ગાગરમાં સાગર

આજે પ્રસ્તુત છે બાલમુકુન્દ દવેની મને ખૂબ જ ગમતી રચના.  જેમનાં નામની આગળ હવે ‘સ્વ’ લખવું પડે એમ હોવા છતાં એવું લખવાનું મન નથી થતું.  પોતાનાં સંગીતનાં જાદુથી આવી મહામૂલી રચનાઓને સ્વરાંકિત કરીને એમને અમર કરવામાં ખૂબ જ મહત્ત્વનો ફાળો આપનાર અને ગુજરાતી સુગમ સંગીતનાં અસંખ્ય ચાહકોનાં ‘રુદિયાનાં રાજા’ બનીને અમર થઈ જનાર શ્રી ક્ષેમુ દિવેટીયાનાં સ્વરાંકનમાં… શ્રી ક્ષેમુદાદાને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલી સહ.

rk34-sml
(કેવા રે મળેલા મનના મેળ…!)

સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા

સ્વર : હર્ષદા-જનાર્દન રાવલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર : સોલી-નિશા કાપડિયા
(ન્યુ જર્સીનાં જીવંત કાર્યક્રમ-2008-નાં રેકોર્ડિંગમાંથી)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કેવા રે મળેલા મનના મેળ ?
હો રુદિયાના રાજા ! કેવા રે મળેલા મનના મેળ ?
હો રુદિયાની રાણી ! કેવા રે મળેલા મનના મેળ ?

ચોકમાં ગૂંથાયે જેવી ચાંદરણાની જાળી
જેવી માંડવે વીંટાયે નાગરવેલ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

તુંબુ ને જંતરની વાણી,
હે જી કાંઠા ને સરિતાનાં પાણી;
ગોધણની ઘંટડીએ સોહે સંધ્યાવેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !

ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
જેવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

સંગનો ઉમંગ માણી,
હે જી જિંદગીંને જીવી જાણી;
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !

જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

-બાલમુકુન્દ દવે

163587-11-september-rain
(જલધારામાં ઝૂલતી મોતનમાળ… )

સંગીત: ક્ષેમુ દિવેટીયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી
.         પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી.
આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલો જી
.        પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલો જી.

આ જલધારામાં ઝૂલતી કોઈ ઝીલો જી
.        પેલી તૂટે મોતનમાળ હો કોઈ ઝીલો જી.
આ લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલો જી
.       પેલું કોણ હસે મરમાળ ? હો કોઈ ઝીલો જી.

આ નથી ટપકતાં નેવલાં કોઈ ઝીલો જી
.       આ વરસે અમરત-મેહ હો કોઈ ઝીલો જી.
આ સમણાં કેરા કરા પડે કોઈ ઝીલો જી
.       આ નરદમ વરસે નેહ હો કોઈ ઝીલો જી.

આ ચળકે વાદળ-તલાવડી કોઈ ઝીલો જી
.        એની તડકે બાંધી પાળ હો કોઈ ઝીલો જી.
આ દિન વહી ચાલ્યો સુહામણો કોઈ ઝીલો જી
.        આ રાત ચલી રઢિયાળ હો કોઈ ઝીલો જી.

આ દૂધે ધોયા ડુંગરા કોઈ ઝીલો જી
.       પેલી ઝરણાંની વણજાર હો કોઈ ઝીલો જી.
આ જતિ-સતીનાં તપ રેલે કોઈ ઝીલો જી
.      પેલા શિવલોચન-અંબાર હો કોઈ ઝીલો જી.

