ગાગરમાં સાગર

આપણા NRI કવિ ડો. આશરફ ડબાવાલાને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક, ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા (GLA) દ્વારા આપાતું ચુનીલાલ વેલજી મહેતા પારિતોષિક અને આઇ.એન.ટી.(INT)નો કલાપી એવોર્ડ પ્રાપ્ત થયો છે.  તેમના કાવ્યસંગ્રહ ‘ધબકારાના વારસ’ને ભાવનગર યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.એ. ના અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે પસંદ કરવામાં આવેલ છે.  છેલ્લાં ૧૫ વર્ષથી ડો.ડબાવાલા ‘શિકાગો આર્ટ સર્કલ’ સંસ્થા થકી ગુજરાતી સાહિત્ય, સંગીત અને કલાના વિવિધ કાર્યક્રમો રજૂ કરી શિકાગો વિસ્તારમાં આપણી સાંસ્કૃતિક પ્રવૃત્તિના પ્રચાર ને પ્રસારમાં પ્રવૃત્ત છે.

ડો.ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને બિરદાવવા ‘શિકાગો આર્ટ સર્કલ’ના મિત્રોએ ૭મી ને ૮મી ઓગસ્ટે શબ્દ ને સંગીતના મહોત્સવનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમો વિષે વધારે માહિતી નીચેના ફ્લાયરમાંથી મળી શકશે.

flyer_program_aug07_08_2010

આ મહોત્સવની જવલંત સફળતા માટે મારા અને તમારા તરફથી ‘શિકાગો આર્ટ સર્કલ’નાં મિત્રોને અઢળક શુભેચ્છાઓ…

30391_1304254968405_1291437464_30692310_167160_n
(તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા…  ફોટો: કૈલાસ સોની)

મને થવું તરબોળ હવે તો ભીની ભીની રાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા.

ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે,
પરસેવે હું રેબઝેબ ને ગામ બધુંયે ભાળે,
રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં,
પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડાં,
તોડ્યો જે ના તૂટે એવો એક અજાયબ નાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

હૈયું રહેશે હાથ નહિ ને હાથ તમારે હાથે,
મળશું ભીના કૉલ આપશું વાદળ ઘેરી રાતે,
મસ્તીમાં ચકચૂર બનીશું જા, મોસમ મદમાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

- દિલીપ રાવળ

એમ તો વરસાદી વાતો લઈને દેશમાં અષાઢ આવી જ ગયો છે, અને અહીં પણ ત્રણ-ચાર દિવસથી વરસાદનાં ઝાપટાઓ દેશનું ચોમાસું યાદ કરાવે છે… ત્યારે આ વરસાદી ગીતમાં તરબોળ થઈને તમને તમારા ‘સજનવા’ને સાદ દેવાનું ગમશે ને?!

તું મને મળતી ખરી પણ મન વગર,
ઝાંઝવા બનતાં સરોવર જળ વગર.

શૂન્ય મારું મન થયું છે એટલું,
કે હવે ખડ ખડ હસું છું ભય વગર.

જ્યાં જઉં છું ત્યાં મને સામી મળે
ભીંત પણ ચાલી શકે છે પગ વગર.

દૂર તારાથી થતો હું જાઉં છું
એમ લાગે છે, હવે છું ઘર વગર.

સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું
હું તને મળતો રહ્યો કારણ વગર.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

*****

અમેરિકાના પશ્ચિમ તરફના અખાતી વિસ્તાર (west coast - bay area) માં વસતા ગુજરાતીઓ માટે ખાસ જાહેરાત…

ડગલો રજુ કરે છે - શ્રી ચિનુ મોદી ‘ઇર્શાદ’ સાથે એક સંવાદ, July 11, 2010, Sunnyvale CA

આજે મારા વ્હાલા વિશાલના જન્મદિવસ પર સાંભળીએ આ મઝાનું કૃષ્ણ દવે રચિત બાળગીત..!
Happy Birthday Vishal… Wish you a lot of fun today and always..!! … હેપ્પી બર્થ ડે બેટા! :)

સંગીત : હરીશ ઉમરાવ

vishal

This text will be replaced

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.

મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.

દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું.

આ ઝરણાંઓને સમજાવો સીઘી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે.

અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું?
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.

એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે ભૂલો !

