ફોરએસવીનાં વાતચીત વિભાગમાંથી…
ગઝલ કવિતાથી જુદી ન પાડી શકાય. જેમ હાઈકુ, સૉનેટ, ગીત, અછાંદસ, તાન્કા, ખંડકાવ્ય, મુક્તક એ સૌ કવિતાના અલગ અલગ પ્રકાર છે, એ જ રીતે ગઝલ પણ કવિતાનો જ એક પ્રકાર છે. સમયની સાથે સાથે હવે કદાચ ગઝલ એ કાવ્યનો સૌથી લોકપ્રિય પ્રકાર છે. ગઝલ મૂળ ઉર્દૂ અને ફારસી કાવ્યપ્રકાર છે જેનો શાબ્દિક અર્થ ‘પ્રિયતમાને સંબોધન’ થાય છે. શરૂના દાયકાઓની ગઝલો આ અર્થને વળગીને જ લખાતી હતી અને ગઝલમાં પ્રેમિકા, સાકી-શરાબ અને ઈશ્વરની વાતો જ થતી હતી. કાળક્રમે ગઝલમાં નવા સંદર્ભો ઉમેરાતા ગયાં અને આજે ગઝલ સૌથી વધુ વંચાતો, ગવાતો અને સંભળાતો કાવ્ય પ્રકાર છે.
ગઝલની વિશેષતા એ છે કે એ બે-બે પંક્તિથી બનેલા શેરોનું સંકલન છે. પહેલા શેરને મત્લો અને આખરી શેરને મક્તા કહે છે. ગઝલમાં દરેક શેર સ્વતંત્ર છે. બે કડીથી બનતો દરેક શેર એ પોતે એક સ્વતંત્ર કાવ્ય છે અને એ ગઝલની મૂળ વિચારધારાથી સાવ અલગ હોય શકે છે.
મારી એક ગઝલના ઉદાહરણથી આ વાત સમજીએ:
રક્તથી સીંચાઈને બનશે નહીં,
ઈંટ કોઈ પણ અહીં ટકશે નહીં.
લોહીના એક બુંદથી હો કિંમતી
એવો પત્થર વિશ્વમાં મળશે નહીં.
શ્વાસમાં મ્હોર્યો હતો વિશ્વાસ જે,
કોઈ આંખોમાં કદી જડશે નહીં.
બાબરી બાંધો કે મંદિર, વ્યર્થ છે –
કોઈ કોઈને હવે ભજશે નહીં.
રામલલ્લા બોલો કે અલ્લાહ્ કહો,
એ અહીં મળતાં નથી, મળશે નહીં.
આદમીના દિલથી થઈને દિલ લગી
જાય એ રસ્તો હવે બનશે નહીં.
અહીં ‘બનશે’, ‘ટકશે’, ‘મળશે’, ‘જડશે’, ‘ભજશે’ જેવા સમાન પ્રાસી શબ્દો મત્લાની બંને પંક્તિના અંતે તથા ત્યારબાદ દરેક શેરની બીજી પંક્તિના અંતમાં આવે છે જેને “કાફિયા’ કહે છે. જ્યારે ‘નહીં’ શબ્દ મત્લાની બંને કડીના અંતમાં તથા દરેક શેરની બીજી પંક્તિના અંતમાં એક સરખો જ રહે છે અને બદલાતો નથી, જેને ‘રદીફ’ કહેવાય છે.
-વિવેક ટેલર
————-
મારી કવિતાની એક પોસ્ટની કોમેંટમાં ગઝલ લખવા વિશેની વિવેકે કરેલી થોડી વિગતે ચર્ચા…
ગઝલ શું છે ? હું શા માટે ગઝલ લખું છું ?
જો તમે માત્ર નિજાનંદ ખાતર ગઝલ લખતાં હો તો તમારી લખેલી છંદ વગરની કવિતા તમને પોતાને જો પસંદ હોય તો એ બરાબર જ છે. પરંતુ જો તમે બ્લોગ બનાવીને તમારી કવિતાને દુનિયા સાથે ગઝલ તરીકે વહેંચવાની મંશા રાખતા હો તો ખૂબ જ જરૂરી છે કે ગઝલ શું છે એ સમજી લેવામાં આવે…
ગઝલમાં માત્ર છંદ જ નથી હોતા… અને ગઝલના છંદથી આપ એ કોઈ રાક્ષસ હોય એમ ડરવાની પણ કંઈ જ જરૂર નથી. રમતવાતમાં એ શીખી શકાશે. પણ જ્યાં સુધી આપ છંદ હસ્તગત ન કરી લો ત્યાં સુધી ગઝલના બંધારણને માત્ર જાળવી શકો તો ય ઘણું. કાફિયા અને રદીફ જાળવીને જો ગઝલ લખશો તો પણ સૌને એ માણવાની વધુ મજા આવશે….
