ગાગરમાં સાગર

આજે રક્ષાબંધનનાં પવિત્ર દિવસે દરેક બહેનો અને બહેનોનાં ભાઈઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

મારા તરફથી મારા પ્રિય ભાઈઓને એક ઊર્મિ-કણિકા દ્વારા શુભાશિષ અર્પણ… 

દિર્ઘાયુ હો, કિર્તિવાન હો, અતિસમૃદ્ધ ને શોર્યવાન હો,
રુદિયું તારુ ઊર્મિ-નેહથી તરબતર ને માલામાલ હો;
હર ક્ષેત્રમાં કામયાબી ખુદ ચરણે તારે આળોટે, બસ
એ જ શુભેચ્છાનું બળેવ પર તારા હૃદય સુધી પ્રયાણ હો !

rakhi

ફરીથી… આ રક્ષા-પર્વ પર આપ સૌને સસ્નેહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

 

રવિવારે નવમી મે નાં રોજ આપણા પ્રિય કવિ શ્રીગારાંગભાઈ ઠાકરનાં બીજા કાવ્યસંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું હતું.  વળી, લયસ્તરો ઉપર પણ એનું ખાસ ઇ-મોચન કરવામાં આવ્યું હતું  !  એમના પહેલા કાવ્યસંગ્રહનું નામ તો લગભગ બધાને ખબર જ છે - ‘મારા હિસ્સાનો સૂરજ ‘.  એમના આ બીજા કાવ્યસંગ્રહનું નામ એમણે રાખ્યું છે - ‘વ્હાલ વાવી જોઈએ ‘ !  મિત્રો, એમનું આ નામ તમને થોડું જાણીતું લાગ્યું ને?  કારણ કે કદાચ તમને આ શિર્ષકવાળી એમની એક ગઝલ એમના ગઝલ-પઠન સાથે યાદ આવી ગઈ હશે, જે આપણે અહીં ગયા વર્ષે માણી ચૂક્યા છીએ : વ્હાલ વાવી જોઈએ  :-)

તો એમના આ નવા કાવ્યસંગ્રહમાંની બીજી બે ગઝલોની થોડી ઝલક આપણે એમનાં જ અવાજમાં માણીએ… જે આપણે આમ તો આગળ અહીં અને લયસ્તરો પર અપ્રગટ ગઝલો તરીકે માણી જ ચૂક્યા છીએ.

book-cover-gaurang-thakar-2ndbook

(કાવ્યસંગ્રહનું મુખ્યપૃષ્ઠ…)

સ્વર : ગૌરાંગ ઠાકર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

*

એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

એક માણસ ક્યારનો આંસુ લૂંછે છે બાંયથી,
આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.

આખી ગઝલ ગૌરાંગભાઈનાં હસ્તાક્ષર સાથે અહીં વાંચો !

*

ફૂલની ફોરમ બધે ચર્ચાઈ ગઈ,
માવજત માળીની બસ વિસરાઈ ગઈ.

લ્યો, દીવાની આબરૂ જળવાઈ ગઈ,
દ્વાર પર આવી હવા ફંટાઈ ગઈ.

વાંસળીને કાજ ક્યાંથી લાવશું ?
ફૂંક તો ચૂલા ઉપર વપરાઈ ગઈ.

સોયમાં દોરાને બદલે બા હતી,
ગોદડીમાં હૂંફ પણ સિવાઈ ગઈ.

કોણ પડછાયા ઉપાડી જાય છે ?
એ જ જોવા સાંજ પણ રોકાઈ ગઈ.

આખી ગઝલ અહીં વાંચો !