વ્હાલા કવિ શ્રી તુષારભાઈને એમનાં જન્મદિવસે મારા અને તમારા તરફથી અઢળક હાર્દિક શુભેચ્છાઓ… આજે ‘હસ્તાક્ષર’ આલ્બમનું એમનું એક ગીત માણીએ.

camel-in-desert1

(તારી હથેળીને રેતી માનીને કોઈ ઊંટોના શોધે મુકામ…  ફોટો: વેબ પરથી)

સ્વર : સૌમિલ મુન્શી
સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વરાંકન : રાસબિહારી દેસાઈ
આલ્બમ : હસ્તાક્ષર 

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તારી હથેળીને દરિયો માનીને કોઈ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી. 

ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવા થંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
તારી હથેળીને રેતી માનીને કોઈ ઊંટોના શોધે મુકામ;
એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી. 

કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઈને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને કાંઠો માનીને કોઈ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી.

-તુષાર શુકલ

chinu-modi-vadhamani

(ચિનુભાઈની એક અપ્રગટ ઓવનફ્રેશ ગઝલ… ‘ગાગરમાં સાગર’ માટે)

વસંતો આવવાની પુષ્પને આપો વધામણી ?
વિહંગો વૃક્ષ પર છે ચૂપ ને આપો વધામણી ?

અમારી આંખમાં આવી ગયા છે એક-બે અશ્રુ,
તમે સપને દીધેલા રૂપને આપો વધામણી.

હજી હમણાં જ આકાશેથી રમવા નિકળ્યા તારા,
જરા જંપી ગયેલા કૂપને આપો વધામણી.

તડાકે તોડવા પડશે તમારે બંધનો વ્હાલા,
પછીથી ભૂપના પણ ભૂપને આપો વધામણી.

જરા જેવો ખસેડો ભાર આ ‘ઇર્શાદ’ માથેથી,  
પછીથી શ્વાસ સર્જ્યા સ્તૂપને આપો વધામણી.

- ચિનુ મોદી ‘ઇર્શાદ’

ગયા અઠવાડિયે શ્રી ચિનુભાઈ સાથે એક અંગત ગઝલ-session દરમ્યાન એમણે મને સમજાવ્યું હતું કે ગઝલ કંઈ જાતે અવતરતી નથી, એને સતત મહાવરાથી on-demaand પણ લખી શકાય છે.   એના દાખલા તરીકે એમણે ડેટ્રોઈટમાં શ્રી ચંદ્રેશ ઠાકોર સાથે થયેલા એક ગઝલ-sessionની વાત કરી હતી.  જેમાં એમણે ચંદ્રેશભાઈને એક શબ્દ આપવાનું કહ્યું અને એમણે ‘વધામણી’ શબ્દ આપ્યો.  અને ત્યારે ચિનુભાઈએ એમને આ શિઘ્ર ગઝલની રચના કરીને બતાવી હતી.  પછી તો એમણે જ્યારે મને આ પાનું બતાવ્યું ત્યારે મેં એમની પાસે એ તરત માંગી લીધું હતું… ( આભાર ચિનુભાઈ!) અને ત્યારે સાલું યાદ ન્હોતું આવ્યું નહીંતર એમની પાસે આ ગઝલનું પઠન પણ કરાવીને જ લાવત… :)  

વસંતનાં આગમન જેવી અટલ ઘટના માટે પુષ્પને વધામણી આપવાની કોઈ જરૂર ખરી?   પક્ષીઓ પોતાના કલરવ અને ટહુકાઓ મૂકીને જો ચૂપ થઈ જાય તો એમને વધામણી આપવી જોઈએ ખરી?   વધામણી કોને આપવી જોઈએ -ની વાતો કરતી  આ શિઘ્ર ગઝલનાં આમ તો બધા જ શે’ર તરત જ ગમી જાય એવા થયા છે.  પરંતુ મને તડાકે બંધનો તોડીને ભૂપનાં પણ ભૂપને વધામણી આપવાવાળો શેર જરા વધુ ગમી ગયો.

