February 28, 2010 at 8:00 am | ઓડિયો, કૃષ્ણગીત, ગીત, રંગોત્સવ, વસંત, સુરેશ દલાલ, હોળી-ધુળેટી
- Posted by ઊર્મિ |
સૌ મિત્રોને હોળીની ઝળહળતી શુભકામનાઓ…

સંગીત: ક્ષેમુ દિવેટીયા
સ્વર: ?
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે,
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે.
તારા તે કાળજાને કેસૂડે લાલ-લાલ
ઝૂલે મારા અંતરની ડાળ,
રોમ આ રંગાય મારું તારી તે આંખનાં
ઉડતા અણસાર ને ગુલાલ;
રાધિકાનો રંગ એક તારું તે વ્હાલ રે,
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે.
મીઠેરી મુરલીના સૂર તણી ધાર થકી
ભીનું મારા આયખાનું પોત,
અંતર ને આંખના અબીલ ગુલાલની
આજ લાગી વ્હાલી મને ચોટ;
રાધિકાનો રંગ એક તારું તે વ્હાલ રે,
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે.
- સુરેશ દલાલ
February 27, 2010 at 10:00 am | કવિ રત્ના, કૃષ્ણગીત, ગીત, રંગોત્સવ, વસંત, હોળી-ધુળેટી
- Posted by ઊર્મિ |

(ફાગણ આવ્યો હે સખી… ફોટો: વેબ પરથી)
ફાગણ આવ્યો હે સખી, કેસૂ ફુલ્યાં રસાળ
હૃદે ફુલી ન રાધિકા, ભ્રમર કનૈયાલાલ
સઘળો શિયાળો વહી ગયો, આવ્યો ફાગણ માસ
અંતરમાં અતિ ઉપજે, હોળી રમવાની આશ
વસંત વધાવવાને હું જતી, કુમકુમ ભરીને કચોળ
કેસરી સાળુ રે પ્હેરવા, મુખ ભરી તંબોળ
અબીલ-ગુલાલ ઉડે ઘણાં, વાગે તાલ મૃદંગ
કોકિલ શબ્દ સોહામણા, કંપે અબળાનું અંગ!
-કવિ રત્ના
(સૌજન્ય: ગુજરાત સમાચાર)
December 14, 2009 at 12:00 pm | ઓડિયો, કૃષ્ણગીત, ગીત, હરીન્દ્ર દવે
- Posted by ઊર્મિ |

(…ક્યાંય નથી મધુવનમાં…! ફોટો: ક્રિષ્ના.કૉમ પરથી )
સંગીત : આશિત દેસાઈ
સ્વર : હેમા દેસાઈ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં:
. માધવ ક્યાંય નથી મધુવનમાં.
કાલિન્દીનાં જલ પર ઝૂકી
. પૂછે કદંબ ડાળી;
યાદ તને બેસી અહીં વેણુ
. વાતા’તા વનમાળી ?
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં:
. માધવ ક્યાંય નથી મધુવનમાં.
કોઈ ન માગે દાણ .
. કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં .
. રાવ કદી ક્યાં કરતી ?
નંદ કહે જશુમતીને, માતા લાલ ઝરે લોચનમાં:
. માધવ ક્યાંય નથી મધુવનમાં.
શિર પર ગોરસમટુકી .
. મારી વાટ ન કેમે ખૂટી;
અબ લગ કંકર એક ન લાગ્યો, .
. ગયાં ભાગ્ય મુજ ફૂટી.
કાળજ કહે આંખોને, આંખો વાત વહે અંસુવનમાં:
. માધવ ક્યાંય નથી મધુવનમાં.