*

પ્રિય ગૌરાંગભાઈને એમનાં આ બીજા કાવ્યસંગ્રહ માટે આપણા સૌના તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ…

આ સાથે જ માણો -

  • ‘વ્હાલ વાવી જોઈએ‘ કાવ્યસંગ્રહનું ઈ-મોચન લયસ્તરો પર…
  • થોડા મુક્તક-શેરનું કાવ્યપઠન ટહુકો પર…

ગુજરાતી ગઝલને પરંપરાની ચુંગલમાંથી છોડાવનાર અને એના મુખ્ય સ્તંભોમાંના એક આપણા વ્હાલા ગઝલકાર આદરણીય શ્રી આદિલ મન્સૂરી સાહેબનું અમેરિકામાં ન્યુજર્સી ખાતે ૭૨ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી આજે સવારે હેકનસેક હોસ્પીટલમાં નિધન થયું છે… એમનાં જન્નતનસીન થવાથી આજે ગુજરાતી ગઝલ જાણે અનાથ થઈ ગઈ હોય એમ લાગે છે… ભગવાન એમનાં આત્માને શાંતિ બક્ષે અને એમનાં પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે એવી પાર્થના…!

For local residents whom wants to attend the viewing, it is scheduled for tomorrow (Friday, November 7 2008) from 9AM to 12PM, at Masjid-Al-Islah (Mosque), 320 Fabry Terrace, Teaneck, NJ- 07666… click here for more info !!

(મારા કેમેરામાં કેદ એક આદિલ-સ્મિત… સપ્ટેમ્બર 2007)

ગુજરાતી સાહિત્ય જગતનાં કોઈપણ ગઝલકાર કે કવિ તરીકે મારી સૌ પ્રથમ મુલાકાત આદરણીય શ્રી આદિલભાઈ સાથે જ થઈ હતી. આદિલભાઈ સાથેની મારી પહેલી અવિસ્મરીણય મુલાકાત (સપ્ટેમ્બર 2007) હજીયે મને યાદ છે, જ્યારે એમણે માત્ર ‘ઊર્મિસાગર’ નામ સાંભળતા જ જાણે બહુ જૂની ઓળખાણ હોય એમ મને ઓળખી કાઢીને મને સુખદ આશ્ચર્ય આપ્યું હતું. એ પહેલાં એમનાં 71માં જન્મદિવસની પોસ્ટ નિમિત્તે માત્ર એકવાર એમની સાથે ઈમેલથી વાતચીત થઈ હતી. અને હવે તો છેલ્લી મુલાકાત પણ અવિસ્મરણીય બની રહેશે… 7મી સપ્ટેમ્બર 2008 નાં રોજ ગુજરાતી લિટરરી એકેડમી નાં છઠ્ઠા સંમેલન દરમ્યાન મારા પ્રેમપત્ર ગઝલનાં પઠન વખતે મને સૌથી વધુ દાદ અને પ્રોત્સાહન આપનાર સામે જ પ્રથમ ખુરશી પર બેઠેલા આદરણીય શ્રી આદિલભાઈ જ હતા… એમણે મારી ગઝલનાં ઘણા શેરોને ‘દોબારા… દોબારા’ કહીને મારી પાસે ફરી ફરી બોલાવ્યા હતા… એ સુખદ સ્મૃતિ મારા અંતરમાં કાયમ અકબંધ રહેશે. ત્યારે ક્યાં ખબર હતી કે એમનાં સાંનિધ્યની મારી એ આખરી મુલાકાત બની જશે?! તે દિવસે એમણે કરેલા ‘ગઝલગ્રાફ’ પુસ્તકનાં વિમોચન વખતે મારા વિડીઓ કેમેરામાં મેં કેદ કરેલી થોડી યાદગાર ક્ષણો... મારે માટે એમની આખરી સ્મૃતિ !

[youtube]http://www.youtube.com/watch?v=5tg_UDTWJDA[/youtube]

આદરણીય શ્રી આદિલ સાહેબને એમનાં જ આદિલીયત ભર્યા થોડા અશઆર દ્વારા ગઝલભરી શ્રધ્ધાંજલિ અર્પીએ…!

જી હા આદિલ તો તખલ્લુસ માત્ર છે,
નામ ધંધો ધર્મ ને જાતિ ગઝલ.

જેની સભાને ત્યાગીને તું નીકળી ગયો,
કાબાનાં બારણામાં એ કાફર તને મળે.

વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

પરીચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા આ મીઠી નજર મળે ન મળે.

રડી લો સંબંધોને વિંટળાઈ અહીં,
અહીં કોઈને કોઈની કબર મળે ન મળે.

આખ્ખું યે બ્રહ્માંડ તો એની ઈચ્છાનું એક ટપકું છે,
થાય તને પણ જો ઈચ્છા તો ટપકાને ઓળંગી જા.

જ્યાં બીજું કોઈ નથી કોઈ નથી કોઈ નથી,
ત્યાં ન હોવાનાં સહજ અણસારમાંથી થા પ્રગટ.

બીજા બધાને ઉપરવાળો સાચવી લેશે,
બની શકે તો તમે એક જણને સાચવજો.

હું ઊંઘી જાઉં તો પાછો જગાડજો જલ્દી,
કહું છું ક્યારનો તમને જગાડી જી સાહેબ.

દિલમાં કોઈની યાદનાં પગલાં રહી ગયા
ઝાકળ ઉડી ગયું અને ડાઘાં રહી ગયા.

આભાર માનવો છે હવે દોસ્તો મળે તો
મારા પતનમાં એમનો સહકાર પણ હતો.

કાલે પાછા ચાલ્યા જઈશું, નક્કી કાલે પાછા,
કાલે કાલે કરતાં કરતાં જર્સીમાં વર્ષો કાઢ્યા.

રહી ગઈ યાદ અમથી ડાયરાની
કસુંબો એકલો ઘોળ્યા કરું છું.

ગમે ત્યારે એ ઉડી જાય આદિલ
જે પંખી એક પાંખાળું છે અંદર.

ફીણનાં ગોટેગોટા અશ્વનાં મોઢામાં
આગળ ઈચ્છાઓ છે, મૃત્યુ પાછળ છે.

સાથે જીવેલા વરસ ભૂલી ગયા
આંખ મીંચાઈ ને બસ ભૂલી ગયા.

શરીર છોડીને નીકળ બહાર પડછાયા
પડી ગઈ છે હવે તો સવાર પડછાયા.

તું તારા માટે અલગ સ્થાન રાખજે શોધી
અહીં અલગ છે બધાનાં મઝાર પડછાયા.

માટીનાં પિંડને મળ્યો આકાર
અંતે માટીમાં જઈ મરે માટી.

બીજા ઈલ્કાબો મળે કે ના મળે
એ તો ગુજરાતી ગઝલનો દાસ છે.

એ આવીને થીજી ગઈ આંખમાં
જીવનની કે મૃત્યુની પળ તો જુઓ.

હતો કાલ સુધી જે માથા પર
એ સૂરજને ચરણોમાં ઢળતો જુઓ.

તું બેઠો બેઠો જન્મનાં વર્ષો ગણ્યા કરે,
ને મૃત્યુ તારા નામની ચાદર વણ્યા કરે.

આદિલને એક હૂંફ રહી આખી જિંદગી
ભીતર ગઝલનું રાતદિવસ તાપણું હતું.

આપ તો શબ્દાતીત થઈને પાછા ક્યાં સંતાઈ ગયા
એની ગુજરાતી ગઝલોમાં આદિલ ક્યારનો શોધે છે.

જ્યારે કવિતા લખવાનું ઈશ્વરને મન થયું,
ત્યારે હું એના કાવ્યનાં અક્ષર બની ગયો.

લો માર્ગદર્શક થઈ ગયા
રસ્તો ભૂલેલા માણસો.

નિરાંત એવી અનુભવું છું ગઝલનાં ઘરમાં,
કે શ્વાસ મુક્તિનાં લઈ શકું છું ગઝલનાં ઘરમાં.

હવે એનો અફસોસ ન કર આદિલ
થવાનું હતું તે ખચિત થઈ ગયું.

આદિલને મળવું હો તો મુશ્કિલ નથી કે એ
જર્સીમાં જો ન હોય તો સરખેજ હોય છે.

