ચાહું તો છું કે આ પરદો ઉઠે ને એ સનમ નીકળે,
મગર ડર છે - ન નીકળે કોઇ ને મારો ભરમ નીકળે.

તો નક્કી માનજો - મેં રાતે એનું ખ્વાબ જોયું છે,
સવારે આંખ હું ખોલું અને એ આંખ નમ નીકળે.

બધા પર્વત સમા છે, બોજ દિલનો થઇ રહ્યો છે એ,
નદી જેવા નથી કે આંસુ વાટે મારા ગમ નીકળે.

ત્રણે ત્રણ કાળને ભૂલવા હું આવ્યો છું સુરાલયમાં,
ન એવું થાય સાકી, જામ મારો જામે જમ નીકળે.

પ્રણયને પાપ કહેનારા, થશે તારી દશા કેવી?
કદાચ અલ્લાહને ત્યાં એ જ જો દિલનો ધરમ નીકળે?

જગત જો ગોળ છે તો ચાલવામાં રસ પડે ક્યાંથી?
ગણું છું જેને આગેકુચ એ પીછે કદમ નીકળે.

બધાનાં હાથમાં લીટા જ દોર્યા છે વિધાતાએ,
પછી ક્યાંથી કોઇ વાંચી શકે એવા કરમ નીકળે?

ફક્ત એથી જ કોઇની મદદ માંગી નથી શકતો,
શરમથી હાથ લંબાવું અને એ બેશરમ નીકળે.

કદી મારા જિગરમાં એ રીતે ના આવશો કોઇ,
તમે જ્યાં છાપ પાડી હોય ત્યાં મારા જખમ નીકળે.

બીજો સામાન તો ક્યાં છે કવિ બેફામના ઘરમાં?
કે લૂંટવા જાઓ તો થોડાક કાગળ ને કલમ નીકળે.

-બરકત વિરાણી ‘બેફામ’

* * *

બરકત વિરાણી ‘બેફામ’ની જીવનઝાંખી