rajasthan-safari
(આપણા દુ:ખનું કેટલું જોર ? …)

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર !

ભારનુ વાહન કોણ બની રહે? નહી અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.

જલભરી દગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.

આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.

- રાજેન્દ્ર શાહ

રાજેન્દ્રભાઈનું બીજું એક અમર ગીત… કહેવતસમાન લાગતી આ ગીતની ધ્રુવપંક્તિ ખરેખર અદભૂત છે.  આપણા દુ:ખનાં રોદણાં રડવાથી ફાયદો કશો થવાનો નથી… એ જ વાત કહીને કવિ અહીં આપણને પ્રેમથી ટકોરે છે કે દુ:ખા જેવી નાનકડી વાતનો શોર મચાવવો ખમીરનું કામ નથી, સાચું ખમીર કામ તો દુ:ખનું વહન કરવામાં છે અને આખરે તો એના જ ગુણ ગવાય છે દુ:ખનાં રોદણાં રડવાવાળાનાં નહીં.  ગીતમાં જુદા જુદા ઉદાહરણો આપીને કવિ એકની એક જ વાત વળી વળીને કહે છે કે દુ:ખ એ તો સુખની પૂર્વભૂમિકા છે, એનાથી ગભરાવાનું કેવું?!  આપણે આપણી અંદર જ નજર કરીએ તો ખબર પડે કે અંદરનો કોશ તો ભર્યોભર્યો જ છે, એટલે કે આપણે ક્યાંયથી રંક તો છે જ નહીં…  ઉનાળાની કાળઝાળ ગરમીમાંયે જેમ ગુલમ્હોર ફૂલડે ફૂલડે હસે છે એમ દુ:ખમાં આપણે પણ ગુલમ્હોર સમા બની રહીએ તો પછી આપણા દુ:ખનું જોર જ કેટલું રહે….?!!