dsc09385-indian-ladies-big-crop
(રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં…  ફોટો: વેબ પરથી)

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેંક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

બાવળિયાની શૂળ હોય તો ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને કાંકરિયાળી ધૂળ;
આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

તાવ હોય જો કડો ટાઢિયો કવાથ કુલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો ભૂવો કરી મંતરીએ;
રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

- રાજેન્દ્ર શાહ

જેટલો સુગંધીદાર કેવડો, એટલી જ મનગમતી એના કાંટા વાગવાની પીડા… પણ અહીં કવિશ્રી માત્ર કેવડાનાં ઝાડનાં કાંટા વાગવા જેવી સહજ વાત થોડી જ કરે છે !  એમની તો વાતેય અણદીઠી જ હોય ને; જેમ કે અહીં વાત છે કોઈ ‘અણદીઠા’ની અને રૂંવે રૂંવે પીડતા એના અણદીઠા ‘કાંટા’ની… અને એ ‘કાંટો’ વાગવાની પીડા મટાવવાની વાત એટલે જાગતા માણસને ઉઠાવવા જેવી વાત…  :-)