ક્યારે પાકશે આદિલ કોઈ ન જાણે એ
માણસ તો બિન મોસમનું કાચું ફળ છે.

દુ:ખ પડે છે તેનો આદિલ ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

હવાનું હલેસું સ્થગિત થઈ ગયું
ને બ્રહ્માંડ આખું વ્યથિત થઈ ગયું.

ગયાં નીર આંખોનાં ઠલવાઈ સૌ
ને હલબલતું હૈયું દ્રવિત થઈ ગયું.

તમામ ઉમ્ર મને જિંદગીએ લૂંટયો છે,
મરણના હાથમાં પહોંચી હવે સુરક્ષિત છું.

અને છેલ્લે…

એકડો ઘૂંટવાનું છોડી દે,
ચાલ આ શૂન્યમાં ભળી જઈએ.

અને આમ ગઝલને ઘૂંટતા ઘૂંટતા શૂન્યતામાં જઈને ભળી ગયેલા શ્રી આદિલસાહેબને સો સો સલામની સાથે પ્રેમભરી શ્રદ્ધાંજલિ…!!

શબ્દો સ્વયં આવીને જેમને ટેરવે બેસી જતા હોય અને સર્જકતા ખુદ જેમનાં પગ પખાળતી હોય એવી ગુજરાતી સાહિત્યની બે મહાન હસ્તીઓ એટલે કે અમરેલીનાં કાવ્ય-નરેશ શ્રી રમેશ પારેખ અને ગુજરાતનાં ગાલીબ શ્રી મરીઝ (અબ્બાસ વાસી). ગુજરાતી કવિતા અને ગુજરાતી ગઝલને તેઓ ખરેખર છેએએએક સામાન્ય ગુજરાતી લોકોનાં હૃદય સુધી લઈ ગયા છે. ગુજરાતી સાહિત્યનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી તેઓ લોકોનાં હૃદયમાં સદાયે રાજ કરશે જ, એ વાતમાં કોઈ શંકા નથી. આ મહાન સર્જકોનાં જીવનની થોડી ઝાંખી બતાવતું અને ગુજરાતી ભાષા/સાહિત્ય સાથેનાં એમનાં ઘેરા સંબંધની સમજ આપતું નાટક એટલે કે ‘એક ખોબો ઝાકળ’… જેનું સર્જન ખાસ આ સર્જકોની પ્રસિધ્ધિ માટે કરવામાં આવ્યું છે. આ નાટકના લેખક, નિર્દેશક અને નાયક અન્ય બીજું કોઈ નહીં પરંતુ આપણા પ્રખ્યાત કવિ શ્રી શોભિત દેસાઇ છે, જે ઉત્તમ કવિ અને લેખક હોવાની સાથે સાથે ખૂબ જ કુશળ સંચાલક પણ છે… અને આ નાટકની અપ્રતિમ સફળતા પછી હવે કહેવાની જરૂર નથી કે તેઓ સફળ નિર્દેશક અને નાયક પણ છે. આ નાટકના પ્રથમ ભાગમાં તેઓ ‘રમેશ પારેખ’ની અને બીજા ભાગમાં ‘મરીઝ’ની ભૂમિકા બખૂબી નિભાવી દર્શકો સમક્ષ ગુજરાતી સાહિત્યના ઇતિહાસનાં આ બે મહાન સર્જકોને થોડો સમય માટે પુન: જીવિત કરે છે. જો કે પુન: જીવિતનો સવાલ તો મૃત્યુ પામ્યા હોય એને આવે… અહીં તો શોભિતભાઈ કહે છે કે “મૃત્યુ તો એમને મારી જ નથી શક્યું… અને તેથી જ આ ‘એક ખોબો ઝાકળ’ લઈને આપણી વચ્ચેથી એમને લઈ જવામાં અસફળ થયેલા મોતની હારનો હું આ ઉત્સવ ઉજવું છું.”