-બાલમુકુન્દ દવે

જલધારામાં ઝૂલતી મોતનમાળ, લહેરાતી લટ અને ઉપરથી કોકનું હસવું મરમાળ, સમણાં કેરા કરા પડે, દૂધે ધોયા ડુંગરા… કવિની કલ્પનાઓ પણ જાણે બિલકુલ ચોમાસી થઈ ગઈ છે. ધખધખતા કાળઝાળ ઉનાળાના લંબાયેલા ગરમીના દિવસો પછી શાતા આપવા માટે આવેલાં આ ઝરમરીયાં દિવસો કદી ચાલ્યા ન જાય એવી રીતે કવિ એને ઝીલી લેવા માંગે છે. આકાશમાંથી વરસાદ નહીં પણ જાણે અમૃત ઝરે છે અને વરસાદનાં કરાં નહીં પણ સમણાં પડે છે. વરસાદમાં ભીંજાતા ભીંજાતા જ કદાચ કવિએ આ ગીતનાં એક એક શબ્દોને ઝીલ્યાં હશે અને એથી જ આપણને મળ્યું હશે, સાવ ભીનું ભાવ-ભીનું ઝરમરીયું વર્ષાગીત…

(બંસરી જલથલ વીંધી વાગે…)

વન   વન  બાગે  બાગે
નૂતન વસંતનર્તન જાગે.

કલી કલી ગુંજે અલિગુંજારવ મદભર મત્ત પરાગે,
સરવર  ઊઘડે કમલકટોરી કિરણસ્પર્શ અનુરાગે;
નૂતન વસંતનર્તન જાગે.

લજ્જાભારે લચી મંજરી સુરભિત નવસોહાગે
સઘન ઘટામાં મગન કોકિલા કૂજે પંચમ રાગે;
નૂતન વસંતનર્તન જાગે.

કેસૂડાંની કલગી ખોસી કોક કનૈયો પાપે,
વગડાનો મારગડો રોકી ગોરસ મીઠાં માગે;
નૂતન વસંતનર્તન જાગે.

થંભે વેંતી ઝરણઝાંઝરી, હરણ તરણને ત્યાગે,
દિશ દિશ ભરતી ગહન બંસરી જલથલ વીંધી વાગે;
નૂતન વસંતનર્તન જાગે.

અગન રંગની ગગન ઘેરતી ઝલક છલકતી આઘે,
ઢોળાતી આવે ધરતીમાં મનને મુકુલિત બાગે;
નૂતન વસંતનર્તન જાગે.

