નોબૅલ પારિતોષિક વિજેતા શ્રી રવીન્દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની એક કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમવાર ડિસેમ્બર ૨૮, ૧૯૧૧ ના દિવસે ઈંડિયા નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયેલ અને ૨ જાન્યુઆરી, ૧૯૪૭નાં દિવસે ગણતંત્રમાં રાષ્ટ્રગીત તરીકે સમ્માનિત કરાયું હતું.
અધીકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (૫૨) સેકંડમાં ગાવામાં આવે છે. ક્યારેક પહેલી તથા છેલ્લી કડી ને ૨૦ સેકંડના ગાળામાં પણ ગાવામાં આવે છે.
(સૌજન્ય: વિકિપિડિયા)
યુ-ટ્યુબ પર ફરતા ફરતા બીજી એક ખૂબ જ દુર્લભ ક્લિપ મળી… no words for it, except- SIMPLY AMAZING!! અમેરિકા-શિકાગોમાં સપ્ટેમ્બર 11, 1893નાં રોજ ભારત વિશે સ્વામી વિવેકાનંદનું પ્રવચન… આજના દિવસે ખાસ માણવા જેવું.
સ્વરકાર: અમર ભટ્ટ
સ્વર: ઝરણા વ્યાસ અને સોનિક સુથાર
આલ્બમ: વિદેશિની
(આ આલ્બમનાં બધા ગીતોની ઝલક અહીં સાંભળો!)
ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું,
ભમરાઓ તો મનમાં ગૂંજે ગીત ગહન મર્માળુ.
વાસંતી સંદેશો લઈ મન ઉડે આમ ને તેમ,
દિશ દિશમાં સુગંધી, સૂરજ છલકાવે છે પ્રેમ;
કંઠ ઝનકતી કોયલને હું કેમ કરી સંભાળું ?
ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું.
કેટલાંય વ્હાલ થકી આલેખે ધૂળ પર પોતીકાં ગીતને વસંત;
વેશ મહીં નવાનવા એથી તો હસી દે ધરતીની ધૂળનો ઉમંગ!
કાજળડે કોડ કેવા કોળે કે છલકે છે આપમેળે રૂપાળી ડાળ;
લાગ્યો છે એવો ને એવો પરશ અંતરમાં ડે રસાળ.
મ્હોરી ઉઠે છે મારો આખો અવતાર એવી અમરતની વાણી અનંત!
કેટલાંય વ્હાલ થકી આલેખે ધૂળ પર પોતીકાં ગીતને વસંત!
વારંવાર આનંદે પુલકે છે અંગ, કોની જાગે છે પ્રાણ મહીં માયા?
વણગાયાં ગીત આજ ઊમટે છે કંઠમાં, કોણે પીયૂષ એવાં પાયાં?
કોમળ કૈં કળી કળી ફૂટે છે ગીતની ને વેરે છે વનમાં સુગંધ!
કેટલાંયે વ્હાલ થકી આલેખે ધૂળ પર પોતીકાં ગીતને વસંત!
-રવીન્દ્રનાથ ટાગોર (અનુવાદ: સુરેશ દલાલ)
કવિઓના કવિ ટાગોરની કવિતામાં વસંતનો વૈભવ છે અને પ્રથમ વર્ષા વખતે ધરતીની જે સોડમ આવે એ સુગંધ છે. ટાગોરે જેટલું લખ્યું છે એટલું વાંચવા માટે કે સમજવા માટે એક આયુષ્ય ઓછું પડે. એમની કલમને ગીતના લય સહજ છે. આશય અને અભિવ્યકિત એમની નોખી-અનોખી રહી છે. ભલે એ વાત વસંતની કરતાં હોય પણ એ વસંતની સાથેસાથે યૌવનની વસંતનો પણ સંકેત આપતા રહે છે. વસંતની હવા જ જુદી હોય છે. રંગરાગ અને પરાગની સૃષ્ટિ, કેસૂડાનું વર્ચસ્વ, ફૂલોનો વૈભવ, ધરતીની ધૂળ જાણે કે અબીલગુલાબ અને કંકુ થઈ જાય. વસંત પોતે જ ધરતીની ધૂળ પર નર્યા વહાલથી પોતાના ગીતને આલેખે. આ પ્રેમની શકિત છે. પ્રેમને કારણે ધૂળ પોતે પણ સુગંધિત થઈ જાય. આખી સૃષ્ટિ જાણે કે કળી અને કૂલના સ્મિતથી હસી ઠતી હોય અને એના સ્મિતમાં ધરતીનો ઉમંગ છલકાતો હોય… (વધુ આગળ સુ.દ. દ્વારા આ ગીતનો આસ્વાદ અહીં વાંચો: દિવ્ય ભાસ્કર- હયાતીનાં હસ્તાક્ષર )
કોકિલ, પંચમ બોલ બોલો
. કે પંચમી આવી વસંતની.
દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !
ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,
. લાગ્યો જ્યાં એક વાયુઝોલો -
. કે પંચમી આવી વસંતની.
મંજરી, મત્ત થઈ ડોલો
. કે પંચમી આવી વસંતની.
આંબે આંબે હસે રસની કટોરીઓ,
ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ.
. આછો મકરંદ મંદ ઢોળો
. કે પંચમી આવી વસંતની.
આતમ, અંતરપટ ખોલો
. કે પંચમી આવી વસંતની.
ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
. ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો !
. કે પંચમી આવી વસંતની.
(ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ કયાંથી… ફોટો: વેબ પરથી)
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ કયાંથી કાગળ.
સુખની ઘટના લખું તમોને
ત્યાં દુ:ખ કલમને રોકે
દુ:ખની ઘટના લખવા જાઉ
ત્યાં હૈયું હાથને રોકે
છેકાછેકી કરતાં કરતાં પૂરો થઈ ગયો કાગળ,
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ.
‘મેઘબિન્દુ’નું નામ મેઘજી ખટાઉ ડોડેયા (જન્મ : ૧૯૪૧), કાવ્યસંગ્રહ : સંબંધ તો આકાશ, દરિયો, વિસ્મય. આ કવિ મુંબઈમાં- મુલુંડમાં રહે છે. એમની કવિતાનું મૂળ અંગત સંવેદનામાં છે. કાગળમાં ઘણીયે વાર લખવાનું ઘણું બધું હોય પણ છતાંયે જયાં કાગળ લખવાની શરૂઆત કરીએ ત્યાં તો શું લખવું એની વિમાસણ હોય છે. દિવ્ય ભાસ્કરની હયાતીનાં હસ્તાક્ષર કોલમમાં વાંચો, સુરેશ દલાલ દ્વારા આ ગીતનો ખૂબ જ સ-રસ રસાસ્વાદ.
ગીતાંજલિનું શ્રેણીનું આજે આ છેલ્લું ગીત… જો કે રાજેન્દ્રભાઈનાં ગીતો તો આપણે ઘણીવાર અહીં આવી જ રીતે માણતા જ રહીશું. ફરી એકવાર કવિશ્રીને ભાવભરી શ્રદ્ધાંજલિ.
જ્યારથી આ ગીતની પ્રથમ કડી શ્રી સુ.દ.નાં મુખે એમનાં અતિપ્રિય ગીત તરીકે સાંભળી હતી, ત્યારથી હું આ ગીત શોધતી હતી… દિવ્ય ભાસ્કરની મહેરબાનીથી આજે આખરે એ મળી જ ગયું !
(આપણું હૃદય ખોલીએ ના કંઈ… ફોટો: વેબ પરથી)
બોલીએ ના કંઈ,
આપણું હૃદય ખોલીએ ના કંઈ, વેણને રહેવું ચૂપ;
નેણ ભરીને જોઈ લે, વીરા!
વ્હેણનાં પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ!
વનવેરાને મારગ વિજન,
સીમ જ્યાં સૂની ગુંજતી કેવળ આપણું ગાયું ગાન;
ગામને આરે હોય બહુજન,
લખનો મેળો મળીઓ રે ત્યાં કોણને કોની તાન?
માનમાં જવું એકલ વીરા!
તારલિયો અંધાર કે ઓઢી રણનો દારુણ ધૂપ!
આપણી વ્યથા,
અવરને મન રસની કથા, ઈતર ના કંઈ તથા.
જીરવી અને જાણીએ, વીરા!
પ્રાણમાં જલન હોય ને તો યે ધારીએ શીતલ રૂપ!
- રાજેન્દ્ર શાહ
જ્યાં ને ત્યાં હૃદય ખોલવાની આપણી (કુ)ટેવને કવિ અહીં પ્રેમથી ટકોરે છે. સામેની વ્યક્તિ આપણી એની સમક્ષ હૃદય ખોલવાને લાયક છે કે નહીં એ સમજ્યા કે ચકાશ્યા વગર જ મોટેભાગે આપણે આપણી વ્યથાની કથા કરતા રહીએ છીએ, જે બીજાને મન તો ક્યારેક માત્ર રસની કથા જ હોય એવુંય બને. એટલે જ થોડું મોઘમ રહીને ચૂપ રહેતા શીખવે છે આ ગીત. કવિશ્રી સુરેશ દલાલને ખૂબ જ પ્રિય એવાં આ ગીતનો એમણે ખૂબ જ સુંદર આસ્વાદ પણ કરાવ્યો છે, જે અહીં માણી શકો છો: હયાતીનાં હસ્તાક્ષર - બોલીએ ના કંઈ !
આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.
۞ Disclaimer : This blog is not for any commercial purposes.
The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain.