થોડા દિવસો પહેલા જ વસંતપંચમીના દિવસે ઊર્મિની આ ગઝલ આપ સૌએ - ઊર્મિનો સાગર - પર તો માણી જ હશે. આજે અહીં આ ગાગરમાં પણ એ અડબંગ ઊર્મિઓ છલકાવી જ દઇએ..!! અને હા, સાથે માણીએ જુગલકાકાએ કરાવેલો એવો જ મઝાનો આસ્વાદ..!!
(તારી મારી વચ્ચે આ ઉન્માદ જેવું… ફોટો: ઊર્મિ)
ઇચ્છાનું તો એવું છે ભૈ, ઘાસ જેવું…
ઊગી આવે જ્યાં મળે ભીનાશ જેવું.
તારી મારી વચ્ચે આ ઉન્માદ જેવું…
કૈંક તો છે ઢાઇ અક્ષર પાશ જેવું !
મારી અંદર રહું છું હું હજ્જાર રૂપે…
તોય મને હું ક્યાં મળું જરાક જેવું !
સૂરજ સમજણનો પછી દેખાય શાને ?
હોય મન જ્યાં ગોરંભાયેલ આભ જેવું !
તું જો નહીં આવે સખા, તો ચાલશે,
મોકલ મબલખ મઘમઘ થોડી યાદ જેવું.
આટલા વર્ષે સમજાયું ‘ઊર્મિ’ને આ,
સાવ અડબંગ હોય છે આ વ્હાલ જેવું !
- ઊર્મિ (૫ ઑગષ્ટ ૨૦૧૨)
********
અને હવે માણીએ જુગલકાકા ( શ્રી જુગલકિશોર વ્યાસ) દ્વારા આ ગઝલનો એવો જ મઝાનો આસ્વાદ!
‘ઊર્મિ’ નામથી ઓળખાતી ને ‘ઊર્મિનો સાગર’ નામક સાઈટ છલકાવતી આ કવયિત્રી લાંબા સમયથી બ્લૉગજગતની સર્જનાત્મકશક્તિરૂપા છે અને વિદેશોમાં ઊજવાતા રહેતા અનેક પ્રસંગોમાં સહયોગી ભૂમિકા ભજવતી એવી વ્યક્તિવિશેષરૂપા છે. પોતાના બ્લૉગ પર એમણે અનેક પ્રયોગો કર્યા છે. સહિયારા સર્જનનો એમનો પ્રયોગ બ્લૉગજગતમાં એક મજાનો પ્રયોગ બની રહ્યો છે….એમની રચનાઓમાં એમના તખલ્લુસ ઊર્મિનું વિશેષ પ્રાધાન્ય હોય છે.
અહીં પ્રસ્તુત એમની રચનામાં ઊર્મિતત્ત્વનાં કેટલાંક રૂપો એટલાં સૂક્ષ્મ છે કે કવયિત્રી પણ એને સ્પષ્ટ નામ નથી આપી શકતાં – ને એટલે સમગ્ર ગઝલમાં કહેતાં રહ્યાં છે કે એ કશુંક “એના જેવું” છે. મનના વિવિધ ભાવો આ આખી રચનાને સળંગ એક વિચાર પર પકડી રાખે છે.
શરૂઆત તેઓ ઇચ્છા નામક એક એવા તત્વથી કરે છે જેને અધ્યાત્મમાં બહુ વગોવવામાં આવ્યું છે. પણ નર્યા જીવનમાં તો તે તત્ત્વ એવું સહજ છે કે સહેજ અમથી ભીનાશ હૈયે દેખાઈ નથી કે તે – ઘાસની જેમ – ઊગી નીકળી નથી !
મજાની વાત તો એ છે કે, પ્રેમતત્ત્વને ઇચ્છાની પછી તરત જ મૂકીને એમણે ઢાઈ અક્ષરી તત્ત્વનો પાશ ઉન્માદ કહીને સરસ રીતે સમજાવી દીધો છે. એય તે વળી એટલે સુધી કે ઉન્માદમાં ફસાયેલું વ્યક્તિત્વ પોતાને માટે પણ સમય કાઢી શકતું નથી ! પોતાની ભીતરમાં હજ્જારો રૂપ ધરીને રહેતું વ્યક્તિત્વ પણ ભાવજગતની વિવિધ લીલાઓ વચ્ચે એટલું બધું વ્યસ્ત–મસ્ત હોય છે કે ખુદને પણ જો મળે તોય ફક્ત ‘જરાક જેવું’ જ મળી શકે છે !