ફિલ્મી ગીતો આપ સાંભળતા જ હશો…. શા માટે એ સૌને મોઢે રહી જાય છે? કારણકે એ છંદમાં હોય છે… ફક્ત થોડા ગીતોનું પૃથક્કરણ કરશો તો પણ છંદનો ખ્યાલ આવવા માંડશે. વધુ અભ્યાસ માટે રઈશ મનીઆર લિખિત લેખમાળા જે ગઝલગુર્જરી (http://www.ghazalgurjari.com/)ના બીજા અંક્થી છઠ્ઠા અંકમાં છે એ જોઈ લેશો. કાફિયા-રદીફ માટે મેં એસ.વી.ના બ્લૉગ પર મૂકેલી લિન્ક જોઈ લેવા વિનંતી છે. (રદીફ-કાફિયાવાળું ઉપરનું લખાણ ત્યાંથી જ કોપી કરીને અહીં મૂકેલ છે. )
મકરંદ દવેએ ગઝલના પ્રાણને ચાર ભાગમાં મૂલવ્યો છે. એમણે સૂચવેલા પ્રકાર હું મારી ભાષા અને મારા ઉદાહરણ દ્વારા કદાચ વધુ સારી રીતે અહીંના વાંચકોને સમજાવી શકીશ. ગઝલનો પિંડ ચાર તત્ત્વથી બંધાય છે:
1) હુસ્ન-એ-ખયાલ : વિચાર સૌંદર્ય…. ગઝલમાં પહેલી અગત્યની બાબત છે, વિચારોનું સૌંદર્ય. ‘એક થોર પર ફૂલ ઊગ્યું છે’ એમ કહીએ તો શું મજા આવે? પણ ‘ઊગ્યું છે રણના એક થોરની સમીપે પુષ્પ મજાનું’ કહીએ તો વાત એ જ રહે છે, પણ મજા બદલાઈ જાય છે.
2) અંદાજ-એ-બયાં : અભિવ્યક્તિ… વિચારોને રજૂ કરવાની છટા…. તમે જે કહેવા માંગો છો એ વિચારમાં માત્ર સુંદરતા હોવી જરૂરી નથી. એ વિચારની સુંદરતા તમે કેવી રીતે પેશ કરો છો એ વધુ અગત્યનું છે. ઉપરના જ વાક્યને ‘એક થોરની આંખોમાં ઊગ્યું છે પુષ્પ નામનું શમણું’ એ રીતે વાંચીએ તો સમજી શકાય છે કે એમાં હવે અંદાજે-બયાં પણ ઉમેરાયો છે.
3) મૌસિકી : એટલે સંગીત. ગઝલમાં માત્ર છંદ જ સંગીત નથી લાવતાં. વાતમાં છુપાયેલું સંગીત ક્યારેક છંદને પણ વધુ સુંદર બનાવે છે.
‘આંખોમાં આ થોરની આવ્યું છે શમણું પુષ્પનું’ - આ લીટી હવે છંદમાં છે એટલે વાંચતી વખતે એક લયની સુરખી મનમાં લહેરાતી હોવાના કારણે પંક્તિ કાયમ માટે યાદ રહી જવાની શક્યતા પણ વધી જાય છે. પણ આ પંક્તિ જો આ રીતે વાંચીએ તો?
‘થોરની આંખોમાં આવ્યું પુષ્પ નામે શમણું એક’ - આ રીતે વાંચીએ તો મનમાં કશુંક વધુ સારી રીતે રણકતું હોય એમ નથી લાગતું? પંક્તિ બંને છંદમાં જ છે. પણ આ બીજા પ્રકારમાં છંદ ઉપરાંત મૌસિકી યાને સંગીત હોવાને કારણે એ વધુ આહલાદક લાગે છે.
4) મારિફત : યાને આધ્યાત્મિક્તા. ઉપરના ત્રણ પાસા અગર ગઝલનો દેહ રચે છે તો મારિફત એમાં પ્રાણ ફૂંકે છે. એ અંદરથી આવે તો જ કવિ સાચો. આયાસે અને અનાયાસે રચાયેલી ગઝલોનો ફર્ક આધ્યાત્મિક્તા અથવા શેરમાં છુપાયેલું સારતત્ત્વ પકડી પાડે છે.
‘થોરની આંખોમાં આવ્યું પુષ્પ નામે શમણું એક
આયખાના રણમાં સઘળે થઈ ગયો શેં મઘમઘાટ ?’
-એક લીટીમાં એક જ વાતમાં ક્રમશઃ કેટલું પરિવર્તન આવ્યું એ સરળતાથી સમજી શકાય છે હવે?
ગઝલના પિંડને આટલો સમજી શકાય તો કવિતા કરવી સરળ થઈ જાય. કવિતા કરતી વખતે એ યાદ રાખવું ખૂબ જ આવશ્યક બની રહે છે કે કવિ એ કોઈપણ ભાષાનો મોભ છે. કવિના ખભા નબળા હોય એ સમાજમાં ભાષા કદી જીવી ન શકે. કવિતા એ માત્ર નિજાનંદ નથી, એક સામાજીક જવાબદારી પણ છે એટલું સમજી શકીએ તો ભાષાની સેવા સારી રીતે કરી શકાય.
-વિવેક ટેલર
——–