ગયા અઠવાડિયે લયસ્તરો પર મૂકેલી એમની બીજી એક ગઝલ પણ એમનાં હસ્તાક્ષર સાથે માણો…

૧૯૨૮નું વર્ષ છે. ઝવેરચંદ મેઘાણી કવિ દુલા ભાયા કાગ સહિતના કેટલાક સાથીદારો સાથે ગીરમાં તુલસી શ્યામ પાસે આવેલા ખજૂરી નેસમાં બેઠા હતા. સાંજ થવા આવી હતી. એ વખતે રાડ પડી, એ.. આપણી પેલી હીરલ નામની વાછરડીને સાવજ ઉપાડી ગયો ! ઘડીભરની રીડિયારમણ વચ્ચે દૂધ પી રહેલા મેઘાણીની તાંસળી હોઠ પાસે જ અટકી ગઈ અને મોટેરાંઓને કશી સૂઝ પડે એ પહેલાં તો નેસમાં રહેતી ૧૪ વર્ષની હીરબાઈ નામની દીકરીએ ડાંગના બે ભાઠાં ફટકારીને સિંહને ભગાડી મૂક્યો. નરી આંખે જોયેલા એ દૃશ્યથી શાયર મેઘાણીનો માંહ્યલો જાગી ગયો. ઓહોહો.. આ ૧૪ વર્ષની દીકરીનું આવું પરાક્રમ? વનરાવનનો રાજા ગરજે એ સાથે ભલભલા મરદ મૂછાળાની ફેં ફાટી રહે જ્યારે એ ડાલામથ્થા સાવજની સામે એક ડાંગભેર ઊભી રહેતાં આ ૧૪ વર્ષની ચારણકન્યાના પેટનું પાણીય ન હલ્યું? અને શૂરવીરતાના પૂજક મેઘાણીના હૈયે જે વાણી ફૂટી એ કાયરના ખોળિયેય ભડભાદરનો પાનો ચડાવતી અમર ગુજરાતી કવિતા ચારણ કન્યા’!

કવિ કાગે આ ઘટનાના સાક્ષી તરીકે લખ્યું છે, ‘‘.. એ વખતે ચારણ કન્યાગીત મેઘાણીભાઈ કાગળ-કલમ સિવાય કંઠોકંઠ રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠયું. આંખો લાલ ધ્રગેલ તાંબા જેવી થઈ ગઈ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે માંડ માંડ એમને પકડી રાખેલા.’’

(ઉપરોક્ત લખાણ  સંદેશ માં આવેલા એક ખાસ લેખમાંથી લેવામાં આવ્યું છે -  લેખક: લલિત ખંભાયતા)

આ વર્ષે ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ (માર્ચ 8 ) નિમિત્તે એમને એક અનોખી શ્રદ્ધાંજલી આપવાનાં હેતુસર ૮૨ વર્ષ બાદ પહેલી વખત એક ગુજરાતી અખબાર સંદેશના પ્રતિનિધિ તરીકે પત્રકાર લલિત ખંભાયતા એમના સાથીદાર સાથે મેઘાણીની એ અમર ચારણ કન્યાના વંશજો પાસે અને એ વિખ્યાત કવિતાના ઘટનાસ્થળે માર્ચની 2જી તારીખે પહોંચેલા… એમના વંશજો સાથેની એમની એ મુલાકાતનો આ રસપ્રદ લેખ* માણવાનું જરાયે ચૂકશો નહીં.

*આ લેખ JPG ફોર્મેટમાં અહીં પણ જોઈ શકો છો !

મિત્રો, આ સાથે  જ બીજી એક મજાની વાત એ છે કે આપણી એ શૌર્યવાન ચારણકન્યા હવે સૂરીલી પણ થઈ ગઈ છે!  :-)  મતલબ કે એ પ્રખ્યાત કવિતાને હવે સ્વરબદ્ધ કરવામાં આવી છે.   અને જે કવિતા વાંચીને આપણને આજેય શૂરાતન ચડી જાય છે  એ કવિતાને વધુ શૂરીલી અને સૂરીલી બનાવી છે આપણા મેહુલનાં જાનદાર સંગીતે તેમ જ ગાર્ગી વોરા ને હરેશ મારુનાં સૂરીલા સ્વરે.  તમને આ કાવિતા સાંભળીને કેવી અનુભૂતિ થઈ, એ અહીં જરૂરથી જણાવશો…  (જો કે થોડો સમય તો વારંવાર સાંભળ્યા જ કરશો… ગેરેંટી! )

hirbaai

(ડાંગ ઉઠાવે ચારણ-કન્યા… ફોટો સૌજન્ય: સંદેશ)

