ગાગરમાં સાગર

સમાચાર


સમાચાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

'વ્હાલ વાવી જોઈએ' : ગૌરાંગભાઈ ઠાકરનો બીજો કાવ્યસંગ્રહ
અંતરાલ -રાજેન્દ્ર શુકલ : કવિશ્રીની વેબસાઇટ રાજેન્દ્રશુક્લ.કોમ!
આજ મારે આંબે આવ્યા મ્હોર ! -ડૉ. દિનેશ ઓ. શાહ
ગુજરાતી લિટરરી એકેડેમીનું છઠ્ઠું સાહિત્ય સંમેલન... ન્યુ જર્સીમાં.
ગુજરાતી લિટરરી એકેડેમીનું સાતમું સાહિત્ય સંમેલન… ટૅમ્પા-ફ્લોરિડામાં
ગુજરાતી શબ્દ અને સંગીત મહોત્સવ... શિકાગોમાં !
ગુજરાતી સાહિત્ય અને સંગીતના સંવર્ધન માટે ટહુકો.કોમને એવોર્ડ
ચતુર્થ વિશ્વ ગુજરાતી પરિષદ મુંબઈમાં... હાલમાં રદ કરવામાં આવી છે!!
ન્યુ જર્સીમાં કવિ શ્રી અનિલ જોશીનો કાર્યક્રમ... (GLA દ્વારા)
મુનશી ત્રિપુટી... અમેરીકાનાં શહેરોમાં.
સંત અને સાહિત્યનું સાન્નિધ્ય... ન્યુ જર્સીમાં ! (જુલાઈ 3 - 11)
સાથી હાથ બટાના...
સોહામણી -ધૈવત શુક્લ



મિત્રો, તમને જાણ તો હશે જ કે શનિવારે ‘શિકાગો આર્ટ સર્કલ‘ના મિત્રો તરફથી આપણા કવિ શ્રી ડૉ. અશરફ ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને ગયા શનિવારે સાંજે શિકાગોમાં યોજાયેલા કવિ સંમેલનમાં બિરદાવવામાં આવ્યા હતા.  આ સાથે જ આપણા ગુજરાતી બ્લોગ જગત માટે એક અત્યંત આનંદનાં સમાચાર જણાવું ?………  અચ્છા ચાલો, હવે બહુ રાહ નહીં જોવડાવું, એમ પણ શિર્ષક પરથી તો પેપર ફૂટી જ ગયું ને…  :-)

આપણા ગુજરાતી બ્લોગ જગત માટે એક અત્યંત આનંદનાં સમાચાર એ છે કે શિકાગોનાં એ જ બે દિવસીય કાર્યક્રમનાં ભાગરૂપે રવિવારે મુનશી ત્રિપુટીનાં ગુજરાતી સુગમ સંગીતનાં કાર્યક્રમ દરમ્યાન આપણા વ્હાલા ટહુકો.કૉમની સંચાલક ટીમ, જયશ્રી અને અમિતને, ટહુકો.કૉમ દ્વારા થતી ગુજરાતી સાહિત્ય અને સંગીતના અવિરત પ્રચારની નિ:સ્વાર્થ પ્રવુત્તિ માટે ‘શિકાગો આર્ટ સર્કલ’નાં મિત્રો તરફથી એવોર્ડ આપવામાં આવ્યો હતો.

tahuko-award-pic1

ગુજરાતી બ્લોગ જગતમાં ચાલતી સાહિત્યિક પ્રવૃત્તિની નોંધ અગ્રગણ્ય અખબારોએ તો ઘણા વખતથી લેવા જ માંડી છે.  હવે બ્લોગજગતની પ્રવૃત્તિને એવોર્ડ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે એ આપણા સૌ માટે અત્યંત ખુશી અને ગૌરવની વાત છે.

સૂરજની બાંગ પુકારતા કૂકડા જેટલી નિયમિતતાથી ક્યારેક શબ્દ તો ક્યારે શબ્દ સાથે સૂર પીરસતા ટહૂકો.કૉમ અને એની ટીમને મારા, ધવલ અને વિવેકનાં પરિવાર તરફથી તથા ઊર્મિસાગર.કૉમ અને લયસ્તરો.કૉમનાં વાચકો તરફથી તેમ જ આપણા સમગ્ર ગુજરાતી બ્લોગ જગત તરફથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન… અને ભવિષ્યમાં આવા ઘણા પારિતોષિક મળતા રહે એવી અઢળક શુભકામનાઓ…

મિત્રો, ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા (GLA) દ્વારા દર બે વરસે એક સાહિત્ય સંમેલન યોજાય છે.  આ વરસે ટૅમ્પા-ફ્લોરિડામાં સપ્ટેમ્બર ૧૭-૧૮-૧૯, ૨૦૧૦ દરમ્યાન યોજાનાર સાતમા સાહિત્ય સંમેલનની જાહેરાત કરતાં અમને ઘણો જ આનંદ થાય છે.  શ્રી નિરંજન ભગત, શ્રી ભોળાભાઈ પટેલ અને શ્રી વર્ષા અડાલજા જેવા ઘણાં નામાંકિત સર્જકોના સાંનિધ્યમાં સાહિત્ય-ચર્ચા માણવાની આ તક દરેક સાહિત્યપ્રેમી ઝડપી લેશે એવી આશા રાખીએ છીએ.

