May 01 2008
વાહ વાહ રામજી, જોડી ક્યા બનાઈ…
મિત્રો, આજે મારા કોઈ કાવ્યને બદલે હું તમને કન્યાવિદાયની લાગણીથી થોડા ભીંજવી દઉં, તો એ ભિંજાવું તમને ગમશે તો ખરું ને?!… મારી એક પ્રિય ફૂયાત (ફોઈની દીકરી) બહેન અને એક પ્રિય સખીનાં તાજેતરમાં જ થયેલા લગ્નને યાદ કરું અને એમની તમને થોડી વાત કરું… સદનસીબે બહેનનાં લગ્ન તો મેં ભરપૂર માણ્યા, પરંતુ કમનસીબે બહેનપણીનાં લગ્નમાં જઈ ન શકી, એટલે એના લગ્ન ન માણી શકવાનું દુ:ખ દિલમાં જરા રહી પણ ગયું…! (પરંતુ સૂક્ષ્મરૂપે તો હું તારી સાથે જ હતી હોં સખી!)
કન્યાવિદાયનો પ્રસંગ સમય જતાં કદાચ બધાનાં માનસપટ પર ધીમે ધીમે ઝાંખો થતો જાય છે પરંતુ દરેક માતા-પિતા અને દીકરી માટે એ પ્રસંગ તો હંમેશા એટલો જ તાજો અને ચિરસ્મરણીય બની રહે છે જેટલો એ હકીકતમાં હોય છે… વિદાયની ક્ષણોની એ પોટલી દલડાનાં એક ખૂણામાં હંમેશા અકબંધ સચવાઈ રહેતી હોય છે. મને લાગે છે ત્યાં સુધી કદાચ આપણી ભારતીય સંસ્કૃતિમાં કન્યાવિદાય જેવો સુંદરમાં સુંદર બીજો એવો પ્રસંગ જ નહી હોય જે એકીસાથે આનંદમય અને કરુણમય બંને હોય !

નેહા(અને એની નાની બહેન)ને નાની હતી ત્યારે અમે એને ખૂબ જ રમાડી હતી… પછી તો વર્ષો વિતી ગયા એમને જોયાને… ખબર હતી કે ખૂબ જ મોટી થઈ ગઈ હતી બધી બહેનો… અને આમ તો બે-એક વાર મળવાનું પણ થયું હતું એમને છતાંયે એમની નાનપણની તીવ્ર યાદોને કારણે મને કાયમ આવતા મારા સ્વપ્નોમાં એ બંને કદી મોટી જ ન થઈ…! આજ સુધી જ્યારે પણ એ મારા સ્વપ્નોમાં આવી હતી ત્યારે બસ એજ નાની સરખી ઢીંગલી જેવડી બનીને આવી હતી. પરંતુ વર્ષો બાદ ફરી એના જ લગ્નપ્રસંગે (19 એપ્રિલ) ત્રણ-ચાર દિવસનાં એની સાથેનાં સતત સહવાસ પછી મને લાગે છે કે મારા સ્વપ્નોમાં પણ હવે એ જરૂર મોટી થઈ જશે!
નેહાને મારી બહેન સાથે મળી દુલ્હનનાં રૂપમાં સજાવતી વખતે મારા લગ્ન સમયની એક એક પળ જાણે મારી આંખ આગળથી એક ચલચિત્રની જેમ પસાર થઈ રહી હતી… લગ્નનાં માંડવામાં બેસવા તૈયાર થયેલી નેહાને દુલ્હનનાં સ્વરૂપમાં જોઈને મને થયું કે અત્યારે આનાથી વધારે સુંદર દુનિયાની કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ હોઈ જ ન શકે… અને હું પણ એકવાર તો આટલી જ સુંદર દેખાઈ હતી ને! વિદાયપ્રસંગની કરુણકથા લખવાનું મન તો બહુ થાય છે પરંતુ એ માટે મને આજે મારા શબ્દો ખૂબ જ વામણાં લાગે છે… લખું તો પણ કેવી રીતે અને શું લખું?! (કદાચ ‘ભગવદ્ગોમંડલ‘માંથી પણ મને પૂરતા શબ્દો નહીં મળે…) કન્યાની વિદાય વખતનાં પ્રેમનાં આંસુની એ કરુણગંગામાં તો થોડા ઘણા પણ જે ભિંજાયા હોય એમને જ ખ્યાલ આવે… છતાંયે મારે એક જ વાક્યમાં એ પ્રસંગ કહેવાનો હોય તો બસ એમ જ કહું કે- નેહાને વિદાય થતી જોઈને મને લાગ્યું કે જાણે હું જ ફરી એકવાર વિદાય થઈ ગઈ!!
બે દિવસ પહેલાં જ મારી એક પ્રિય સખીનાં લગ્ન પણ હતા… એટલે મને ખાત્રી છે કે મારા હૈયાની ન કહેવાયેલી વાતોને કમ સે કમ એ જરૂર સમજી ગઈ હશે… ખરું ને બેના?! તમને થશે કે વળી આ કઈ સખી? તો ચાલો આજે હું જાહેર જ કરી દઉં, તમારાથી વળી શું છુપાવવાનું દોસ્તો?!!
25મી એપ્રિલે આપણો પ્યારો ટહુકો પરણી ગયો છે… એટલે કે ટહુકાવાળી મેનાને એનો પોપટ મળી ગયો છે… એટલે કે હવે પછી તો જયશ્રીનો ટહુકો આપણને વધુ ને વધુ જોર અને શોરથી સંભળાવો જોઈએ… ખરું ને મિત્રો?!
નેહા-ચિરાગ અને જયશ્રી-અમિતનાં સજોડાને અમારા સજોડે હાર્દિક અભિનંદન… અંતરનાં નિરંતર શુભાશિષની સાથે સાથે સફળ, પ્રેમાળ અને અખંડ લગ્નજીવન માટે ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ… અને લગ્નની એક વિધીમાં જે પરંપરિત શુભકામના મેં નેહાનાં કાનમાં પાઠવી હતી, એ જ શુભકામનાઓ હું એમને ફરી અહીં આપુ છું…

‘અખંડ સૌભાગ્યવતી ભવ’… દૂધો નહાવ, પૂતો ફલો… અને ખાસ તો, પૂતી ફલો !
‘ગાગરમાં સાગર’ પર આજનું ગીત નેહા, જયશ્રી અને એમના સૂના થયેલાં પિયરીયાં માટે…
* * *










