Archive for June, 2010

તને યાદ છે સખા? (યુગ્મગીત) : ચોથી વર્ષગાંઠ

Jun 10 2010

તને યાદ છે સખા? (યુગ્મગીત) : ચોથી વર્ષગાંઠ

Published by ઊર્મિ under ગીત

મિત્રો, આજે આ ઊર્મિનાં સાગરની ચોથી વર્ષગાંઠ છે… આજે ખાસ ઊર્મિસાગર.કૉમનાં વાંચક-ચાહક-ભાવક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે આપ સૌની અહીં પ્રત્યક્ષ કે પરોક્ષ હાજરીને લીધે જ મારી ઊર્મિનો સાગર હંમેશા ઘૂઘવતો રહે છે અને આપણી આ ગુજરાતી સાહિત્યની નાનકડી ગાગર હંમેશા છલકાતી રહે છે (જેને માટે હાલમાં જયશ્રીનો ખાસ આભાર!).  આપ સૌનાં તરફથી સતત મળતાં સહકાર, પ્રોત્સાહન, ઉત્સાહની સાથે સાથે આપનાં ખાસ નિખાલસ અને પ્રેરણાત્મક પ્રતિભાવો  બદલ આપ સૌનો અંતરની ઊર્મિથી ખૂબ ખૂબ આભાર…!  ભવિષ્યમાં પણ કાયમ એ મળતાં જ રહેશે એવી અપેક્ષા સહ… સૌને મારા સ્નેહવંદન.

આજે પ્રસ્તુત છે મારું એક યુગ્મગીત, જે આમ તો મેં લગભગ બે કે અઢી વર્ષ પહેલાનું લખેલ છે પરંતુ આજ સુધી કદી પ્રકાશિત કર્યું ન હતું. મને ખ્યાલ છે કે આ ગીત ખાસ્સુ લાંબુ થયું છે (પાંચ બંધનું ગીત ખરેખર લાંબુ જ કહેવાય ને!), પરંતુ અનાયાસે ‘આવેલા’ આ ગીતમાંથી કોઈ એકાદ બંધને પણ રદ કરવાનું મારા દિલને સહેજે ગમ્યું નહીં.  અને એટલે એને એમ જ રહેવા દીધું છે.  આશા છે કે આપ સૌને માણવું ગમશે… હંમેશની માફક આપના નિખાલસ અભિપ્રાયો સહર્ષ આવકાર્ય છે.

scenery2
(દુર્લભ કાંઠો…                જૂલાઈ 19, 2007)

*

શું આપણા મળવાની વાતો, યાદ છે સખા? તને યાદ છે સખા?
એક મખમલી વાગ્યો’તો કાંટો, યાદ છે સખા? મને યાદ છે સખા.

છાનું રહ્યું ન વ્હાલ કેવું વિસ્તરી ગયું,
નસનસનું નૂર થઈને મને એ વરી ગયું,
ઘટઘટમાં હતો સૂર સમાયો, યાદ છે સખા? તને યાદ છે સખા?
એક મખમલી…

કેવું મજાનું આપણું શ્યામલ હતું મળવું !
મળવું ફરી ફરી ને ફરીથી જુદા થવું,
મળવા ને ઝૂરવાની રાતો, યાદ છે સખા? તને યાદ છે સખા?
એક મખમલી…

યમુનાના મધુર જળ હવે ખારા થઈ ગયા,
મઝધાર પણ કિનારે ઝૂરતા થઈ ગયા,
કેવો હતો દુર્લભ એ કાંઠો, યાદ છે સખા? તને યાદ છે સખા?
એક મખમલી…

કોની મજાલ કે ઉભયને કોઈ અલગ કરે !
તેં પણ કહ્યું હતું: છે સ્નેહ બ્રહ્મથી પરે !
ને ભાગ્યનો નિર્દય એ પાસો… યાદ છે સખા? તને યાદ છે સખા?
એક મખમલી…

તને યાદ છે સખા? મને યાદ છે સખા.
તને યાદ છે સખા? મને યાદ છે સખા.

હા, આપણા મળવાની વાતો યાદ છે સખી, મને યાદ છે સખી.
મળવા ને ઝૂરવાનો નાતો યાદ છે સખી, મને યાદ છે સખી.

તો શું થયું બંધાયા નહીં કોઈ તાંતણે ?
હૈયા થયા ક્યાં આપણા જુદા કોઈ ક્ષણે ?
અકબંધ ભવોભવનો નાતો યાદ છે સખી? તને યાદ છે સખી?
એક મખમલી વાગ્યો’તો કાંટો, યાદ છે સખી… મને યાદ છે સખી !

યાદ છે, સખી… મને યાદ છે, સખી…
યાદ છે, સખી… મને યાદ છે, સખી…

- ‘ઊર્મિ’

આ ગીતની પ્રેરણા શ્રી ર.પા.નાં મને અતિશય ગમતાં એક ગીત પરથી મળી હતી : મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી…

*** ઊર્મિસાગર.કૉમની ચોથી વર્ષગાંઠ નિમિત્તે આવતી કાલથી ‘ગાગરમાં સાગર’ પર માણો, કાવ્યપઠન-સ્પેશ્યલ સપ્તાહ !

27 responses so far