(ચિનુભાઈની એક અપ્રગટ ઓવનફ્રેશ ગઝલ… ‘ગાગરમાં સાગર’ માટે)
વસંતો આવવાની પુષ્પને આપો વધામણી ?
વિહંગો વૃક્ષ પર છે ચૂપ ને આપો વધામણી ?
અમારી આંખમાં આવી ગયા છે એક-બે અશ્રુ,
તમે સપને દીધેલા રૂપને આપો વધામણી.
હજી હમણાં જ આકાશેથી રમવા નિકળ્યા તારા,
જરા જંપી ગયેલા કૂપને આપો વધામણી.
તડાકે તોડવા પડશે તમારે બંધનો વ્હાલા,
પછીથી ભૂપના પણ ભૂપને આપો વધામણી.
જરા જેવો ખસેડો ભાર આ ‘ઇર્શાદ’ માથેથી,
પછીથી શ્વાસ સર્જ્યા સ્તૂપને આપો વધામણી.
- ચિનુ મોદી ‘ઇર્શાદ’
ગયા અઠવાડિયે શ્રી ચિનુભાઈ સાથે એક અંગત ગઝલ-session દરમ્યાન એમણે મને સમજાવ્યું હતું કે ગઝલ કંઈ જાતે અવતરતી નથી, એને સતત મહાવરાથી on-demaand પણ લખી શકાય છે. એના દાખલા તરીકે એમણે ડેટ્રોઈટમાં શ્રી ચંદ્રેશ ઠાકોર સાથે થયેલા એક ગઝલ-sessionની વાત કરી હતી. જેમાં એમણે ચંદ્રેશભાઈને એક શબ્દ આપવાનું કહ્યું અને એમણે ‘વધામણી’ શબ્દ આપ્યો. અને ત્યારે ચિનુભાઈએ એમને આ શિઘ્ર ગઝલની રચના કરીને બતાવી હતી. પછી તો એમણે જ્યારે મને આ પાનું બતાવ્યું ત્યારે મેં એમની પાસે એ તરત માંગી લીધું હતું… ( આભાર ચિનુભાઈ!) અને ત્યારે સાલું યાદ ન્હોતું આવ્યું નહીંતર એમની પાસે આ ગઝલનું પઠન પણ કરાવીને જ લાવત… :)
વસંતનાં આગમન જેવી અટલ ઘટના માટે પુષ્પને વધામણી આપવાની કોઈ જરૂર ખરી? પક્ષીઓ પોતાના કલરવ અને ટહુકાઓ મૂકીને જો ચૂપ થઈ જાય તો એમને વધામણી આપવી જોઈએ ખરી? વધામણી કોને આપવી જોઈએ -ની વાતો કરતી આ શિઘ્ર ગઝલનાં આમ તો બધા જ શે’ર તરત જ ગમી જાય એવા થયા છે. પરંતુ મને તડાકે બંધનો તોડીને ભૂપનાં પણ ભૂપને વધામણી આપવાવાળો શેર જરા વધુ ગમી ગયો.
ગયા અઠવાડિયે લયસ્તરો પર મૂકેલી એમની બીજી એક ગઝલ પણ એમનાં હસ્તાક્ષર સાથે માણો…









માથેથી ભાર ખસેડવાની વાત વિશેષ ચિન્તન માગી લે છે……..
તડાકે તોડવા પડશે તમારે બંધનો વ્હાલા,
પછીથી ભૂપના પણ ભૂપને આપો વધામણી.
જરા જેવો ખસેડો ભાર આ ‘ઇર્શાદ’ માથેથી,
પછીથી શ્વાસ સર્જ્યા સ્તૂપને આપો વધામણી.
વાહ્
ચિનુકાકાની આ લગાગાગાના આવર્તનોવાળી શિઘ્ર ગઝલમાં ‘વધામ..ણી’ શબ્દ રદીફ તરીકે કેવો સરસ રીતે આવ્યો છે! ગઝલ રીતિ ઉપરાંત છંદ રીતિ વિશે પણ એમણે આડકતરી રીતે ઉપયોગી વાત કહી દીધી.
શીઘ્ર ગઝલની વાત સો ટકા પચી નહીં…
કાવ્ય મહાવરાથી પણ લખી શકાય, સાચી વાત!
કાવ્યનું અવતરણ પણ થાય, સાચી વાત !
પણ આ બંનેનું સંમિશ્રણ હોય તો જ…
ઘાયલે કહ્યા મુજબ ગઝલ કળા અને કસબ બંને જ છે… માત્ર પ્રેરણા જ જરૂરી હોય તો કદાચ આખા જીવનમાં સો કવિતા પણ રચી ન શકાય અને માત્ર કસબ જ જરૂરી હોય તો રોજ એકના ધોરણે ત્રીસ વરસના સર્જનકાળમાં અગિયાર હજાર કવિતાઓ લખાવી જ જોઈએ…
કવિતા કદાચ પ્રેરણાના આકાશ અને કારીગરીની ધરતીને જોડતી ક્ષિતિજ છે !!
ઊર્મિબેનઃ શ્રેી. ચિનુભાઈના સંદેશથેી એમનેી શેીઘ્ર ગઝલ “ઊર્મિસાગર”માં તમે સામેલ કરેી છે એ જાણેી એનેી મુલાકાત લેવાનું મન થયું. ઑન-ડેીમાંડ કાવ્ય કે ગઝલ લખેી શકાય એ સાચું ખરું, પણ ચિનુભાઈ જેવા અઠંગ સર્જક જ એ કરેી શકે. અને કાફિયાનેી અસરકારકતા પણ એવો ગઝલકાર જ જમાવેી શકે. એક જમાનામાં ભેગા થયેલા શાયરોને મંચ ઉપર જ એક પંક્તિ આપવામાં આવતેી અને શાયરેી/ગઝલનેી રમઝટ જામતેી એ તો જાણેીતેી વાત છે. … કંઈક લખવાનેી ધગશ ધરાવતા નવાસવા “કવિ”ને પ્રોત્સાહન આપવા માટે પણ ચિનુભાઈ “મહાવરા” પર કદાચ ભાર મુકતા હોય એ શક્ય છે. પણ સતત મહાવરાથેી કસબ કેળવેી શકાય એ શક્યતામાં મને તો જરૂર તથ્ય લાગે છે.
જેમણે મને ગઝલ કરતા શિખવ્યુ તેમની ગઝલનુ વિવેચન કરવાનુ સાહસ કરવાનુ જરાયે મન નથી પરન્તુ ૯૯% પરસેવો અને માત્ર ૧% પ્રેરણા વાળી વાતમા તથ્ય તો છે જ. મારા લગભગ બધાય અમેરિકન કવિ મિત્રો પ્રેરણામા માનતા નથી. જેઓ પ્રોફેશનલ લેખકો છે તે પ્રેરણાની રાહ જોતા રહે તો તેમને ભુખ્યા રહેવાનો વારો આવે. હુ માનુ છુ કે ચિનુભાઈ એ વાત જ સમજાવી રહ્યા છે. ગઝલની ગુણવત્તાનો સવાલ છે તેતો ભાવકની સજ્જતા પર આધાર રાખે છે. મારી સારી ગઝલ નથી લેવાતી ને સાવ રદ્દી માલ વેચાઈ જાય છે ત્યારે એક કવિતા પાછ્ળ એટલી માથાકૂટ કરવી નિરથક લાગે છે પરન્તુ કવિતાના સર્જનવેળા જે બધી મથામણ ચાલતી હોય તે જ તેનો પુરસ્કાર હોય છે બાકી તો કોને કોની કવિતામા આટલો રસ હોય છે?