આ સાથે જ બોનસ તરીકે પ્રસ્તુત છે, શ્રી બાલકૃષ્ણ દવેનાં અવાજમાં આ કવિતાનું ખૂબ શાનદાર પઠન…  (સૌજન્ય: ઝવેરચંદમેઘાણી.કૉમ)

કાવ્યપઠન : શ્રી બાલકૃષ્ણ દવે

 

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સંગીત : મેહુલ સુરતી
સ્વર : હરેશ મારુ અને ગાર્ગી વોરા
ગાયકવૃંદ : રાજેન્દ્ર ગઢવી, કપિલદેવ શુક્લ, મેહુલ સુરતી

 

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

 

સાવજ ગરજે

વનરાવનનો રાજ ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
માં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમંદર ગરજે !

ક્યાં ક્યાં ગરજે

 બાવળના જાળામાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે 

વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડા કાંપે ઝાડ તણાં પાંદલડા કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે
સૂતાં ને જાગતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે

આંખ ઝબૂકે ! 

કેવી એની આંખ ઝબૂકે
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે

જડબાં ફાડે ! 

ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ ! લસ ! કરતા જીભ ઝુલાવે

બહાદુર ઊઠે ! 

બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !

ઊભો રે‘જે 

ત્રાડ પડી કે ઊભો રે‘જે !
ગીરના કુત્તા ઊભો રે‘જે !
કાયર દુત્તા ઊભો રે‘જે !
પેટભરા ! તું ઊભો રે‘જે !
ભૂખમરા ! તું ઊભો રે‘જે !
ચોર-લૂંટારા ઊતો રે‘જે !
ગા-ગોઝારા ઊભો રે‘જે !

ચારણ કન્યા 

ચૌદ વરસની ચારણ-કન્યા
ચૂંદડિયાળી ચારણ-કન્યા
શ્વેતસુંવાળી ચારણ-કન્યા
બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હિંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘૂમંતી ચારણ-કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા
જગદમ્બા-શી ચારણ-કન્યા
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા

ભયથી ભાગ્યો ! 

સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !

- ઝવેરચંદ મેઘાણી

આજનું ગીત મારા ટેણીયા તરફથી એના ડેડી માટે…. :)

Happy Father’s Day !!

p1100091

(દોસ્તી એવી પાક્કી…          જૂના ૨૦, ૨૦૧૦)

પપ્પા મારાં ભાઈબંધ ને હું પપ્પાનો ફ્રેન્ડ.
દોસ્તી એવી પાક્કી જેનો કદી ન આવે એન્ડ.

પક્ડમ્-પકડી, દોડા-દોડી, કરીએ ધીંગામસ્તી,
પપ્પા ઘોડો, છૂક-છૂક ગાડી, મમ્મી ખડ-ખડ હસતી,
મોજ પડે તો ઊંચે ઊડીએ, મોજ પડે તો લેન્ડ,
પપ્પા મારાં ભાઈબંધ ને હું પપ્પાનો ફ્રેન્ડ.

પપ્પાની બોલિંગમાં હું તો ચોગ્ગા-છગ્ગા મારું,
પપ્પા મહેનત કરે ઘણી પણ હું ના કદીએ હારું,
મારી બોલિંગમાં પપ્પાનું વાગી જાતું બેન્ડ,
પપ્પા મારાં ભાઈબંધ ને હું પપ્પાનો ફ્રેન્ડ.

પપ્પા ક્યારેક દફતર લઈને જાય નિશાળે મારી,
હું પપ્પાની ઓફિસે જઉં બેગ ઉઠાવી ભારી,
પપ્પા મારી ચડ્ડી પહેરે હું પહેરી લઉં પેન્ટ,
પપ્પા મારાં ભાઈબંધ ને હું પપ્પાનો ફ્રેન્ડ.

- હસમુખ ગોવાણી

(સૌજન્ય: કાવ્યપુષ્પ)

એક અઠવાડિયાથી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે ચાલી રહેલા આ કાવ્યપઠન સ્પેશ્યલને એક સ્પેશ્યલ ગઝલથી વિરામ આપીએ.  આપણા ઘરનાં જ કવિની એકદમ તરોતાજા ઓવનફ્રેશ ગઝલનાં કાવ્યપઠનથી…  :)


(દિલોજાન બનીશું….   ફોટો: વિવેક ટેલર)

ગઝલ પઠન - વિવેક ટેલર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

થઈ આંગળી રથમાં ધરીનું સ્થાન બનીશું,
એ રીતે અમે જીતનું વરદાન બનીશું.

એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.

દુશ્મન થશું તો મોતના ફરમાન બનીશું,
જો દોસ્ત બનીશું તો દિલોજાન બનીશું.

પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.

ઘર આખું સમેટી લો છતાં એ ન સમેટાય,
એ રીતથી તુજ હોવાનો સામાન બનીશું.

ઊગી હો જુદાઈની ભલે ભીંત ખીચોખીચ,
તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશું.

પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.

- વિવેક મનહર ટેલર
(26-05-2010)

*

વિપરીત સમયમાં પણ કશુંક બની બતાવવાની ખુમારી લઈને આવેલી આ ગઝલ ખરેખર ખૂબ જ સ-રસ થઈ છે.  બીજો શેર ખૂબ અદભૂત લાગ્યો… ગોખી લઈને વારંવાર વાપરવા જેવો… :)  અને મા ગુર્જરીવાળો શે’ર તો, અહાહાહા……………..

ઊર્મિસાગર.કૉમની ચોથી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લેવા બદલ સૌ વાચક-ભાવક મિત્રોનો દિલથી આભાર… હવેથી ફરી આપણે અહીં રાબેતા મુજબ જ મળતા રહીશું, થોડા થોડા દિવસનાં આંતરે.

આજે BOGO… મતલબ કે buy one, get one free !  :-)  એટલે કે રિષભ મહેતાની ‘પ્રતીક્ષા’ ઉપરની એક નહીં પણ બે ગઝલો આપણે એમનાં જ અવાજમાં માણીએ.

lady-awaits

( નહીં આવનારા, તને શી ખબર…? )

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

- ગઝલ : ૧ -

અમે તો કરી છે પ્રતીક્ષા પ્રતીક્ષા,
બહુ આકરી છે પ્રતીક્ષા પ્રતીક્ષા.

સળગવાનું કાયમ, તડપવાનું કાયમ,
કદી ક્યાં ઠરી છે પ્રતીક્ષા પ્રતીક્ષા !

નહીં આવનારા, તને શી ખબર કે
તને કરગરી છે પ્રતીક્ષા પ્રતીક્ષા.

અમે તો કદી થાકીને આંખ મીંચી,
કદી ક્યાં મરી છે પ્રતીક્ષા પ્રતીક્ષા !

તને અશ્રુ લાગે પરંતુ નયનથી
પળેપળ ખરી છે પ્રતીક્ષા પ્રતીક્ષા.

*

- ગઝલ : ૨ -

જરા પણ ન એવું, પ્રતીક્ષા રડાવે,
હૃદયમાં પડી છે તે શંકા રડાવે.

તને આખી મૌસમ પલાળી શકે ના,
મને માત્ર બે-ચાર છાંટા રડાવે.

મને મારી શંકાએ હસવા ન દીધો,
અને જો, તને તારી શ્રદ્ધા રડાવે.

તમન્ના ફુલોની સદા ડંખ દે છે,
અને લોક માને કે કાંટા રડાવે.

જણાયુ જો આંખોની મેં ભાળ કાઢી,
કે એને અવળચંડા સપના રડાવે.

કુહાડીનાં ઘાવો સહી લઉં છું, કિંતુ
મને માણસોની ઉપેક્ષા રડાવે.

- રિષભ મહેતા

રિષભઅંકલની ઘણી ગમતી ગઝલોમાં આ બે ગઝલો મને ખૂબ જ ગમે છે.  જાણે કે ‘પ્રતીક્ષા’નાં બધા જ સંભવિત પ્રકરણો એમણે આ બંને ગઝલોમાં સમાવી લીધા હોય એમ લાગે છે. પહેલી ગઝલમાં રદીફમાં ’પ્રતીક્ષા’નાં પુનરાવર્તનથી એની અસર ખૂબ જ ઘેરી થઈ શકી છે.  બીજી ગઝલમાં મૌસમવાળો અને અવળચંડા સપનાવાળો શે’ર ખૂબ ગમી ગયો…

* If you can't see Gujarati click here
* Read this blog in
हिन्दी (देवनागरी) OR English (ROMAN)