30391_1304254968405_1291437464_30692310_167160_n
(તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા…  ફોટો: કૈલાસ સોની)

મને થવું તરબોળ હવે તો ભીની ભીની રાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા.

ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે,
પરસેવે હું રેબઝેબ ને ગામ બધુંયે ભાળે,
રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં,
પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડાં,
તોડ્યો જે ના તૂટે એવો એક અજાયબ નાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

હૈયું રહેશે હાથ નહિ ને હાથ તમારે હાથે,
મળશું ભીના કૉલ આપશું વાદળ ઘેરી રાતે,
મસ્તીમાં ચકચૂર બનીશું જા, મોસમ મદમાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

- દિલીપ રાવળ

એમ તો વરસાદી વાતો લઈને દેશમાં અષાઢ આવી જ ગયો છે, અને અહીં પણ ત્રણ-ચાર દિવસથી વરસાદનાં ઝાપટાઓ દેશનું ચોમાસું યાદ કરાવે છે… ત્યારે આ વરસાદી ગીતમાં તરબોળ થઈને તમને તમારા ‘સજનવા’ને સાદ દેવાનું ગમશે ને?!