l-leaves-and-log-6570.jpg 
(ઝાડમાંથી શું ગયું?       ફોટો: વેબ પરથી)

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શ્હેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?

મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો, રમેશ
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?

(સૌજન્ય: લયસ્તરો)

* * *

સહિયારું સર્જન પર ‘કોને ખબર?’ રદીફ પરથી રચના લખવાનું આમંત્રણ…

*