rr02
(…ક્યાંય નથી મધુવનમાં…!        ફોટો: ક્રિષ્ના.કૉમ પરથી )

સંગીત : આશિત દેસાઈ
સ્વર : હેમા દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં:
.               માધવ ક્યાંય નથી મધુવનમાં.

કાલિન્દીનાં   જલ   પર   ઝૂકી
.                      પૂછે કદંબ ડાળી;
યાદ  તને  બેસી   અહીં   વેણુ
.                  વાતા’તા વનમાળી ?
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં:
                      માધવ ક્યાંય નથી મધુવનમાં.

કોઈ ન માગે દાણ                     .
.                                  કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં         .
.                                              રાવ કદી ક્યાં કરતી ?
નંદ કહે જશુમતીને, માતા લાલ ઝરે લોચનમાં:
.                  માધવ ક્યાંય નથી મધુવનમાં.

શિર પર ગોરસમટુકી                   .
.                                       મારી વાટ ન કેમે ખૂટી;
અબ લગ કંકર એક ન લાગ્યો,    .
.                                          ગયાં ભાગ્ય મુજ ફૂટી.
કાળજ કહે આંખોને, આંખો વાત વહે અંસુવનમાં:
.                    માધવ ક્યાંય નથી મધુવનમાં.

- હરીન્દ્ર દવે 

વારંવાર પુનરાવર્તિત થતો ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ નો ઉદગાર આખા ગીતમાં માધવનાં મધુવનમાં હવે ન હોવાની કારમી ચોટને વધુ ને વધુ ઘેરી કરે છે અને એની પીડા લાંબા સમય ઘૂંટાયા કરે છે.  આ ધ્રુવપંક્તિ આપણા ગુજરાતી સાહિત્યની અમર પંક્તિ છે એમ કહીએ તો જરાયે અતિશયોક્તિ નહી હોય.  આ ગીતામાં માત્ર રાધા કે ગોપીનો વિરહ નથી, આખા ગોકુળનો વિરહ છે.  તમામ સજીવો તથા નિર્જીવ પદાર્થો પણ કૃષ્ણની શોધાશોધ કરે છે.  આખી સૃષ્ટિ જાણે રાધામય કે ગોપીમય બની ગઈ છે.  મથુરા ચાલ્યા ગયેલા કૃષ્ણ હવે ગોકુળમાં નથી જ, પરંતુ એ ‘ક્યાંય નથી’નું સત્ય હજી પ્રકૃતિને ગળે પણ નથી ઉતરતું.  કવિશ્રી આપણને પણ રાધાભાવમાં ડૂબાડી રાધાકૃષ્ણનાં સાન્નિધ્યની અદભૂત અનુભૂતિ કરાવતા હોય એવું ભાસે છે. 

લયસ્તરો પર યાદગાર ગીતોની ચાલી રહેલી શૃંખલામાં આજે હરીન્દ્ર દવેનું બીજું એક ગીત પણ માણો… - ને તમે યાદ આવ્યા !