-બાલમુકુન્દ દવે

આ ગીતને વાંચવાનું તો બિલકુલ શક્ય જ નથી… એ તો બસ ગવાઈ જ જાય છે. અને ગાતા ગાતા આપણું મન અને હૃદય જો નર્તન કરવા ન લાગે તો જ નવાઈ!  પંકિત પંકિતમાં રહેલો આંતરીક પ્રાસ લયનાં એવા અનોખા વમળો ઊભા કરે છે કે એ વમળોમાં ગરક થયા વિના તમે રહી જ ન શકો.  વસંત આવવાથી આખી પ્રકૃતિ જાણે નર્તન કરી રહી હોય એમ લાગે છે. લાગે છે કે કવિએ આ ગીત પ્રકૃતિની સાથે નર્તન કરતાં કરતાં જ લખ્યું હશે  નહીંતર આવું નાચતું કાવ્ય આપણને મળે જ નહીં.  વસંતનાં આવવાથી પ્રકૃતિનાં કણકણમાં હર્ષોલ્લાસની કૂંપળો ફૂટી નીકળી છે અને ઉન્માદની લહરો ઊમટી છે. મદભર મત્ત પરાગનાં મધુપાન માટે કળી કળી પર થતો નટખટ ભમરાનો ગુંજારવ… અને સૂર્યકિરણોનાં સ્પર્શથી માત્ર કમળની પાંખડી જ નહીં પરંતુ આખું સરોવર ઊઘડે છે… મંજરીથી લચી પડેલા આંબલિયાઓ જાણે લજ્જાથી લોચનો ઢાળીને ઊભેલી દુલ્હન જેવા ભાસે છે… અને ઉપરથી એની ઘનઘોર ઘટામાં બેઠેલી કોયલનાં કંઠમાંથી છેડાતો પંચમસૂરનો રાગ વાતાવરણનાં ઉન્માદને વધુ ઘેરો બનાવે છે. પ્રકૃતિની સુંદરતાનું જ્યારે વર્ણન થતું હોય ત્યારે કવિને વ્રજ ને વૃંદાવન યાદ ના આવે એવું તો બને જ નહીં.  વસંતનાં વાયરાની પીઠ પર બેસાડી કવિ આપણને વાસંતી વૃંદાવનમાં મોરપિચ્છની નહીં પણ કેસૂડાંની કલગી ખોસીને ગોપીઓને રસ્તામાં રોકીને ગોરસ માંગતા નટખટ કનૈયાની સામે લઈ જઈને ઊભા કરી દે છે. એની વાંસળી પણ જાણે કવિને સંભળાતી હોય એમ લાગે છે… એ વાંસળીનાં ઘેલાં સૂરથી યમુનાનાં વહેતા જળ પણ વહેવાનું ભૂલીને સ્થિર થઈ જાય છે, તરીને જતું હરણ પણ તરવાનું ભુલી જાય છે, અને વાંસળીનાં સૂરથી વિંધાઈ વિંધાઈને સૂરીલી થઈ ગયેલી દશે દિશાઓ જાણે પોતે જ વાંસળીની જેમ વાગવા માંડી હોય એવું લાગે છે. કેસૂડાં એ વસંતનાં આનંદ અને ઉન્માદનું પ્રતિક છે જેને કનૈયાની કલગીમાં સ્થાન આપીને ખુદ કેસૂડાંને અને વસંતને કવિ ધન્ય કરી દે છે.  આમ કરીને કવિ કદાચ આપણને સમજાવે છે કે વસંતમાં ખાખરનાં બરડ ઝાડ ઉપર જેમ કેસૂડાં જેવા રંગીન અને કોમળ ફૂલનું ખીલવું સાવ સહજ હોય છે એટલું જ સહજ હોય છે વસંતને પણ આપણી ભીતર લાવવું… અને એટલું જ સરળ હોય છે ઉલ્લાસનાં કેસૂડાંને આપણાપણાનાં બરડ થઈ ગયેલા ઝાડ ઉપર ખીલવવું. વળી આ પ્રકૃતિનાં રંગો છલકાઈને જાય તો છે છે…ક ગગન સુધી, પરંતુ છલકાઈને ફરી માત્ર ધરતી પર નથી ઢોળાતા, છેક મનની ભીતર સુધી ઢોળાય છે.  આમ વાસંતી ઉન્માદને ઘૂંટતા ઘૂંટતા કવિ આપણને પ્રકૃતિથી પરમ સુધી અને પરમથી ભીતરનાં મરમ સુધી લઈ જાય છે.

આ સાથે જ મને યાદ આવે છે… પ્રકૃતિપ્રેમનું શ્રી ઉમાશંકર જોષીનું ગીત… ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા.

અલિગુંજારવ = ભમરાનો ગુંજારવ

radha-krishna.jpg 
(અક્કલપડીકી મેં તો ખોઈજી… )

સીમને સીમાડે તને જોયો મારા બંદા! 
                                પ્રિત ચિનગારી પહેલી જોઈજી જોઈજી.
એકલ બપોરે તને જોઈ મારી રાણી!   
                                અક્કલપડીકી મેં તો ખોઈજી ખોઈજી.

આંબલાની હેઠ ગોઠ કીધી મારા બંદા!  
                                 હરખની મારી હું તો રોઈજી રોઈજી.
હોઠની ધ્રુજારી તારી પીધી મારી રાણી!
                                 હેતભીની આંખ મેં તો લોઈજી લોઈજી.

કંઠમાં ગૂંચાણી મૂંગી વાણી મારા બંદા! 
                                 નજરુંમાં નજર મેં પ્રોઈજી પ્રોઈજી.
વણબોલ્યા કોલ લીધા-દીધા મારી રાણી!
                                 તાંતણે બંધાયા ઉર દોઈજી દોઈજી.

આંબલાની મેર ઝૂક્યો તુંય મારા બંદા!  
                                  ફેર ફેર મોહી તમે જોઈજી જોઈજી.
ઉરધબકાર એકતાર મારી રાણી!          
                                  ઊઠતા ઝંકાર એક સોઈજી સોઈજી.

-બાલમુકુન્દ દવે


ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડૂ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
Read the rest of this entry »

* If you can't see Gujarati click here
* Read this blog in
हिन्दी (देवनागरी) OR English (ROMAN)