radhe.jpg
(કેમ વીંધી’તી વાંસળીના ગીતે?       ફોટો: વેબ પરથી)

મળવાનું મન પહોંચ્યું જોજનવા દૂર તોય ખેંચાતી જાઉં છું પછીતે!
ગોકુળમાં ઓળખેલ શ્યામ, તને દ્વારિકામાં ઓળખી શકીશ કઈ રીતે ?

ઝાંઝર-શાં ઝણઝણતાં ડોલતાં કદંબ, આજ ડોલે તો રણકે છે હીરા!
વનરા તે વન મહીં કાંટાળી બોરડીને ભેટતાંય પડ્યા’તા ચીરા!
કોને કહૌં, સમણામાં તારા એ આરસના ચોકમાંય ચાલતાં શું વીતે ?

તારી સંગાથ ગ્રહ્યો ગોવર્ધન, આજ તારા પીંછનો ભાર પણ ખમાય ના.
ધગધગતો હેમ-રસ વ્હેતો દેખાય એવી જમનાને કાંઠે બેસાય ના !
છેવટે જો રણશિંગાં ફૂંકવાં હતાં તો કેમ વીંધી’તી વાંસળીના ગીતે ?

ગોકુળમાં ઓળખેલ શ્યામ, તને દ્વારિકામાં ઓળખી શકીશ કઈ રીતે ?
મળવાનું મન પહોંચ્યું જોજન-વા દૂર તોય ખેંચાતી જાઉં છું પછીતે.

img07.gif