આ “એક ખોબો ઝાકળ” નાટક ઘણા વખતથી અમેરીકાની ધરતી પર ઘણી જગ્યાએ ધૂમ મચાવી રહ્યું હતું… અને મને પણ એ નાટક જોવાનો મોકો આખરે મળી જ ગયો… શ્રી રામ ગઢવી સંચાલિત ‘ગુજરાતી લિટરરી એકેડેમી’ તરફથી. ગયા રવિવારે ન્યુ જર્સીમાં શોભિતભાઈની અમેરીકાની આ વખતની મુલાકાતમાં શ્રી નરેન્દ્ર લાખાણીનાં લાખાણી ઓડિટોરીયમમાં ‘ગુજરાતી લિટરરી એકેડેમી’ દ્વારા આ નાટક છેલ્લીવાર યોજવામાં આવ્યું હતું. (જો કે ચંદુભાઈ સાથે શોભિતભાઈએ જણાવ્યું હતું કે આવતા વર્ષે ફરી એકવાર તેઓ આ નાટક સાથે દોઢ મહિનાનો સમય લઈને આવવાનાં છે.)

ઘણા વખતથી આ નાટકનાં અને શોભિતભાઈનાં ખૂબ જ વખાણ સાંભળ્યા હતા… પરંતુ જ્યારે નજરોનજર આ નાટક જોયું ત્યારે એનાં વિશે જેટલું સાંભળ્યું હતું એનાં કરતાંય મને વધુ રસપ્રદ લાગ્યું. ર.પા. અને મરીઝનાં જીવન વિશે ઘણું જાણવા પણ મળ્યું. દરેક જગ્યાએ અત્યંત વખણાયેલા આ નાટકની સૌથી મોટી વિશેષતા એ છે કે આ નાટકનાં દરેક શોમાંથી શ્રી ર.પા. અને શ્રી મરીઝનાં પરિવારજનોને 5000/- રૂ. મોકલવામાં આવે છે. (આટલું પ્રશંસનીય કાર્ય કરવા બદલ શ્રી શોભિતભાઈને આપણાસૌ તરફથી મબલખ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ!)

શ્રી રમેશ પારેખ અને મરીઝનાં પાત્રને શોભિતભાઈએ ખૂબ જ સરસ ન્યાય આપ્યો હતો, જેની થોડી ઝલકો આપણે અહીં માણીએ, જે નાટક જોતી વખતે મેં મારા વિડીયો કેમેરામાં કેદ કરી હતી…!

[youtube]http://www.youtube.com/watch?v=cAE-BoPNYU0[/youtube]

(કલાકારો: શ્રી શોભિત દેસાઈ અને ન્યુ જર્સીનાં સ્થાનિક કલાકારો- શૈલેષ અને રૂપલ ત્રિવેદી)

તો મિત્રો, આ નાટકની થોડી ઝલક જોઈને તમને આખો નાટક જોવાનું મન થઈ ગયું કે નઈં?!! હાચ્ચું બોલજો હોં…! :-) મતલબ કે તમારા શહેરમાં કે આજુબાજુ જ્યારે પણ આ નાટક આવે ત્યારે એને જોવાનું બિલકુલ ચૂકતા નહીં…!

નાટકમાં વપરાયેલાં આ સર્જકોનાં (બધા નહીં પણ) થોડા અશઆર અને કેટલીક પંક્તિઓ પણ મમળાવીએ…

રમેશ પારેખ

મારી કવિતા
તો મેં વિશ્વનાં હોઠ પર કરેલું ચુંબન છે…!

આજ વરસાદ નથી એમ ના કહેવાય રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
( કવિશ્રી રમેશ પારેખના અવાજ સાથે..!!)

ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી કટ
એક અમે પોતે અને બીજો તારો વટ

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે
તમને ફૂલ દીધાનું યાદ
કેડસમાણી લીલોતરીમાં ખૂલ્લાં ખેતર તરતાં
સોનલ, તમને ફૂલ દીધાના અવસરથી નીતરતાં
તમે અમારી હથેળીઓ ભેંકાર કેટલીવાર
ટેરવાં ભરી પીધાનું યાદ
(’સોનલ’ વિશે ર.પા.નાં જ શબ્દોમાં એક લેખ આ સોનલકાવ્ય સાથે લયસ્તરો પર વાંચો.)

