આપણા શ્રેષ્ઠ કવિ અને ગીતકાર શ્રી રાજેન્દ્ર શાહનું ૨જી જાન્યુઆરીએ નિધન થયું છે, અથવા કહીએ કે આપણી વ્હાલી ગુજરાતી ભાષાએ અનુગાંધી યુગના એક આધ્યાત્મિક કવિ ગુમાવ્યા છે. પરંતુ એક સાચા કવિનું કદી મૃત્યુ હોઈ શકે ખરું?! અક્ષરદેહનાં આ સ્વામીએ તો એ જ દિવસે સાચા અર્થમાં શબ્દદેહે અમરત્વ પ્રાપ્ત કર્યું છે એમ કહી શકાય… ઉમાશંકર જોષી (૧૯૬૭) અને પન્નાલાલ પટેલ(૧૯૮૫) પછી રાજેન્દ્રભાઈ ત્રીજા ગુજરાતી કવિ હતા કે જેમને ખૂબ જ પ્રતિષ્ઠિત એવો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ (૨૦૦૪) મળ્યો હતો.
કવિશ્રીનાં અંતિમ શબ્દો: “મારું જીવનકાર્ય હવે પૂરું થઈ ગયું છે…” -નાં ઉત્તરમાં ડૉક્ટરે એમને આશ્વાસનરૂપે બીજા દિવસ સુધીમાં તો સારા થઈ જવાનું કહ્યું, ત્યારે ઉત્તરમાં એમણે કહ્યું હતું કે- “પણ આવતીકાલે હું હોઈશ તો ને ? આ તો ખોળિયું બદલવાનો ઉત્સવ છે. મારા અવસાન પછી કોઈ શોક મનાવશો નહિ. હું બિલકુલ સ્વસ્થતાથી જઈ રહ્યો છું.”
સંસારમાં પોતાનાં મુગ્ધ ભ્રમણને હસતાં હસતાં સંકેલી લેનાર આ કવિશ્રીને એક સપ્તાહ સુધી આપણે એમનાં જ ગીતો દ્વારા અંજલિ આપીએ.

(નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ… ફોટો: વેબ પરથી)
સંગીત : અજીત શેઠ
સ્વર : ?
નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુમલિન વેશે.
કયારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ,
કયારેક મને સાદ કરે છે કોકિલ મધુરકંઠ;
નેણ તો ઘેલાં થાય નિહાળી નિખિલના સૌ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું પ્રેમને સન્નિવેશે.
પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન વીણા પર પૂરવી છેડી;
એક આનંદના સાગરને જલ જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સંગે હું જ રહું અવશેષે.
-રાજેન્દ્ર શાહ
કવિ રાજેન્દ્ર શાહનું આ અવિસ્મરણિય ગીત એમના યુગના ગીતોમાં શિરમોર છે. કવિના પોતાના ગીતોમાં પણ આ શ્રેષ્ઠ ગણાય છે. જગતના સૌંદર્યને કોઈ બંધન વિના માણી લેવાની ઈચ્છાને કવિએ આ ગીતમાં મૂર્તિમંત કરી છે. ગીતનો ઉપાડ જ એવો મઝાનો છે : કવિનું ભ્રમણ બંધન વિનાનું અને મુગ્ધ છે. શરીર ઘૂળથી રગડોયાયેલું છે. દુનિયાના દરેક સૌંદર્ય તરફ કવિ સહજતાથી પોતાની જાતને ખેંચાવા દે છે. પોતાના આગવા કદમે કવિ નવી કેડી કંડારતા જાય છે. પોતાનો આગવો માર્ગ, આગવો અવાજ અને આગવો આનંદ એ જ કવિનો મુકામ છે. કવિને સંગ પણ પોતાની જાતનો જ છે અને છેલ્લે એકલા પડે ત્યારે પણ સાથે પોતાની જાત જ બાકી રહે છે ! (આસ્વાદ: ધવલ શાહ)
(પાંશુ=ધૂળ, કુસુમ=ફૂલ, નિખિલ=સમગ્ર સૃષ્ટિ, સન્નિવેશ=છૂપો વેશ, બેડી=હોડી)
(સૌજન્ય: લયસ્તરો)
કવિશ્રીનાં જીવનનો એક યાદગાર પ્રસંગ:
