શબ્દો સ્વયં આવીને જેમને ટેરવે બેસી જતા હોય અને સર્જકતા ખુદ જેમનાં પગ પખાળતી હોય એવી ગુજરાતી સાહિત્યની બે મહાન હસ્તીઓ એટલે કે અમરેલીનાં કાવ્ય-નરેશ શ્રી રમેશ પારેખ અને ગુજરાતનાં ગાલીબ શ્રી મરીઝ (અબ્બાસ વાસી). ગુજરાતી કવિતા અને ગુજરાતી ગઝલને તેઓ ખરેખર છેએએએક સામાન્ય ગુજરાતી લોકોનાં હૃદય સુધી લઈ ગયા છે. ગુજરાતી સાહિત્યનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી તેઓ લોકોનાં હૃદયમાં સદાયે રાજ કરશે જ, એ વાતમાં કોઈ શંકા નથી. આ મહાન સર્જકોનાં જીવનની થોડી ઝાંખી બતાવતું અને ગુજરાતી ભાષા/સાહિત્ય સાથેનાં એમનાં ઘેરા સંબંધની સમજ આપતું નાટક એટલે કે ‘એક ખોબો ઝાકળ’… જેનું સર્જન ખાસ આ સર્જકોની પ્રસિધ્ધિ માટે કરવામાં આવ્યું છે. આ નાટકના લેખક, નિર્દેશક અને નાયક અન્ય બીજું કોઈ નહીં પરંતુ આપણા પ્રખ્યાત કવિ શ્રી શોભિત દેસાઇ છે, જે ઉત્તમ કવિ અને લેખક હોવાની સાથે સાથે ખૂબ જ કુશળ સંચાલક પણ છે… અને આ નાટકની અપ્રતિમ સફળતા પછી હવે કહેવાની જરૂર નથી કે તેઓ સફળ નિર્દેશક અને નાયક પણ છે. આ નાટકના પ્રથમ ભાગમાં તેઓ ‘રમેશ પારેખ’ની અને બીજા ભાગમાં ‘મરીઝ’ની ભૂમિકા બખૂબી નિભાવી દર્શકો સમક્ષ ગુજરાતી સાહિત્યના ઇતિહાસનાં આ બે મહાન સર્જકોને થોડો સમય માટે પુન: જીવિત કરે છે. જો કે પુન: જીવિતનો સવાલ તો મૃત્યુ પામ્યા હોય એને આવે… અહીં તો શોભિતભાઈ કહે છે કે “મૃત્યુ તો એમને મારી જ નથી શક્યું… અને તેથી જ આ ‘એક ખોબો ઝાકળ’ લઈને આપણી વચ્ચેથી એમને લઈ જવામાં અસફળ થયેલા મોતની હારનો હું આ ઉત્સવ ઉજવું છું.”

આ “એક ખોબો ઝાકળ” નાટક ઘણા વખતથી અમેરીકાની ધરતી પર ઘણી જગ્યાએ ધૂમ મચાવી રહ્યું હતું… અને મને પણ એ નાટક જોવાનો મોકો આખરે મળી જ ગયો… શ્રી રામ ગઢવી સંચાલિત ‘ગુજરાતી લિટરરી એકેડેમી’ તરફથી. ગયા રવિવારે ન્યુ જર્સીમાં શોભિતભાઈની અમેરીકાની આ વખતની મુલાકાતમાં શ્રી નરેન્દ્ર લાખાણીનાં લાખાણી ઓડિટોરીયમમાં ‘ગુજરાતી લિટરરી એકેડેમી’ દ્વારા આ નાટક છેલ્લીવાર યોજવામાં આવ્યું હતું. (જો કે ચંદુભાઈ સાથે શોભિતભાઈએ જણાવ્યું હતું કે આવતા વર્ષે ફરી એકવાર તેઓ આ નાટક સાથે દોઢ મહિનાનો સમય લઈને આવવાનાં છે.)

ઘણા વખતથી આ નાટકનાં અને શોભિતભાઈનાં ખૂબ જ વખાણ સાંભળ્યા હતા… પરંતુ જ્યારે નજરોનજર આ નાટક જોયું ત્યારે એનાં વિશે જેટલું સાંભળ્યું હતું એનાં કરતાંય મને વધુ રસપ્રદ લાગ્યું. ર.પા. અને મરીઝનાં જીવન વિશે ઘણું જાણવા પણ મળ્યું. દરેક જગ્યાએ અત્યંત વખણાયેલા આ નાટકની સૌથી મોટી વિશેષતા એ છે કે આ નાટકનાં દરેક શોમાંથી શ્રી ર.પા. અને શ્રી મરીઝનાં પરિવારજનોને 5000/- રૂ. મોકલવામાં આવે છે. (આટલું પ્રશંસનીય કાર્ય કરવા બદલ શ્રી શોભિતભાઈને આપણાસૌ તરફથી મબલખ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ!)