વધુ માહિતી મેળવવા નીચેની લિંક જોઈ લેશો:

  • સંમેલનનો પ્રાથમિક કાર્યક્રમ
  • સંમેલન રજિસ્ટ્રેશન ફોર્મ અને ઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ
  • જરૂરી ફોર્મ આપના પ્રિંટર પર છાપી અને વહેલામાં વહેલી તકે રજીસ્ટ્રેશન મોકલી આપવા વિનંતી છે.

    વધુ માહિતી મળ્યે અહીં જરૂરથી મૂકતા રહીશું અને સંમેલનમાં જરૂર મળીશું એવી આશા સહ…

    ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા

    આપણા NRI કવિ ડો. આશરફ ડબાવાલાને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક, ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા (GLA) દ્વારા આપાતું ચુનીલાલ વેલજી મહેતા પારિતોષિક અને આઇ.એન.ટી.(INT)નો કલાપી એવોર્ડ પ્રાપ્ત થયો છે.  તેમના કાવ્યસંગ્રહ ‘ધબકારાના વારસ’ને ભાવનગર યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.એ. ના અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે પસંદ કરવામાં આવેલ છે.  છેલ્લાં ૧૫ વર્ષથી ડો.ડબાવાલા ‘શિકાગો આર્ટ સર્કલ’ સંસ્થા થકી ગુજરાતી સાહિત્ય, સંગીત અને કલાના વિવિધ કાર્યક્રમો રજૂ કરી શિકાગો વિસ્તારમાં આપણી સાંસ્કૃતિક પ્રવૃત્તિના પ્રચાર ને પ્રસારમાં પ્રવૃત્ત છે.

    ડો.ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને બિરદાવવા ‘શિકાગો આર્ટ સર્કલ’ના મિત્રોએ ૭મી ને ૮મી ઓગસ્ટે શબ્દ ને સંગીતના મહોત્સવનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમો વિષે વધારે માહિતી નીચેના ફ્લાયરમાંથી મળી શકશે.

    flyer_program_aug07_08_2010

    આ મહોત્સવની જવલંત સફળતા માટે મારા અને તમારા તરફથી ‘શિકાગો આર્ટ સર્કલ’નાં મિત્રોને અઢળક શુભેચ્છાઓ…

    ગુજરાતી  લિટરરી  ઍકેડેમી  ઓફ  નોર્થ  અમેરિકા

    સહર્ષ યોજે છે

    સ્વર્ણિમ ગુજરાત ઉત્સવ’ની વિદેશયાત્રા… મણકો બીજો : સંત શ્રી મોરારીબાપુની રામકથા.

    ‘સ્વર્ણિમ ગુજરાત’નો ઉમંગ, સાહિત્યનો સત્સંગ અને રામકથાનો સંગ

    દિવસે શ્રી મોરારી બાપુની રામકથા અને
    સાંજે સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો
    સમન્વય સાધતા સાંસ્કૃતિક કાર્યક્રમો…

    રવિવારે જૂનની છઠ્ઠીએ ‘સર્જકો સાથે સાંજ’ કાર્યક્રમના અંતે શ્રી રામ ગઢવીએ ગુજરાતી લિટરરી એકેડેમી (GLA) દ્વારા એડિસન, ન્યુ જર્સીમાં યોજાનારી પૂજ્ય શ્રી મોરારીબાપુની આગામી રામકથા વિશે જણાવ્યું હતું.  અમેરિકામાં થતી સાહિત્યિક પ્રવૃત્તિને વેગ આપવા માટે ‘સ્વર્ણિમ ગુજરાત’ નિમિત્તે શ્રી મોરારીબાપુએ લીધેલાં પાંચ સ્વર્ણિમ કથા-મણકાના સંકલ્પમાંથી બીજા કથા-મણકાને ખાસ GLAનાં સંચાલન હેઠળ એડિસન, ન્યુ જર્સીમાં આપવાનું નક્કી કર્યુ છે.  આ રામકથા પણ ગુજરાતી સાહિત્યને લગતી જ હશે.  શ્રી મોરારીબાપુના નામની સાથે ‘ગુજરાતી સાહિત્ય’ નો ઉલ્લેખ થતાં જ તમને મહુવામાં થતા ‘અસ્મિતા પર્વ’ ની યાદ આવી ગઈ ને?!  તો બસ, એમ જ સમજો કે આપણા માટે એ અસ્મિતા પર્વ અહીં ઘર આંગણે આવી રહ્યું છે.