- હરીન્દ્ર દવે
વારંવાર પુનરાવર્તિત થતો ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ નો ઉદગાર આખા ગીતમાં માધવનાં મધુવનમાં હવે ન હોવાની કારમી ચોટને વધુ ને વધુ ઘેરી કરે છે અને એની પીડા લાંબા સમય ઘૂંટાયા કરે છે. આ ધ્રુવપંક્તિ આપણા ગુજરાતી સાહિત્યની અમર પંક્તિ છે એમ કહીએ તો જરાયે અતિશયોક્તિ નહી હોય. આ ગીતામાં માત્ર રાધા કે ગોપીનો વિરહ નથી, આખા ગોકુળનો વિરહ છે. તમામ સજીવો તથા નિર્જીવ પદાર્થો પણ કૃષ્ણની શોધાશોધ કરે છે. આખી સૃષ્ટિ જાણે રાધામય કે ગોપીમય બની ગઈ છે. મથુરા ચાલ્યા ગયેલા કૃષ્ણ હવે ગોકુળમાં નથી જ, પરંતુ એ ‘ક્યાંય નથી’નું સત્ય હજી પ્રકૃતિને ગળે પણ નથી ઉતરતું. કવિશ્રી આપણને પણ રાધાભાવમાં ડૂબાડી રાધાકૃષ્ણનાં સાન્નિધ્યની અદભૂત અનુભૂતિ કરાવતા હોય એવું ભાસે છે.
લયસ્તરો પર યાદગાર ગીતોની ચાલી રહેલી શૃંખલામાં આજે હરીન્દ્ર દવેનું બીજું એક ગીત પણ માણો… - ને તમે યાદ આવ્યા !
August 31, 2009 at 12:00 am | ઓડિયો, કૃષ્ણગીત, ક્ષેમુ દિવેટીયા, ગીત, પૌરવી દેસાઈ, મણિલાલ દેસાઈ
- Posted by ઊર્મિ |
થોડા દિવસો પહેલા જ એક સખીએ એની આંખોમાં ખૂંચતા આવા જ ઉજાગરા વિશે જણાવ્યું, તો તરત જ મને ગમતું આ ગીત યાદ આવી ગયું…

(કાળિયાનું મ્હોંયે નથી જોવું… ફોટો: વેબ પરથી)
સંગીત : ક્ષેમુ દિવેટીયા
સ્વર : પૌરવી દેસાઈ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો,
જાગતી’તી શમણાંમાં કેટલીયે રાત, મને તે દિ’ ના લાગ્યો કાંઈ આકરો.
સુણીને મોરલીનો નાદ મધરાતે હું ઝબકીને એવી તો જાગી,
ત્યારથી આ નયણાંને ક્યાંયે ન ગોઠતું ને હૈયાને રઢ એક લાગી;
સખીઓ સૌ સંદેશા કહી કહી થાકી ને તોયે ના આવ્યો કહ્યાગરો,
સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો.
આવી મળે ને ભલે મારગમાં કોઈ દિ’ તો કાળિયાનું મ્હોંયે નથી જોવું,
યમુનામાં ધીરેથી પડછાયો પાડતો ને મુરલીને જઈને શું કહેવું !
દાણ રોજ રોજ મને આપવાનું મન થાય એવો આ મુલકનો ઠાકરો,
સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો.
-મણિલાલ દેસાઈ
આમ તો ગીતમાં કશું નવું નથી, સદીઓથી ગવાતી આવેલી એ જ શ્યામની શ્વેતલ યાદ અને ગોપીની શાશ્વત ફરિયાદ… પણ તોયે એ બધી વાતો તો એવરગ્રીન જ રહે છે, ક્યાં કદીયે જૂની થાય છે! દરેક વખતે આ યાદ-ફરિયાદ અને દિલને ગમતાં પણ આંખોને (કહેવાતા) ખૂંચતા ઉજાગરાંનાં મધમીઠ્ઠા નખરાં- બધુંયે કાયમ સાવ નવું નવું જ લાગે છે ને…! ગોપીઓને તો ઘડીકમાં કૃષ્ણ કાળોયે લાગે, કામણગારો યે લાગે, કહ્યાગરો યે લાગે અને સાવ ખોટ્ટેખોટ્ટો આકરોયે લાગે… અને એવું તો લાગે જ, કારણ કે પ્રેમમાં તો એવુંયે થાય છે !
