Mar 20 2010
સાવ સીધી વાત છે. (ત્રિપદી)
ત્રિપદી ગઝલ લખવાનો મારો પ્રથમ પ્રયાસ…

(ધરતી છે તો આભ છે… ૪ જૂલાઈ, ૨૦૦૯)
*
સથવારાનો
સતત ભાવ, પ્રેમ-
માં પર્યાપ્ત છે!
*
આશનો ઉત્પાત છે,
એ જ તો સંતાપ છે;
સાવ સીધી વાત છે.
આભ એક આભાસ છે,
ધરતી વાસ્તવવાદ છે;
સાવ સીધી વાત છે.
સૂર્યનું હોવું છે દિન,
ને ના હોવું- રાત છે;
સાવ સીધી વાત છે.
મદ ન કર ઉત્કર્ષનો,
ચડતી છે તો પાત છે;
સાવ સીધી વાત છે.
તું ફકત સંભાવના,
પંડ તો સાક્ષાત્ છે;
સાવ સીધી વાત છે.
તરસે-તડપે-ધગધગે,
નિશ્ચે ઝરમર-જાત છે;
સાવ સીધી વાત છે.
પ્રેમ છે શાશ્વત, સખા !
ઊર્મિ ઝંઝાવાત છે;
સાવ સીધી વાત છે.
-’ઊર્મિ’
છંદવિધાન : ગાલગાગા ગાલગા