    આ રામકથા જુલાઈની 3જી થી 11મી તારીખ સુધી યોજવામાં આવી છે.  જેમાં પ્રથમ દિવસે સમય બપોરે 4 વાગ્યા થી 7 વાગ્યા સુધીનો રહેશે અને બાકીના દિવસોમાં રોજ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધીનો રહેશે.   રામકથાના બીજા દિવસથી રોજ સાંજે 7 થી 10 વાગ્યા સુધી સાહિત્યને લગતા કાર્યક્રમો યોજાશે.   જેમાં કવિ સંમેલન, સુગમ સંગીત, લોક સંગીત, ગઝલ-ગીત, તેમ જ ‘મેઘાણીથી મરીઝ સુધી’ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે અને છેલ્લા દિવસે રાસ-ગરબા થશે.

    કવિ સંમેલનમાં ગુજરાતથી આવનાર કવિઓ અને અમેરિકા નિવાસી કવિઓનો સમાવેશ થશે.  ગુજરાતથી આવનાર કવિઓમાં શ્રી સુરેશ દલાલ,  શ્રી રઘુવીર ચૌધરી, શ્રી માધવ રામાનુજ અને શ્રી ખલીલ ધનતેજવી,  શ્રી ચીનુ મોદી ઉપરાંત શ્રી પ્રણવ પંડ્યા અને શ્રી અંકિત ત્રિવેદી પણ હાજરી આપશે.  અમેરિકા નિવાસી કવિઓમાં શ્રી પન્ના નાયક, શ્રી ચંદ્રકાંત શાહ,  શ્રી અશરફ ડબાવાલા, શ્રી મધુમતી મહેતા, શ્રી નટવર ગાંધી, શ્રી નિલેશ રાણા, શ્રી પ્રીતિ સેનગુપ્તા તેમ જ શ્રી મોના નાયક ‘ઊર્મિ’ નો સમાવેશ થાય છે.  કવિ સંમેલનનું સંચાલન અંકિત ત્રિવેદી કરશે.

    સુગમ સંગીત અને લોક સંગીતમાં શ્રી ભીખુદાન ગઢવી અને શ્રી સરોજબેન ગુંદાણી જેવા પીઢ ગાયકોની સાથે શ્રી નયન પંચોલી, શ્રી નયનેશ જાની અને શ્રી ઓસમાન મીર જેવા ગાયકો પણ હાજરી આપશે.

    હોટેલનાં બુકિંગ અને ડિસ્કાઉંટ માટેની માહિતી માટે તમે અમારા GLA બ્લોગની મુલાકાત લઈ શકો છો !

    રવિવારે નવમી મે નાં રોજ આપણા પ્રિય કવિ શ્રીગારાંગભાઈ ઠાકરનાં બીજા કાવ્યસંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું હતું.  વળી, લયસ્તરો ઉપર પણ એનું ખાસ ઇ-મોચન કરવામાં આવ્યું હતું  !  એમના પહેલા કાવ્યસંગ્રહનું નામ તો લગભગ બધાને ખબર જ છે - ‘મારા હિસ્સાનો સૂરજ ‘.  એમના આ બીજા કાવ્યસંગ્રહનું નામ એમણે રાખ્યું છે - ‘વ્હાલ વાવી જોઈએ ‘ !  મિત્રો, એમનું આ નામ તમને થોડું જાણીતું લાગ્યું ને?  કારણ કે કદાચ તમને આ શિર્ષકવાળી એમની એક ગઝલ એમના ગઝલ-પઠન સાથે યાદ આવી ગઈ હશે, જે આપણે અહીં ગયા વર્ષે માણી ચૂક્યા છીએ : વ્હાલ વાવી જોઈએ  :-)

    તો એમના આ નવા કાવ્યસંગ્રહમાંની બીજી બે ગઝલોની થોડી ઝલક આપણે એમનાં જ અવાજમાં માણીએ… જે આપણે આમ તો આગળ અહીં અને લયસ્તરો પર અપ્રગટ ગઝલો તરીકે માણી જ ચૂક્યા છીએ.

    book-cover-gaurang-thakar-2ndbook

    (કાવ્યસંગ્રહનું મુખ્યપૃષ્ઠ…)

    સ્વર : ગૌરાંગ ઠાકર

    Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

    *

    એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
    ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.

    તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
    રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

    એક માણસ ક્યારનો આંસુ લૂંછે છે બાંયથી,
    આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.

    આખી ગઝલ ગૌરાંગભાઈનાં હસ્તાક્ષર સાથે અહીં વાંચો !

