
(હવે કરવું હોય તે હરિ કરે, હરિ હાથ હું… ફોટો: વેબ પરથી)
હવે ન ગભરાઉં, મોત ખખડાવતું બારણું,
હવે ન પરવા કશી, ફિકર ના કરું કાંઈ હું,
હવે ન ફરિયાદ દાદ, નવ વાદવિવાદ વા,
હવે ન અફસોસ, અંત સમયે ન અંતાક્ષરી,
સ્મરું ન ગત, ના અનાગતની કોઈ ચિંતા કરું,
હવે ન કરું વાત કો જીવનના જુદા જોગની,
મળ્યું જીવન જે, ફળ્યું ન ફળ્યું, ત્યાં જ તેમાં જ, હું
રહસ્ય લહું દુન્યવી, સકલ અર્ક અસ્તિત્વનો.
હવે કરવું હોય તે હરિ કરે, હરિ હાથ હું.
ભલે મરણ આવતું, બસ અનંત નિદ્રા સરું,
થઈ સફર આજ પૂરી, યમરાજ, પૃથ્વી પટે,
ચલાવ રથ દિવ્ય દક્ષિણ પથે, છું તૈયાર હું.
વિલીન બસ થાય નામ, ન નિશાન કાંઈ રહો,
વિદાય લઉં હું સમસ્ત જગની હવે, ‘અલ્વિદા !’
-નટવર ગાંધી
(ઈન્ડિયા ઈન્ડિયા સૉનેટસંગ્રહમાંથી સાભાર)
મૃત્યુનો સહજ સ્વીકાર… અને એ સહજ સ્વીકાર તો જ શક્ય બને જો આપણને જીવનથી કોઈ અસંતોષ રહ્યો ના હોય, જીવન સંપૂર્ણપણે જીવાયું હોય. કવિને હવે જીવનમાં જીવન કે મરણની કોઈ ફિકર નથી, જીવનમાં મળેલી સફળતા-નિષ્ફળાનો કોઈ અફસોસ નથી, ગત-અનાગતની કોઈ યાદ-ફરિયાદ નથી, જોગ-સંજોગની એમણે કોઈ વાત પણ નથી કરવી. માત્ર પોતાના સકલ અર્ક અસ્તિત્વનો સ્વીકાર કરીને મૃત્યુનો સહજ સ્વીકાર કરવો છે. અને મૃત્યુનો સહજ સ્વીકાર એટલે કે મૃત્યુ પછી પોતાનું નામોનિશાન વિલીન થઈ જશે, એ સત્યનો સ્વીકાર. નટરવરભાઈનાં બે સૉનેટસંગ્રહો : ઈન્ડિયા ઈન્ડિયા અને અમેરિકા અમેરિકા. એમની વેબસાઈટ : નટવરગાંધી.કૉમ
તાજેતરમાં જ આપણા જાણીતા અને માનીતા લેખક અને નાટ્યકાર શ્રી મધુરાય ઠાકરે કવિશ્રી નટવર ગાંધીને એમનાં દિવ્યભાસ્કરનાં એક લેખમાં ખૂબ જ સુંદર રીતે આલેખ્યા છે, જેમાં એમણે દરિયાપારનાં સર્જકોની વ્યથા પણ વર્ણવી છે. શ્રી મધુભાઈએ લખેલો આ લેખ બધાએ ખાસ વાંચવા જેવો છે : ન.મો.ગાંધીનો ઐલાન (શ્રી મધુરાય ઠાકર વિશે વધુ જાણવા માટે એમની વેબસાઈટ પર જઈ શકો છો: મધુરાય.નેટ)