Archive for the 'કાવ્યપઠન' Category

ઘટના કહું કે કહું અવસર ? (કાવ્યપઠન)
-તો બેધડક તું મારી પાસે આવજે (ઓડિયોપઠન)
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ…

Jun 10 2009

ઘટના કહું કે કહું અવસર ? (કાવ્યપઠન)

વ્હાલા મિત્રો, આજે આ ઊર્મિનાં સાગરની ત્રીજી વર્ષગાંઠ છે… ઊર્મિસાગર.કૉમ નાં વ્હાલા વાંચક-ચાહક-ભાવક મિત્રોને લીધે જ- એટલે કે આપ સૌને કારણે જ મારા આ ઊર્મિનાં સાગરમાં સતત ભરતી આવતી રહી છે અને આપણી આ ગાગરમાં સાગર હંમેશા છલકાતો ને ઊભરાતો રહ્યો છે.  આપ સૌનાં સતત સહકાર અને પ્રોત્સાહન તેમ જ નિખાલસ અને પ્રેરણાત્મક ટીપ્પણીઓ બદલ આપ સૌનો અંતરની ઊર્મિથી આભાર…!  ભવિષ્યમાં પણ કાયમ એ મળતાં જ રહેશે એવી આશા સહ… સ્નેહવંદન.

આજે ફરી પ્રસ્તુત છે, મારું એક ગીત-પઠન.  આશા છે કે આપ સૌને ગમશે.

 amee-jessie-holding-hands-org
(’મળવા’ની ઘટના…     21 એપ્રિલ, 2009)

સખા, આપણા મળવાની જે ઘટના ઘટી અને ઊજવાયું ભીતર કૈં પળ પળ,
એને ઘટના કહું કે કહું અવસર ?
સખા, ઘટના કહું કે કહું અવસર ?

વરસોથી વાયરા આ થીજ્યા હતાં,
જ્યારે લીલાછમ્મ ગરમાળા મૂરઝ્યા હતા;
પછી સળવળતી લાગણીને વાચા ફૂટી ને
પછી દરિયાઓ ધોધમાર ઊમટ્યા હતા,
કંઈ કેટલાયે બંધ પછી તૂટ્યા હતા;
હવે ઝળહળતી સંધ્યાએ ધખધખતાં ગુલમ્હોર વરસે મુશળધાર હર પળ,
એને ઘટના કહું કે કહું અવસર ?

છાતીમાં મઘમઘતાં લીલુડાં સપનાં,
બળબળતા રોમરોમ છાના ને છપનાં;
તારાપણાંનો પછી સૂરજ ઊગ્યો ને
મારી ભીતર કૈં કેટલાયે ઉપવન પ્રગટ્યાં,
પછી સૂરજમુખીનાં મહીં ફૂલો ફૂટ્યાં;
હવે ફૂલોની સંગાથે કંટક કરે છે સખા, તારા તે નામતણી અટકળ,
એને ઘટના કહું કે કહું અવસર ?

-’ઊર્મિ’

35 responses so far

Jan 06 2009

-તો બેધડક તું મારી પાસે આવજે (ઓડિયોપઠન)

સૌ મિત્રોને નવા વર્ષની મબલખ શુભકામનાઓ !  આટલા લાં…બા રદીફની ગઝલ લખવાનો મારો આ પ્રથમ પ્રયાસ છે.  આ સાથે જ નવા વર્ષનાં આરંભમાં આ ગઝલનું પઠન મારા અવાજમાં સંભળાવવાનો થોડો ત્રાસ તમને આપુ છું.  આશા છે કે એ સહન કરવાનું તમને ગમશે.  :-)

(સંધ્યાની અંતિમ ક્ષણની છબી ?!     31 મે 2007)

*

તું જીવનની
અંતિમ ક્ષણ બની…
આવશે સખા ?

*

*

કૈં હૃદયમાં રણઝણે તો બેધડક તું મારી પાસે આવજે,
ને કદી જો દિલ રડે તો બેધડક તું મારી પાસે આવજે.

હું તને બોલાવું ને તું આવે, એવા આગમનમાં શું મજા ?!
થાય જો ઈચ્છા તને તો બેધડક તું મારી પાસે આવજે.

તું મને સમજે કે ના સમજે- એ વાતો પણ બધી ભૂલી જઈશ,
કોઈ ના સમજે તને તો બેધડક તું મારી પાસે આવજે.

