ગઈકાલે દિનેશ અંકલનો જન્મદિવસ હતો… અને ગઈકાલે જ આ પોસ્ટ ખાસ એમનાં હાલનાં એક સહકાર્યકર મનીષભાઈ ઠક્કરની ફરમાઈશ પર મૂકવાની હતી જે કોઈક કારણોસર રહી ગઈ હતી.  અમેરિકામાં વર્ષોનાં વસવાટ દરમ્યાન ફ્લોરિડાની યુનિવર્સિટીમાં વિજ્ઞાન ભણાવતા એક ગુજરાતી શિક્ષક એટલે કે ડૉ. દિનેશભાઈ શાહે દુનિયાભરમાંથી ભણવા આવેલા કંઈ કેટલાયે વિદ્યાર્થીઓનાં ભણતરમાં અને એમનાં જીવન-ઘડતરમાં આગવો ફાળો આપ્યો છે; અને ૭૨ વર્ષની ઉમ્મરે રિટાયર્ડ થયા બાદ પણ એમણે રિટાયર્ડ થવાનું તો ટાળ્યું જ છે.  ગુજરાતમાં જે ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં ટાટા-નેનોનો પ્રોજેક્ટ ચાલુ થઈ શક્યો છે એનું વિશેષ શ્રેય પણ એમનાં ફાળે જ જાય છે.  આ પ્રોજેક્ટનો પાયો નાંખીને આજે પણ તેઓ ત્યાં માનદ સેવાઓ આપે છે.  વિદ્યા, વિદ્યાર્થી અને વિદ્યાલયો માટે પોતાનું જીવન ખર્ચી નાંખનાર દિનેશ અંકલે આ ગીત પોતાના વિદ્યાર્થીઓ માટે લખ્યું છે.  પોતાના વિદ્યાર્થીઓ માટે ઊંડી લાગણી દર્શાવીને એમણે પોતાના જીવનકળનાં બધા વિદ્યાર્થીઓને જ અર્પણ કર્યું છે.  કદાચ એમના કોઈ શિક્ષક જો આજે આ ગીત વાંચે/સાંભળે તો તેઓ પણ જરૂર કહી ઊઠે કે એમને પણ રેતીમાંથી એક રતન મળ્યું હતું…!  આ ગીત ગયા વર્ષે થયેલા એમનાં એક કાર્યક્રમમાં શ્રેષ્ઠ ગાયક વિજય પ્રકાશનાં કંઠે ગવાયું હતું (જેમણે Slum Dog Millionair નું ઓસ્કાર વિજેતા ગીત જય હો ગાયું છે).  એ જ કાર્યક્રમની આ એક વિડિયો ક્લિપ છે.  તો મુકેશભાઈ જોષીની સુંદર પ્રસ્તાવના સાથે આ ગીતને વિજયભાઈનાં અદભૂત અવાજમાં સાંભળીએ…

પ્રિય દિનેશ અંકલને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ… તમારા જેવા જ વિદ્યાર્થી દરેક શિક્ષકોને મળે અને તમારા જેવા જ શિક્ષકો દરેક વિદ્યાર્થીને પણ મળે એવી શુભકામનાઓ !

સ્વરકાર : ઉદય મઝુમદાર
સ્વર : વિજય પ્રકાશ

ખોળ્યાં મેં અવનિ આભ ઘણાં,
કીધાં મેં સાગર પાર ઘણાં;
ધીખતાં રણ આ કોણે ઘડ્યાં,
મને રેતીમાંથી રતન જડ્યાં.

આ મેઘધનુષના રંગ સમા,
ચમક્યા હીરા માણેક ઘણાં;
મોંઘેરા એ છો ન સોને મઢ્યાં,
મને રેતીમાંથી રતન જડ્યાં.

દેશ વિદેશ કે પંથ તણાં,
એને ભેદ નથી કોઈ ધરમ તણાં;
હીરા તો કઠિન આ વજ્ર સમા,
મને રેતીમાંથી રતન જડ્યાં.

ઝબક્યાં હીરા અંધાર ઘણાં,
એક દીપક પણ પ્રતિબિંબ ઘણાં;
એક જ્યોતમાં લાખ દીવા મેં દીઠાં,
મને રેતીમાંથી રતન જડ્યાં.

- ડૉ. દિનેશ ઓ. શાહ