Jun 10 2011
પાંચમી વર્ષગાંઠ નિમિત્તે… तेरे जाने के बाद (સ્વરબદ્ધ)
મિત્રો, આજે આ ઊર્મિનાં સાગરની પાંચમી વર્ષગાંઠ છે… આમ તો ઘણા વખતથી આ ઊર્મિનાં સાગરમાં ઓટ ચાલે છે…પરંતુ ઊર્મિસાગર.કૉમનાં વાંચક-ચાહક-ભાવક મિત્રોની અહીં પ્રત્યક્ષ કે પરોક્ષ હાજર બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું… આપ સૌનાં તરફથી સતત મળતાં સહકાર, પ્રોત્સાહન, ઉત્સાહની સાથે સાથે આપનાં ખાસ નિખાલસ અને પ્રેરણાત્મક પ્રતિભાવો બદલ આપ સૌનો અંતરની ઊર્મિથી ખૂબ ખૂબ આભાર…! ભવિષ્યમાં પણ કાયમ એ મળતાં જ રહેશે એવી અપેક્ષા સહ… સૌને મારા સ્નેહવંદન.
આજે નવું કૈં ખાસ નથી એટલે પ્રસ્તુત છે, for a change, રિષભઅંકલ દ્વારા સંગીતબદ્ધ-સ્વરબદ્ધ થયેલી મારી એક જૂની ગઝલ. આશા છે કે આપ સૌને જૂનું ફરી માણવું ને ગણગણવું ગમશે… હંમેશની માફક આપના નિખાલસ અભિપ્રાયો સહર્ષ આવકાર્ય છે.

(तेरे जाने के बाद… ગ્રાન્ડ કેન્યોન, એરિઝોના… ૫/૨૩/૨૦૧૧… ફોટોઃ ઊર્મિ)
સંગીત : રિષભ મહેતા
સ્વર : ગાયત્રી ભટ્ટ
ચાલો એક બોનસ પણ આપી દઉં આજે….
સાંભળો… આ જ ગઝલ, રિષભઅંકલનાં સ્વરમાં માત્ર હાર્મોનિયમ સાથે… ઘરે રેકોર્ડ કરેલું એકદમ અનઓફિસીયલ વર્ઝન… પણ મને જરા વધુ ગમી ગયેલું…
આભ ઝરમર ઝરે तेरे जाने के बाद,
રોજ પીંછાં ખરે तेरे जाने के बाद.
સ્તબ્ધ સૃષ્ટિ સકળ ને અકળ સ્તબ્ધતા,
ના હવા મર્મરે तेरे जाने के बाद.
મેં મને ખોળી પણ ક્યાંયે હું ના મળી,
શૂન્યતા થરથરે तेरे जाने के बाद.
તારું ચાલ્યા જવું- એક પ્રસવયાતના,
કાવ્ય કૈં અવતરે तेरे जाने के बाद.
તું નથી, તું નથી, તું નથી, તું નથી,
તું બધે તરવરે तेरे जाने के बाद.
‘ઊર્મિ’ કેવી તરંગી હતી પણ હવે-
ના જીવે, ના મરે तेरे जाने के बाद.
- ઊર્મિ (૬ મે ૨૦૦૯)
*
ઊર્મિસાગર.કૉમની વર્ષગાંઠ નિમિત્તે ગાગરમાં સાગર ઉપર ઉજવાઈ રહ્યું છે… કાવ્યપઠન સપ્તાહ !