હવે જો પરિસ્થિતિ આવી હોય તો કારણ પણ જાણવું રહ્યું. કવયિત્રી તે શોધી કાઢે છે : એમને ‘સમજાય’ છે કે, મન જો (આવા ભાતભાતના ભાવો થકી) આકાશી ગોરંભથી ગ્રસ્ત હોય તો સૂર્ય જેવો સૂર્ય પણ દેખી શકાતો નથી. એટલે કહેવાનું તો એ પણ થયું ને કે, પ્રેમ આંધળો નથી….તકલીફ જે કાંઈ થાય છે પ્રેમમાં, તે તો થાય છે આ અનેક ભાવોના ગોરંભને લીધે !!
જોકે પ્રેમતત્ત્વનું એક સુખ હોય છે. એમાં આડશે છુપાયેલી વાસના જો ભળેલી ના હોય તો એ બહુ સંતુષ્ટતત્ત્વ છે. સખો સદેહે જ સામે આવીને ઊભો રહે એવી સ્થૂળતાનું એ લાલચી નથી. પ્રેમતત્ત્વ તો લગરીક યાદ જેવી ઝરમર થકીય તુષ્ટતુષ્ટ બની રહે છે.
ભાવોમાં રમમાણ વ્યક્તિત્વ જીવનના ભાવુક અને વ્યાવહારિક એવા બન્ને પ્રકારના અનુભવોમાંથી જોકે ક્યારેક સમજણ પણ મેળવે છે, આ બધા ભાવો અંગે ભલે સ્પષ્ટરૂપે નહીં તોય કશોક સાર તે કાઢે છે. એને વારંવારના બદલાતા રહેતા ભાવાનુભવોને અંતે ‘સમજાય’ છે કે આ બધા અવારનવાર ને આડેધડ આવી ચડતા ભાવો કે જેને પોતે ચાહતી રહી છે, વ્હાલ કરતી રહી છે તે સાવ અડબંગ જ હોય છે બલકે એ વ્હાલ જ ખુદ અડબંગ છે !!
અહીં મીરાંને લગરીક યાદ કરવી પડે ! એણે ગાયું છે ને કે, “મૈં જો ઐસા જાનતી….(તો) નગર ઢિંઢોરા પીટતી, (કે) પ્રિત ન કીજો કોઈ !” ભલે, મીરાંની સમજણ ને ઊર્મિની સમજણમાં “સમજણ ફેર” જુદો ને ઝાઝો છે પણ તે છતાં અહીં બેઉને ભેગી કરી દેવાનું સાવ અપ્રસ્તુત તો ન જ ગણાય !
એક નાનકડી શબ્દયોજના તરફ ધ્યાન દોરવા જેવું લાગે છે. સખાને થોડી…ક યાદ જેવું મોકલવાનું કહેતી કવયિત્રી પાછી બે મોટાં વિશેષણોય સખાને સોંપીને મૂંઝવી મારે છે ! એક છે ઘ્રાણ વિષયક વિશેષણ ‘મઘમઘ’ અને બીજું જથ્થાવાચક વિશેષણ ‘મબલક’ !! સખો બીચારો આવડું મોટું પાર્સલ ‘લગરીક’ યાદના નામ–સરનામે–બહાને શી રીતે મોકલી શકશે, ઊર્મિબહેનાં ?!








સુંદર ગઝલનો વિદ્વાન જુ’ભાઇ દ્વારા મધુરા આસ્વાદ બાદ
અશેષ રહે તેમા અમારા રોગની પંક્તી આવી
અને
સહેજે ખૂબ ગમી
તારી મારી વચ્ચે આ ઉન્માદ જેવું…
કૈંક તો છે ઢાઇ અક્ષર પાશ જેવું !
