આજે પ્રસ્તુત છે એક મિત્રની ફરમાઈશ… સૈફસા’બની એક ગઝલ… મનહરભાઈનાં મન હરી લે એવા મુલાયમ અવાજમાં…!

purple-sunbird-eclipse-male-on-kesuda-tree-sml

(ફૂલો સમો દેખાવ…)

સંગીત - સ્વર: મનહર ઉધાસ

-મુક્તક-

અમુક રીતે જો ઉચ્ચારે છે મારું નામ કોઈ તો,
કોઈ નિસ્બત નથી હોતી છતાં શરમાઈ જાઉ છું;
તમારું નામ લે છે જ્યારે કોઈ પારકા હોઠો,
કોઈ બાબત નથી હોતી છતાં વહેમાઈ જાઉં છું.

(આ મુક્તક સૈફસા’બનું જ છે?  જો કોઈને ખબર હોય તો જણાવવા વિનંતી…)

-ગઝલ-

સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું,
હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું.

આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો,
ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઈ રહ્યો છું.

એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો’તો,
આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું.

ગઈ કાલે અમસ્તા જ હું થોડુંક હસ્યો’તો,
આજે એ વિચાર આવતાં ગભરાઈ રહ્યો છું.

તારા લીધે લોકો હવે નીરખે છે મને પણ,
કાગળ છું હું કોરો અને વંચાઈ રહ્યો છું.

મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું,
આ કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું.

કહેવું છે પણ ‘સૈફ’ અને કહી નથી શકતો,
શબ્દોની છે દીવાલ ને દફનાઈ રહ્યો છું.

- ‘સૈફ’ પાલનપુરી