August 14, 2009 at 12:15 am | ઓડિયો, કૃષ્ણગીત, ગીત, નરસિંહ મહેતા
- Posted by ઊર્મિ |
સૌ મિત્રોને જન્માષ્ટમીની કૃષ્ણમય શુભેચ્છાઓ…!

(માખણ ખાતાં નો’તું આવડતું…)
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
કાનજી તારી મા કે’શે પણ અમે કાનુડો કે’શું રે !
એટલું કે’તા નહીં માનો તો ગોકુળ મે’લી દેશું રે. કાનજી તારી o
માખણ ખાતાં નો’તું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે !
ગોપીઓએ તારું ઘર ઘેરાણું જઈ ખૂણામાં બેઠું રે. કાનજી તારી o
ઝુલણી પે’રતાં નો’તું આવડતું અમે તે દિ’ પે’રાવતાં રે !
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ’ છોડાવતાં રે. કાનજી તારી o
કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે !
કર્મ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે. કાનજી તારી o
ઘૂંટણીયાભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે !
ભલે મળ્યા મે’તા નરસૈંના સ્વામી પ્રેમભક્તિમાં રે’લું રે. કાનજી તારી o
-નરસિંહ મહેતા
નટખટ કનૈયાનાં નખરાંઓ વિશે તો આપણે જાણીએ જ છીએ… પરંતુ અહીં ગીતમાં એ નટખટ-નખરાળાની સામે જ ગોપ-ગોપીઓએ કરેલાં નખરાં ખૂબ જ મજાનાં લાગે છે. કૃષ્ણનું કાલુંઘેલું બોલવું જ તો એમને ઘેલું ઘેલું કરે છે પણ તોય ‘અમને કંઈ પડી નથી’ ના નખરાં કરે છે. વ્યક્તિનાં નામની પાછળ ‘જી’ લગાડતા જ એ વ્યક્તિ સાથેનાં સંબંધમાં એક આમન્યા અને મર્યાદા આવી જાય છે, જે અહીં ગોપ-ગોપીઓને બિલકુલ મંજૂર નથી. એમણે તો કૃષ્ણને ‘કાનુડો’ જ કહેવું છે, પછી ભલે ને એ નંદરાજાનો કુંવર કેમ ન હોય ! કારણ કે ‘કાનુડો’ શબ્દ સખત્વથી ભરપૂર છે અને આમન્યા એમને કૃષ્ણનાં સખત્વથી દૂર રાખે છે. આવી મર્યાદા રાખીને એમણે કૃષ્ણથી એટલા પણ દૂર નથી રહેવું. એમણે તો કૃષ્ણને પોતાનાં જેવા જ બનાવીને હારોહાર રાખવાં છે, અડોઅડ રાખવા છે. આપણે ય આવી જ રીતે ઘણીવાર આપણા પ્રિય મિત્રોને એમનું નામ ‘બગાડીને’ જ બોલાવતા હોઈએ છીએ ને… અને સાચું કહેજો, એવા ‘બગાડેલાં નામ’થી બોલાવવાની મજા પણ સાવ અનેરી હોય છે કે નઈં…?! (તમે જો કદી એમ કર્યું ના હોય મિત્રો, તો હવે પછી જરૂર કરી જો જો અને જો એમ કરવાથી તમને અનેરો આનંદ ન મળે, તો મને કહેજો…
)
July 26, 2009 at 12:00 am | ઓડિયો, કૃષ્ણગીત, કૌમુદી મુન્શી, ગીત, નરસિંહ મહેતા, વરસાદ, વર્ષાકાવ્ય, હરીન્દ્ર દવે
- Posted by ઊર્મિ |
આજે પ્રસ્તુત છે નરસિંહ મહેતાનું એક ગીત… ત્રણ અલગ અલગ સ્વરોમાં.

(મેહુલો ગાજે ને માધવ નાચે…)
સંગીત : ?
