છઠ્ઠી નવેમ્બરે જનાબ શ્રી આદિલસાહેબની પ્રથમ પુણ્યતિથિ હતી… એમને હૃદયપૂર્વક સાદર શ્રદ્ધાંજલિ.  આ એક વર્ષમાં ન્યુ જર્સીમાં થયેલાં સાહિત્યલક્ષી કાર્યક્રમોમાં બધા સાહિત્યપ્રેમીઓને આદિલભાઈની ખોટ અચૂક વર્તાઈ છે અને કાયમ વર્તાતી રહેશે.  અહીં ન્યુ જર્સીમાં તો ઘણા સાહિત્યપ્રેમીઓ આદિલભાઈને ’દાદા’ કરીને પણ બોલાવતા હતા.  આજે આપણે માણીએ, આદિલભાઈ દ્વારા એમની ચાર ગઝલોનું વિડીયો પઠન… જે માર્ચ ૨૦૦૩માં ગેઈંસ્વિલ, ફ્લોરિડામાં શ્રી દિનેશ શાહ દ્વારા આયોજીત થયેલાં ‘પોએટ્રી ફેસ્ટીવલ ઓફ ઈંડિયા’નાં કાર્યક્રમની વિડીયોમાંથી લીધું છે.  કાર્યક્રમની વિડીયો મોકલવા માટે દિનેશ અંકલનો ખૂબ ખૂબ આભાર.

*

વતનની ધૂળના એક્કેક કણને સાચવજો,
ને આરપાર આ વિસ્તરતા રણને સાચવજો.

હવાને, બાગને,વહેતા ઝરણને સાચવજો,
ને હેમખેમ આ વાતાવરણને સાચવજો.

યુગોના ભારેલા અગ્નિની રાખ ખંખેરી
સમયના ચોકમાં એકેક ક્ષણને સાચવજો.

બધુ જ ખૂંપી રહ્યું છે ક્ષણે ક્ષણે ઊંડે,
તમારો પગ ન પડે ત્યાં કળણને સાચવજો.

બધા એક યુગલમાંથી જન્મ તો પામ્યા,
કુટુંબમાં હવે અંતિમ મરણને સાચવજો.

ક્યહીં ન હાથથી છટકીને આપને વાગે,
હવામાં ઉંચે ઉગામેલા ઘણને સાચવજો.

આ દુનિયા જાય જહન્નમમાં તો જવા દેજો,
કોઈના નામના પ્રાતઃસ્મરણને સાચવજો.

બીજા બધાને ઉપરવાળો સાચવી લેશે,
બની શકે તો તમે એક જણને સાચવજો.

‘કશો જ અર્થ નથી’ કહેવું યે નિરર્થક છે,
આ ભૂંડી ભાષાના પોપટરટણને સાચવજો.

તિમિરને તેજના મિશ્રણ ઉપર બધો આધાર,
સિતારા ચાંદ ને સૂરજકિરણને સાચવજો.

વતનની ધૂળ વિખેરાઈ જાય તે પહેલાં,
વતનની ધૂળના સૌ સંસ્મરણને સાચવજો.

દબાઈ જાય ના કીડીના કાફલા ‘આદિલ’,
વિજયની કૂચમાં ધસમસ ચરણને સાચવજો.

-આદિલ મન્સૂરી
(૧૮ માર્ચ, ૨૦૦૨ - ન્યુ યોર્ક)

***

લાગણીને આમ ના વિસ્તાર વચ્ચે આવશે,
આપણા હોવાપણાનો ભાર વચ્ચે આવશે.

કાન મીંચી મૌનનાં ખંડેરમાં બેઠા પછી,
સૂક્ષ્મતમથી સૂક્ષ્મતમ ઉદગાર વચ્ચે આવશે.

આ સડકની સામસામે આપણું હોવું અને,
સાયકલ, રીક્ષા, ખટારા, કાર- વચ્ચે આવશે.

