અમારા નવલાં વેવાઈ, તમે સાંભળો છો કે નઈં ?
તમારા કાન છે કે કોડિયા, તમે સાંભળો છો કે નઈં ?
અમારા નવલાં વેવાઈ, તમે સાંભળો છો કે નઈં ?
અમારા પગ દુ:ખે છે, ખુરશી તૈયાર છે કે નઈં ?
તમારા કાન છે કે કોડિયા, તમે સાંભળો છો કે નઈં ?
અમારા નવલાં વેવાઈ, તમે સાંભળો છો કે નઈં ?
અમને ભુખ લાગી છે, ભોજન તૈયાર છે કે નઈં ?
તમારા કાન છે કે કોડિયા, તમે સાંભળો છો કે નઈં ?
અમારા નવલાં વેવાઈ, તમે સાંભળો છો કે નઈં ?
અમને તરસ લાગી છે, સરબત તૈયાર છે કે નઈં ?
તમારા કાન છે કે કોડિયા, તમે સાંભળો છો કે નઈં ?
અમારા નવલાં વેવાઈ, તમે સાંભળો છો કે નઈં ?
અમને તાપ લાગે છે, એ.સી. તૈયાર છે કે નઈં ?
તમારા કાન છે કે કોડિયા, તમે સાંભળો છો કે નઈં ?
*
માંડવે જાન આવે ત્યારે જાનૈયાઓ દ્વારા ગવાતું ફટાણું… ગયા વર્ષે મારા એક પિતરાઈનાં લગ્નમાં જ્યારે વરરાજાનું અને જાનનું સ્વાગત કરવામાં વેવાઈ મોડા પડેલા ત્યારે મેંય આ ફટાણું બધા સાથે રાડો પાડી પાડીને ગાયું હતું હોં !
(લયસ્તરો પરની સપ્તપદી વિશેષ ઉજવણીનાં ભાગરૂપે)







સરસ્.ફટાણાક્યારેક શિષ્ટ ભાષા છોડી અષ્લીલતા ઉપર ઉતરી આવતા ત્યારે સુરુચી ભંગ થતો.જોકે આવું ભાગ્યેજ બનતું.આવું ચાલીસ- પચાસ વર્ષ પહેલા બનતું.
પ્રિય ઈન્દ્રવદનભાઈ, ફટાણાંનો મતલબ જ વ્યંગગીત થાય છે એટલે એમાં અપમાનભર્યાં શબ્દોનું આવવું તો બિલકુલ સ્વાભાવિક છે. મેં આગળ કહ્યું’તુ એમ કે લગ્નપ્રસંગ એ કદાચ એક જ પ્રસંગ એવો છે કે જેમાં વર અને કન્યા બંને પક્ષ એકબીજાને ખોટું લાગ્યાનાં ભય વિના ફટાણાંમાં અપમાનિત શબ્દો બિન્દાસ્ત કહી શકે છે… પરંતુ આમાં અષ્લીલ શબ્દો તો ક્યાંય પણ નથી હોં! આ ફટાણું હજી પણ લગ્નમાં ગવાય જ છે. અષ્લીલ ભાષાનું સ્થાન અમારાં કોઈપણ બ્લોગોમાં કદી નહીં આવે એની ખાતરી તમે જરૂરથી રાખશો.
આ રીતે ફટાણાંની દુનિયામાં જ્વાનો ફરી મોકો મળ્યો અને અતીતમાં સરી પડાયું.મજા આવી ગઈ.
વેવાઈ મોડા પડે એવું તો ભગ્યેજ બનતું હશે, બાકી જાન નાચતાં નાચતાં આવે તેમાં જરૂર મોડું થઈ જાય. પણ તમે રાડો પાડીને ગાયું હશે ત્યારે તો મઝાનો જોવાલાયક ((દૃશ્ય (દ્રશ્ય, દૃષ્ટિ, આ શબ્દો કેવી રીતે લખાય?))scene બની ગયો હશે, નહીં? ફટાણું સરસ છે. મજા આવી ગઈ.
અનાવિલ લગ્ન અને જાનમા જઈએ ત્યારે ફટાણા સામ્ભળવાનો યોગ આવે છે પરન્તુ કન્યા પક્ષના એ ચિન્તીત થઈને ગાવુ પડતુ હોય છે જ્યારે જાનૈયા તો બિન્દાસ્ત ગાતા હોવાનુ અનુભવ્યુ છે, આપનો પણ કદાચ એ અનુભવ હશે……આનંદ અનુભવીએ છીએ…..આભાર..
ફટાણા ક્યારેક શિષ્ટતા છોડી અશ્લિલતા પર ઉતરી આવતા….
શ્રી ઈન્દ્રવદન વ્યાસ ના મત સાથે સંમત થવું થોડું અઘરૂં છે.
ગુજરાતમાં ક્યારેય ફટાણામાં અશ્લિતાની છાંટ દેખાઈ નથી.
પ્રદેશ અને જ્ઞાતિ પ્રમાણે વ્યંગવાળા શબ્દો ગૂંથીને ફટાણા રચાતા હોય છે.
