પંદરમી ઑગષ્ટે મૂકેલું કવિ નર્મદનું ગીત આજે એમનાં જન્મદિવસે ફરી એકવાર… (due to popular demand
) મેહુલનાં સંગીત અને પાર્થિવનાં સ્વર સાથે. કવિવર શ્રી નર્મદાશંકરને સાદર સ્મરણાંજલિ.
સંગીત : મેહુલ સુરતી
સ્વર : પાર્થિવ ગોહિલ
આલ્બમ : પ્રેમ-શૌર્ય-ગુજરાત
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
——–
Published on August 15, 2010
આજે ભારતનાં 63માં સ્વાતંત્ર્ય દિવસે ઊર્મિસાગર.કૉમ તરફથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ… સ્વતંત્રતાને ઉજવતી વખતે એના મૂળમાં રહેલા તમામ નામી-અનામી સપૂતોને જો આજે આપણે યાદ ન કરીએ તો જરૂર નગુણા કહેવાઈએ. આજે આપણે માણીએ યુગક્રાંતિનાં પ્રણેતા કવિ શ્રી નર્મદનું એક દેશભક્તિગીત જેની ધ્રુવપંક્તિ આજે એક કહેવત સમાન બની ગઈ છે.

(ફતેહ છે આગે… ફોટો: વેબ પરથી)
સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.
કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે….યા હોમ..
સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે…યા હોમ..
સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નિપોલિયન ભીડ્યો યૂરોપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે…યા હોમ..
સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બ્રહ્મરસ ચાખો;
સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે…યા હોમ..
-કવિ નર્મદ
(જન્મ: ૨૪-૮-૧૮૩૩ | મૃત્યુ: ૨૫-૨-૧૮૮૬)
ભારતીમૈયાને સ્વતંત્રતા બક્ષવા માટે ‘યાહોમ’ કરીને જંગમાં કુદી પડેલા અને ન્યોછાવર થઈ ગયેલા આપણા શહિદોએ મેળવેલી સ્વતંત્રતાની ફતેહને આજની પેઢી એટલે કે આપણે સૌ ખરી રીતે મૂલવી શકીએ એવી પ્રાર્થના સહ, મા ભારતીને કોટિ કોટિ વંદન… સ્વાતંત્ર દિવસ સૌને ખૂબ ખૂબ મુબારક હો.

