    *

    ફૂલની ફોરમ બધે ચર્ચાઈ ગઈ,
    માવજત માળીની બસ વિસરાઈ ગઈ.

    લ્યો, દીવાની આબરૂ જળવાઈ ગઈ,
    દ્વાર પર આવી હવા ફંટાઈ ગઈ.

    વાંસળીને કાજ ક્યાંથી લાવશું ?
    ફૂંક તો ચૂલા ઉપર વપરાઈ ગઈ.

    સોયમાં દોરાને બદલે બા હતી,
    ગોદડીમાં હૂંફ પણ સિવાઈ ગઈ.

    કોણ પડછાયા ઉપાડી જાય છે ?
    એ જ જોવા સાંજ પણ રોકાઈ ગઈ.

    આખી ગઝલ અહીં વાંચો !

    *

    પ્રિય ગૌરાંગભાઈને એમનાં આ બીજા કાવ્યસંગ્રહ માટે આપણા સૌના તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ…

    આ સાથે જ માણો -

    • ‘વ્હાલ વાવી જોઈએ‘ કાવ્યસંગ્રહનું ઈ-મોચન લયસ્તરો પર…
    • થોડા મુક્તક-શેરનું કાવ્યપઠન ટહુકો પર…

    ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા (GLA)

    રજૂ કરે છે…

    આપણા જાણેલા અને માણેલા કવિ

    શ્રી અનિલ જોશી

    કવિતાનો શોખીન એવો કોણ ગુજરાતી હોઈ શકે  જેની આંખ આ કવિનું ગીત-કાવ્ય કન્યાવિદાય સાંભળીને ભીની ન થઈ હોય! જેણે એમનું લય પરનું સ્વામિત્વ અનુભવ્યું ન હોય! જેણે એમનાં ગીતો મારી કોઈ ડાળખીમાં પાંદડું નથી, મને પાનખરની બીક ના બતાવો  કે નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે સુગમ સંગીતકારોને ખૂબ જ પ્રેમથી ગાતાં સાંભળ્યાં ન હોય! કાઠીઆવાડના ગ્રામજીવનનો, ખાસ કરીને સ્ત્રી-સંવેદનાનો, સચોટ ચિતાર આપી શકનારા કવિઓમાં મોખરાનું સ્થાન ધરાવતા આ કવિએ ગામ છોડ્યું છે, પણ ગામ છૂટ્યું નથી.
    -સુરેશ દલાલ


    એમના કવનનું વિશ્લેષણ વિદ્વાનો તો કરતા જ રહેશે,
    પણ કવિના સ્વમુખે એમનાં કાવ્યોનું પઠન અને એમના સર્જન વિષેની વાતો આપણે સાંભળીએ….

    દિવસ : શુક્રવાર, ઑગસ્ટ ૨૮, ૨૦૦૯

    સમય : સાંજે બરાબર ૭:૦૦ વાગે

    સ્થળ : TV Asia Auditorium, 76 National Road, Edison, NJ

    સંચાલન : રામ ગઢવી 

    સંપર્ક:

    રામ ગઢવી (૯૭૩) ૬૨૮-૮૨૬૯

    ગૌરાંગ મહેતા (૯૭૩) ૬૩૩-૯૩૪૮  
    જસવંત મોદી (૭૩૨) ૯૬૮-૦૮૬૭ 
     જયેશ શાહ (૯૭૩) ૮૧૨-૦૫૬૫
     

    Driving Directions to TV Asia Auditorium:
    (76 National Road , Edison , NJ - Phone : 732-650-1100)

    · NJ Turnpike to exit 10
    · Take I-287 North
    · Exit 2-B to Rte. 27 South
    · Past a couple of traffic lights, right on Talmadge Road
    · Go about ½ mile, turn right on National Road
    · About ¼ mile to TV Asia building on your left

    (સમયસર આવી જવા વિનંતી)

    * * *

    નોંધ:  

    ૧) આ કાર્યક્રમ માત્ર ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા (GLA)નાં સભ્યો માટે જ મર્યાદિત છે.  નજીકમાં રહેતા મિત્રોને જો GLAનાં આજીવન સભ્ય બનવામાં રસ હોય તો એ માટેનું ફોર્મ તમે GLAનાં બ્લોગ પરથી મેળવી શકો છો… એકવાર સભ્ય બન્યા પછી GLA દ્વારા આયોજીત આવા ઘણા કાર્યક્રમો તમે ભરપૂર માણી શકશો.

    ૨) શ્રી રામ ગઢવીએ એમનાં મિત્રો સાથે મળીને ઑગષ્ટની 30મી તારીખે રવિવારે શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનો એમની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે એક અંગત કાર્યક્રમ રાખ્યો છે.  કાર્યક્રમમાં રસ ધરાવનાર નજીકમાં રહેતા અને જાણીતા મિત્રો રામકાકાનો સીધો સંપર્ક કરી શકે છે.