પ્રસ્તાવના : હરીન્દ્ર દવે
સ્વર : કૌમુદી મુન્શી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સ્વર : ?
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
મેહુલો ગાજે ને માધવ નાચે,
રૂમઝૂમ વાગે પાય ઘૂઘરડી રે;
તાલ પખાજ વજાડે રે ગોપી,
વહાલો વજાડે વેણુ વાંસલડી રે.
દાદુર, મોર, બપૈયા રે બોલે,
મધુરી શી બોલે કોયલડી રે;
પહેરણ ચીર, ચરણા ને ચોળી,
ઓઢણ આછી લોબરડી રે.
ધન્ય જમુનાતટ, ધન્ય બંસીવટ,
ધન્ય ધન્ય આ અવતાર રે;
ધન્ય નરસૈંયાની જીભલડી રે,
જેણે ગાયો રાગ મલ્હાર રે.
મેહુલો ગાજે ને માધવ નાચે…
-નરસિંહ મહેતા
(સૌજન્ય: ટહુકો)
નરસિંહ મહેતાનું કૃષ્ણગીત હોય, અને એય પાછું વર્ષાગીત હોય તો કોઈ પણ ભીંજાયા વિના થોડું જ રહી શકે…!
April 13, 2009 at 1:00 pm | GLA, અમર ભટ્ટ, ઓડિયો, કૃષ્ણગીત, ગીત, ભક્તિગીત/પદ, રમેશ પારેખ, સ્વારાભિષેક આલ્બમ
- Posted by ઊર્મિ |
અમર ભટ્ટનું ‘શબ્દનો સ્વરાભિષેક’ નામનું આલ્બમ આજકાલ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. અમરભાઈએ આ આલ્બમમાં ૩૯ ગુજરાતી ગીતોનો સમાવેશ કુલ ચાર સીડીમાં કર્યો છે. બે સીડીની બધી રચનાઓને એમણે પોતાનો સ્વર આપ્યો છે જ્યારે બીજી બે સીડીની રચનાઓને ગુજરાતના ચુનંદા લોકપ્રિય ગાયકોએ સ્વર આપ્યો છે. આ આલ્બમની વિશેષ ધ્યાનાકર્ષિત બાબત એ છે કે દરેક સ્વરબદ્ધ રચના વિશે તેઓ પ્રથમ કવિ અને કવિની અન્ય રચનાઓ વિશે ભાવક સાથે વાર્તાલાપ કરે છે, જેથી દરેક રચનાને સાંભળવા પહેલાં જ ભાવકનો સેતુ કવિનાં ભાવજગત સાથે જોડાઈ જાય છે… અને એટલે સાંભળવાનો આનંદ પણ ઘણો વધી જાય છે. આ આલ્બમની સીડીનાં ગીતોનું લિસ્ટ આપ અહીં જોઈ શકો છો… અને વધુ માહિતી માટે એમની વેબસાઈટ પર પણ જઈ શકો છો.

(આવકારા દે’શું સાનમાં…!)
પ્રસ્તાવના, સંગીત અને સ્વર: અમર ભટ્ટ
આલ્બમ: સ્વારાભિષેક
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
રે’શું અમેય ગુમાનમાં હરિ સંગ નહીં બોલિયે,
રે’શું અમેય ગુમાનમાં હરિ સંગ નહીં બોલિયે.