આંગણુ સંબંધનું કોરું રહી જાશે અગર,
એક દિ વરસાદ મૂશળધાર વચ્ચે આવશે.

વચ્ચેની દિવાલ કેવી પારદર્શક છે હજી !
પણ સમય વિત્યે સમયનો ક્ષાર વચ્ચે આવશે.

માર્ગનાં અંતે હશે એક બારણું, પણ તે પ્રથમ
ઝંખનાનો ભૂખરો વિસ્તાર વચ્ચે આવશે.

તું બધું છોડીને ચાલી તો નીકળ પહેલા, પછી
ડગલે ને પગલે ભર્યા ભંડાર વચ્ચે આવશે.

કોના કોના આંગળાની છાપ છે ગરદન ઉપર,
દોસ્તોના નામ વારંવાર વચ્ચે આવશે.

આ ગઝલના આયનાઘરમાં કદમ મૂકો અને
ગુર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે.

આ ગઝલ ’આદિલ’ હૃદય સોંસરવી ઉતરી જાય, પણ
પંડિતોને પાઘડીનો ભાર વચ્ચે આવશે.

-આદિલ મન્સૂરી

***

લખચોર્યાસી ઈચ્છાઓના ઢગલાને ઓળંગી જા,
ઘટનાનાં પહેલા મૃત્યુની ઘટનાને ઓળંગી જા.

એક જ પગલામાં સાતે દરિયાને ઓળંગી જા,
વચ્ચે જો શંકા આવે તો શંકાને ઓળંગી જા.

પાંપણ ઢાળી દેવાની આ ઈચ્છાને ઓળંગી જા,
હે ઊંઘણશી! જાગ, ઊભો થા, સપનાંને ઓળંગી જા.

સોનેરી હરણાની જેમ જ માયા છે સીમાઓ પણ,
સંકલ્પોનાં વેગે લક્ષ્મણરેખાને ઓળંગી જા.

‘જે કાંઈ દેખાય રહ્યું તે માયા છે, કેવળ માયા !’
આવું કહેવું પણ માયા છે, માયાને ઓળંગી જા.

આખ્ખું યે બ્રહ્માંડ તો એની ઈચ્છાનું એક ટપકું છે,
થાય તને પણ જો ઈચ્છા તો ટપકાને ઓળંગી જા.

આ કાંઠે તો અવઢવનાં મોજાંઓ ઉછાળા મારે પણ,
સાંભળવી જો હોય બંસરી, જમનાને ઓળંગી જા.

બત્તી લાલ થતાં ધસમસતાં વાહન થંભ્યા જો!
ચાલ, હવે આ ખાબળખૂબળ રસ્તાને ઓળંગી જા.

-આદિલ મન્સૂરી

***

હા, એજ ગામ એજ હા, પાદર તને મળે,
ધૂળે ભરેલ શેરીનું એક ઘર તને મળે.

એકલતા વચ્ચે મૌનનું જે દર તને મળે,
એમાં જ કોઈ શબ્દનો અવસર તને મળે.

દિવસો ગયા કે પીઠની પાછળનાં ઘા ગણો,
છાતી જરા ઉઘાડ કે ખંજર તને મળે.

જેની સભાને ત્યાગીને તું નીકળી ગયો,
કાબાનાં બારણામાં એ કાફર તને મળે.

કંટક છવાયેલી રહી જીવન સફર ભલે,
મૃત્યુ પછી તો ફુલની ચાદર તને મળે,

પત્થર મૂક્યો છે એટલે ‘આદિલ’ કબર ઉપર,
દુનિયા તરફથી આખરી ઠોકર તને મળે.

-આદિલ મન્સૂરી

***

આદિલભાઈએ ર.પા.ને આપેલી ગઝલાંજલિ (જે આજે એમનાં માટે પણ એટલી જ સાચી લાગે છે!) લયસ્તરો પર માણો.