    મિત્રો, સખેદ જણાવવાનું કે મુંબઈનાં આંતકવાદી હુમલાની લીધે આ પરિષદને હાલમાં રદ કરવામાં આવી છે, જેની મને પણ હમણાં જ જાણ થઈ…  આપણે સૌ પ્રાર્થના કરીએ કે જલ્દીથી આ પરિષદ ફરીથી શક્ય બને અને આ પ્રકારની પરિષદોને આ રીતે એને રદ કરવી પડે એવી સ્થિતિ કદી ન આવે…!!!

    જય ગુર્જરી !

    ———————————-

    બૃહદ્ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત પ્રમુખ શ્રી હેમરાજ શાહનાં નેતૃત્વ હેઠળ મુંબઈને આંગણે મળનારી ચતુર્થ વિશ્વ ગુજરાતી પરિષદ… જાન્યુઆરી 16-17-18 2009.

    વિશ્વ ગુજરાતી સમાજ પ્રેરિત અને બૃહદ્ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત મુંબઈને આંગણે અંધેરી સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ત્રણ દિવસ માટે તારીખ 16, 17 અને 18 જાન્યુઆરી 2009નાં રોજ આજની અને આવતી કાલની ઐતિહાસિક ઘટના આકાર લઈ રહી છે. આ ચતુર્થ વિશ્વ ગુજરાતી પરિષદ પ્રસંગે વિશ્વનાં ઘણા ગુજરાતીઓ એક મંચ ઉપર ભેગા થશે.

    અત્રે જણાવવાનું કે પ્રથમ વિશ્વ ગુજરાતી પરિષદ 1989માં અમદાવાદમાં, દ્વિતીય પરિષદ 1996માં મુંબઈમાં અને તૃતિય પરિષદ 1999માં વડોદરામાં થઈ હતી. અને હવે ચતુર્થ વિશ્વ ગુજરાતી પરિષદ ફરીથી મુંબઈમાં આવી રહી છે.

    આંખ અને અંતર હરખાઈ ઉઠે એવા રોજ ત્રણ દિવસ સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમ જ બુદ્ધિને જાગૃત કરે અને હૃદયને પ્રેરણા આપે એવા આપણા રોજબરોજના જીવનને સ્પર્શતા વિષયો પર પરિસંવાદ યોજવામાં આવશે જેવા કે, માતૃભાષાનું ભવિષ્ય, મરાઠી-ગુજરાતીનો નાતો અને સંબંધ-ઈતિહાસ અને સંસ્કૃતિ-વ્યાપાર અને ઉદ્યોગ, આર્થિક વિકાસની વિસ્તરતી ક્ષિતિજો, દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓના સામાજિક અને સાંસ્કૃતિક પ્રશ્નો, વગેરે…

    બૃહદ્ મુંબઈ ગુજરાતી સમાજ કે વિશ્વ ગુજરાતી સમાજનાં સભ્ય માટે ડેલીગેટ ફી રૂ/- 500
    બિન સભ્યો માટે ડેલીગેટ ફી રૂ/- 1000

    પરિષદનું સ્થળ: અંધેરી સ્પોર્ટસ કોમ્પલેક્ષ, અંધેરી - પશ્ચિમ, મુંબઈ

    આમંત્રણ પત્રિકા માટે સંપર્ક:
    બૃહદ્ મુંબઈ ગુજરાતી સમાજ - રેખા પ્રકાશન,
    41 કરેલવાડી, ઠાકુરદ્વાર, મુંબઈ - 400002
    ફોન:
    2208 8936 / 2205 4551
    ઈમેલ: rekha@bom3.vsnl.net.in

    પ્રિય હેમરાજ અંકલ અને બૃહદ્ મુંબઈ ગુજરાતી સમાજને ચતુર્થ વિશ્વ ગુજરાતી પરિષદની બૃહદ્ સફળતા માટે મબલખ અને બૃહદ્ હાર્દિક શુભેચ્છાઓ…!

    વધુ માહિતી માટે અહીં વાંચો…!

    દિનેશ અંકલનું આ ગીત નેટ પર તો ઘણા વાંચકમિત્રો અત્યાર સુધીમાં માણી જ ચૂક્યા હશે.  આજે આ ગીતની ખાસ વાત એ છે કે આ જ ગીતની ધ્રુવપંક્તિને સાર્થક કરતો “આંબે આવ્યા મ્હોર” નામનો એક કાર્યક્રમ દિનેશ અંકલ દ્વારા આવતી કાલે 10મી જાન્યુ.એ મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ ઓડિટોરીયમમાં યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમની પાછળ ખૂબ જ શુભ ભાવના રહેલી છે.

