લયસ્તરોને આજે પાંચમી વર્ષગાંઠે મબલખ હાર્દિક શુભેચ્છાઓ…

meera
(હરિ તમારી કટ્ટી…)

હરિ તમારી કટ્ટી !
કડવી કડવી જિંદગી આપી વાત કરો ગળચટ્ટી !

લોકલ ટ્રેનમાં ઊભા રહીને એક દિવસ તો આવો,
હું ય જોઉં છું, કેમ કરીને બંસી તમે બજાવો !
યાદ આવશે પળભરમાં તો ગયા જનમનાં ઘાવો,
કાશી હો કે કુરૂક્ષેત્રે હો, બધ્ધે પીડે અભાવો,
દરેક યુગને માપવાની આ જુદી જુદી ફૂટપટ્ટી,
હરિ તમારી કટ્ટી !

કદીક ધરતીકંપ કરાવો કદીક લાવો પૂર,
અજગર જેવો દુકાળ દઈને કેમ ભીંસો ભરપૂર ?
છાતીમાં છે ધબકારા પણ ધબકારામાં ઝૂર,
નીર ખૂટ્યા છે ધરતીના ને નભના ખૂટ્યા નૂર,
અડતાવેંત જ લોહી નીકળે એવી થઈ છે મટ્ટી,
હરિ તમારી કટ્ટી !

-હિતેન આનંદપરા

(સૌજન્ય: જયદીપનું જગત)