Happy Valentines Day to all Dearest Friends !

વસંતપંચમીથી અહીં ઉજવાઈ રહેલા વસંતોત્સવનો આજે છેલ્લો દિવસ છે પરંતુ આપણા સૌનાં જીવનમાં વસંતોત્સવની ઉજવણીનો કદી અંત ન આવે એવી હાર્દિક શુભકામનાઓ. પ્રેમનો આ દિવસ સૌ મિત્રોને ખૂબ ખૂબ મૂબારક હો અને રોજ રોજ આવતી તમારી ‘દરરોજ’ને તમે રોજ પ્રેમનો અનોખો અવસર બનાવી શકો એવી હાર્દિક શુભેચ્છાઓ…!  એમ તો આજે મને Happy Hearts Day કહેવાનું પણ મન થાય છે…! :-) જેનું ખાસ કારણ છે આજની ખાસ ગઝલ, જે પ્રિયજનને માટે નહીં પણ પ્રિયજન તરફનાં પ્રેમ અને લાગણીનું જે મૂળ છે એ સ્વયં આપણા લાગણીવશ હૃદય માટે લખાઈ છે. જો આપણું હૃદય લાગણીવશ ના હોય તો વસંત કે પાનખર જેવી કોઈ ઋતુ સ્પર્શી શકતી નથી. એટલે જ આપણે લાગણી વિહોણા માણસને પત્થરદિલ કહીએ છીએ. પરંતુ જો હૃદય લાગણીવશ હોય તો સુખ કે દુ:ખની લાગણી પ્રમાણે ક્યારેક વસંત પણ પાનખર જેવી લાગે છે, તો ક્યારેક પાનખરમાં પણ વસંતનાં ઢોલ વાગે છે. તો મિત્રો, આજનું વેલેંટાઈન સ્પેશ્યલ એટલે કે આપણા મીઠ્ઠા-મધુરા-જીદ્દી-હઠીલા લાગણીવશ હૃદયનું ધબકતું શબ્દચિત્ર… નિગમભાઈનાં મધુર સ્વર અને ભરતભાઈનાં કર્ણપ્રિય સંગીતની સાથે લાગણીથી નિતરતી અને આપણને નખશિખ તરબતર કરી દેતી ગનીચાચાની આ સર્વાંગ સુંદર ગઝલ !

(તારી હઠ પર છે કુરબાન લાખો વિનય…!)

સંગીત: ભરત પટેલ
સ્વર: નિગમ ઉપાધ્યાય

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
છે મને રાત દી એક તારો જ ભય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

જોતજોતામાં થઇ જાય તારું દહન, વાતોવાતોમાં થઇ જાય અશ્રુ-વહન,
દવ દીસે છે કદી તો કદી જળપ્રલય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

કોઇ દુખિયાનું દુઃખ જોઇ ડૂબી જવું, હોય સૌન્દર્ય સામે તો કહેવું જ શું !
અસ્ત તારો ઘડીમાં, ઘડીમાં ઉદય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

એ ખરું છે, કે દુઃખ મુજથી સે’વાય ના, એ ય સાચું તને કાંઈ કે’વાય ના,
હાર એને ગણું કે ગણું હું વિજય ? લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

આભ ધરતીને આવી ભલેને અડે, તારે પગલે જ મારે વિહરવું પડે !
તારી હઠ પર છે કુરબાન લાખો વિનય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

મારે પડખે રહી કોઈનો દમ ન ભર, સાવ બાળક ન બન, ઉદ્ધતાઈ ન કર !
બીક સંજોગની છે, બૂરો છે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

એક વાતાવરણ સરજીએ હર પળે, આ જગતની સભા કાન દઈ સાંભળે,
હું કવિતા બનું, તું બની જા વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

એક સોનેરી અપરાધની તું સજા, પાત્રમાં દુઃખના જાણે ભરી છે મઝા,
જખ્મ રંગીન છે, દર્દ આનંદમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

પારકી આગમાં જઈને હોમાય છે, તારે કારણ ‘ગની’ પણ વગોવાય છે,
લોકચર્ચાનો એ થઈ પડ્યો છે વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

- ગની દહીંવાલા

ગનીચાચાની ઉત્તમોત્તમ રચનાઓમાંની એક રચના એટલે આ લાગણીવશ હૃદય ! ગાલગા નાં આઠ આઠ આવર્તનોને કારણે આ ગઝલ ખૂબ જ ગેય બની છે. અને દરેક શે’રનાં ઉલા મિસરાનાં ચોથા અને છેલ્લા આવર્તનમાં જળવાયેલા આંતરીક પ્રાસને કારણે એની ગેયતામાં ચાર ચાંદ લાગી જાય છે. મોટેભાગે આપણે હૃદય વિશે વાત કરતાં હોઈએ છીએ… જ્યારે અહીં કવિ સીધો હૃદય સાથે જ સંવાદ કરે છે, અને એ પણ લાગણીને વશ થયેલા હૃદય સાથે…! જેને તેઓ સોનેરી અપરાધની સજા તરીકે પણ ઓળખાવે છે. કવિ હૃદય સાથે એવી રીતે વાર્તાલાપ કરે છે કે જાણે હૃદય એ શરીરનું કોઈ અંગ નહીં પરંતુ સાવ નજીકનું કોઈ પ્રિયજન જ હોય ! ક્યારેક તારી હઠ પર છે કુરબાન લાખો વિનય કહીને હૃદયને લાડ લડાવે છે તો ક્યારેક એની હરકતને કારણે પોતે લોકચર્ચાનો એ થઈ પડ્યો છે વિષય કહીને ઠપકો પણ આપે છે. લાગણીવશ હૃદયનાં નરમ, ગરમ, નાજુક, હઠીલા અને લાગણીભીના ઋજુ સ્વભાવને ગનીચાચાએ દરેક પંક્તિમાં ખૂબ જ સુંદર રીતે કંડાર્યો છે. હઠ પર કુરબાન થવાની વાત કરતાં શે’ર પર તો આપણને પણ કુરબાન થઈ જવાનું મન થઈ જાય છે.

ગુજરાતી સુગમ સંગીત ફાઉંડેશન દ્વારા આયોજીત એકમેકનાં મન સુ્ધી ની ગનીચાચાનાં કાવ્યોની સીડીમાંથી સાભાર…

ગનીચાચા વિશે થોડું લયસ્તરો પરથી સાભાર

* * *

વસંતોત્સવમાં ભાગ લેનાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર… આશા છે કે તમને આ ઉત્સવ માણવાની ખૂબ મજા આવી હશે. દર વર્ષે વસંતોત્સવની ઉજવણી અહીં આવી જ રીતે ‘વસંતપંચમીથી વેલેંટાઈન ડે સુધી ‘ (theme) કરવાની ઈચ્છા છે… આશા છે કે તમને જરૂર ગમશે…!

*