    કોણ આંબો વાવે, કોણ ઉછેરે અને કોણ એના ફળ ખાય- એ સાંકેતિક વાત આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે.  પરંતુ આ વાત દિનેશભાઈનાં જીવનમાં એટલી હદે વણાઈ ગયેલી છે કે એમનાં સંપર્કમાં આવનાર દરેકને આ વાત તરત જ સમજાઈ જાય છે.  મીઠી મીઠી કેરીઓ ખાનારને કદી ક્યાં ખબર હોય છે કે કયા આંબાની આ કેરી હશે અને કોણે એ વાવ્યો હશે ને ઉછેર્યો હશે !  એવી જ રીતે કેટલાંક સાચા મહાનુભાવોની સખાવત અને એમનાં સીધા ને આડકતરા દાનનાં ફળોનો ખ્યાલ તો વર્ષો પછી પણ કદાચ આવે તો આવે… અને જ્યારે આવે ત્યારે જાણે આપણા અચંબાનાં દરિયામાં ભરતી આવી જાય છે.  કહેવાય છે કે મુંબઈમાં શેઠ ગોકુલદાસ તેજપાલનું નામ કંઈક આવા જ મહાનુભાવોની ગણતરીમાં લેવામાં આવે છે.  એવું યે સાંભળ્યું છે કે મુંબઈમાં કોઈ પણ પ્રોગ્રામનો સૌપ્રથમ શુભારંભ લગભગ ગોકુલદાસ તેજપાલ ઓડિટૉરીયમમાં જ થાય છે.

    નાટ્યકર્મીઓ નાટકનો શુભારંભ કરવાનો આગ્રહ હંમેશા તેજપાલમાં કેમ રાખે છે એ તો ખબર નથી પણ એ પુણ્યાઈ આત્માના આશિર્વાદ તો ઉતરતા જ હોવા જોઈએ!  ગોકુલદાસ તેજપાલે તેમનાં દાન-ધર્માદાનાં કાર્યોના ભાગરૂપે જરૂરતમંદ વિદ્યાર્થીના લાભાર્થે મુંબઈમાં એક હોસ્ટેલ બંધાવી હતી.  હોસ્ટેલમાં રહી ચૂકેલાઓનાં … નામોમાં એક નામ હતું ડો. પ્રો. દિનેશ ઓ.શાહ.  યુનિવર્સિટી ઑફ ફ્લોરિડા ગેઈંસવિલમાં પ્રોફેસર અને નડિયાદથી ધરમશી દેસાઈ યુનિ.માં સરફેસ સાયન્સ એન્ડ નેનોટેકનોલોજી વિભાગનાં સ્થાપક પ્રો.દિનેશ શાહના હાથ નીચે … વિશ્વનાં અનેક વિદ્યાર્થીઓ ભણી ચૂક્યા છે.  અને એમના દ્વારા ફેલાયેલા આ વૈશ્ચિક જ્ઞાનનો સંપૂર્ણ યશ દિનેશભાઈ ગોકુલદાસ તેજપાલને આપે છે.  શેઠ ગોકુલદાસ પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા પ્રો. દિનેશ શાહે તેજપાલ ઓડિટોરિયમમાં તા. 10મી જાન્યુઆરી 2009નાં દિવસે પોતે લખેલાં સુંદર ગીતોનો કાર્યક્રમ યોજ્યો છે, જેનું નામ છે, ‘આંબે આવ્યા મ્હોર’.  તેમનાં ગીતોનું સ્વરાંકન ઉદય મઝુમદાર અને કર્ણિક શાહનું છે. ગીતો રજૂ કરશે ઉદય મઝુમદાર, રેખા ત્રિવેદી, દિપાલી સોમૈયા, વિજયપ્રકાશ, [રૂપકુમાર રાઠોડ,] અને કરસન સાગઠિયા સહિત અન્ય કલાકારો.  ફક્ત આમંત્રિતો માટે યોજાયેલા આ કાર્યક્રમમાં ગોકુલદાસ તેજપાલનાં પરિવારજનો સહિત નામાંકિત વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહેશે. “  આખો લેખ અહીં વાંચો.

    જી.ટી. હોસ્ટેલમાં મને રહેવા ન મળ્યું હોત તો હું આ સ્થાને પહોંચ્યો ન હોત.” એવું કહેતા દિનેશભાઈને પચાસ વર્ષથી આવું કંઈક કરવાની ઈચ્છા હતી.  તેઓ માને છે કે ગોકુલદાસની ઉદારતા અને સહાયને કારણે જ મુંબઈ જેવા મોંઘા શહેરમાં ત્યારે તેઓ ભણી શક્યા અને એટલે જ આજે વિશ્વભરના વિદ્યાર્થીઓને પણ તેઓ ભણાવી શક્યા છે.  આજે શ્રી ગોકુલદાસ તેજપાલને આ રીતે ભાવાંજલિ આપવાની આવી સુંદર તક મળવાનો દિનેશભાઈને અનહદ સંતોષ અને આનંદ છે.

