સૌ મિત્રોને દશેરાની ખૂબ ખૂબ શુભકામનાઓ… આપણા મનની રાવણીય વૃતિઓ પર વિજય મેળવી આપણી અંદરની શ્રદ્ધારૂપી સીતા પણ સ્વતંત્ર થાઓ એવી વિજયાદશમીની શુભેચ્છાઓ… કહેવાય છે કે આજનાં દિવસે પ્રભુ શ્રીરામે રાવણનો વધ કર્યો હતો… એટલે કે દૈવીશક્તિએ આસુરીશક્તિ પર વિજય મેળવ્યો હતો… આજે નક્કી દેશમાં જ્યાં જુઓ ત્યાં રાવણનાં પૂતળાને આગ લગાડવાનું દૃશ્ય ઠેર ઠેર જોવા મળ્યું હશે… પરંતુ રાવણનાં વધ પછી તરત એ જ અગ્નિની જ્વાળાઓમાંથી પસાર થઈને માતા સીતાને પોતાની પવિત્રતાની અગ્નિપરીક્ષા આપવી પડી હતી, તે પ્રસંગ પણ યાદ છે ને?! તો આજે એ પ્રસંગને યાદ કરાવતાં રામ-સીતાનું એક ભક્તિગીત…

(ક્યાંના ભગવાન તમે…?)

સંગીતકાર : અવિનાશ વ્યાસ
સ્વર : આશા ભોંસલે
વર્ષ: 1979

સંગીત સંયોજન અને સ્વર: આશિત દેસાઈ

રામ… રામ… રામ…
દયાના સાગર થૈને, કૃપા રે નિધાન થૈને, છો ને ભગવાન કહેવડાવો…
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો…
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો.

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે ફૂલ ને ચંદનથી છો પૂજાઓ,
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો…
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો.

કાચા રે કાન તમે, ક્યાંના ભગવાન તમે, અગ્નિ પરીક્ષા કોની કીધી?
તારો પડછાયો થઇ જેને, વગડો રે વેઠ્યો એને, લોકોની વાતે ત્યાગી દીધી…
પતિ થઇ પત્નીને પારખતાં ન આવડી, છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફુલાઓ;
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો…
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો.

તમથીયે પહેલા અશોક વનમાં, સીતાજીએ રાવણને હરાવ્યો,
દૈત્યોના બીચમાં નિરાધાર નારી તોયે, દશમંથાવાળો ત્યાં ન ફાવ્યો…
મરેલા ને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ, અમથો વિજયનો લૂંટ્યો લ્હાવો;
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો…
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો.

-અવિનાશ વ્યાસ

આ ભક્તિગીતમાં મા સીતાજીનાં ભક્તોનો પ્રભુ રામને પ્રેમપૂર્વક કરેલો આક્રોશ પ્રગટ થાય છે… રામે રાવણ ઉપર વિજય ભલે આ દિવસે મેળવ્યો હતો, પરંતુ મા સીતાએ રાવણને તણખલા સમાન તુચ્છ ગણીને ઘણા વખત પહેલા એને મનથી મારી નાંખ્યો હતો… અને મનથી મરેલા માણસનાં શરીરનો રામે સંહાર કર્યો એમાં એમણે શું મોટું પરાક્રમ કરી નાંખ્યુ? અને ઉપરથી વિજયનો અમથો લ્હાવો લૂંટ્યો… આશાજીનાં ગળચટ્ટા અવાજમાં આ મધૂરું ગીત સાંભળવાનું તો ખૂબ જ ગમે છે અને સાંભળીને હું કાયમ વિચારમાં પડી જાઉં છું… અહીં આપણે ખરા-ખોટાની કોઈ ચર્ચા નથી છેડવી, પરંતુ ગમે તેટલી વાર કોઈ પણ પાસે આ પ્રસંગનું અર્થઘટન સાંભળું કે વાંચું… પૂજ્ય શ્રી મોરારીબાપુના મુખે પણ… (જેમ કે અગ્નિપરીક્ષા એ સીતામાનું અસલ સ્વરૂપ અગ્નિદેવતા પાસે ફરી માંગવાની એક યુક્તિ માત્ર હતી!) પરંતુ સીતાની અગ્નિપરીક્ષાની તરફેણની કોઈ દલીલ આજ સુધી મારા ગળે ઉતરી જ નથી શકી… કદાચ એટલા માટે જ હશે કે એ દ્વાપરયુગ હતો અને આ કળીયુગ છે… એટલે કે ત્યારની વિચારધારાનું વહેણ પણ હવે બદલાઈ તો ગયું જ હોય ને…! જો કે અમુક જડ વિચારધારાઓ તો યુગો વિતવા છતાં એવી ને એવી જડ જ રહે છે… એ કદીયે બદલાઈ નથી શકતી… અને આજે પણ એ સત્ય છે, કે અગ્નિ વગરની અગ્નિપરીક્ષામાંથી આજે પણ ઘણી ભારતીય સ્ત્રીઓએ પસાર થવું જ પડે છે…! ઘણીવાર તો મને થાય છે કે એ વાત કદાચ સાચી જ હશે… જે વાત વર્ષો પહેલાં એક સૌરાષ્ટ્રનાં ભાઈએ મને કહી હતી… એ જ કે, રામાયણ અને મહાભારત એ તો થોડા ખૂબ જ ફળદ્રુપ ભેજાઓની એક ઉપજ છે… સમાજને એક આદર્શ અને ધ્યેય આપવા માટે. :-)

અને હા, નવ નવ રાત્રિઓ ભલે પતી ગઈ હોય, પણ નવરાત્રિનો અંત કંઈ એટલો જલ્દી થોડો જ આવે… ?! અને એ પણ અહીં અમેરીકામાં…?! જ્યાં કમ સે કમ, 3-4 વીક-એંડ સુધી ગરબા ગવાય છે…! ગરબા-રાસની રમઝટ તો હજી આપણે પૂનમ સુધી તો માણીશું જ ને?! તો કાલથી ફરી રાસની રમઝટ શરૂ… શરદ પૂનમ સુધી.