ઊર્મિસાગર.કૉમ
ખોલીશું બારણા ને લેશું ઓવારણાં,
આવકારા દે’શું સાનમાં, હરિ સંગ નહીં બોલિયે… રે’શું o
આસનિયાં ઢાળશું ને ચરણો પખાળશું,
આંખ્યું ઉલાળશું તોફાનમાં, હરિ સંગ નહીં બોલિયે… રે’શું o
લાપસીયું ચોળશું ને વિંઝણના ઢોળશું,
મુખવાસા દે’શું પાનમાં, હરિ સંગ નહીં બોલિયે… રે’શું o
મીરાં કહે અંતમાં, આ ભર વસંતમાં
જીવતર દઈ દે’શું દાનમાં, હરિ સંગ નહીં બોલિયે… રે’શું o
-રમેશ પારેખ
ર.પા.નું ગીત હોય અને એ થોડું નોખું-અનોખું ના હોય તો જ નવાઈ લાગે…! મીરાં વિશેની શ્યામ-સમર્પણ અને સૌમ્ય-ભક્તિની રચનાઓ તો ખૂબ જ જોવા મળે છે, પરંતુ આવી એમની નખરાળી-ભકિત જવલ્લે જ જોવા મળે છે. પ્રેમમાં બધું સમર્પણ કરવાની તત્પરતા છે, હરિની ભરપૂર સરભરા કરવાની તાલાવેલી છે, અને સાથે થોડી રીસ બતાવવાની ઘેલછા યે છે. જાણે કે ર.પા.એ અહીં મીરાંજીને સાવ રાધામય કરી દીધાં છે… અને પરિણામે આપણને મળ્યું છે, રાધા-ભાવવાળું એક અદભૂત મીરાં-કાવ્ય ! વળી, અમરભાઈનાં સંગીત અને સ્વરને લીધે એમાં વધુ નિખાર આવ્યો હોય એમ લાગે છે.
**આ મીરાં-કાવ્યની સાથે સાથે આ જ આલ્બમનું કવિ ઉશનસ્ નું એક મીરાં-ભાવવાળું કૃષ્ણગીત પણ ટહુકા પર માણો… માધો, મન માને તબ આજ્યો
નોંધ: ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા (GLA) અને નરેન્દ્ર-શંકુતલા લાખાણી તરફથી ૯મી મે શનિવારે અમરભાઈનો સંગીતમય કાર્યક્રમ ‘શબ્દનો સ્વરાભિષેક’ ગોઠવવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ વિશેની વિગતે માહિતી તમે અહીંથી મેળવી શકો છો. આ કાર્યક્રમ માત્ર GLAનાં સભ્યો માટે જ મર્યાદિત છે. નજીકમાં રહેતા મિત્રોને જો GLAનાં આજીવન સભ્ય બનવામાં રસ હોય તો એ માટેનું ફોર્મ તમે GLAનાં બ્લોગ પરથી મેળવી શકો છો… એકવાર સભ્ય બન્યા પછી GLA દ્વારા આયોજીત આવા ઘણા કાર્યક્રમો તમે ભરપૂર માણી શકશો.
March 16, 2009 at 12:01 am | કાવ્યપઠન, કૃષ્ણગીત, ગીત, વિવેક મનહર ટેલર
- Posted by ઊર્મિ |
હોળી-ધુળેટીનાં રંગો કદાચ કપડાં પરથી તો થોડા થોડા ઊતરી ગયા હશે, પરંતુ મન-હૃદયમાંથી તો હજી નહીં જ ઊતર્યા હોય ! અને કોઈક રંગો તો કપડાં ફાટે તોયે ફીટે નહીં એવા પાક્કા હોય છે… અને એવા રંગો ઊતરવા માટે હોતાયે નથી. આજે આપણે પણ એવાં જ એક પાક્કા શ્યામ રંગથી થોડા થોડા રંગાઈ જવાનું છે…!
કહેવાય છે કે એક કવિનો જન્મદિવસ ઉજવવાની સાચી રીત એટલે કે એની કવિતાને માણવી. તો ચાલો મિત્રો, આજે આપણા વ્હાલા મિત્ર વિવેકનો જન્મદિવસ આપણે એનું જ એક ગીત માણીને ઉજવીએ… એનાં જ અવાજમાં ! ડૉક્ટરનો તો મને ખ્યાલ નથી, પરંતુ મારું માનવું છે કે ઉંમર વધે તોયે કવિ તો કોઈ દિવસ ઘરડાં થતાં જ નથી. એટલે કે ચિંતા ન કર દોસ્ત… તેં કેટલી મીણબત્તીઓ સળગાવી ? એવો અઘરો સવાલ હું તને આજે નહીં પૂછું… પ્રોમિસ ! જન્મદિવસની અઢળક હાર્દિક શુભકામનાઓ, પ્રિય દોસ્ત…!