    કાર્યક્રમની બીજી એક ખાસ વાત એ છે કે આ કાર્યક્રમ થકી મળેલા મોટાભાગનાં નાણાં ધર્માદામાં જવાનાં છે.  જેમાંથી તેઓ આર્થિક સ્થિતિમાં ઝઝૂમતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ દ્વારા મદદ કરી શકે.  મતલબ કે દિનેશભાઈ પણ હવે ઘણા ‘આંબા’ વાવવાના છે.  અત્યંત શુભ ઈરાદાથી કરાયેલા આ કાર્યક્રમ માટે આપણે શ્રી દિનેશભાઈને મબલખ મબલખ શુભેચ્છાઓ પાઠવીએ અને એમનાં દ્વારા વાવેલા દરેક ‘આંબા’ ભવિષ્યની પેઢીને એમનાં જેટલા જ ફળો આપે એવી હાર્દિક શુભકામનાઓ કરીએ.

    આ કાર્યક્રમની ભાવનાને સાર્થક કરતું એમનું જ ગીત માણીએ… અને આશા રાખીએ કે થોડા સમય પછી આપણને આ સાંભળવા પણ મળે.

    કોણે વાવ્યા’તા વૃક્ષ કેરીના, કોણે નાખ્યા’તા ખાતર ખોર ?
    કોણે સિંચ્યા’તા નીર બપોરે, ભર ઉનાળે નાચ્યા’તા મોર !
    આજ મારે આંબે આવ્યા મ્હોર !

    હરખે મલકે કેરિયું નાની, ઝુલે ડોલમ ડોલ
    એની સુગંધનો દરિયો ઉછળે, આજે છોળમ છોળ !
    આજ મારે આંબે આવ્યા મ્હોર !

    મ્હોરમાંથી મારી કેરીયું થાશે, ને કોયલ કરશે કલશોર !
    ગાડાં ભરી ઘેર કેરિયું જાશે, મારા હૈયાની ભીંજશે કોર !
    આજ મારે આંબે આવ્યા મ્હોર !

    જીવતર મારું કેરીનું ગાડું, હંકારુ ખેતરથી ઘરની કોર
    કોણે વાવી’તી ને કોણ રે ખાશે, કોણે ખેંચ્યા’તા કુવે દોર ?
    આજ મારે આંબે આવ્યા મ્હોર !

    અમરત સમ રસ પીવે સૌએ, મન મારું કરે કલશોર !
    વાવવા મારે આંબા આ ભવમાં, કાલે સૌ થાશે ભાવ વિભોર !
    આજ મારે આંબે આવ્યા મ્હોર !

    -ડૉ. દિનેશ ઓ. શાહ (સપ્ટેમ્બર ૧, ૨૦૦૭)

    *

    નોંધ: આ જ કાર્યક્રમમાં “ત્રિવેણી સંગમ” નામની એક ઓડિયો-સીડીનું વિમોચન પણ થનાર છે.  જેમાં ત્રણ કવિઓનાં ગીતો અને ગઝલોનો સમાવેશ કરવામાં આવ્યો છે: ડૉ. દિનેશ શાહ, રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’ અને હિમાંશુ ભટ્ટ.  થોડી રાહ જોશો તો “ત્રિવેણી સંગમ”માંથી થોડા દિવસમાં 1-2 ગીત કે ગઝલ જરૂરથી સંભળાવીશ હોં મિત્રો…!

    લોકખ્યાત ત્રિપુટી શ્યામલ, સૌમિલ અને આરતી મુનશી ચાર સંગીતકારો સાથે ગુજરાતી સુગમ સંગીતની ધૂમ મચાવવા માટે અહીં અમેરીકામાં પધાર્યા છે.  તેઓનાં પ્રોગ્રામો ઘણા શહેરોમાં ગોઠવાઈ ચૂક્યા છે.  જૂલાઈ માસમાં બોસ્ટન અને શિકાગોનાં લોકોને પોતાના સુમધુર સંગીતનું તેઓ ઓલરેડી પાન કરાવી ચૂક્યા છે અને ઑગષ્ટ માસનાં એમના પ્રોગ્રામોની તારીખો નીચે મુજબ છે:

    એટલાન્ટા (GA) - ઑગષ્ટ 15
    બર્મિંગહામ (AL) - ઑગષ્ટ 16 અને 17
    ઓરલાન્ડો (FL) - ઑગષ્ટ 22
    લેક્ઝિન્ટન (KY) - ઑગષ્ટ 23
    ન્યુ જર્સી (NJ) - ઑગષ્ટ 25 થી 31 સુધી તેઓ ’ચાલો ગુજરાત’માં અમારા મહેમાનો બનશે… અને ત્યાં તમને ડિનર સાથે તેમનાં સુંદર ગીત-સંગીત માણવાનો લ્હાવો પણ મળશે.