પ્રેમમાં જો કરગરું હું તો પ્રણયનો માર્ગ આ લાજે સખા,
માન એનું સાચવે તો બેધડક તું મારી પાસે આવજે.

જો ભરોસો હોય ના મુજ પ્રેમ પર તો આવતો હરગીઝ નહીં,
પણ કદી શ્રદ્ધા ઝરે તો બેધડક તું મારી પાસે આવજે.

આમ છો લાગે સભર તારું નગર વ્હાલમ, ન મળશે વાંસળી…
આંગળી જો સળવળે તો બેધડક તું મારી પાસે આવજે.

-’ઊર્મિ’

છંદવિધાન: ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

43 responses so far

Jun 10 2008

તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ…

મિત્રો, આપ સૌને મારા ઊર્મિભીના નમસ્કાર…!

આજે મારા આ ઊર્મિના સાગરને ૨ વર્ષ પુરા થયા છે… અને આ નવું ઘર ઊર્મિસાગર.કોમને પણ ૧ વર્ષ પૂરું થઈ ગયું… જોતજોતામાં બ્લોગીંગનાં ૨ વર્ષ ક્યારે પૂરા થઈ ગયા અને સમય રેતીની જેમ ક્યારે સરતો રહ્યો એ પણ ખ્યાલ ન રહ્યો.  ઊર્મિસાગર.કૉમ નાં… મારા વ્હાલા વાંચકો-ભાવકો-ચાહકો અને અનેક સહૃદયી મિત્રો ની હું ખૂબ જ આભારી અને ઋણી છું કે જેઓ નિયમિત અહીં આવતા જતા અને વાતચીત કરતા રહ્યા છે.  તમારા સૌના સાથ વગર અહીં સુધીની યાત્રા તો બિલકુલ શક્ય જ ન્હોતી.  આ નિમિત્તે આજે મારા તરફથી હું કૈઁક નવું જ પેશ કરુ છું… મારું એક નવું નકોર ગીત… આજે મારા જ અવાજમાં… પરંતુ તરન્નુમમાં નહીં હોં મિત્રો, માત્ર પઠન કરીને… (કારણ કે મારે તમારા સંગીત-રસમાં અરુચી પેદા નથી કરવી! :-D ) આમ તો જેમ કાવ્યો લખવાનું હજી શીખું છું, એમ કાવ્યપઠન કરવાનું પણ હજી શીખું જ છું. વળી એક માસ્તરજીએ કહ્યું છે કે કાવ્યપઠનની પ્રેકટીસ કરવા માટે પહેલાં અરીસાની સામે જોઈને પઠન કર્યા કરવું.  એટલે મારા અરીસાને થોડો ત્રાસ આપ્યો છે અને હવે તમારો વારો… મતલબ કે આપ સૌ થોડીવાર માટે મારો અવાજ બરદાસ્ત કરી લેશો એવી આશા સાથે…. સૌને મારા સ્નેહવંદન !

રાધાની ફરિયાદનું એક ગીત લખ્યું છે…!


(વ્હાલપમાં અંતર ?!         એપ્રિલ 26 2008)

ભોળી ભટાક હતી ગોરસની ખાણ, કેવા કરી દીધા મુજ પર તેં જંતર?
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?

વ્હેતુ’તુ વ્હાલ તારું વાંસળીનાં સૂરમાં,
ને વહેતી’તી હું ય તારી તાનનાં એ પૂરમાં.

સઘળું ભૂલીને કા’ન, ભૂલી જઈ ભાન… કેવા જપતી’તી તારા હું મંતર !
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?

તડ તડ તૂટે છે પેલી કદંબની ડાળખી,
ધસમસ તૂટે છે મારી સંગે આ માટલી.

રોળીને લાગણીનાં લીલુડાં રાન… જો ને, થઈ ગયો તું કેવો છૂમંતર !
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?

ઝૂરું છું પળ પળ હું, ઝૂરે છે વાંસળી,
વિરહની વેળ અમને લાગે છે આકરી.

દવલાં કરી દવમાં છોડતાં હે શ્યામ… તારું સહેજે દુભાયુ ન અંતર?
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?

- ‘ઊર્મિ’  (ફેબ્રુ. 27, 2008)

54 responses so far