શ્રી રમેશ પારેખ અને મરીઝનાં પાત્રને શોભિતભાઈએ ખૂબ જ સરસ ન્યાય આપ્યો હતો, જેની થોડી ઝલકો આપણે અહીં માણીએ, જે નાટક જોતી વખતે મેં મારા વિડીયો કેમેરામાં કેદ કરી હતી…!

[youtube]http://www.youtube.com/watch?v=cAE-BoPNYU0[/youtube]

(કલાકારો: શ્રી શોભિત દેસાઈ અને ન્યુ જર્સીનાં સ્થાનિક કલાકારો- શૈલેષ અને રૂપલ ત્રિવેદી)

તો મિત્રો, આ નાટકની થોડી ઝલક જોઈને તમને આખો નાટક જોવાનું મન થઈ ગયું કે નઈં?!! હાચ્ચું બોલજો હોં…! :-) મતલબ કે તમારા શહેરમાં કે આજુબાજુ જ્યારે પણ આ નાટક આવે ત્યારે એને જોવાનું બિલકુલ ચૂકતા નહીં…!

નાટકમાં વપરાયેલાં આ સર્જકોનાં (બધા નહીં પણ) થોડા અશઆર અને કેટલીક પંક્તિઓ પણ મમળાવીએ…

રમેશ પારેખ

મારી કવિતા
તો મેં વિશ્વનાં હોઠ પર કરેલું ચુંબન છે…!

આજ વરસાદ નથી એમ ના કહેવાય રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
( કવિશ્રી રમેશ પારેખના અવાજ સાથે..!!)

ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી કટ
એક અમે પોતે અને બીજો તારો વટ

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે
તમને ફૂલ દીધાનું યાદ
કેડસમાણી લીલોતરીમાં ખૂલ્લાં ખેતર તરતાં
સોનલ, તમને ફૂલ દીધાના અવસરથી નીતરતાં
તમે અમારી હથેળીઓ ભેંકાર કેટલીવાર
ટેરવાં ભરી પીધાનું યાદ
(’સોનલ’ વિશે ર.પા.નાં જ શબ્દોમાં એક લેખ આ સોનલકાવ્ય સાથે લયસ્તરો પર વાંચો.)

એક છોકરી ન હોય ત્યારે કેટલા અરીસાઓ
સામટા ગરીબ બની જાય છે…

ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું*
હવે આંખોને કેમ રે ભુલાવવું

ફળિયે પલાશ ફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખાઓ ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?
*(ર.પા.નાં જીવનમાં જ્યારે પત્નિ રસિલાબેને આવેલા ત્યારે એમણે એમને આ ગીતથી સજાવેલાં.)

ગઢને હોંકારો તો કાંગરાય દેશે,
પણ ગઢમાં હોંકારો કોણ દેશે ?

રાણાજી, તને ઉંબરે હોંકારો કોણ દેશે?
આઘેઆઘેથી એને આવ્યાં છે કહેણ,
જઈ વ્હાલમશું નેણ મીરાં જોડશે,
હવે તારો મેવાડ મીરાં છોડશે.

એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે ?
બાંકડો શું ચીજ છે ? બુઢ્ઢા થવું શું ચીજ છે ?
કઈ તરસ છે એ કે એને આમ પાલવવી પડે ?
રોજ આખેઆખું છાપું પી જવું શું ચીજ છે ?

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દ્યૈ દરિયો !

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.

એમ તો ર.પા.નું કયું ગીત મને સૌથી વધારે ગમે એનો જવાબ આપવો મારે માટે બહુ મુશ્કેલ છે.. છતાં આ લખતી વખતે મને ર.પા.નાં મારા પ્રિય ગીતોમાંનું જે એક ગીત યાદ આવે છે, એ છે…

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે?

મરીઝ

હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ મરીઝ,
ગઝલો ફક્ત લખાય છે દિલની જુબાનમાં.

બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.

પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.

ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.

બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.

કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’,
પોતે ન દે, બીજાની કને માગવા ન દે !

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

છેલ્લે મારો એક અતિપ્રિય મરીઝનો શેર…

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

—————

** ડિસેમ્બર 4-8, 2006 દરમિયાન અમદાવાદ - ગાંધીનગરમાં આ નાટક પ્રસ્તુત થયું હતું, ત્યારે ગાંધીનગર સમાચારમાં કવિશ્રી શોભિત દેસાઇની મુલાકાત પ્રસિધ્ધ થઇ હતી, જે અહીં નીચે આપેલી બે માંથી કોઇ પણ એક લિંક પર ક્લિક કરીને વાંચી શકશો. પી.ડી.એફ પર વધુ સારી રીતે વંચાશે, પરંતુ તમારી પાસે એક્રોબેટ રીડર ન હોય તો જે.પી.જી. માં પણ વાંચી શકાશે. **(આભાર ‘ટહુકો’!)

Open as PDF File (in acrobat reader)

Open as JPG Image File