એક છોકરી ન હોય ત્યારે કેટલા અરીસાઓ
સામટા ગરીબ બની જાય છે…

ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું*
હવે આંખોને કેમ રે ભુલાવવું

ફળિયે પલાશ ફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખાઓ ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?
*(ર.પા.નાં જીવનમાં જ્યારે પત્નિ રસિલાબેને આવેલા ત્યારે એમણે એમને આ ગીતથી સજાવેલાં.)

ગઢને હોંકારો તો કાંગરાય દેશે,
પણ ગઢમાં હોંકારો કોણ દેશે ?

રાણાજી, તને ઉંબરે હોંકારો કોણ દેશે?
આઘેઆઘેથી એને આવ્યાં છે કહેણ,
જઈ વ્હાલમશું નેણ મીરાં જોડશે,
હવે તારો મેવાડ મીરાં છોડશે.

એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે ?
બાંકડો શું ચીજ છે ? બુઢ્ઢા થવું શું ચીજ છે ?
કઈ તરસ છે એ કે એને આમ પાલવવી પડે ?
રોજ આખેઆખું છાપું પી જવું શું ચીજ છે ?

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દ્યૈ દરિયો !

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.

એમ તો ર.પા.નું કયું ગીત મને સૌથી વધારે ગમે એનો જવાબ આપવો મારે માટે બહુ મુશ્કેલ છે.. છતાં આ લખતી વખતે મને ર.પા.નાં મારા પ્રિય ગીતોમાંનું જે એક ગીત યાદ આવે છે, એ છે…

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે?

મરીઝ

હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ મરીઝ,
ગઝલો ફક્ત લખાય છે દિલની જુબાનમાં.

બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.

પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.

ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.

બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.

કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’,
પોતે ન દે, બીજાની કને માગવા ન દે !

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

છેલ્લે મારો એક અતિપ્રિય મરીઝનો શેર…

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

—————

** ડિસેમ્બર 4-8, 2006 દરમિયાન અમદાવાદ - ગાંધીનગરમાં આ નાટક પ્રસ્તુત થયું હતું, ત્યારે ગાંધીનગર સમાચારમાં કવિશ્રી શોભિત દેસાઇની મુલાકાત પ્રસિધ્ધ થઇ હતી, જે અહીં નીચે આપેલી બે માંથી કોઇ પણ એક લિંક પર ક્લિક કરીને વાંચી શકશો. પી.ડી.એફ પર વધુ સારી રીતે વંચાશે, પરંતુ તમારી પાસે એક્રોબેટ રીડર ન હોય તો જે.પી.જી. માં પણ વાંચી શકાશે. **(આભાર ‘ટહુકો’!)

Open as PDF File (in acrobat reader)

Open as JPG Image File

મિત્રો, એક સપ્તાહથી ચાલી રહેલી 2જી વર્ષગાંઠની ઉજવણીનાં આ છેલ્લા દિવસે, હું તમને થોડા હસાવી લઉં… અને ખરેખર તો હું નહીં, પણ રઈશભાઈ જ તમને હસાવશે.  ગયા વર્ષની રઈશભાઈનાં પ્રોગ્રામની લીધેલી વિડીયોમાંથી તમને આજે એમની બે હઝલોની ક્લિપ દેખાડું… સંભળાવું… ને હસાવું !  આશા છે કે તમને સૌને આ એક સપ્તાહની ઉજવણી ખૂબ જ ગમી હશે… અને ખાસ તો ખૂબ જ માણી હશે… તો ચાલો આજે હવે માણીએ, grand finale… રઈશભાઈની બે હુરતી હઝલો અને એક સુરતી શેર, એમના જ અનોખા સુરતી અંદાજમાં… !  તો હસવા માટે તૈયાર છો ને મિત્રો…?!  જો કે, તમે તૈયાર ના હોવ તો ય વાંધો નહીં હોં,  કારણ કે મને ખાત્રી છે કે પેલું હાસ્ય તો તમને શોધતું શોધતું એની મેળે જ આવી જશે…!!  :-D

હઝલ: 1 - અમે રસ લેવા માંડ્યો જે ઘડીથી… 

આ ‘રસ’ લેવાની વાત આવી ને મને તો સાલો કેરીનો રહ યાદ આવી ગ્યો… એ બી કેસર-આફૂસ-લંગડાની કેરીનો… અમ્મ્મ… અમ્મ્મ્મ… અમ્મ્મ…!  પણ અઈંયા એ કેરીવારા રહની વાત નથી હં, આ તો બીજા જ કોઈ ’રસ’ની વાત છે…!!  :-)

(વિડીયો: ઊર્મિ… 6 સપ્ટેમ્બર 2007)

પહેલાં એક સુરતી શેર માણીએ…

સુરતનો છું હું વતની એટલે આ આળ લાગે છે,
શુભેચ્છા પાઠવું છું તોયે સૌને ગાળ લાગે છે.

- હઝલ -

અમે રસ લેવા માંડ્યો જે ઘડીથી એક છોરીમાં,
નથી પડતો હવે ઇન્ટરેસ્ટ પેટીસમાં કચોરીમાં.

પ્રિયે, એવી મને તું પ્રેમરસથી ભરી ભરી લાગી,
કદી ચટણીપુરી લાગી, કદી પાણીપુરી લાગી.

થતી તુજ વાત ને તેમાં ય તારા રૂપની ચર્ચા,
જાણે ગરમાગરમ ભજીયા અને હો સાથમાં મરચા.

અમારો તે છતાં ના થઈ શક્યો મનમેળ તારી સાથ,
નકામી ગઈ જે રોજેરોજ ખાધી ભેળ તારી સાથ.

હવે મનમાં છવાયો એ રીતે આલમ હતાશાનો,
હું પેંડા ખાઉં છું તો સ્વાદ આવે છે પતાસાનો.

અમે સાથે અમારી કમનસીબી લઈ મરી જાશું,
કફનમાં ફાફડા સાથે જલેબી લઈ મરી જાશું.

- ડો. રઇશ મનીઆર

હઝલ: 2 - પન્નીને પહતાઈ તો કે’ટો ની

રઈશભૈની આ હઝલ, આમ તો ઘણા ગુજરાતીઓ જાણતા જ અહે… ને ખાસ તો, ભાગ્યે જ કોઈ હુરતી એવું અહે કે એણે ની હાંભરી ઓય… ને જો હાચ્ચે જ કોઇએ ની હાંભરી ઓય ને, તો મને તો એમનાં હુરતી ટકલામાં એકાદ હુરતી ટપલી મારીને કે’વાનું મન થૈ જહે કે ’ધત્તેરીકી… તમારી અધ્ધી હુરતી જિંદગી નોન-હુરતી પાણીમાં જ ગેઈ અહે… નક્કી!’   પણ ચાલો કંઇ ની અવે… બેટર લેટ ધેન નેવર… આજે ઉં જ તમને હંભરાવી દેમ… ને દોસ્તો, આજ્તો આ હઝલને આપળે બેઉ રીતે હાંભરીએ ને માણીએ… એક તો ગંભીર રઈશભૈનાં જ નોન-ગંભીર ને જોદ્દાર અવાજમાં… ને બીજી આ તોફાની મેહુલનાં તબલા-સારંગીની હાથે… 

અને આ બધી ફિલમ મેં જ લીધલી છે હેં મિત્રો… ને એમ તો જાણે બો હારી બી લીધલી છે, પણ સાલા આ યુટ્યુબ વારાઓ ક્યારેક એ બચ્ચારીને ડાબે-જમણે બેઉ બાજ્થી હાવ જ ચબ્દી મૂકે છે… અને એ તમારે જાતે જ વિડીયોની ડાબી બાજુએ નીચલી કોર્નરનું છેલ્લું બટન બે વાર દબાવીને હરખુ કરી લેવું પડહે… !  ચાલો, તો ઉં મારી હુરતી બકબક બન કરું, ને તમને સાંતિથી હાંભરવા દેમ…!!