(પોતીકા રૂપની આયને ઊભી…)
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી,
પોતીકા રૂપની આયને ઊભીને હવે કઈ રીતે કરું હું ઝાંખી ?
કમખામાં, ઘાઘરીમાં, ઓઢણીમાં, આંખડીમાં,
આયખામાં જેટલાં યે સળ છે;
તારા જ દીધા સૌ વળ છે.
કિયા છેડેથી બાકી તેં રાખી ?
મુને અંગ-અંગ રોમ-રોમ ચારે તરફથી તેં દોમ-દોમ દોથ-દોથ ચાખી.
શીકાંઓ તોડ, મારાં વસ્તર તું ચોર,
મારી હેલ્યુંની હેલ્યું દે ભાંગી;
કુણ મુંથી તે મોટું બડભાગી ?
વરણાગી, મુંને બ્હાવરી કરીને તેં રાખી,
દરવાજા દીવાલો ઓગાળી બેઠી હું, બારી ય એકે ન વાખી.
-વિવેક મનહર ટેલર
(૧૭-૦૭-૨૦૦૮)
“શ્યામ!” સંબોધન વાંચતા જ આપણી આંખ આગળ ગોપી આવી જઈને આપણને પણ એના રંગમાં એવા રંગી દે છે… કે પછીનું આખું કાવ્ય આપણે ગોપી બની ગયા વગર જાણે માણી જ ન શકીએ ! શ્યામનાં રંગમાં રંગાઈને લથબથ અને તરબતર થયેલી ગોપી અહીં રંગાવાનાં અલૌલિક આનંદની સાથે સાથે વળી “કિયા છેડેથી બાકી તેં રાખી” કહીને રંગાવાની જ મધમીઠી રાવ પણ કરે છે. અને બ્હાવરી તો કેવી, કે દલડાંનાં દરવાજા ને દીવાલો બધુયે ઓગળી ચૂક્યું છે ને તો યે હજી એ બારી ન વાખવાની ઘેલી ચિંતા કરે છે. શું શ્યામે એને પોતાના રંગમાં રંગી છે ?… કે પછી શ્યામનાં રંગમાં એ પોતે પોતાની મરજીથી જ રંગાઈ ગઈ છે? શું એ ફરિયાદ કરે છે કે એણે રંગાવું ન્હોતું તો ય રંગાઈ ગઈ ? જો કે, આવા પ્રશ્નોનાં જવાબો તો રાધા યે આપી ન શકે… એટલે આપણે થોડીવાર માટે ગોપી બની જઈ માત્ર આ કાવ્યનાં રંગમાં રંગાઈએ તો કેવું ?!!
(આસ્વાદ સાથે સૌપ્રથમવાર લયસ્તરો પર પ્રકાશીત)
વિવેક માટે એક સરપ્રાઈઝ… એનાં જ બ્લોગ પર !
