ગઝલનાં બંધારણમાં આટલી કુશળતા મળી શકવાનું લગભગ મોટાભાગનું શ્રેય પણ વિવેકને ફાળે જ જાય છે… (અને એને તો મેં હાથમાં ડંડો પણ આપી રાખ્યો છે પરંતુ મારા સદનસીબ કે હું દરિયા પાર દેશમાં હોઈ એ ડંડો વાપરવાનો મોકો એને હજી મળ્યો નથી…
)
અછાંદસ રચનાને અઘરા છંદમાં ‘ગઝલિત’ કરવાનો પસંશનીય યત્ન.
કદાચ ૨૦૦૬ના ઊનાળામાં, આડાઅવળા બે ચાર છંદો ટાંચેલા કાગળને સ્કેન કરી ઈમેલ કર્યો હતો ત્યારે કલ્પના પણ ન્હોતી કે ઊર્મિની છંદયાત્રા આટલી ઝડપથી અને અડગ નિર્ધારથી અહીં સુધી પહોંચશે! આ ગઝલ/છંદ ઊપાસના અવિરત આગળ ધપ્યાં કરે તેવી શુભેછાઓ.
આભાર પંચમભાઈ… મનેય ખબર ન્હોતી કે હવે પાકે ઘડે ફરી કાંઠા ચડશે… તમારા હસ્તાક્ષરમાં તમે સ્કેન કરીને ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૬ તારીખે મોકલેલો એ કાગળ હજીયે મારી પાસે જ છે…! (હું થોડી સંઘરાખોર પણ ખરી હોં!) અને આવી રીતે શરૂઆતનાં અભ્યાસનાં નાજુક પાયામાં તમે પણ ઘણી ઈઁટો મૂકી હતી, એ મારાથી કેમ ભૂલાય!! અને એ ભાર તો હવે ઉતરવાનો જ નથી, એટલે હું આભાર પણ શી રીતે કહું…?!!
અભિનંદન ઊર્મીબેન,
છંદ જાળવી ગઝલ લખવાનો આનંદ કઈં ઔર છે…
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
સ્પર્શી ગઈ’તી તારી મુજ અંતરને એકવાર,
એ ઊર્મિ પણ જો, ગણગણી… ‘હા, ક્યાંય તું નથી!’
વાહ.. મજા આવી ગઇ… !!
સરસ..આભિનદન…તારી ઊર્મિઓ વહેતી રહે..એવી શુભકામનાઓ…અમારા સ્વાર્થ માટે..પણ ખરી હો…
badha na manda ne aa rite halavata raho , khub sundar
આ તો દિલ સુધિ પહોચિ ગઇ ખરેખ્રર
ખુબ્ખુબ અભિનનદન
ઊર્મિબેન…….(Trying first time to type in Gujarati)……
તમારિ આ રચના મારા દિલ ને સ્પર્સિ ગયિ……તમારિ આ રચના મા મને વિરહ નો અહેસાસ થયો……જ્યારે કોઇ લેખક વાચનાર ને એમનિ રચના મા રહેલિ લાગનિ નો કે વેદના નો અહેસાસ કરાવે ત્યારે એ લેખક successful કહેવાય…….
આશા રાખુ કે તમે હમેશા અમોને લાગનિઑ અને વેદના ના સાગર મા સ્નાન કરાવતા રહો…………
અભિનંદન ઊર્મીબેન,
સરસ ગઝલ પીરસવા માટે. ખુબ જ ગમી. જેમા પણ નીચે ની પંક્તિ ખુબ જ ગમી.
છે એમ તો તું મારી દશેદશ દિશે વસ્યો,
શોધું છું જ્યાં તને હું, બસ એક ત્યાં જ તું નથી.
Simply awosome.