શબ્દને ઘૂંટી ઘૂંટીને ગુજરાતી કવિતાને અતિ સમૃદ્ધ અને રસાળ બનાવનાર આપણા મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોશીનાં આજે 100માં જન્મ દિવસે એમને હૃદયપૂર્વક અને ઊર્મિપૂર્વક શ્રદ્ધાંજલિ… મારા અને તમારા તરફથી.  આજે આપણે એમનું એક ખૂબ જ વિખ્યાત ગીત માણીએ…

girl-with-arms-open-wide-to-the-sky
(અમે ગીત ગગનનાં ગાશું રે…  ફોટો : વેબ પરથી)

સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર : સાધના સરગમ
આલ્બમ : હસ્તાક્ષર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અમે ગીત ગગનનાં ગાશું રે, અમે ગીત મગનમાં ગાશું,
કલ-કલ કૂંજન સુણી પૂછશો તમે, અરે છે આ શું?
અમે ગીત o

સૂર્ય ચંદ્ર ને દીયો ઓલવી, ઠારો નવલખ તારા,
હથેળી આડી રાખી રોકો, વરસંતી જલધારા;
અમે સૂર સરિતમાં ન્હાશું રે, અમે સૂર સરિતમાં ન્હાશું.
અમે ગીત o

પંખી માત્રને મુનિવ્રત આપો, ચૂપ કરી દો ઝરણા,
પૂરો બેડીમાં હૃદય હૃદય પર, નરતંતા પ્રભુ ચરણા;
પૂર મૂકી મોકળાં ગાશું રે, પૂર મૂકી મોકળાં ગાશુ.
અમે ગીત o

બાળક હાલરડા માગે ને, યૌવન રસભર પ્યાલા,
પ્રૌઢ ભજન ભણકાર ચહે, આપે કોઈ મતવાલા;
અમે દિલ દિલ ને કંઈ પાશું રે, અમે દિલ દિલ ને કંઈ પાશું.
અમે ગીત o

- ઉમાશંકર જોશી

આવતીકાલથી લયસ્તરો પર માણો, ઉમાશંકર જોશીનો જન્મ શતાબ્દી-મહોત્સવ !