અમારો ઉન્માદ નિષ્ણાત યાદ આવ્યો
ભલે આજે નહીં સમજે કોઇ ‘ઉન્માદ’નો મહિમા,
ઉનાળામાં જ સમજાઇ શકે વરસાદનો મહિમા.
અલગ છે શબ્દનો મહિમા! અલગ છે નાદનો મહિમા,
છતાં એક જ છે બંનેથી થતા સંવાદનો મહિમા.
જો એ વ્યક્તિ જ હાજર હોય તો એનો ય છે આનંદ,
નહીંતર આમ ક્યાં ઓછો છે એની યાદનો મહિમા?
પ્રણયની વેદનામાં વેદનાનું દુ:ખ નથી હોતું,
અને ફરિયાદમાં હોતો નથી ફરિયાદનો મહિમા.
‘મુકુલ’ એવી જગાએ જઇ ગઝલ ના વાંચશો હરગિઝ,
ગઝલથી પણ વધારે હોય છે જ્યાં દાદનો મહિમા.
આવા સુંદર બ્લોગને જગાડવા બદલ દાદ…
રદય ઝંખે તને ક્ષણે ક્ષણે,પણ તુ આવે જ્યારે પ્રત્યક્ષ,
જાણે કેમ લાગે બધુ આભાસ જેવુ..!
પુછવા છે સવાલ હઝારો તને…
પણ મળે જ્યારે મોકો…તો કેમ લાગે ગભરાટ જેવુ…!!
સૂરજ સમજણનો પછી દેખાય શાને ?
હોય મન જ્યાં ગોરંભાયેલ આભ જેવું !
ગઝલ બહુ સુંદર છે.
હોય મન જ્યાં ગોરં ભાયેલા આભ જેવું
સુંદર ગઝલ અને રસ દર્શન…એક એક શબ્દમાં ભા વછલકે છે.પ્ૉ
રમેશ પટેલ(આકાશદીપ)
સુંદર ગઝલનો એવો જ સરળ અને સરસ આસ્વાદ!
સુધીર પટેલ.
સુંદર કવિકર્મનો,સ-સર સક્ષમ કલમ દ્વારા રસ આસ્વાદ…સોનામાં ભળી સુગંધ…
સ-રસ સુધારી વાંચશો પ્લિઝ….. !
અદભૂત..!! શબ્દો નથેી મળતા .. ખરેખર સ-રસ રસાસ્વાદ ..!!!
આ કાવ્ય રચના એટલી તો મધુર છે અને જુગલકાકાની વાત વળી મધુરતર છે કે ભલભલા મોટા ગજાના કવિઓ ગોથા મારી ખોવાઈ જાય તો પ્રાકૃત માનવીની તો આમાં ચાંચ થોડીવત્તિ ડૂબે તો પણ ભયો ભયો !!
વલ્લભદાસ રાયચુરા
મુંબઈ
ફેબ્રુઆરી 24, 2013.
ખુબ જ સુંદર ગઝલ કવયત્રિને અભિનંદન.
નવીન જોશી, ધારી,ગુજરાત.
વ્હાલમના વહાલની વાત જ અલગ હોય છે
તારી મારી વચ્ચે આ ઉન્માદ જેવુ!
કૈંક તો છે ઢાઈ અક્ષર પાશ જેવુ……
ઉમળકો, ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસ સાથે ઉન્માદ ભળે એટ્લે જરુર પ્રેમની વાત હોય જ, શ્રીમતી મોનાબેનનુ કવ્ય ભરપુર પ્રેમ્
ની વાત કરી જાય છે અને શ્રી વ્યાસ સાહેબનો આસ્વાદ એટ્લો જ મન્ભાવન બની રહે છે, સૌને અભિનદન્ આભાર
Khub sundar…..Abhinandan
SARAS!
ખુબ સુન્દર .અભીનન્દન ઉર્મીબહેનને.
સુન્દર ગઝલ પ્રસ્તુત કરિ ચ્હે
ખુબ ખુબ આભર
ચન્દ્રા
સૌ મિત્રોનો તહેદિલથી આભાર… જુગલકાકાને સાભાર સાદર પ્રણામ.