(વિડીયો: ઊર્મિ… 6 સપ્ટેમ્બર 2007)

અવે, આ હઝલને આપળે સત્યેનભૈનાં મસ્ત રાગડામાં મેહુલિયાનાં તોફાન હાથે હાંભરીએ… (સ્વરબદ્ધ ઓડિયો)

સંગીત: મેહુલ સુરતી
સ્વર: સત્યેન જગીવાલા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.

અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કે’ટો ની.

અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.

”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કે’ટો ની.

હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.

- ડો. રઇશ મનીઆર

આ ઉજવણીને સફળ બનાવવા માટે મિત્રો વિવેક (ટેલર), હિમાંશુભાઈ, વિવેકભાઈ (કાણે), મુકુલભાઈ ચોક્સી, એષા દાદાવાળા, મેહુલ સુરતી અને રઈશભાઈનો હૃદયથી ખૂબ આભાર…  અને વિવેક પાસે તો મને પેલા બાળગોળા જેવો કળવાશ પીવાની એવી આદત પડી ગઈ છે  અને એવો ભાવી પણ ગયો છે કે એનો આ ગળ્યો શીરો પચાવતા મને તો ખાસ્સી એવી વાર લાગી !  એની પાસેથી મને દંડાઓ રૂપી સતત મળતા રહેતા પ્રોત્સાહન માટે (જે આપવાનું ચાલુ જ રાખજે દોસ્ત!) અને પોતાના તરફથી આ દુર્લભ પોસ્ટ મૂકવા બદલ વ્હાલા વિવેકનો ખૂબ આભાર… અને ઉજવણીમાં ભાગ લેવા માટે પ્રિય જયશ્રીનો પણ ખાસ આભાર…. અને ખાસ તો વ્હાલા વાંચકમિત્રો, અહીં રોજ આવીને તમારી શુભેચ્છાઓ અને વ્હાલનો સતત ચોમાસી-વરસાદ વરસાવવા માટે તમારા સૌનો અંતરથી ખૂબ ખૂબ આભાર…!  અને હવે ફરીથી કાયમની જેમ જ આમ થોડા થોડા દિવસે મળતા રહીશું…!

અને તમે નોટીસ કર્યું મિત્રો?  મારી ટ્યૂબલાઇટ પણ જરા મોડી મોડી ઝબકી… કે એક હિમાન્સુભાઈને બાદ કરતાં લગભગ આખું સપ્તાહ જ સુરતી-સ્પેશ્યલ થઈ ગયું હતું !!  :-)

અસ્તુ.

આજે ગાંધીબાપુનાં જન્મદિવસ નિમિત્તે એમનાં વિશેની મને ગમતી થોડી રચનાઓ માણીએ…mohandas_gandhi_resized_for_biography.jpg

કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો,
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો.
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

-શેખાદમ આબુવાલા

આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી -

- હસમુખ પાઠક

આ દેશમાં
ગાંધી-હૃદય-આરપાર
કોણ ગયું છે ?
સિવાય :
ત્રણ ગોળીઓ.

- કીર્તિકુમાર પંડ્યા

વીસમા શતકે કાંધે લીધી સૌ માંધાતાની લાશ,
પણ હૃદયે કેવળ ધર્યો નર્યો એક માણસ મોહનદાસ.

- હસમુખ ગાંધી

* * *

મંત્ર માફક લ્યો ગઝલ જન્મી અલૌકિક રીતે,
શબ્દની દીવાસળી જ્યાં લાગણી સાથે ઘસી.

* * *

* If you can't see Gujarati click here
* Read this blog in
हिन्दी (देवनागरी) OR English (ROMAN)