ફટાણા એટલે લગ્ન ટાણે એવા ગીતો જે સાંભળીને કાન ફાટી જાય..કાનમાંથી ધુમાડા ના નીકળે તો જ નવાઈ..!!
ફટાણા…ફાટી અને ટાણાનો સુયોગ ?
મારું ગમતું ફટાણું !
માંડવે આવેલ વરરાજા અને જાનનાં સ્વાગત વખતે કન્યાપક્ષવાળાઓ માટે આ ફટાણું ખાસ મેં અને વિવેકે ખૂબ જ હોશ અને જોશથી લલકાર્યું હતું…
‘નવલા વેવાઈ’નું બીજું એક ફટાણું… (જેને મૂકવાની જગ્યા ન્હોતી રહી:-))
ઘરમાં નો’તી ખાંડ ત્યારે શીદ તેડી’તી જાન, મારા નવલા વેવાઈ ?
અમે મોકલી ખાંડ ત્યારે તમે લાવ્યા જાન, મારા નવલા વેવાઈ.
ઘરમાં નો’તું નાણું ત્યારે શીદ તેડ્યું’તું ટાણું, મારા નવલા વેવાઈ ?
અમે મોકલ્યું નાણું ત્યારે તમે માંડ્યું ટાણું, મારા નવલા વેવાઈ.
ઘરમાં નો’તી ખારેક ત્યારે શીદ તેડ્યા’તા પારેખ, મારા નવલા વેવાઈ ?
અમે મોકલી ખારેક ત્યારે તમે તેડ્યા પારેખ, મારા નવલા વેવાઈ.
ઘરમાં નો’તી ગાગર ત્યારે શીદ તેડ્યા’તા નાગર, મારા નવલા વેવાઈ ?
અમે મોકલી ગાગર ત્યારે તઅમે તેડ્યા નાગર, મારા નવલા વેવાઈ.
ઘરમાં નો’તી સોપારી ત્યારે શીદ તેડ્યા’તા વેપારી, મારા નવલા વેવાઈ ?
અમે મોકલી સોપારી ત્યારે તમે તેડ્યા વેપારી, મારા નવલા વેવાઈ.
ઘરમાં નો’તી જાજમ ત્યારે શીદ તેડ્યું’તું સાજન, મારા નવલા વેવાઈ ?
અમે મોકલી જાજમ ત્યારે તમે તેડ્યા સાજન, મારા નવલા વેવાઈ.
ઘરમાં નો’તા લોટા ત્યારે શીદ તેડ્યા’તા મોટા, મારા નવલા વેવાઈ ?
અમે મોકલાવ્યા લોટા ત્યારે તમે તેડ્યા મોટા, મારા નવલા વેવાઈ.
બીજું એક પ્રસિદ્ધ ફટાણું… જે માંડવે જાન આવે ત્યારે બંને પક્ષ તરફથી ખૂબ જ ગવાય છે… જે અહીં સાંભળી શકો છો!
http://layastaro.com/?p=3032
(વરપક્ષ તરફથી)
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે…
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે…
જાનમાં તો આવ્યા મુનશી, બેસવાને આપો ખુરશી,
રેશમની ઝુલવાળી ઝુલવાળી રે…
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.
જાનમાં તો આવ્યા મોટા, દૂધે ભરી લાવો લોટા.
એલચીને કેસરવાળા કેસરવાળા રે…
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.
જાનમાં તો આવ્યા શેઠીયા, બેસવા મૂકાવો તકિયા,
રેશમની ઝુલવાળાં ઝુલવાળાં રે…
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.
જાનમાં તો આવ્યા પારસી, માંડવે મૂકાવો આરસી,
સોના ને રૂપે મઢી, રૂપે મઢી રે…
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.
*
માંડવે જાન આવે ત્યારે ગવાતું ફટાણું… આ ફટાણું મેં એટલું બધું સાંભળ્યું છે કે ન પૂછો વાત. વળી, વરપક્ષ તરફથી આ ફટાણું ગવાય ત્યારે એનો જવાબ આપતું એક ફટાણું કન્યાપક્ષ તરફથી તરત જ ગૂંજી ઊઠે…
*
(કન્યાપક્ષ તરફથી)
આવી શું જાન લાવ્યા, જાન લાવ્યા રે…
આવી શું જાન લાવ્યા, જાન લાવ્યા રે…
માંડવામાં મૂકી ખુરશી, જાનમાં તો નથી મુનશી,
ખુરશી તો રેશમની ઝુલવાળી રે,
આવી શું જાન લાવ્યા, જાન લાવ્યા રે.
માંડવામાં મૂક્યા લોટા, જાનમાં તો નથી મોટા,
લોટા તો કેસરવાળા દૂધે ભર્યા રે,
આવી શું જાન લાવ્યા, જાન લાવ્યા રે.
માંડવામાં મૂક્યા તકિયા, જાનમાં તો નથી શેઠિયા,
તકિયા તો રેશમની ઝુલવાળા રે,
આવી શું જાન લાવ્યા, જાન લાવ્યા રે.
માંડવામાં મૂકી આરસી, જાનમાં તો નથી પારસી,
આરસી તો સોને મઢી, સોને મઢી રે,
આવી શું જાન લાવ્યા, જાન લાવ્યા રે.