bird_in_rain.JPG
(ચોમાસું ક્યાંક આસપાસ છે… ફોટો: વેબ પરથી…)

આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.

કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી;
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી.
વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે;
ગાલો પર લજ્જાની…
આંખોમા બેઠેલા…

કોરપની વેદના તો કેમે સહેવાય નહીં રૂંવે રૂંવેથી મને વાગે;
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે.
નસનસ આ ફાટીને વહેવા ચહે છે, આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે;
ગાલો પર લજ્જાની…
આંખોમા બેઠેલા…

* * *