એક અઠવાડિયાથી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે ચાલી રહેલા આ કાવ્યપઠન સ્પેશ્યલને એક સ્પેશ્યલ ગઝલથી વિરામ આપીએ. આપણા ઘરનાં જ કવિની એકદમ તરોતાજા ઓવનફ્રેશ ગઝલનાં કાવ્યપઠનથી…

(દિલોજાન બનીશું…. ફોટો: વિવેક ટેલર)
ગઝલ પઠન - વિવેક ટેલર
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
થઈ આંગળી રથમાં ધરીનું સ્થાન બનીશું,
એ રીતે અમે જીતનું વરદાન બનીશું.
એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.
દુશ્મન થશું તો મોતના ફરમાન બનીશું,
જો દોસ્ત બનીશું તો દિલોજાન બનીશું.
પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.
ઘર આખું સમેટી લો છતાં એ ન સમેટાય,
એ રીતથી તુજ હોવાનો સામાન બનીશું.
ઊગી હો જુદાઈની ભલે ભીંત ખીચોખીચ,
તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશું.
પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.
- વિવેક મનહર ટેલર
(26-05-2010)
*
વિપરીત સમયમાં પણ કશુંક બની બતાવવાની ખુમારી લઈને આવેલી આ ગઝલ ખરેખર ખૂબ જ સ-રસ થઈ છે. બીજો શેર ખૂબ અદભૂત લાગ્યો… ગોખી લઈને વારંવાર વાપરવા જેવો… :) અને મા ગુર્જરીવાળો શે’ર તો, અહાહાહા……………..
ઊર્મિસાગર.કૉમની ચોથી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લેવા બદલ સૌ વાચક-ભાવક મિત્રોનો દિલથી આભાર… હવેથી ફરી આપણે અહીં રાબેતા મુજબ જ મળતા રહીશું, થોડા થોડા દિવસનાં આંતરે.













