આજનો દિવસ એ મારી એક પ્યારી સખીનાં જીવનનો આનંદ-મંગલ અવસર છે, એનાં આજે લગ્ન થવા જઈ રહ્યા છે.  આ શુભ પ્રસંગે એને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ… અને નવદંપતિને સુખી અને પ્રસન્ન દાંમ્પત્યજીવનની અઢળક અઢળક શુભેચ્છાઓ સાથે આ ગીત એમને સસ્નેહ અર્પણ.

Wishing you a very happy, loving and a wonderful marriage
to dear Lina & Ashwin !

prod_k-artbriefka_rkatnigh
(નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં… તે આપણે !)

હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં, તે આપણે;
શ્વાસે શ્વાસે એકબીજામાં થઈ સૌરભ રહ્યાં સંગાથમાં, તે આપણે.

આપણા હર શ્વાસમાં છે વ્હાલ ને વિશ્વાસ વ્હાલમ,
ને જીવનનું નામ દીધું હેતનો મધુમાસ વ્હાલમ;
આંખ ને ઉંબર અતિથી અશ્રુ ને સપનાં સખીરી,
રસસભર જીવનને ખાતર બેઉ છે ખપના સખીરી.
આંખથી ક્યારેક ઝરમર ને કદી ઝલમલ સહ્યાં સંગાથમાં, તે આપણે…
હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં, તે આપણે.

રંગ ને પીંછીતણો સંવાદ આપણ બેઉ સજની,
સૂર ગુંથ્યા શબ્દનો અનુવાદ આપણ બેઉ સજની;
છે મને ના યાદ કોઈ પ્રેમમાં ફરીયાદ, સજના,
જિંદગી લાગે મને પ્રિતીતણો પ્રસાદ, સજના.
જિંદગીના સર્વ રંગો ને ઉમંગોને ચહ્યા સંગાથમાં, તે આપણે…
હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં, તે આપણે.

- તુષાર શુક્લ