visitorcenterspring-lg
(ગલી ગલીમાં ફરી રહી છે મહેંક દિવાની… ફોટો: વેબ પરથી)

બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.

સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.

અમે જે પાનખરોમાં વિખેરી નાંખેલી,
અતૃપ્ત ઝંખનાઓનો ફરીથી તંત મળે.

ગલી ગલીમાં ફરી રહી છે મહેંક દિવાની,
અને ગલીઓ બેઉ છેડેથી અનંત મળે.

કરે છે આગેકૂચ પુરબહારમાં ફૂલો,
નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે!

વહે તો માત્ર ટહુકાઓ વહે કોયલના,
બધા કોલાહલો નગરના નાશવંત મળે.

- હિતેન આનંદપરા

(સૌજન્ય: વેબમહેફિલ.કોમ)

વસંત ક્યારેક ટેહૂક ટેહૂકની સવારી પર વાજતે ને ગાજતે આવે છે તો ક્યારેક કોઈ બંધ પરબિડીયામાં છાનીમાની પણ આવે છે.  વિખરાઈ ગયેલી અતૃપ્ત ઝંખનાઓના ફરી મળવાની ઘટનાને પણ વસંત જ કહેવાય ને !