મેટ્રિકની પરીક્ષા ન આપીને આઝાદીની લડાઈ અંતર્ગત અસહકારના આંદોલનમાં જોડાયેલા રાજેન્દ્ર શાહ ગુજરાતી કવિતાના ક્ષેત્રે જેમ ટોચ પર બિરજતા હતા તેમ એમનો રાષ્ટ્રપ્રેમ પણ ટોચનો હતો… ૧૯૩૦માં ત્રણ મહિનાની આકરી સજા અમદાવાદ અને યરાવડાની જેલમાં ભોગવી પછી વતન કપડવંજમાં પાછા ફર્યા હતા. એ પછીના એક દિવસે કપડવંજના ટાવર પર રાષ્ટ્ર્ધ્વજ ફરક્યો હતો. એને ઉતારવા પોલીસ પ્રયાસ કરી રહી છે એવું રાજેન્દ્રભાઈના ધ્યાનમાં આવ્યું. એ સાથે જ આ તરવરિયા યુવાન સડસડાટ ટાવર પર ચડી ગયા. કોઈ કશું વિચારે એ પહેલાં જ રાષ્ટ્રધ્વજને છાતીસરસો ચાંપી લઈ ઊંચા ટાવર પરથી સીધો ભૂસકો લગાવ્યો હતો ! એટલી ઊંચાઈએથી પટકાયા પછી પણ ધ્વજને નહીં છોડનારા રાજેન્દ્રભાઈને પોલીસે પણ ઢોર માર માર્યો હતો. એના કારણે એમણે લાંબી માંદગી પણ ભોગવવી પડી હતી. (ગુ.સા.માંથી સાભાર)
વધુ માટે વાંચો:
- ગુજરાત સમાચાર - આધ્યાત્મિક કવિની સૌંદર્યાભિમુખ કવિતાનો યુગ આથમી ગયો…
- લયસ્તરો પર અંજલી - ગુજરાતી કવિતાનો એક સૂર્ય આથમી ગયો
- ટહુકો પર અંજલી - જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ રાજેન્દ્ર શાહનું નિધન








શ્રી રાજેન્દ્ર શાહ કવિઓમાં શિરમોર હતા એમના વિષે કાંઈ પણ લખી શકવાનીમારી પેનમાં શક્તિ નથી. જો લખું તો પૂરતી સ્યાહી નથી.
તેમને પ્રણામ.
please visit http://www.pravinash.wordpress.com જય શ્રી કૃષ્ણ
આ ગીત કવિના અવાજમાં સાંભળો ઃ http://gsparishad.mypodcast.com/2008/02/KavyaPathan_by_Kavi_Rajendra_Shah_130208-81591.html
કવિશ્રીનાં અંતિમ શબ્દો: “મારું જીવનકાર્ય હવે પૂરું થઈ ગયું છે…” -નાં ઉત્તરમાં ડૉક્ટરે એમને આશ્વાસનરૂપે બીજા દિવસ સુધીમાં તો સારા થઈ જવાનું કહ્યું, ત્યારે ઉત્તરમાં એમણે કહ્યું હતું કે- “પણ આવતીકાલે હું હોઈશ તો ને ? આ તો ખોળિયું બદલવાનો ઉત્સવ છે. મારા અવસાન પછી કોઈ શોક મનાવશો નહિ. હું બિલકુલ સ્વસ્થતાથી જઈ રહ્યો છું.”
- આ રીતે મૃત્યુને કોઈ મહા-આત્મા જ આવકારી શકે…
કવિશ્રિના દુઃખ અવસાનના સમાચાર વન્ચિને બહુજ દુઃખ થયુ,,,
જે રિતે તેઓનુ અવસાન થયુ લાગે છે કે તેઓ કોઇ મહાન આતમા હોવા જોઇએ.
પ્રભુ સદગત ના આત્માને શાન્તિ આપે…ઓમ શન્તિ શાન્તિ શાન્તિ..
ચન્દ્રા.
કવિ શ્રેી નિ દેશ દાઝ વાંચિ ને રોમટા ખડા થૈ ગયા. અંગ્રેજો તો ગયા પણ અતિયારે જે લોકો જે રિતે આપણા દેશ નિ ઘોર ખોદિ રહિયા તેમનિ ચુગાલ મા થિ દેશ ને બચાવવો જોઇએ
મારા અમદાવાદના નિવાસ દરમ્યાન ‘કુમાર’નેી’બુધવારેી’ સભાના દિવસો યાદ આવે છે.
[...] ગાગરમાં સાગર સાઇટ પર રાજેન્દ્ર શાહના અંતિમ શબ્દો [...]
અધ્યાત્મ યાત્રાની એક ઉન્ચી અનુભૂતિમા કવિવરને દર્શન થાય છે કે આ ધુળ્માટિ નો દેહને તેમા ઊઠતા ભાવો, ક્યારેક્ ફુલોનિ સુગન્ધ્ ક્યારેક કલરવ તો ક્યારેક શ્રુશ્ટિ નિ અન્ય રચનાઓ તરફ ચિત્ત ખેન્ચાઈ જાય છે.હવે કાઈ પામવાનિ ઈચ્છા નથી (નિરુદેશ અવશ્થા)જિવન જ્યા લઈ જાય ત્યા જાઊ છુ. નથી કોઇ કેડિ કે પન્થ્. જ્યા જા ત્યા નવિ કેડિ રચાય છે.આ તેજ્છાયા ન જગતમા અન્તર્ર્વીણ ના તાર પુરવિ રાગ્ છેડી રહ્યા છે, ભિતર આનન્દ નો સાગર લહેરાય છે અન્દ તમામ બેડિઓ, બન્ધનો છુટી રહ્યા છે. આ અનુભૂતિ ગહેરા ધ્યાનની અનુભુતિ અને અભિવ્ય્ક્તિ છે.