    વધુ માહિતી માટે અથવા તમારા શહેરમાં પ્રોગ્રામ ગોઠવવા માટે તમે સૌમિલભાઈનો સીધો સંપર્ક આ ફોન નંબર ઉપર કરી શકો છો… 1-630-881-8012  અથવા એમને અહીં ઈમેલ પણ કરી શકો છો… saumilmunshi@gmail.com & saumilmunshi60@yahoo.co.in

    એમનાં મોરપિચ્છ, મેઘધનુષ, અલકમલક (મેઘધનુષ-2), રંગતાલ અને હસ્તાક્ષર ગીતોનાં આલ્બમો તમને એમની પાસેથી મળી રહેશે.

    ‘મેઘધનુષ’નું મારા દિકરાનું એકદમ ફેવરીટ સોંગ એટલે આ પ્રાર્થના-ગીત.  નાનો હતો ત્યારથી એને આ આખું ગીત મોઢે થઈ ગયું હતું અને એ આખા ગીત પર એ રોજ નૃત્ય કરતો… અને એ હજીયે કરે છે. એમાંયે એને છેલ્લી લીટી ઉપર નાચવાનું તો અતિશય ગમે છે… અને એકવાર સાંભળવાથી તો એ ક્યારેય ધરાઈ જ નઈં, થોડો વખત તો મારે આ ગીતને બસ રીપીટ જ કર્યા કરવું પડે… :-) 

    Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

    મારા પ્રભુ તો નાના છે,
    દુનિયાના એ રાજા છે.

    આભે ચડીને ઊભા છે,
    સાગર જળમાં સૂતા છે.

    યમુના કિનારે બેઠા છે,
    મીઠી બંસી બજાવે છે.

    પગમાં ઝાંઝર પહેર્યા છે,
    છનનન છનનન નાચે છે.

    *

    આ સાથે જ વાંચો હિમાંશુભાઈ કિકાણીનો આ સંગીતમય મુનશી પરિવાર સાથે એમણે ગાળેલા થોડા સમય વિશેનો એક ખૂબ જ સ-રસ લેખ… આજે નેટ પર કંઇક શોધવા જતા અનાયાસે જ મને મળી ગયો… અને ખરેખર વાંચવાની ખૂબ જ મજા આવી… ભાષાપ્રેમથી સભર સંગીત !

    *

    અમેરીકામાં સંગીતની સફર માટે આપણા સૌની પ્રિય એવી આ મુનશી ત્રિપુટીને મબલખ હાર્દિક શુભકામનાઓ.

     

    ગુજરાતી લિટરરી એકેડેમીનું છઠ્ઠું સાહિત્ય સંમેલન સપ્ટેમ્બર ૫-૬-૭, ૨૦૦૮ દરમ્યાન નોર્થ બ્રન્સવિક, ન્યુ જર્સીમાં શ્રી રામ ગઢવીનાં નેતૃત્વ હેઠળ યોજાયું છે. એમાં ઉપસ્થિત સાહિત્યકારોમાં ભારતથી પધારતા શ્રી હિમાંશી શેલત, શ્રી જૉસેફ મૅકવાન, શ્રી વિનોદ ભટ્ટ અને ડૉ. કુમારપાળ દેસાઈનો સમાવેશ રહેશે. આ અતિથિઓ ઉપરાંત ઉત્તર અમેરિકામાં રહેતા આપણા પોતાના શ્રી મધુ રાય, શ્રી પન્ના નાયક, શ્રી પ્રીતિ સેનગુપ્તા, શ્રી આદિલ મન્સૂરી અને બીજા નામાંકિત સર્જકોના સાંનિધ્યમાં સાહિત્ય-ચર્ચા માણવાની આ તક દરેક સાહિત્યપ્રેમી ઝડપી લેશે એવી આશા રાખીએ છીએ.

    વધુ માહિતી મેળવવા નીચેની યોગ્ય લિંક દબાવશો :

  • સંમેલનનો પ્રાથમિક કાર્યક્રમ
  • સંમેલન રજિસ્ટ્રેશન ફોર્મ
  • ઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ
  • જરૂરી ફોર્મ આપના પ્રિંટર પર છાપી અને વહેલામાં વહેલી તકે રજીસ્ટ્રેશન મોકલી આપવા વિનંતી છે.

    (માહિતી: તાજેતરમાં જ શરૂ થયેલાં ગુજરાતી લિટરરી એકેડેમીનાં બ્લોગ પરથી…)

     

    * If you can't see Gujarati click here
    * Read this blog in
    हिन्दी (देवनागरी) OR English (ROMAN)