Happy Doctor’s Day to all Dear Doctor-friends…!


(લાગણીઓને મધુપ્રમેહ છે…)

સ્વર: મધુમતી મહેતા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એક દિવસ હું ઝાંઝર પહેરી દર્શન કરવા હાલી,
રસ્તે જાતા વૈદ મળ્યા ને ખવડાવી ભાઈ ફાંકી.

બોલ્યા- દીકરી, દીસે તારો રઝળપાટનો કોઠો,
વિચારવાયુ વકર્યો એનો ચડ્યો કાગળે ગોટો;
લાગણીઓને મધુપ્રમેહ છે - કહ્યું લોહીને ચાખી,
રસ્તે જાતા વૈદ મળ્યા ને ખવડાવી ભાઈ ફાંકી.

વૈદ કહે કે નાડી તારી ચાલે મંડૂક ચાલ,
નીકળ્યા ચીલા ચાતરવા, પણ નથી ચાલમાં તાલ;
કેડી, કારણ, હાંફ, ગજુ - લે એક નજરથી માપી,
રસ્તે જાતા વૈદ મળ્યા ને ખવડાવી ભાઈ ફાંકી.

મસ્તકમાં વળ જાજા માથે તર્કતણી કરચલીઓ,
તારી અંદર બબ્બે તું છો, કરમી ને કદખળીયો;
ઝઘડાં મૂળથી કાઢે એવા ઓસડિયા દે વાટી,
રસ્તે જાતા વૈદ મળ્યા ને ખવડાવી ભાઈ ફાંકી.

-મધુમતી મહેતા

મધુબેનનાં મધુર અવાજમાં વધારે મધુરું લાગતું આ મધુર ગીત આજે આ તબીબ-દિવસે બધા વ્હાલા તબીબ/હકીમ/વૈદ-મિત્રોને સપ્રેમ અર્પણ !  અહીં મધુબેનની ‘લાગણીઓને મધુપ્રમેહ છે’ વાળી વાત તો મને ખૂબ જ ગમી ગઈ… કાશ, આપણા બધાની લાગણીઓને પણ મધુપ્રમેહનો રોગ લાગુ પડે!  અને આ મધુપ્રમેહની વાત આવી તો મને યાદ આવ્યું કે એક તબીબ-મિત્રએ હમણાં જ મને યાદ કરાવ્યું હતું કે આજે તો મધુપ્રમેહ દિવસ પણ છે… મતલબ કે World’s Diabetes Day!!  તો મિત્રો, જેમને તનનો કે મનનો કે કવનનો કે લાગણીઓનો મધુપ્રમેહ થયો હોય એવા સૌ રોગીઓને પણ આ ગીત સસ્નેહ અર્પણ…!!  :-)