October 15, 2008 at 6:00 pm | કૃષ્ણગીત, ગરબા, ગીત, લોકગીત, સંગીત
- Posted by ઊર્મિ |
નવરાત્રિ 2008 નાં (આગળ અહીં મૂકેલા) ગરબા-રાસની રમઝટ આજે એકીસાથે સાંભળો…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સાથીયા પુરાવો દ્વારે (આશા ભોંસલે) Sept 30 ‘08
માડી તારું કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો - અવિનાશ વ્યાસ (1-હેમા દેસાઈ, 2-રાસ બિહારી-વિભા દેસાઈ) Oct 1 ‘08
જમુના ને કાંઠે કા’નો વાંસળી વગાડતો… (અચલ મહેતા) Oct 2 ‘08
મૂઆ મુરલીનાં સૂર ફરી વાગ્યા -રિષભ મહેતા (રિષભ મહેતા અને ગાયત્રી દવે) Oct 3 ‘08
હે તને જાતા જોઈ પનઘટની વાટે -અવિનાશ વ્યાસ Oct 4 ‘08
વ્હાલમની વાંસળી વાગી… Oct 5 ‘08
કુંજમાં વ્હાયે વ્હાલો વાંસળી રે લોલ -રિષભ મહેતા (રિષભ મહેતા અને ગાયત્રી દવે) Oct 6 ‘08
મારી ગાગરડીમાં ગંગા જમુના રે -અવિનાશ વ્યાસ (1-??, 2-સુલોચના વ્યાસ) Oct 7 ‘08
દાંડીયાનો દરબાર સજ્યો રાણી -રિષભ મહેતા (રિષભ મહેતા અને ગાયત્રી દવે) Oct 8 ‘08
રામ તમે સીતાજીની તોલે ના આવો -અવિનાશ વ્યાસ (1-આશા ભોંસલે, 2- આશિત દેસાઈ) Oct 9 ‘08
હે રંગલો, જામ્યો કાળન્દરીને ઘાટ… - અવિનાશ વ્યાસ Oct 10 ‘08
તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે -અવિનાશ વ્યાસ (1-આશા ભોંસલે અને વેલજીભાઈ ગજ્જર, 2-આરતી મનશી) Oct 11 ‘08
તારા વિના શ્યામ મને એકલડું લાગે… (1-અચલ મહેતા, 2-મુસા પાઈક) Oct 12 ‘08
ક્યાંક સપનામાં વાંસળી વાગી રે લોલ -રિષભ મહેતા (ગાયત્રી દવે) Oct 13 ‘08
આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો… (1-મુસા પાઈક, 2-તૃપ્તિછાયા) Oct 14 ‘08

October 14, 2008 at 3:00 pm | કૃષ્ણગીત, ગરબા, ગીત, તૃપ્તિછાયા, મુસા પાઈક, લોકગીત, સંગીત
- Posted by ઊર્મિ |
સૌ મિત્રોને આજે શરદપૂર્ણિમાનાં શુભ દિવસે પૂનમની ચાંદનીમાં ભિંજાયેલી અને રાસે રમઝટતી શુભેચ્છાઓ…! અને સાથે સાથે તમને દૂધ-પૌંઆ તેમ જ ગરમાગરમ (ખાસ કરીને, મરચાંના) ભજીયા ખાવા મળે એવી શુધ્ધ હુરતી-શુભકામનાઓ…!!

(કહી દો સૂરજને, કે ઊગે નહીં ઠાલો…!)
સંગીત સંયોજન : મુસા-શેખર
સ્વર : મુસા પાઈક
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સંગીત સંયોજન: સી.વનવીર
સ્વર: તૃપ્તિછાયા
(સ્વરકિન્નરી ગ્રુપ, મુંબઈ)
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…
તારા રે નામનો છેડ્યો એક તારો,
હું તારી મીરાં તું ગિરધર મારો…
આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…
આપણે બે અણજાણ્યા પરદેશી પંખી,
આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી;
જોજે વિખાય નહીં શમણાનો માળો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…
દો રંગી દુનિયાની કેડી કાંટાળી,
વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી?!
લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…
આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…
* * *
આ સાથે નવરાત્રિનાં પહેલા દિવસથી ચાલતી રહેલી ગરબા-રાસની આ રમઝટને હવે થોડો વિરામ આપીએ છીએ… (પૂર્ણવિરામ નહીં હોં) આપણું કાંઈ કે’વાય નઈં… ફરી ક્યારેક કોઈ પ્રસંગે આવી રમઝટ બોલાવી યે દઈએ…
ત્યાં સુધી બસ આમ જ મળતા રહીશું, ફરીથી… રાબેતા મુજબ… અનિયમિતતાથી નિયમિત રીતે !!