પડી હો જાણે પગમાં શૃંખલા એવી પ્રતીક્ષા છે,
ભલા આ તે તમારી પ્રીત છે કે કોઇ શિક્ષા છે.

છું તારા માર્ગ પર ને તોય વાગે છે મને કાંટા,
કહે ઓ ઇશ, આ તે મારી કે તારી પરીક્ષા છે?

જીવન જેવું ન હોતે તો ન હોતે ઝંખના જેવું,
દીધું છે દાન તેં જ એજ મારે કાજ ભિક્ષા છે.

વસંત ને પાનખર છે બેયમાં એક જ દશા મારી,
ચમનની માટી જેવી મારા જીવનની તિતિક્ષા છે.

કહે છે પ્રેમ જેને એ ધરમ છે જિન્દગાનીનો,
કહે છે જેને સૌ દીવાનગી એ દિલની દીક્ષા છે.

વિરહની રાતના અરમાન ક્યાં, દિવસો મિલનના ક્યાં?
નવાઇ છે - સિતારાઓને સૂરજની પ્રતીક્ષા છે.

કયામતના દિવસનો અર્થ બીજો કંઇ નથી બેફામ,
વિધાતાનાં લખાણો પર ફરિશ્તાની સમીક્ષા છે.

-બરકત વિરાણી ‘બેફામ’

* * *

તિતિક્ષા - સહિષ્ણુતા, સહન કરવાની વૃત્તિ
સમીક્ષા - નિરીક્ષણ, બારીક તપાસ

*

બરકત વિરાણી ‘બેફામ’ની જીવનઝાંખી