palash-flower6
(છલકે છે આપમેળે રૂપાળી ડાળ…  ફોટો: વેબ પરથી)

કેટલાંય વ્હાલ થકી આલેખે ધૂળ પર પોતીકાં ગીતને વસંત;
વેશ મહીં નવાનવા એથી તો હસી દે ધરતીની ધૂળનો ઉમંગ!

કાજળડે કોડ કેવા કોળે કે છલકે છે આપમેળે રૂપાળી ડાળ;
લાગ્યો છે એવો ને એવો પરશ અંતરમાં ડે રસાળ.
મ્હોરી ઉઠે છે મારો આખો અવતાર એવી અમરતની વાણી અનંત!
કેટલાંય વ્હાલ થકી આલેખે ધૂળ પર પોતીકાં ગીતને વસંત!

વારંવાર આનંદે પુલકે છે અંગ, કોની જાગે છે પ્રાણ મહીં માયા?
વણગાયાં ગીત આજ ઊમટે છે કંઠમાં, કોણે પીયૂષ એવાં પાયાં?
કોમળ કૈં કળી કળી ફૂટે છે ગીતની ને વેરે છે વનમાં સુગંધ!
કેટલાંયે વ્હાલ થકી આલેખે ધૂળ પર પોતીકાં ગીતને વસંત!

-રવીન્દ્રનાથ ટાગોર (અનુવાદ: સુરેશ દલાલ)

કવિઓના કવિ ટાગોરની કવિતામાં વસંતનો વૈભવ છે અને પ્રથમ વર્ષા વખતે ધરતીની જે સોડમ આવે એ સુગંધ છે. ટાગોરે જેટલું લખ્યું છે એટલું વાંચવા માટે કે સમજવા માટે એક આયુષ્ય ઓછું પડે. એમની કલમને ગીતના લય સહજ છે. આશય અને અભિવ્યકિત એમની નોખી-અનોખી રહી છે. ભલે એ વાત વસંતની કરતાં હોય પણ એ વસંતની સાથેસાથે યૌવનની વસંતનો પણ સંકેત આપતા રહે છે. વસંતની હવા જ જુદી હોય છે. રંગરાગ અને પરાગની સૃષ્ટિ, કેસૂડાનું વર્ચસ્વ, ફૂલોનો વૈભવ, ધરતીની ધૂળ જાણે કે અબીલગુલાબ અને કંકુ થઈ જાય. વસંત પોતે જ ધરતીની ધૂળ પર નર્યા વહાલથી પોતાના ગીતને આલેખે. આ પ્રેમની શકિત છે. પ્રેમને કારણે ધૂળ પોતે પણ સુગંધિત થઈ જાય. આખી સૃષ્ટિ જાણે કે કળી અને કૂલના સ્મિતથી હસી ઠતી હોય અને એના સ્મિતમાં ધરતીનો ઉમંગ છલકાતો હોય… (વધુ આગળ સુ.દ. દ્વારા આ ગીતનો આસ્વાદ અહીં વાંચો: દિવ્ય ભાસ્કર- હયાતીનાં હસ્તાક્ષર )